પી. ચિદમ્બરમ : રાજીવ સાથે દોસ્તીથી શરૂ થયેલી રાજકીય સફર જેલ સુધી કેવી રીતે પહોંચી?

    • લેેખક, અભિજીત શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

આઈએનએક્સ મીડિયાના કેસમાં સીબીઆઈએ આખરે ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમની ધરપકડ કરી છે.

ધરપકડ ટાળવા માટે જ તેમણે દિલ્હી હાઈકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી, પણ તેને આખરે કોર્ટે નકારી કાઢી.

તેથી મંગળવારે તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા, પરંતુ તેમની અરજી પર તાત્કાલિક વિચાર કરવાનો અદાલતે ઇનકાર કર્યો.

બુધવારે આખરે સાંજે આઠ વાગ્યે તેમણે પત્રકાર પરિષદ બોલાવીને પોતાની સામેના આરોપોને નકારી કાઢીને કહ્યું કે પોતે ભાગ્યા નથી, પણ પોતાના હિતોની રક્ષા માટે કાનૂનના શરણમાં ગયા છે.

કૉગ્રેસકાર્યાલય ખાતે પત્રકાર પરિષદ પૂરી કરીને ચિદમ્બરમ જોરબાગના પોતાના ઘરે પહોંચ્યા. તેમની પાછળ જ થોડીવારમાં સીબીઆઈની ટીમ આવી પહોંચી અને તેમની ધરપકડ કરી.

વિવાદો સાથે કાયમી પનારો

પલાનીઅપ્પન ચિદમ્બરમ મનમોહન સરકારમાં નાણામંત્રી હતા, ત્યારે કેટલાક મુદ્દે ભારે વિવાદો થયા હતા.

વરિષ્ઠ પત્રકાર પરંજોય ગુહા ઠકુરતા કહે છે, "તેમના રાજકીય વિરોધીઓ એવું કહેતા હતા કે તેમની આર્થિક વિચારસરણી જમણેરી છે."

"પરંતુ ચિદમ્બરમે કહ્યું કે કૉંગ્રેસ સમાજવાદમાં વિશ્વાસ રાખે છે અને હું પણ તેના પર જ વિશ્વાસ કરું છું."

ઠકુરતા કહે છે, "તેમણે ઘણાં બજેટ આપ્યાં અને મોટા ઉદ્યોગપતિઓને ખુશ કરવાની કોશિશ કરી."

"સાથોસાથ તેમણે એવું દેખાડવાની પણ કોશિશ કરેલી કે ગરીબો માટે પણ તેઓ કામ કરે છે અને સમાજવાદમાં ભરોસો કરે છે."

તેઓ આગળ કહે છે, "ચિદમ્બરમ સામે આઈએનએક્સ અને ઍરસેલ મૅક્સિસના મામલામાં આરોપ છે."

" એવા આરોપ છે કે તેઓ નાણામંત્રી હતા ત્યારે આ કંપનીઓમાં વિદેશી મૂડીરોકાણની મંજૂરી આપેલી અને તેના બદલામાં તેમના પુત્રને ફાયદો થયો હતો."

"તેની સામે ચિદમ્બરમનું કહેવું છે કે તમે મારી પાછળ કેમ પડ્યા છો, કેમ કે હું ત્યારે એકલો નહોતો."

"ફોરેન ઇન્વૅસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડના નિયમ પ્રમાણે મંજૂરી અપાઈ હતી. ક‌ૅબિનેટ કમિટી ઑન ઇકોનૉમીએ પણ મંજૂરી આપી હતી."

2જી કૌભાંડમાં આરોપ

પ્રથમ મનમોહન સરકારમાં ચિદમ્બરમ નાણામંત્રી હતા, ત્યારે 2જી માટે અપાયેલા લાઇસન્સના કારણે થયેલા વિવાદોમાં પણ તેમનું નામ સંડોવાયું હતું.

ઠકુરતા કહે છે, "તે વખતના ટેલિકોમ મિનિસ્ટર એ. રાજાએ 'લેટર ઑફ ઇન્ટેન્ટ' બહાર પાડ્યો, ત્યારે નાણામંત્રી તરીકે તેઓ ચૂપ રહ્યા હતા તેવો આક્ષેપ છે."

"મામલો અદાલતમાં પહોંચ્યો હતો પણ, ત્યારે આમાં ચિદમ્બરમનો કોઈ હાથ હોવાનું અદાલતે સ્વીકાર્યું નહોતું. અત્યાર સુધી તે કેસમાં અપીલ પણ થઈ નથી."

પરંજોય કહે છે કે ચિદમ્બરમની છાપ મિશ્ર પ્રકારની છે. ક્યારેય સારું કામ કર્યું હતું, ક્યારેય જે કામ થયું તેમાં વિવાદો થયા.

કૉંગ્રેસ આર્થિક ઉદારીકરણ અને મુક્ત બજારમાં માને છે.

તેઓ કહે છે, "યુનાઇટેડ ફ્રન્ટની સરકારમાં ચિદમ્બરમ નાણામંત્રી હતા, ત્યારે તેઓ બિનહિસાબી આવક કબૂલવાની યોજના લાવ્યા હતા."

"તમારી પાસે કાળુંનાણું હોય તે કબૂલી લેવાનું જેથી કોઈ કાર્યવાહી ના થાય. એ યોજનાની ત્યારે બહુ ટીકા થઈ હતી."

સારું કામ શું કર્યું?

ચિદમ્બરમના કાર્યકાળમાં આર્થિક નીતિની બાબતમાં સારા નિર્ણયો લેવાયા હતા.

પરંજોય કહે છે કે, "તે વખતે ભારતીય જીડીપીનો દર હાલની સરખામણી બહુ ઝડપથી વધી રહ્યો હતો. તે વખતે ખેડૂતોની દેવા માફી પણ કરવામાં આવી હતી."

"તે વખતે કૅબિનેટ રોજગારીની ગૅરંટી આપતી મનરેગા યોજના પણ શરૂ કરી હતી, જેના કારણે દેશના ગ્રામીણ વિસ્તારમાં લોકોને ફાયદો થયો હતો."

તેઓ વધુમાં જણાવે છે કે નરસિંહ્મા રાવની સરકારમાં વાણિજ્યમંત્રી તરીકે તેમણે આયાત-નિકાસમાં ઉદારીકરણ દાખલ કર્યું હતું.

જોકે પરંજોય ઉમેરે છે કે ચિદમ્બરમ અને તેમના પુત્ર પર લાગેલા આરોપો સાચા છે કે ખોટા તે અદાલત જ નક્કી કરશે.

ચિદમ્બરમ કેવી રીતે આવ્યા રાજકારણમાં?

મનમોહન સિંહની સરકારમાં નાણામંત્રી તથા ગૃહમંત્રી તરીકે કામ કરી ચૂકેલા ચિદમ્બરમ તામિલનાડુની ચેટ્ટિયાર જ્ઞાતિના છે.

જાણીતા પત્રકાર અદિતી ફડનીસ કહે છે, "ચેટ્ટિયાર બહુ મહેનતુ મનાય છે. આ જ્ઞાતિ છેલ્લાં 100 વર્ષથી વિદેશવેપારની બાબતમાં બહુ આગળ છે."

"વેપાર માટે ચેટ્ટિયાર મ્યાનમાર, ઇરાક, ઈરાન સુધી પહોંચ્યા હતા. ત્યાંથી માલ લાવીને ભારતમાં વેચતા હતા. આ દેશો સાથે તેમનો વેપાર ચાલતો રહ્યો હતો."

ગુજરાતી પ્રજાના લોહીમાં જે રીતે વેપારમાં હોય, તે રીતે તામિલનાડુના ચેટ્ટિયારમાં પણ વિદેશવસવાટ અને વિદેશવેપાર સ્વભાવમાં હોય છે.

ચિદમ્બરમનો પરિવાર સુખી હતો. નાનપણમાં તેમણે કોઈ અભાવ જોયા નથી.

તેમનો પરિવાર તામિલનાડુના શિવગંગા જિલ્લાના કરાઇકુડીમાં વસેલો હતો.

 અદિતી ફડનીસ કહે છે, "તેઓ કોઈ તામિલ શાળામાં નહીં, પણ ચેન્નાઈની મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજ હાયર સેકેન્ડરી સ્કૂલમાં ભણ્યા હતા."

"બાદમાં પ્રૅસિડેન્સી કૉલેજમાંથી વિજ્ઞાનમાં ગ્રૅજ્યુએશન કર્યું હતું."

"પરિવારનો બિઝનેસ સંભાળી લેવા માટે તેમને કહેવાયું, ત્યારે તેમણે ઇન્કાર કરી દીધો હતો."

"તેથી તેમના પિતાએ કહ્યું કે ઠીક છે આગળ વિદેશ અભ્યાસ કરી લો, બાદમાં વિચારીશું."

સાઇઠના દાયકામાં મોટા ભાગના લોકો ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ જ જતા હતા, પરંતુ ચિદમ્બરમે હાર્વર્ડ જવાનું નક્કી કર્યું.

તેમણે ત્યાંથી બિઝનેસ મૅનેજમૅન્ટ અને કાયદાની ડિગ્રીઓ મેળવી.

અદિતી કહે છે, "ચિદમ્બરમ પરત આવ્યા ત્યારે તેમની મુલાકાત નલિની સાથે થઈ હતી."

"નલિની ધનિક પરિવારનાં હતાં, પણ તેમની જ્ઞાતિનાં નહોતાં. નલિનીના પિતા હાઈ કોર્ટમાં જજ હતા."

"નલિની સાથે લગ્ન માટેની મંજૂરી પરિવારે આપી નહીં અને ઘર છોડીને જતાં રહેવાં જણાવી દીધું હતું."

ચિદમ્બરમે ઘર છોડ્યું

ચિદમ્બરમે નલિની સાથે લગ્ન કરવા માટે ઘર છોડી દીધું.

અદિતી કહે છે, "એક ઇન્ટરવ્યૂમાં ખુદ ચિદમ્બરમે મને કહ્યું હતું કે ત્યારે તેમની પાસે માત્ર એક સૂટકેસ અને 2400 રૂપિયા હતા. તેમણે વકીલાત શરૂ કરી દીધી."

"સાથે જ રાજકારણમાં પણ ઝંપલાવ્યું. તેમણે ટ્રેડ-યુનિયનોના ઘણા કેસ લીધા હતા. એવું કહી શકાય કે તેમણે ટ્રેડ-યુનિયનના રાજકારણથી શરૂઆત કરી હતી."

બાદમાં ચિદમ્બરમે સુપીમ કોર્ટ અને દેશની અનેક હાઈ કોર્ટમાં પણ વકીલાત કરી. તે વખતે ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન હતાં.

1969માં કૉંગ્રેસના વિભાજન પછી તેમણે બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું અને રજવાડાંનાં સલિયાણાં બંધ કરી દીધાં.

તેનાથી ચિદમ્બરમ પ્રભાવિત થયા હતા. તેમને ઇન્દિરા માટે બહુ આદર હતો.

કૉંગ્રેસ અને રાજીવ સાથે જોડાણ

અદિતીના જણાવ્યા અનુસાર ઇન્દિરા ગાંધી તેમના પુત્ર રાજીવને રાજકારણમાં લાવવા માટે કોશિશ કરી રહ્યાં હતાં, ત્યારે એક ઍરપૉર્ટ પર તેમની સાથે મુલાકાત થઈ હતી.

1984માં રાજકારણમાં આવતા પહેલાં આ મુલાકાત થઈ હતી અને રાજીવ ગાંધી તેના કારણે ચિદમ્બરમથી પ્રભાવિત થયા હતા.

અદિલતી કહે છે, "તેમની દોસ્તી થઈ ગઈ હતી. રાજીવ વડા પ્રધાન બન્યા, ત્યારે તેમણે ચિદમ્બરમને ટેક્સ્ટાઇલ મંત્રાલય આપવાનું કહ્યું હતું."

"જોકે ચિદમ્બરમે કહ્યું કે તેમનો પરિવાર ટેક્સ્ટાઇલના ઉદ્યોગમાં હોવાથી અન્ય મંત્રાલય આપો. તેથી ચિદમ્બરમને શ્રમ મંત્રાલય સોંપાયું હતું."

શનિવારે રજા

રાજીવ ગાંધીના પ્રધાનમંડળમાં રહીને ચિદમ્બરમે ઘણા સુધારા કર્યા હતા. તેમાંથી એક સુધારો શનિવારે રજા જાહેર કરવાનો હતો એમ અદિતી કહે છે.

અદિતી કહે છે, "રાજીવ ગાંધી અને અરુણ નહેરુ વચ્ચે ટકરાવ થયો, ત્યાર પછી રાજીવ ગાંધીએ તેમની જગ્યાએ ચિદમ્બરમને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી બનાવ્યા હતા."

"તેના કારણે તેઓ રાજીવ ગાંધીની 'આંખ અને કાન' બની ગયાં હતાં."

અદિતી કહે છે, "રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યારે ચિદમ્બરમ સાવ ભાંગી પડ્યા હતા."

"તામિલનાડુ સરકાર રાજીવ ગાંધીનાં જૂતાં, ઘડિયાળ, કપડાં વગેરે વસ્તુઓ આપી નહોતી રહી."

"તેથી નલિનીએ ગાંધી પરિવાર વતી કેસ કર્યો અને આ બધી વસ્તુઓ પર અદાલતમાંથી અધિકાર મેળવ્યો હતો."

"નરસિંહ્મા રાવની સરકાર બની અને નાણામંત્રી મનમોહન સિંહ બન્યા. ચિદમ્બરમને વાણિજ્ય-મંત્રાલય મળ્યું હતું."

"તે વખતે આર્થિક નિરાશાનો માહોલ હતો. જુલાઈ 1991માં તેમણે નવી આયાત-નિકાસ નીતિની જાહેરાત કરી. મનમોહન સિંહે પણ તે નીતિના વખાણ કર્યા હતા."

નરસિંહ્મા રાવ સરકારમાંથી રાજીનામું કેમ આપ્યું?

અદિતી ફડનીસ કહે છે, "સમય વીતવા સાથે અર્થતંત્રમાં સુધારો થયો, પણ શૅરબજારને લગતાં નિયંત્રણોમાં સરકાર એટલી ઝડપથી સુધારા લાવી શકી નહોતી."

"તે જ વખતે હર્ષદ મહેતાનું શૅરબજાર-કૌભાંડ બહાર આવ્યું. બજાર તૂટી પડ્યું અને અર્થતંત્ર ફરી ખરાબે ચડ્યું."

"તે વખતે હર્ષદ મહેતાએ જે કંપનીઓમાં રોકાણ કર્યું હતું, તેમાં ચિદમ્બરમનાં પત્નીનું પણ રોકાણ હતું."

"તેમણે આ માહિતી એ વખતના વડા પ્રધાન નરસિંહ્મારાવને આપી અને કહ્યું કે પોતે રાજીનામું આપવા માટે તૈયાર છે."

"વડા પ્રધાનને મળ્યા પછી તેઓ ઘરે પહોંચ્યા, ત્યારે ટીવીના સમાચારોથી તેમને જાણ થઈ કે તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે."

"આ પ્રકરણને કારણે ચિદમ્બરમ અને નરસિંહ્મા રાવ વચ્ચે ખટરાગ થઈ ગયો હતો. તે પછી ચૂંટણી આવી."

"તે વખતે તામિલનાડુમાં કૉંગ્રેસ અને ડીએમકે સાથે મળીને ચૂંટણી લડતા હતા. નરસિંહ્મારાવે સમજૂતિ તોડી નાખવાની કોશિશ કરી."

"તેમણે એઆઈએડીએમકેના જયલલિતા સાથે સમજૂતિ માટે વાતચીત કરવા માટે બૂટાસિંહને જવાબદારી સોંપી હતી."

"આ પગલાંથી કૉંગ્રેસમાં ભારે નારાજી ફેલાઈ હતી. ચિદમ્બરમ અને જી. કે. મૂપનારે તમિલ મનિલા કૉગ્રેસ (ટીએમસી) નામે અલગ પક્ષ બનાવ્યો અને ચૂંટણીમાં મોટી જીત પણ મેળવી."

"ટીએમસી અને ડીએમકેની સંયુક્ત સરકાર બની. જોકે મૂપનારના અવસાન બાદ ટીએમસી વિખેરાઈ ગઈ અને ચિદમ્બરમ કૉંગ્રેસમાં પરત આવી ગયા."

"તે જ સમયગાળામાં નરસિંહ્મારાવની વિદાય થઈ હતી અને સોનિયા ગાંધીએ કૉંગ્રેસનું સુકાન સંભાળી લીધું હતું. તેમણે ચિદમ્બરમની મદદ લીધી હતી."

"તે વખતે દેવે ગોવડા અને આઈ. કે. ગુજરાલની સરકારને કૉંગ્રેસનું બહારથી સમર્થન હતું. ચિદમ્બરમ આ બંને વડા પ્રધાનોની સરકારમાં થોડો સમય નાણામંત્રી રહ્યા હતા."

"બાદમાં 2004માં આખરે કૉંગ્રેસની જ સરકાર બની, ત્યારે તેમને ફરીથી નાણામંત્રી બનાવાયા હતા."

"તે વખતે કૉંગ્રેસને ટેકો આપી રહેલા ડાબેરીઓ ચિદમ્બરમની આર્થિક નીતિઓથી નારાજ થયા હતા. તેથી નવેમ્બર 2008માં તેમને ગૃહમંત્રાલય સોંપવામાં આવ્યું હતું."

"2009માં બીજી વાર સરકાર બની ત્યારે પણ તેમને ગૃહમંત્રાલયમાં જ રખાયા હતા."

આઈએનએક્સ મીડિયાનો કેસ શું છે?

સીબીઆઈએ આઈએનએક્સ મીડિયા સામે 15 મે, 2017ના રોજ એફઆઈઆર દાખલ કરી હતી.

306 કરોડ રૂપિયાનું વિદેશી મૂડીરોકાણ મેળવવા માટે કંપનીને ફોરેન ઇન્વૅસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડે મંજૂરી આપી હતી, તેમાં ગરબડ થઈ હોવાનો આરોપ મુકાયો હતો.

વર્ષ 2007માં કંપનીને રોકાણની મંજૂરી મળી, ત્યારે ચિદમ્બરમ નાણામંત્રી હતા.

આઈએનએક્સ મીડિયાના પ્રમોટર ઇન્દ્રાણી અને તેમના પતિ પીટર મુખરજીની ઈડીએ પૂછપરછ કરી ત્યાર પછી ચિદમ્બરમનું નામ ખૂલ્યું હોવાનું કહેવાય છે.

ઈડીએ 2018માં આ મામલમાં મની લૉન્ડરિંગનો કેસ દાખલ કર્યો.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર, ઈડીના આરોપનામામાં જણાવાયું હતું કે:

"ઇન્દ્રાણી મુખરજીએ તપાસ અધિકારીઓને જણાવ્યું હતું કે મંજૂરી આપવાના બદલામાં ચિદમ્બરમે પોતાના પૂત્રને વિદેશ મૂડી માટે મદદ કરવાનું જણાવ્યું હતું."

'કાર્તી ચિદમ્બરમે માગ્યા હતા પૈસા'

સીબીઆઈએ ચિદમ્બરમના પુત્ર કાર્તીની ફેબ્રુઆરી 2018માં ચેન્નાઈ ઍરપૉર્ટથી ધરપકડ કરી હતી.

તેમની સામે આરોપ હતો કે તેમણે આઈએનએક્સ મીડિયા સામેની સંભવિત તપાસ રોકવા માટે 10 લાખ ડૉલરની માગણી કરી હતી. બાદમાં કાર્તીને જામીન મળી ગયા હતા.

સીબીઆઈનું કહેવું છે કે કાર્તીએ પોતાની પાસે પૈસા માગ્યા હોવાનું ઇન્દ્રાણી મુખરજીએ જણાવ્યું છે.

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર દિલ્હીની એક ફાઇવસ્ટાર હોટેલમાં આ માટેનો સોદો થયો હતો.

ઇન્દ્રાણી હાલ તેમનાં પુત્રી શીના બોરાની હત્યાના આરોપસર કેદમાં છે.

ઍરસેલ-મૅક્સિસ સોદામાં પણ નામ ખૂલ્યું

3500 કરોડ રૂપિયાના ઍરસેલ-મૅક્સિસ સોદામાં પણ ચિદમ્બરમની ભૂમિકાની તપાસ કેન્દ્રની એજન્સીઓ કરી રહી છે.

2006માં મલેશિયાની કંપની મૅક્સિસે ઍરસેલમાં 100 ટકા હિસ્સો ખરીદ્યો હતો.

આ સોદા માટે મંજૂરી આપવામાં પણ ચિદમ્બરમે ગોટાળા કર્યા હોવાનો આરોપ છે. તે વખતે પણ તેઓ નાણામંત્રી હતા.

2જી સાથે જોડાયેલા આ કેસમાં ચિદમ્બરમ અને તેમના પરિવાર પર હવાલાના આરોપો પણ મૂકવામાં આવ્યા હતા.

નાણા પ્રધાન તરીકે 600 કરોડ રૂપિયા સુધીના વિદેશી મૂડીરોકાણની જ મંજૂરી આપવાની સત્તા હતી.

જોકે, તેમણે આર્થિક બાબતોની કૅબિનેટ કમિટીની મંજૂરી વિના જ 3500 કરોડ રૂપિયાના ઍરસેલ-મૅક્સિસ સોદાની મંજૂરી આપી દીધી હતી.

જોકે ચિદમ્બરમે પોતાની સામે તથા પોતાના પુત્ર સામે લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે.

ચિદમ્બરમના પરિવારનો આક્ષેપ છે કે તેમની સામે રાજકીય વેરભાવનાથી આરોપો મુકાઈ રહ્યા છે.

ધરપકડ પહેલાં ચિદમ્બરમે શું કહ્યું?

બુધવારે સાંજે કૉંગ્રેસકાર્યાલયે તેમણે પત્રકારોને સંબોધન કરતાં પોતાના પરના બધા આરોપોને નકારી કાઢ્યા હતા.

તેમણે કહ્યું કે પોતાના અધિકારોની રક્ષા માટે તેમણે અદાલતનો આશરો લીધો છે.

આઈએનએક્સ મીડિયા કેસ અંગે તેમણે કહ્યું કે, "આઈએનએક્સ મીડિયા કેસમાં મારા પર કોઈ આરોપ લાગેલો નથી."

"મારા પરિવારની કોઈ વ્યક્તિ પણ કોઈ બાબતમાં આરોપી નથી. સીબીઆઈ કે ઈડીએ કોઈ અદાલતમાં કોઈ ચાર્જશીટ દાખલ કરી નથી તે હકીકત છે. "સીબીઆઈએ દાખલ કરેલી એફઆઈઆરમાં પણ મારા પર કોઈ આરોપ નથી.

"આમ છતાં એવી છાપ ઊભી કરવાની કોશિશ થઈ રહી છે કે મેં અને મારા પુત્રે બહુ મોટા અપરાધ કર્યા છે.

"ખોટું બોલવા ટેવાયેલા લોકોએ આ જૂઠાણાં ફેલાવ્યાં છે."

ચિદમ્બરમે વધુમાં જણાવ્યું કે તેઓ આગોતરા જામીન મેળવવા કોશિશ કરી રહ્યા હતા, જે તેમને મળ્યા નથી. તેમણે કહ્યું:

"ઈડી અને સીબીઆઈએ મને પૂછપરછ માટે બોલાવ્યો ત્યારે મેં અદાલતમાં આગોતરા જામીન માગ્યા હતા."

"31 મે 2018 અને 25 જુલાઈ 2018ના રોજ હાઈ કોર્ટમાંથી મને આગોતરા જામીન મળ્યા હતા."

"છેલ્લા તેરથી પંદર મહિનાથી હું આગોતરા જામીન પર હતો."

"તેની છેલ્લી સુનાવણી 25 જાન્યુઆરી 2019માં થઈ હતી. તેનો ચુકાદો આવવાનો બાકી હતો."

"સાત મહિના પછી હવે ગઈ કાલે અદાલતે મારા આગોતરા જામીન રદ કર્યા છે."

"મારા પર આરોપ લાગ્યો છે કે હું ભાગી રહ્યો છું. જ્યારે સાચી વાત એ છે કે હું તો ન્યાય માગી રહ્યો છે."

"હું કાયદાને માન આપું છુ, ભલે તપાસ એજન્સીઓ તેને લાગુ કરવામાં પક્ષપાત કરતી હોય."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો