અનુચ્છેદ 370 : જમ્મુ-કાશ્મીર અંગે સરકારના દાવાઓમાં ખરેખર કેટલું સત્ય? - દૃષ્ટિકોણ

    • લેેખક, પ્રોફેસર નંદિની સુંદર
    • પદ, સમાજશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે

અનુચ્છેદ 370ને અચાનક ખતમ થયાને બે દિવસ બાદ દિલ્હીના એક ટૅક્સી ડ્રાઇવર સાથે મારી શરત લાગી. તેમનું કહેવું હતું કે એક મહિનામાં કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ જશે અને ત્યાં સુરક્ષાદળોને તહેનાત કરવાની જરૂર નહીં રહે.

જો કાશ્મીરમાં સુરક્ષાદળો તહેનાત રાખવા પડશે તો તેઓ મને મહિપાલપુરમાં પાર્ટી આપશે.

સામાન્ય ભારતીયોને એવું પુરાકલ્પન રજૂ કરવામાં આવે છે કે કાશ્મીરમાં જે કંઈ કરવામાં આવી રહ્યું છે, તેમાં કાશ્મીરી જનતાનું હિત છે.

અનુચ્છેદ 370ની નાબૂદી બાદ તા. આઠમી ઑગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.

ભાષણની શરૂઆત કરતા મોદીએ કહ્યું કે કાશ્મીરીઓને અધિકાર અપાવવાની દિશામાં તેમણે ઐતિહાસિક પગલું લીધું છે.

મોદીએ કહ્યું, "હવે ભારતના દરેક નાગરિકના અધિકાર અને ફરજો સમાન છે."

લોકસભામાં અમિત શાહે રાજ્યના વિકાસના કેટલાક આંકડા રજૂ કર્યા. મોદી-શાહનો દાવો છે કે 370ની નાબૂદીનો જમ્મુ-કાશ્મીરને લાભ થશે, પરંતુ તેમનો આ દાવોની ચકાસણી કરવામાં આવે તો તે ખરા નથી ઉતરતા.

કાશ્મીરની અલગથી ચિંતા કેમ?

આરટીઆઈ (રાઇટ ટુ ઇન્ફર્મેશન)ના કાયદામાં ફેરફાર કરીને આખા દેશમાં તેને નબળો કરવામાં આવ્યો છે, પરંતુ આપણને એવું કહેવામાં આવી રહ્યું છે કે કાશ્મીરીઓને આરટીઆઈનો લાભ મળશે.

અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિને અનામત તથા વન અધિકારના કાયદામાં ગુજ્જરોને સામેલ કરવાની વાત સારી ત્યારે જ સાબિત થઈ શકે જ્યારે આર્થિક રીતે ગરીબ સવર્ણોને અનામત આપીને ભારતે દેશભરમાં એસસી-એસટીને મળતી અનામતને નબળી પાડી ન હોત.

જમ્મુ-કાશ્મીરમાં માસૂમ ગુજ્જર બાળકીના બળાત્કારીઓને બચાવવા માટે ભાજપના નેતા આગળ ન આવ્યા હોત તો ગુજ્જરો માટે ભાજપની ચિંતા વ્યાજબી ગણાત.

બીજો દાવો થઈ રહ્યો છે કે તેનાથી ઉદ્યોગોમાં રોકાણ વધશે તથા કાશ્મીરના આર્થિક વિકાસમાં મદદ મળશે.

સમગ્ર દેશમાં સતત રોકાણ ઘટી રહ્યું છે, ત્યારે ખાનગી કંપનીઓ કાશ્મીરમાં રોકાણ શરૂ કરશે, તેવો ભરોસો કઈ રીતે બેસે?

હેરતની વાત તો એ છે કે જે કાશ્મીરમાં વારંવાર સંચારબંધી લાગુ થઈ જતી હોય, ત્યાં કઈ બીપીઓ કંપની રોકાણ કરશે?

જો કાશ્મીરમાં રોજગાર અને વિકાસના અભાવ માટે અનુચ્છેદ 370 જવાબદાર છે તો જે તથ્યોના આધારે અર્થશાસ્ત્રી જ્યાં દ્રેઝે સવાલ ઉઠાવ્યો છે કે માનવ વિકાસની બાબતમાં ગુજરાત કરતાં કાશ્મીર ખૂબ જ આગળ છે, તેનું શું?

સમસ્યા આર્થિક નહીં રાજકીય

જમ્મુ અને કાશ્મીરમાં પ્રતિ વ્યક્તિ આવક રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી છે, પરંતુ જ્યાં 15 વર્ષ સુધી ભાજપનું રાજ હતું તે મધ્ય પ્રદેશ કરતાં વધુ છે.

અનુચ્છેદ 370 છતાં યૂપી, બિહારના હજારો મજૂર કાશ્મીરમાં મજૂરી મેળવવા માટે આવે છે.

શેખ અબ્દુલ્લાહ કાશ્મીરના વિશેષ દરજ્જાને કારણે રાજ્યમાં ભૂમિસુધારા લાવવામાં સફળ રહ્યા અને સરેરાશ કાશ્મીરીની આર્થિક સુધરી.

આ બાબતને સરળતાની અવગણી દેવામાં આવે છે કે તેવું વિશેષ દરજ્જાને કારણે હતું.

કાશ્મીરીઓને નોકરીની જરૂર છે, એ વાત પણ એટલી જ ખરી છે. તેમની નારાજગીનું મુખ્ય કારણ આર્થિક નહીં, પરંતુ રાજકીય છે.

ત્રીજી વાત, આપણને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સાહસિક પગલું લેવા બદલ ભાજપનો આભાર માનવો જોઈએ.

કારણ કે ત્રણ ખાનદાને કાશ્મીરને તાબામાં લીધું હતું અને બધો લાભ મેળવી લેતા હતા, હવે જનતા સુધી લાભ પહોંચશે, પરંતુ ખુદ ભાજપમાં વંશવાદની બોલબાલા છે.

ચોથું, સરકારનો દાવો છે કે અનુચ્છેદ 35-એ નાબૂદ થવાથી બહારના લોકો રાજ્યમાં જમીન ખરીદી શકશે.

તેમને આ પ્રકારની તક આપીને તેઓ સ્થાનિકોને સશક્ત બનાવી રહ્યા છે. આ પગલું સ્ત્રીવાદી હોવાનો પણ દાવો થઈ રહ્યો છે.

અનુચ્છેદ 35-એની લૈંગિક અધિકારોની અસમાનતા સુપ્રીમ કોર્ટમાં જઈને સરળતાથી નાબૂદ કરી શકાઈ હોત.

કાશ્મીરી મહિલાઓ ખુશ થશે?

ભાજપના ધારાસભ્ય હર્ષભેર કાશ્મીરની ગોરી મહિલાઓ સાથે લગ્ન કરવાની વાત કરતા હોય, જે જાતીય હિંસા દ્વારા જીત મેળવવાની છૂપી ધમકી હોય, ત્યારે કાશ્મીરી મહિલાઓ કથિત સમાન અધિકાર મળવાથી ખુશ થશે કે કેમ તે સવાલ છે.

લોકોને એવી પણ આશા બંધાશે કે સમગ્ર દેશમાં હિંદુ મહિલાઓને તેમના હિંદુ ભાઈઓ તથા પતિઓ વિરુદ્ધ જમીનમાં અધિકાર અપાવવાના નિયમને લાગુ કરવામાં પણ ભાજપ આવી જ પ્રતિબદ્ધતા દેખાડશે.

મુંબઈમાં માત્ર મહારાષ્ટ્રિયનોને જ નોકરી આપવાની માગ અંગે શિવસેના પહેલાથી જ પ્રદર્શન કરી રહી છે.

હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડમાં બહારના લોકોને ખેતીલાયક જમીન વેચી ન શકાય તે માટેના કાયદા લાગુ છે. નાગાલૅન્ડ તથા પૂર્વોત્તરના રાજ્યોને પણ બંધારણમાં વિશેષાધિકાર મળેલા છે.

આશ્ચર્યની વાત છે કે કેન્દ્ર સરકારને કાશ્મીર અંગે જેટલી ચિંતા છે, તો અન્ય રાજ્યોના વિકાસ અંગે કેમ ચિંતા નથી?

પાંચમું, એવું કહેવાય છે કે આતંકવાદ ઘટી જશે. આ વાત આપણે અગાઉ પણ સાંભળી છે.

નોટબંધી સમયે પણ આપણને કહેવામાં આવ્યું હતું કે તેણે આતંકવાદીઓ તથા બળવાખોરોની કમર તોડી નાખી હતી. પરંતુ રાષ્ટ્રપતિ શાસન લાગુ હોવા છતાં પુલવામા સહિતના હુમલા સતત ચાલુ છે.

જે કારણોસર કાશ્મીરીઓ ખુદને અલગ અનુભવે છે, તે તમામ મુદ્દા યથાવત્ રહેશે. માનવાધિકારનું હનન, હત્યાઓ, પૅલેટ ગનને કારણે અંધ બની રહેલા નાગરિક, અટકાયત તથા ટૉર્ચર.

તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રના હાઈ કમિશનરે પણ આ વાત ધ્યાને લીધી હતી. નવગઠિત કેન્દ્રશાસિત પ્રદેશ નાગરિકોની યાદશક્તિમાંથી આ બાબતો સરળતાથી દૂર નહીં થાય.

સ્થિતિ સુધરશે?

જે લોકો માને છે કે તેમને હથિયારથી જવાબ આપવો જોઈએ. તેઓ હથિયાર તથા ટ્રેનિંગ માટે સરહદપાર પાકિસ્તાન જશે. અનુચ્છેદ 370 દૂર થશે તો તેનો મતલબ એવો નથી કે ભૌતિક સરહદો દૂર થઈ જશે.

ભારે પ્રમાણમાં સુરક્ષાદળોની તહેનાતીથી સરકાર ઉગ્રવાદ ઉપર અંકુશ મેળવવામાં સફળ રહે, તેવી શક્યતા ખરી પરંતુ લોકોના દિલ અને દિમાગને જીતવા મુશ્કેલ છે.

જે સરળતાથી મોટા મીડિયા સમૂહો તથા તમામ પક્ષના નેતાઓએ જમ્મુ-કાશ્મીરનું વિભાજન સ્વીકારી લીધું છે, અને કાશ્મીરીઓનાં જીવનને પ્રભાવિત કરતા નિર્ણયો અંગે મૌન ધારણ કર્યું છે તે દર્શાવે છે કે તેમણે કાશ્મીરીઓને ભારતના નાગરિકોને સમાન કદી ગણ્યાં જ નથી.

આ બાબત એ પણ દર્શાવે છે કે વાસ્તવમાં તેમને ક્યારેય બંધારણમાં ભરોસો જ નહોતો.

જો તમે સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વગર અને બળપૂર્વક જો કોઈ જમીન ઉપર કબજો કરો તો તેને બંધારણ તથા અધિકારને નામે યોગ્ય ન ઠેરવી શકાય.

(નંદિની સુંદર દિલ્હી યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર ભણાવે છે. આ લેખિકાનાં અંગત વિચાર છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો