બૅન્કોનું વિલીનીકરણ કરવાથી બૅન્કિંગ અને આર્થિક સંકટનો ઉકેલ આવી શકશે?

નિર્મલા સિતારમણ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ગાર્ગી સંનાતિ
    • પદ, બીબીસી માટે વિશેષ

નાણામંત્રી નિર્મલા સીતારમણે હાલમાં જ ભારતની જાહેર ક્ષેત્રની બૅન્કોને એકબીજા સાથે જોડી દેવાની જાહેરાત કરી; તેની શું જરૂર હતી અને શું પરિણામ આવશે તેની ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને ભારતની વર્તમાન સામાજિક-આર્થિક સ્થિતિ જે પ્રમાણેની છે તેને ધ્યાનમાં લઈને આવા સવાલ થઈ રહ્યા છે.

બૅન્કોનું વિલીનીકરણ થવાની વાત ભારતમાં નવી નથી પણ આટલા મોટા પાયે પહેલીવાર આવું કાર્ય થઈ રહ્યું છે.

આઝાદી પછી 20 જુલાઈ 1969ના રોજ ભારતની મોટી 14 બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.

તે વખતે કૃષિ, નાના ઉદ્યોગો અને નિકાસને પ્રોત્સાહન આપીને આર્થિક વિકાસ વધારવાનો મુખ્ય હેતુ હતો. તેમાં વેપારી સાહસિકોને પ્રોત્સાહન આપવાનો અને પછાત વર્ગના લોકોનો વિકાસ કરવાનો ઉદ્દેશ પણ સામેલ હતો.

બાદમાં વધુ 13 બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. ભારતીય આર્થિક ઇતિહાસમાં આ પગલાને સૌથી મહત્ત્વનો નીતિ વિષયક નિર્ણય ગણવામાં આવે છે.

રાષ્ટ્રીયકરણ પહેલાં ભારતનું સમગ્ર નાણાક્ષેત્ર મોટા ઉદ્યોગગૃહોના કબજામાં હતું. થાપણદાર માટે સિસ્ટમમાં કોઈ સલામતી નહોતી.

રાષ્ટ્રીયકરણ અને 1991ના આર્થિક સુધારા પછી બૅન્કિંગ સિસ્ટમ અર્થતંત્રની કરોડરજ્જુ બની રહી હતી.

સાથે જ ગ્રાહકો અને રોકાણકારોને તેના પર ભરોસો બેઠો હતો.

line

બૅન્કોનું મર્જર કરવાથી હવે શી અસર થશે?

બેન્ક

ઇમેજ સ્રોત, Getty Images

જાહેર ક્ષેત્રની બૅન્કોની સંખ્યા ઓછી થવાથી કર્મચારીગણ, રોજગારીનું સર્જન અને સમગ્રતયા અર્થતંત્રના વિકાસ પર ટૂંકા તથા લાંબા ગાળાની કેટલીક અસર થઈ શકે છે.

જોકે બૅન્કોનું વિલીનીકરણ શા માટે કરવામાં આવ્યું છે તેનો હેતુ મહદ્ અંશે અસ્પષ્ટ રહ્યો છે. નફો કરવાના હેતુથી કે બૅન્કોની મૂડીની જરૂરિયાત માટે આ નથી કરવામાં આવ્યું એટલું સ્પષ્ટ છે.

ટૂંકા ગાળામાં અવળી અસર થવાની સંભાવના માનવસંસાધન એટલે કે કર્મચારીગણ પર થઈ શકે છે. કામની પદ્ધતિ, વહીવટી માળખું તથા વર્ક-કલ્ચર જેવી બાબતોમાં કર્મચારીઓની લાગણીઓને ધ્યાનમાં લીધા વિના મર્જર થયું હોવાનું જણાય છે.

એસબીઆઈ સાથે અન્ય સ્ટેટ બૅન્કો ભેળવી દેવામાં આવી હતી ત્યારે કર્મચારીઓ પર શી અસર થઈ હતી, તેના કરતાં આ વખતે બૅન્કોના મર્જરને કારણે અલગ અસર જોવા મળી શકે છે.

તેનું કારણ એ કે એસબીઆઈની સબસિડરી બૅન્કોમાં મોટાભાગે એકસમાન ધોરણે કામ ચાલતું હતું અને વહીવટી માળખું પણ સમાન હતું, જે હાલમાં જોડવામાં આવેલી બૅન્કોમાં જોવા મળતું નથી.

બૅન્કિંગ ક્ષેત્રમાં હોદ્દાઓનો પદક્રમ જે રીતે હોય છે, તે જોતા નેતૃત્વ ઊભું કરવાની બાબતમાં પણ પડકાર જોવા મળશે.

બીજો મહત્ત્વનો સવાલ એ છે કે શું આ મર્જરથી ખોરંભે ચડેલું ધિરાણ (એનપીએ) કે જે સમસ્યા બન્યું છે તેનો ઉકેલ આવશે ખરો?

અપાયેલી લૉનો અટવાઈ પડી છે તેમાં સુધારો થશે ખરો અને બૅન્કોના કામકાજમાં સમગ્રતયા કાર્યદક્ષતા આવશે કે કેમ તે પણ સવાલ છે.

ભારતીય અર્થતંત્ર સામે અત્યારે ત્રણ મુખ્ય સમસ્યાઓ છે :

1) જીડીપીનો વિકાસદર ઘટીને 5% જેટલો નીચે આવી ગયો છે, માગ વધી રહી નથી ત્યારે અર્થતંત્ર મંદી તરફ આગળ વધી રહ્યું છે;

2) એનપીએનું ઊંચું પ્રમાણ ધરાવતી બૅન્કોની નબળી કામગીરી અને ધિરાણ ફસાઈ ગયું હોય તેમાં બહુ ઓછી વસૂલાત;

3) બેરોજગારી વધી રહી છે, તે દર્શાવે છે કે ભારતને વસતીવધારાનો લાભ મળશે તેવી વાતો 'ભારતીય રાજકીય અર્થતંત્ર'માં થતી હતી તે સાચી પડી રહી નથી.

line

વણઉકલી સમસ્યાઓ

રૂપિયો

ઇમેજ સ્રોત, PTI

જોકે એ સ્પષ્ટ નથી કે બૅન્કોના મર્જરને કારણે આ મહત્ત્વની સમસ્યાઓનો ઉકેલ આવશે.

કેમ કે ખાનગી અને જાહેર બંને ક્ષેત્રની બૅન્કોની એનપીએ છેલ્લાં વર્ષોમાં વધી ગઈ છે.

સરકારી બૅન્કોની સરખામણીએ ખાનગી બૅન્કોનો રિકવરીરેટ સારો છે.

તેનું કારણ એ કે ખાનગી બૅન્કો ધિરાણની વસૂલી માટે ચુસ્ત દેખરેખ રાખે છે, જે સરકારી બૅન્કોમાં શક્ય બનતું નથી.

તેમાં જાહેર ક્ષેત્રની બૅન્કોના વહીવટની ખામી દેખાઈ આવે છે, જે સમસ્યાને અલગથી હલ કરવી પડે તેમ છે.

આગળનો સવાલ એ છે કે વિશાળ કદની બૅન્ક તૈયાર થશે તેના કારણે તેની કામગીરીમાં કોઈ ફાયદો થશે કે કેમ.

કામગીરીનો વ્યાપ વધી જવાથી ધિરાણ અને રોકાણ માટે બૅન્ક પાસે વધારે વિકલ્પો ઊભા થશે, જેનો ફાયદો થઈ શકે છે.

સાથે જ ટ્રેઝરી ઑપરેશનમાં પણ વિકલ્પો અને વ્યાપ વધશે, જેના કારણે વધુ ધિરાણ અને રોકાણ માટે બૅન્કોને પ્રેરણા મળી શકે છે.

જોકે બૅન્ક બહુ મોટી બને તેથી તેની કામગીરીમાં કાર્યદક્ષતા આવી જાય તેવું જરૂરી નથી. જરૂરી નવી કુશળતા ઊભી ન થાય ત્યાં સુધી કામગીરીમાં સુધારો થઈ શકતો નથી.

line

બૅન્કિંગ સંકટના નિવારણના મુદ્દા

રીઝર્વ બૅન્ક ઓફ ઇન્ડિયા

ઇમેજ સ્રોત, Getty Images

બૅન્કિંગમાં હાલમાં ઊભા થયેલા સંકટના નિવારણ માટે ચાર મહત્ત્વના મુદ્દા પર ધ્યાન આપવું જરૂરી છે :

1) વસૂલાત ન કરી શકાય તે પ્રમાણની ગીરવે મિલકતો. લૉન નકામી થાય ત્યારે ગીરવે મૂકેલી આવી મિલકતમાંથી વસુલી થઈ શકે નથી (વિજય માલ્યા અને નિરવ મોદીના કેસમાં થયું હતું તે પ્રમાણે).

બૅન્કોએ વધુ ચુસ્ત કામગીરી કરવી પડશે, ખાસ કરીને મોટું ધિરાણ લેનારાની બાબતમાં.

થોડા જ ગ્રાહકોને બહુ જંગી લૉન આપવામાં આવી હોય ત્યારે તે નકામી થવાને કારણે બૅન્કના બચવા સામે જ જોખમ ઊભું થાય છે અને તેનું નુકસાન અર્થતંત્રને જ આખરે થાય છે.

2) બૅન્કોએ પોતાના ગ્રાહક વિશે વધારે ઊંડી જાણકારી રાખવી જરૂરી છે. ગ્રાહકો અંગેની જાણકારીનું નેટવર્ક વ્યાપક બનાવવું જરૂરી છે.

3) જોખમ ઘટાડવા માટે અને નફો વધારવા માટે કર્મચારીઓમાં વધુ કુશળતા અને કાર્યક્ષમતા વધારવા જરૂરી છે.

4) ટેકનૉલૉજીમાં બહુ ઝડપથી પરિવર્તન થઈ રહ્યાં છે અને વૈશ્વિક બૅન્કિંગ પદ્ધતિ બદલાઈ રહી છે ત્યારે તેની સામે કદમ મિલાવવાની જરૂર છે.

સમગ્રતયા બૅન્કોના મર્જરને કારણે એકસમાન બૅન્કિંગ પદ્ધતિ ઊભી થશે, પરંતુ તે માટે ઉપર દર્શાવ્યા તેવા માળખાકીય સુધારા બૅન્કોએ કરવા પડશે. સાથે એ પણ નોંધવું જોઈએ કે બૅન્કોના મર્જરને કારણે લાંબા ગાળાની અસરો પણ થશે.

line

બેરોજગારી વધી શકે છે

બેરોજગારી

ઇમેજ સ્રોત, Getty Images

બે કારણોસર બેરોજગારી વધી શકે છે;

1) ટૂંકા ગાળે બૅન્કોમાં નવી જગ્યાઓ ઊભી નહીં થાય અને

2) હાલમાં જે હોદ્દાઓ છે તેમાં પણ ઘટાડો થશે.

સરકારે ખાતરી આપી છે કે મર્જરના કારણે કોઈ છટણી નહી થાય પણ તેના કારણે થોડાં વર્ષો સુધી દરેક પ્રકારની કામગીરીમાં સ્ટાફનો ભરાવો થયેલો લાગશે.

બીજી બાજુ બૅન્કોની શાખાઓની સંખ્યા ઘટાડવાને કારણે લાંબા ગાળે ખર્ચની રીતે ફાયદો થશે.

જોકે નવી નોકરીની તકો ઊભી નહી થાય તેના કારણે આર્થિક વિકાસને સમગ્રતયા અસર થઈ શકે છે.

તેથી વૈકલ્પિક રોજગારી ઊભી કરવા તરફ ધ્યાન આપવું પડશે. વસતી પ્રમાણે રોજગારીનું પ્રમાણ વધતું નહી રહે તો જીડીપીનો 8% જેટલો ઊંચો દર જાળવી રાખવો સહેલો નહીં હોય.

ટૂંકમાં વિશાળ કદની બૅન્કો તૈયાર કરવાથી જ ભારતીય બૅન્કિંગની અને ભારતીય અર્થતંત્રની વર્તમાન સમસ્યાઓનો ઉકેલ આવી જવાનો નથી.

સાથે જ બૅન્કોમાં નવી મૂડી ઠાલવવા માટેની જે જાહેરાત સરકાર અને નાણામંત્રી સીતારમણે કરી છે તેના કારણે પણ સમસ્યાનો ઉકેલ આવે તેમ લાગતું નથી.

(ગાર્ગી સંતાની પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બૅન્ક મૅનેજમૅન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. અહીં વ્યક્ત થયેલા વિચારો લેખકના છે, બીબીસીના નથી.)

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો