આર્ટિકલ 370: લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશ બનવાથી શું બદલાઈ જશે? - દૃષ્ટિકોણ

    • લેેખક, ત્વાંગ રિગઝિન
    • પદ, લેહથી, બીબીસી ગુજરાતી માટે

ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતી બંધારણની કલમ 370ને હટાવવા અને રાજ્યને બે ભાગમાં વહેંચી નાખવાનો નિર્ણય લીધો છે.

તેના અંતર્ગત બે કેન્દ્રશાસિત પ્રદેશ બની જશે : જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ.

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા હશે, જ્યારે લદ્દાખમાં વિધાનસભા નહીં હોય.

કેન્દ્ર સરકારના આ નિર્ણયને લેહ-લદ્દાખમાં ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે. નેતા અને ધાર્મિક સંસ્થાઓ પણ તેનું સ્વાગત કરી રહી છે.

લદ્દાખમાં ઘણાં વર્ષોથી આ અંગે માગ કરવામાં આવી રહી હતી.

વર્ષ 1989માં અલગ રાજ્ય બનાવવા મામલે અહીં આંદોલન પણ કરવામાં આવ્યાં હતાં, જેના આધારે લદ્દાખને સ્વાયત્ત એવી હિલ ડેવલપમૅન્ટ કાઉન્સિલ મળી હતી.

એમા કોઈ શંકા નથી કે હાલ કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે, તેનું લદ્દાખમાં સ્વાગત થઈ રહ્યું છે.

પરંતુ સાથે સાથે અહીં માગ કરવામાં આવી રહી છે કે લદ્દાખમાં પણ વિધાનસભાની વ્યવસ્થા હોવી જોઈએ.

કારગિલ અસહજ

લોકોનું માનવું છે કે વિધાનસભા વગર લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં કેટલીક સમસ્યાઓ થઈ શકે છે.

લેહમાં તો લગભગ બધા જ લોકો આ નિર્ણયનું સ્વાગત કરી રહ્યા છે, પરંતુ એવી જાણકારી મળી રહી છે કે આ નિર્ણય મામલે કારગિલમાં થોડી સહજતા નથી.

લેહમાં 15-20% વસતી મુસ્લિમોની છે અહીં મોટાભાગે બૌદ્ધ લોકો વસે છે.

આ તરફ કારગિલ મુસ્લિમ બહુમતી ધરાવતો પ્રદેશ છે અને અહીં બૌદ્ધની સંખ્યા ઓછી છે.

ત્યાં કેટલાક લોકો કેન્દ્રશાસિત પ્રદેશની માગ કરી રહ્યા હતા તો કેટલાક લોકો તેની વિરુદ્ધ હતા.

શું છે લોકોની ચિંતા?

લદ્દાખના લોકોનું કહેવું છે કે તેમને વિધાનસભા મળે કે પરિષદ, તેનાથી તેઓ પોતાના હિતોની રક્ષા કરી શકે છે.

લદ્દાખની પોતાની સંસ્કૃતિની ઓળખ રહી છે અને ભૌગોલિક આધારે પણ તે અલગ છે.

ઐતિહાસિક રૂપે પણ તે 900 કરતાં વધારે વર્ષથી સ્વતંત્ર ઓળખ ધરાવતું ક્ષેત્ર રહ્યું છે.

લદ્દાખમાં વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશની પહેલેથી માગ કરવામાં આવી રહી હતી, કેમ કે તેના અને જમ્મુ-કાશ્મીર વચ્ચે કોઈ મેળ ખાતો નથી.

ત્યારે જરૂરી છે કે આ બાબતોને ધ્યાનમાં રાખતા તેમને નિયમ- કાયદો બનાવવા અધિકાર મળે.

શું બદલાશે લદ્દાખમાં?

અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરની વાત જ થઈ રહી છે પરંતુ રાજ્યના ક્ષેત્રફળનો 68% ભાગ લદ્દાખનો છે.

કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા બાદ લદ્દાખને ઓળખ મળશે. ભારતના નક્શામાં તેને અલગ સ્થાન મળશે.

સૌથી મોટી વાત એ કે અહીં રહેતા લોકોએ મહત્ત્વપૂર્ણ કાર્યો માટે આમ-તેમ ભટકવું નહીં પડે.

અત્યાર સુધી દરેક નાના-મોટા કામ માટે અહીં રહેતાં લોકોએ જમ્મુ અથવા શ્રીનગર જવું પડતું હતું.

જોકે, લોકોને થોડી ઘણી એવી ચિંતા હોઈ શકે છે કે હવે લોકો બહારથી આવીને અહીં જમીન ખરીદી શકે છે.

પરંતુ એ વાત પણ સાચી છે કે જમ્મુના લોકો પહેલેથી જ અહીં આવીને જમીન ખરીદી શકતા હતા.

તે છતાં અહીં જમીનનું ખરીદ-વેચાણ ખાસ સંખ્યામાં નથી થતું.

હવે એવું બની શકે છે કે ભવિષ્યમાં અહીં ઘણા લોકો આવે, અહીં જમીન ખરીદે અને હોટલ બનાવે.

આ જ પ્રકારની ચિંતાઓના કારણે લદ્દાખને વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માગ થઈ રહી હતી.

જો એવી વ્યવસ્થા થાય છે તો લદ્દાખના લોકો પોતાનો કાયદો બનાવી શકે છે અને પોતાના હિતોનું રક્ષણ કરી શકે છે.

(આ લેખ બીબીસી સંવાદદાતા આદર્શ રાઠોડ સાથે વાતચીતના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો