ટ્રમ્પ-મોદી મુલાકાત : શું નરેન્દ્ર મોદીએ પાસું પલટી દીધું?

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

ફ્રાન્સમાં જી-7ની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ.

કલમ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પરત લીધા બાદ આ મુદ્દો ચર્ચામાં રહ્યો છે અને ટ્રમ્પે કેટલીય વાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

મધ્યસ્થીના પ્રસ્તાવવાળા નિવેદનથી ભારત અને અમેરિકા અસહજતા જણાતાં હતાં, પરંતુ જ્યારે બંને નેતા મળ્યા, ત્યારે આંતરિક સંબંધોમાં સહજતા જોવા મળી હતી.

બંને નેતાઓ મળ્યા ત્યારે મોદીએ સ્પષ્ટતા કરી કે ભારત પાકિસ્તાન સાથે મળીને દરેક મુદ્દાઓનો ઉકેલ લાવશે અને કોઈ ત્રીજા પક્ષે મધ્યસ્થતા કરવાની જરૂર નથી.

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ મોદીની આ વાત પર સહમત થયા હતા.

ભારતના પૂર્વ વિદેશસચિવ અને કેટલાય દેશોમાં રાજદૂત રહી ચૂકેલા મુચકુંદ દુબેનું કહેવું છે કે ટ્રમ્પે અગાઉ જે મધ્યસ્થતા વિશે કહ્યું હતું એ સમજીવિચારીને નહોતું કહ્યું.

પહેલાં કંઈક કહેવાનું અને બાદમાં ફરી જવાનું એ તેમની આદત છે.

જમ્મુ-કાશ્મીર અંગેના ભારતના નિર્ણય બાદ તુરંત અમેરિકા ગયેલા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને મળ્યા બાદ ટ્રમ્પે મધ્યસ્થતાની વાત કરી હતી.

અમેરિકાના ડેલાવેયર વિશ્વવિદ્યાલયના પ્રોફેસર મુક્તદર ખાનના મંતવ્ય પ્રમાણે, દક્ષિણ એશિયાને લઈને ટ્રમ્પ પ્રશાસન પાસે કોઈ નક્કર રણનીતિ નથી. એટલા માટે તેઓએ આવી વાત કરી હતી.

મુક્તદર ખાન પ્રમાણે, "જ્યારે ટ્રમ્પ મોદીને મળે છે ત્યારે તેઓ એટલા પ્રભાવિત થાય છે કે તેમને વિશ્વાસ બેસે છે કે કાશ્મીરનો મુદ્દો બંને દેશો આંતરિક રીતે ઉકેલી શકશે."

"તેઓ મોદીની અંગ્રેજીથી પણ પ્રભાવિત થયા હોવાની વાત છે."

પરંતુ એક આંતરરાષ્ટ્રીય મંચના શિખર સંમેલનમાં કાશ્મીર પર વાત કરવી એ કેટલીક હદે આ મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ થયું હોય એવું લાગે છે.

મુચકુંદ દુબે કહે છે, "ભારત તરફથી કોઈ ટોચના નેતા આંતરરાષ્ટ્રીય મંચ પર જઈને જમ્મુ-કાશ્મીરના મુદ્દે ભરેલાં પગલાં પર સ્પષ્ટતા આપે એ એક અભૂતપૂર્વ ઘટના છે."

"આવું અગાઉ ક્યારેય થયું નથી અને જ્યારે કોઈ રાષ્ટ્ર વિકટ સ્થિતિમાં આવી પડે ત્યારે આ પ્રકારનાં પગલાં લેવાં પડે છે."

દુબે કહે છે, "આ મુદ્દો ધીમેધીમે જટિલ થતો જાય છે અને આગળ પણ સ્પષ્ટતા આપવી પડી શકે છે."

"અન્ય દેશના આમંત્રણ કે લીધેલા નિર્ણય પર સ્પષ્ટતા આપવી પડે એના કરતાં આવા મુદ્દાઓનો આપણે આંતરિક સૂઝબૂઝથી ઉકેલ કાઢવો જોઈએ."

"કેમ કે તેઓ ભારતને પોતાની રણનીતિમાં ફેરફાર લાવવાની સલાહ આપશે અને એ જરૂરી નથી કે તે ભારતના હિતમાં હોય."

બીજી તરફ પાકિસ્તાન સતત કાશ્મીરના મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાની કોશિશ કરે છે. તે કહે છે કે આ મુદ્દાને દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવશે.

એવામાં ભારત પણ આ મુદ્દે સ્પષ્ટતા આપવા મજબૂર રહેશે.

મુચકુંદ દુબેનું કહેવું છે કે આ મુદ્દે આંતરરાષ્ટ્રીય જગતને સ્પષ્ટતા આપવી પડે એવી સ્થિતિ ભારતે પોતે પેદા કરી છે.

દુબે કહે છે, "હાલની પરિસ્થિતિ જોતાં આ મામલે કોઈને સ્પષ્ટતા આપવાની ભારતની મજબૂરી નહોતી."

"હવે, ભારતે જમ્મુ-કાશ્મીરમાં જે નિર્ણય લીધો તેનાથી પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે."

દુબે ઉમેરે છે કે "સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં 20-20 વર્ષથી આ મુદ્દાને ઉઠાવાયો નહોતો."

"આ આપણી આંતરિક નીતિ સાથે જોડાયેલી વાત છે એ ન ભૂલવું જોઈએ."

ભારતપ્રશાસિત કાશ્મીરમાં અંદાજે 22 દિવસથી સ્થિતિ ખરાબ છે, સંચારવ્યવસ્થા ઠપ છે અને કર્ફ્યુ જેવી સ્થિતિ છે.

આવી સ્થિતિમાં આ મુદ્દો માત્ર ભારતની વિદેશ નીતિને નહીં, પણ આંતરિક નીતિને પણ પ્રભાવિત કરી રહ્યો છે.

મુચકુંદ દુબેનું કહેવું છે, "કાશ્મીરીઓએ એ વાત પર ભારતમાં સામેલ થવાનો નિર્ણય કર્યો હતો કે ભારત એક લોકતાંત્રિત અને ધર્મનિરપેક્ષ દેશ છે."

"હવે તેના પર સવાલો થઈ રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે આ આંતરિક નીતિ સાથે જોડાયેલો મામલો બની જાય છે."

દુબે કહે છે, "આ મુદ્દો આવનારા સમયમાં વધુ જટિલ અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે."

"આવી સ્થિતિમાં આપણે આ મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ થવા દેવા માટે મજબૂર થઈશું."

"વડા પ્રધાન મોદીની આ યાત્રા એ દિશામાં પહેલું પગલું છે."

તેમના અનુસાર આ અગાઉ કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંગઠનના શિખર સંમેલનમાં જઈને ભારતને સ્પષ્ટતા કરવાની તક મળી નહોતી.

તેઓ કહે છે, "આજથી 10 વર્ષ પહેલાં જે રીતે મામલાને ઉકેલવાની કોશિશ કરાતી હતી, એ જોતાં આ મામલે ભારત આગળ વધી શકતું હતું, કેમ કે સીમા પર બદલાવ કરવાની જરૂર નથી એ વાતે સહમતી સધાતી હોય એવું જણાતું હતું."

"આ એક એવો આધાર હતો જેના પર ભારત આગળ વધી શકતું હતું."

"પરંતુ હવે સીમા જ ખતમ કરી દેવાઈ છે અને એવું કહેવાય છે કે આ દ્વિપક્ષીય મુદ્દો ઉકેલાઈ ગયો છે. જો આવું છે તો આપણે શા માટે બધે સ્પષ્ટતા કરીએ છીએ કે આ દ્વિપક્ષીય મામલો છે."

જોકે પ્રોફેસર મુક્તદર ખાનનું માનવું છે કે ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ ભારતે જમ્મુ-કાશ્મીરના મુદ્દે માહોલને પોતાના પક્ષમાં ખેંચવામાં સફળતા મેળવી છે.

તેઓ કહે છે, "ભલે દસકાઓ બાદ આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઊઠ્યો અને મીડિયામાં ખાસ્સી ચર્ચાનો વિષય બન્યો, પરંતુ ભારતને કૂટનૈતિક રીતે જે ઝટકો લાગ્યો હતો એ ટ્રમ્પ-મોદીની મુલાકાત બાદ મોદીની ધારણા પ્રમાણે આંશિક સફળતા મળી છે."

દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે 'કાશ્મીર માટે કોઈ પણ હદે જઈશું.'

મુક્તદર ખાન કહે છે, "ગત 40-50 વર્ષમાં પાકિસ્તાનની લાખ કોશિશ છતાં કાશ્મીરનો મુદ્દો કુર્દિસ્તાન કે તિબેટની જેમ આંતરરાષ્ટ્રીય બની શક્યો નથી."

"જ્યારે-જ્યારે તક મળી ત્યારે તેઓએ સંયુક્ત રાષ્ટ્ર અને ઓઆઈસી ફોરમમાં આ મુદ્દો ઉઠાવ્યો છે, પરંતુ પહેલી વાર પશ્ચિમમાં આ મુદ્દે મીડિયામાં ઘણું કવરેજ મળી રહ્યું છે."

ખાન કહે છે, "એક રીતે જોઈએ તો આંતરરાષ્ટ્રીયકરણનો પાકિસ્તાનનો મુદ્દો આગળ વધ્યો છે, પરંતુ આવું થવાનું કારણ એ છે કે ભારતે કાશ્મીરને લઈને મોટું પગલું ભર્યું છે."

તેમના અનુસાર પાકિસ્તાનની કૂટનીતિક સ્તરે હાર થઈ રહી છે, કેમ કે છેલ્લા બે દિવસમાં જ બે અરબ દેશ - સંયુક્ત આરબ અમિરાત અને બહરીનમાં મોદીને સન્માનિત કરાયા અને પછી ટ્રમ્પે પણ મોદીને સમર્થન આપ્યું.

ખાન કહે છે, "સૌથી મોટો સંકેત એ છે કે ફ્રાન્સમાં જી-7ની બેઠકમાં ટ્રમ્પ પણ છે અને મોદી પણ છે, પરંતુ ન તો ત્યાં પાકિસ્તાન છે અને ન તો ઇમરાન ખાન."

મુક્તદર ખાનનું કહેવું છે કે ભારત ભલે આંતરરાષ્ટ્રીય મંચ પર કહે કે આંતરિક મામલાને દ્વિપક્ષીય રીતે ઉકેલી લેશું, પરંતુ કાશ્મીર મુદ્દે તેમણે સાવ ઊલટું કર્યું છે.

ખાન કહે છે, "જમ્મુ-કાશ્મીર મામલે તેમણે ત્યાંના લોકોને પૂછ્યા વિના, પાકિસ્તાન સાથે વાર્તા કર્યા વિના એકતરફી નિર્ણય લીધો છે અને સાથે જ દ્વિપક્ષીય વાતચીતના માધ્યમથી સમસ્યાને ઉકેલવાની વાત પણ કરાઈ રહી છે."

તેમના કહેવા પ્રમાણે, જો ભારત જે રીતે કાશ્મીરમાં સખ્તાઈથી વર્તે છે, એ જ રીતે વર્તશે તો દુનિયામાં પેલેસ્ટાઇનની જેમ આ મુદ્દો પણ સિવિલ સોસાયટી ઉઠાવશે.

બીજું એ કે જો કાશ્મીરના લોકોને લાગે કે પ્રદર્શનોથી ભારતની બદનામી વધી રહી છે, તો તેઓ પ્રદર્શન હજુ વધારી દેશે.

પ્રોફેસર મુક્તદર ખાનનું કહેવું છે કે ભારતે કાશ્મીરમાં એટલી સારી પરિસ્થિતિ પેદા કરવી જોઈએ કે ત્યાંના લોકો ખુશી-ખુશી ભારત સાથે આવવા માગે.

પરંતુ વર્તમાન સમયમાં જે હાલ છે તે જોતા લાગે છે કે આ નિર્ણયની ગૂંજ આવનારા સમયમાં પણ દૂર સુધી સંભળાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો