નાગજીભાઈ દેસાઈ : એ ગુજરાતી જેમને ભૂવો બનવાનું ફરમાન હતું પણ અનાથ બાળકોના ભોમિયા બન્યા

ઇમેજ સ્રોત, NAGJIBHAI DESAI FAMILY
- લેેખક, દામિની શાહ
- પદ, બીબીસી ગુજરાતી માટે
1930ના દાયકામાં રબારી સમુદાયમાં 'ભણીએ તો પંડમાં દેવ ન આવે' એવી માન્યતા હતી. નાગજીભાઈ દેસાઈએ ભણવા માટે ઘર તો છોડ્યું જ અને એવું ભણ્યા કે અનેક અનાથ બાળકોના ભોમિયા બન્યા.
અનેક અનાથ બાળકોનાં જીવતરમાં શીળી છાંયડી પાથરી, તેમનું જીવન ઘડતર કરી, સમાજમાં એક સ્વીકાર્ય નાગરિક તરીકે પુનઃ સ્થાપિત કરવામાં પોતાની જિંદગી સમર્પિત કરનાર નાગજીભાઈ દેસાઈ (ભાઈ)એ આ ઑગસ્ટ મહિનામાં જ દુનિયામાંથી વિદાય લીધી.
આજે જ્યારે સેવા અને સદાચાર શબ્દ સૅલ્ફી ઑરિએન્ટેડ બની ગયો છે ત્યારે ઝાલાવાડમાં સેવા અને શિક્ષણની ધૂણી ધખાવનાર નાગજીભાઈ દેસાઈ કે એમનાં પત્ની શાંતાતાઈનું નામ નવી પેઢીના અનેક ગુજરાતીઓને પહેલવહેલનું પણ લાગી શકે.
જોકે, એવું લાગે તો, એમને એનો કશો વાંધો જીવનભર નહોતો અને મૃત્યુ પછી પણ એમણે તકતી નથી માગી.
જે નાનકડું 'એક ગૃહપતિનું વસિયતનામું' એમણે લખ્યું છે એમાં એટલું લખ્યું કે "કોઈ કર્મકાંડ, શોક ન કરશો. મજા કરજો."
"દેવદિવાળી મને પ્રિય છે એટલે એ દિવસે શક્ય બને તો ફક્ત એક કલાક પૂરતો સમાજઉપયોગી વાર્તાલાપ કરશો."

ઇમેજ સ્રોત, NAGJIBHAI DESAI FAMILY
'ડૉ. એલ.એમ. ધ્રુવ બાળાશ્રમ'ને અનાથ બાળકો માટેની ઉત્તમ-નમૂનારુપ સંસ્થા બનાવવા માટે ભાઈ-તાઈ (નાગજીભાઈ દેસાઈ અને તેમનાં પત્ની શાંતાબહેન)એ આખું જીવન સમર્પિત કર્યું.
અનાથ-આશ્રમને અને ત્યાંનાં બાળકોને નવી ઓળખ આપી. આ ઉપરાંત પણ તેમને બીજી અનેક શિક્ષણસંસ્થાઓ શરૂ કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેમાં અંતરિયાળ ગામોની દીકરીઓનાં શિક્ષણ માટે 'મૈત્રી વિદ્યાપીઠ' અને દીકરાઓ માટે 'લોક-વિદ્યાલય' સંસ્થા મહત્ત્વની છે.
ગમે તેવાં કપરાં સંજોગો અને પરિસ્થિતિમાંથી રસ્તા શોધીને નાસીપાસ થયા વિના ટકી રહેવું અને કામ સફળ બનાવવું તે એમનો જીવનમંત્ર હતો.

ભૂવો બનવાનો ઇનકાર અને ખાનાબદોશ જીવન

ઇમેજ સ્રોત, NAGJIBHAI DESAI FAMILY
અત્યારે 2019માં ઢબૂડી માતાઓ વાઇરલ થાય છે તો 1930નો દાયકો તો કેવો હશે!
એમાં પણ પશુપાલક માલધારી-રબારી સમાજમાં તો શિક્ષણ સાવ નહિવત્. ભણીએ તો પંડમાં દેવ ન આવે એવી માન્યતા ધરાવતો સમાજ.
માતાનો માંડવો નાખવામાં આવ્યો પણ માણેકપુરામાં 7 ચોપડી ભણનાર નાગજીભાઈના પંડમાં દેવ આવે જ નહીં.
મોટા ભૂવાનું ફરમાન થયું કે જોગણીને રીઝવવી હોય તો ભણતર છોડો અને ઢોર ચરાવો, એ વગર પંડમાં માતા નહીં આવે.
ભણવું હતું એટલે નાગજીભાઈએ ઘર છોડી દીધું. પછી રઝળપાટ કરી. દિલ્હી, આગ્રા, અલાહાબાદ, કોલકાતા, ભાવનગર બધે રખડ્યા. ખાનબદોશ જીવન જીવ્યા.
મજૂરી કરી, વગર પૈસે ખુદાબક્ષ મુસાફર બન્યા. ઘાટકોપરમાં ઘરઘાટી તરીકે કામ કરી એક વર્ષ ત્યાં ભણ્યા. ભણવા માટે પાટણ, કલોલ, મણુંદ, ભાવનગરમાં રહ્યા.
ભાવનગરમાં બે વર્ષ સ્ટેશન પર મજૂરી કરી ફૂટપાથ પર રહ્યા એ પછી ઘરશાળામાંથી મેટ્રિક થયા.
તેમના જીવનના સંઘર્ષોને વાચા આપતી 'મારી કરમકથની' સૌએ વાંચવા જેવી છે.
એક રબારી સમાજનો તરુણ કેવાં સપનાં જોતો અને યુવાનીમાં તે સપનાં પૂરાં કરવાં માટે કેટલાં જોખમો ખેડી શકે તેની વાત એ પુસ્તકમાં છે.

અનાથ બાળકો વધેલું-ઘટેલું નહીં ખાય

ઇમેજ સ્રોત, NAGJIBHAI DESAI FAMILY
સુરેન્દ્રનગરમાં 'ડૉ. એલ.એમ. ધ્રુવ બાળાશ્રમ'ની બાગડોર જ્યારે નાગજીભાઈએ હાથમાં લીધી ત્યારે એની હાલત ખરાબ હતી.
બાળકો કપડાં માગવાં જતાં, ભીખ માગતાં અને વધેલું-ઘટેલું ખાવાને પામતાં કેમ કે એ બાળકો અનાથ હતાં.
નાગજીભાઈએ અનાથાશ્રમને ખરા અર્થમાં બાળાશ્રમ બનાવવાનું, એક ઉત્તમ નમૂનારૂપ સંસ્થા બનાવવાનું કામ જીવનપર્યંત કર્યું.
ઘણીવાર મરણપ્રસંગે લોકો ચવાણુ-મીઠાઈ વગેરે આપી જતા.
નાગજીભાઈએ નોંધ્યું કે હવે કોઈનું મરણ થાય છે તો બાળકો 'મીઠાઈ મળશે' એ વાતે ખુશ થાય છે. એ પ્રથા એમણે બંધ કરી.
'બાળકો વધેલું-ઘટેલું નહીં ખાય, જૂનાં કપડાં નહીં પહેરે કે ઓશિયાળું કે કોઈના પર આશ્રિત જીવન નહીં જીવે, બિચારાં નહીં ગણાય' એ પરંપરા નાગજીભાઈએ ઊભી કરી અને એના માટે આજીવન શાંતાતાઈ સાથે જાત ઘસી નાખી.
એમને ગાંધીનો અને ખાદીનો રંગ ખરો પણ અસ્વાદ નહીં. બાળકો માટે બનેલું ભોજન જો સ્વાદિષ્ટ ન બન્યું હોય કે જરીકે કાચું હોય તો ચલાવી ન જ લે.
એક જમાનામાં જ્યારે મદદ ખૂબ ઓછી હતી ત્યારે નાગજીભાઈ પોતે સાઇકલ પર અનાજ ઉઘરાવવા જતા અને જાતે રાંધીને જમાડતા હતા.
આજે નાગજીભાઈના મોટાભાગના વિદ્યાર્થીઓ ભણી-ગણીને, પોતપોતાનો કામધંધો શોધીને જેને આપણે મુખ્યપ્રવાહ કહીએ છીએ એવા સમાજનો હિસ્સો બન્યા છે. કેટલાક સરકારી તો કેટલાક ખાનગી નોકરી કરે છે. કેટલાકે પોતાોન સ્વતંત્ર ધંધો પણ વિકસાવ્યો છે.

જાણીતા લોકોનાં બાળકો અનાથ બાળકો સાથે કેમ ન ભણે?

ઇમેજ સ્રોત, NAGJIBHAI DESAI FAMILY
સુરેન્દ્રનગરમાં 'ડૉ. એલ.એમ. ધ્રુવ બાળાશ્રમ'માં બાળકો રહે પણ અભ્યાસ માટે એમણે સરકારી શાળામાં જવું પડે.
બનતું એવું કે જે સરકારી શાળામાં અનાથ બાળકો ભણતાં ત્યાં ગામનાં બાળકો કાં તો ન આવે અથવા તો સાવ ઓછાં. નાગજીભાઈ અને શાંતાતાઈને ધ્યાને આ વાત આવી.
આ ભેદભાવ દૂર કરવા નાગજીભાઈ શિક્ષણ સમિતિમાં ચૅરમૅન બન્યા.
બે-અઢી દાયકા સુધી શાળાનું કામ સંભાળ્યું અને એવી આદર્શ શાળા બનાવી કે સુરેન્દ્રનગરના અનેક જાણીતા લોકો એ જ શાળામાં ભણ્યા.
એ જમાનામાં પરીક્ષામાં પુસ્તકો સાથે લઈને બેસવાનો પ્રયોગ કર્યો. વિદ્યાર્થીઓ પર અસીમ ભરોસો રાખી સુપરવાઇઝર નહીં રાખવાનો પ્રયોગ પણ નગરપાલિકાની શાળામાં કર્યો.
બાલાશ્રમમાં ધોરણ 7 સુધી અભ્યાસ થતો. ઝાલાવાડમાં એકાંતરે વર્ષે દુકાળને લીધે ડ્રૉપઆઉટનું પ્રમાણ વધતું તો બીજી તરફ ઘરથી નજીક હોય એવી હાઈસ્કૂલોની સંખ્યા પણ ઓછી.
નાગજીભાઈએ 'લોક-વિદ્યાલય' અને છોકરીઓ માટે 'મૈત્રી-વિદ્યાપીઠ' શરૂ કર્યાં.
અહીં જે બાળકોને ઘરથી 8-10 કિલોમિટરમાં હાઇસ્કૂલ ન હોય એવા વંચિતવર્ગોનાં બાળકોને પ્રાથમિકતામાં પ્રવેશ અપાયો.
અંતરિયાળ ગામોમાંથી આવતાં બાળકો માટે લોક-વિદ્યાલયને એમણે સતત 3 દાયકા સુધી જિલ્લામાં અગ્રતાક્રમની શાળા બનાવી અને એ બધું જ ચીવટથી.
નાગજીભાઈ માનતા અને અમલ કરતા કે વસ્તુ કે રોકડ જે કંઈ કોઈ આપે તેની રસીદ ફરજિયાત આપવાની. પાછળના દિવસોમાં તો શક્ય હોય ત્યાં સુધી ચેકથી જ મદદ સ્વીકારતા હતા.
સામાન્યપણે લપમાં ન પડવું પડે એટલે સંસ્થાઓ સરકારી મદદો ટાળતી હોય છે.
પરંતુ નાગજીભાઈ એમ માનતા કે સરકાર ટૅક્સના પૈસાથી ચાલે છે એટલે એ આપણા જ પૈસા છે અને એ યોગ્ય કામાર્થે લેવા જ પણ મૂલ્યો સાથે બાંધછોડ નહીં જ કરવાની.
એમની શિક્ષણસંસ્થામાં વાલીમિટિંગ પણ નિયમિત અને એ પણ પાછી એવી કે એમાં વાલીએ રાતવાસો કરવો પડે.

ઇમેજ સ્રોત, NAGJIBHAI DESAI FAMILY
બાળકો, વાલીઓ, શિક્ષકો સહુ સાથે રહે અને એકબીજાનું સારું-નરસું સમજે.
નાગજીભાઈના અનેક વિદ્યાર્થીઓ એવા છે જેમણે એમનાં માતાપિતાનાં વ્યસનો છોડાવ્યાં છે.
1983માં લોકભારતીએ ઝાડનાં પારખાં ફળ પરથી શ્રેણી પ્રકાશિત કરી હતી.
એમાં ત્યાંથી નીકળેલા વિદ્યાર્થીઓ એમનાં જીવનમાં એમણે શું કર્યું એની વાત કરે છે.
એ શ્રેણીનો પ્રથમ મણકોમાં 'અંધારા ભેદી'ને પુસ્તિકામાં એમના સંઘર્ષનું આત્મવૃતાંત જોવા મળે છે.
મનુભાઈ પંચોલી 'દર્શક'ને તેમના આ વિદ્યાર્થી (નાગજી દેસાઈ) માટે અપાર પ્રેમ અને ગૌરવ હતું.
આ ઉપરાંત પણ અનેક પુસ્તકો તેમણે લખ્યાં છે. બાળગીતો/અભિનય ગીતો ગાતાં તેમને સાંભળવા-જોવા અને ગરબા લેતા કે નાચતા જોવા એ જીવનનો એક લહાવો હતો.
1984માં પ્રકાશિત થયેલા તેમના અન્ય પુસ્તક 'હૈયું અને હૂંફ'માં અનાથ બાળકોની મૂંઝવણ અને પ્રશ્નોને વાચા મળી છે.
બાળમાનસને સમજીને કેવી રીતે તેના જવાબ આપવા તેની વાત પુસ્તકમાં છે. આ પુસ્તકમાં 25 અનાથ બાળકોના જીવનપ્રસંગોની જે વાતો છે તે આંખ ભીંજવી દેનારી છે.

ચાલવાની ઝડપ એવી કે દોડવું પડે

ઇમેજ સ્રોત, NAGJIBHAI DESAI FAMILY
મારો તે કુટુંબ સાથે 1982-83થી સંબંધ. આ માટે નિમિત્ત તેમની પુત્રવધૂ જયશ્રી સાથેની મારી અનન્ય મૈત્રી.
સમાજકાર્યની અધ્યાપિકા તરીકે એ જોયું છે કે મોટાભાગની આવી સંસ્થાઓ મુખ્ય વ્યક્તિની ગેરહાજરી બાદ પછીની પેઢી તૈયાર ન કરી હોવાને કારણે સંસ્થા તકલીફમાં મુકાય છે.
નાગજીભાઈ તો દીર્ઘદૃષ્ટા હતા તેથી M.S.W. થયેલી તેમની પુત્રવધુને વર્ષોથી સંસ્થાની પ્રવૃત્તિમાં સાંકળી હતી.
આ ઉપરાંત છેલ્લાં ઘણાં વર્ષોથી મૈત્રી-વિદ્યાપીઠ અને પાછળથી લોક-વિદ્યાલયની સંપૂર્ણ જવાબદારી તેમણે જયશ્રીબહેનને સોંપી દીધી હતી. પોતે સંસ્થામાં આંટો મારે પણ કોઈ દખલગીરી-આગ્રહો નહીં.
જયશ્રીબહેન પૂછે ત્યાં જરૂરી માર્ગદર્શન આપે. હાથ-પગ ચાલતા હોય, મગજ સાબૂત હોય અને પોતે લોહી-પાણી સીંચીને સંસ્થા શરૂ કરી હોય તેને બીજાને ચલાવવા માટે સોંપી દેવાની હિંમત કરવી તે નાનીસૂની વાત નથી.
હું જ્યારે-જ્યારે મારા M.S.W.ના વિદ્યાર્થીઓને લઈને તેમની સંસ્થા બતાવવા જાઉં તો ૮૪-૮૬ વર્ષે તે જાતે જ મારા વિદ્યાર્થીઓને સંસ્થાદર્શન અને પરિચય કરાવે.
તેમની ચાલવાની ઝડપ એવી કે મારા વિદ્યાર્થીઓને દોડવું પડે અને પછી તેઓ વિદ્યાર્થીઓ સાથે વાતો માંડે એટલે જરા પણ થાક્યા કે કંટાળ્યા વિના તેમને ધ્યાનથી સાંભળે. કારણ, વાતો જાત અનુભવમાંથી આવેલી હોય.

65 વર્ષ અગાઉ આંતરજ્ઞાતિય લગ્ન

ઇમેજ સ્રોત, NAGJIBHAI DESAI FAMILY
નાગજીભાઈ મહેરાજભાઈ દેસાઈ મૂળ માણેકપુરના રબારી. મધ્ય પ્રદેશના શાંતાતાઈ જૈન સાથે એમનો પરિચય દક્ષિણામૂર્તિમાં અભ્યાસ દરમિયાન થયો.
પરિચય થયાનાં ચાર વર્ષ પછી લગ્ન થયાં. એ વખતે શાંતાતાઈ ગ્રૅજ્યુએટ પણ નાગજીભાઈએ કૉલેજ જોયેલી નહીં.
રબારી સમાજ અને જૈન સમાજ બેઉ પક્ષે આ આંતરજ્ઞાતિય અને આંતરપ્રાંતીય લગ્નનો ભારે વિરોધ થયો હતો.
નાનાભાઈ ભટ્ટ, મૂળશંકરભાઈ, મનુભાઈ પંચોળી અને ગ્રામ દક્ષિણામૂર્તિ તેમજ લોકભારતીના બીજા સાથીદારોની મદદથી નાગજીભાઈ અને શાંતાતાઈએ સંજોગો અને સમાજ બેઉ સામે ઝીક ઝીલી.
નાગજીભાઈને લોકભારતીમાં ભણવા મૂકી શાંતાતાઈ સુરેન્દ્રનગરમાં નોકરીએ લાગ્યાં. જોકે, ધમકીઓ ચાલુ જ હતી અને એમાં એક તો માથાં ઉતારી લેવાની ધમકી આવી.
એ કાગળ નાનાભાઈ પાસે પહોંચ્યો અને શાંતાતાઈ અને નાગજીભાઈ લોકભારતી પહોંચ્યાં. લોકભારતીએ શાંતાતાઈને કામ આપ્યું અને નાગજીભાઈનું ભણવાનું પણ ચાલું રહ્યું.
બન્નેનાં ઉછેર, સંસ્કૃતિ, રહેણી-કરણી, ખાણી-પીણી, ભાષા, પ્રદેશ, દેખાવ બધામાં મોટો ફેર અને છતાં તાઈ-ભાઈની જોડી એવી જામી કે પોતાના જ નહીં અનેકના જીવનમાં પ્રસન્નતા આણી.
નાગજીભાઈને તેમનાં સપનાં પૂરાં કરવામાં શાંતાતાઈનો બિનશરતી ટેકો અને પ્રેમ ન મળ્યા હોત તો આ ઊંચાઈ સુધી તેમનું પહોંચવું શક્ય ન હતું.
ભાઈ-તાઈની જોડી આખરે તૂટી તેનું દુઃખ છે પણ શોક નહીં કરવાનો અને પ્રસન્ન રહેવું એવું એમણે કહ્યું છે.
બાળાશ્રમ, લોક-વિદ્યાલય, મૈત્રી-વિદ્યાપીઠ વગેરે થકી ઊજળા થયેલા અનેક લોકોની સ્મૃતિમાં તો તેઓ રહેશે જ પરંતુ પરિચયથી રળિયાત થનાર પણ એમને વિસારી નહીં શકે.
"ના કોઈ વિશ્વમાં જેનું, સદાયે અંતરે રડતું.
હસાવો એમને જઈને, જગતમાં પ્રેમ અર્પો સહુ." - નાગજીભાઈ દેસાઈ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












