વડોદરા : સાત કલાકમાં અનરાધાર વરસાદ, શહેર જળબંબાકાર

વડોદરા વરસાદને કારણે બેહાલ બન્યું છે, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

બુધવારે 7 કલાકમાં પડેલા 20 ઇંચ જેટલા વરસાદે શહેરના રહેવાસીઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે.

વડોદરામાં આવેલી વિશ્વામિત્રી નદી હાલ બે કાંઠે વહે છે અને કેટલાક વિસ્તારોમાં નદીનું પાણી ઘૂસી ગયું છે.

નદીના પાણીની સાથેસાથે શહેરવાસીઓ પર હાલ મગરોનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. અમુક વિસ્તારોમાં મગર ઘૂસે તેવી ભીતિ સેવાઈ રહી છે.

સ્થાનિક તંત્ર સાથે એનડીઆરએફની ટીમો પણ વડોદરામાં રાહત અને બચાવ કામગીરીમાં લાગી છે.

સ્કૂલો અને કૉલેજો 1 ઑગસ્ટના રોજ બંધ રહેશે અને અન્ય સંસ્થાઓ પણ બંધ રહી છે.

અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયાં છે તથા કેટલાક વિસ્તારોમાં હાલ વીજળી પણ નથી.

અતિભારે વરસાદને કારણે ઍરપૉર્ટ બંધ કરવાની ફરજ પડી હતી. કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી તથા કેટલીક ટ્રેનોના રૂટ બદલવાની ફરજ પડી હતી.

વિજય રૂપાણીની સરકારે સ્થાનિક તંત્રને આદેશ આપ્યા છે કે નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને જરૂર પડે તો સલામત સ્થળે ખસેડવામાં આવે.

ઍરપૉર્ટ ઑથૉરિટીના જણાવ્યા પ્રમાણે વરસાદને કારણે પાણી ભરાઈ જતાં ઍરપૉર્ટ બંધ કરવાની ફરજ પડી હતી અને બે ફ્લાઇટ્સ કૅન્સલ કરવામાં આવી હતી.

સવારે 8 વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધીમાં લગભગ 20 ઇંચ વરસાદ પડ્યો હતો. બુધવારના દિવસે એક જ સ્થળે પડેલો આ સૌથી વધારે વરસાદ હતો.

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સ્થિતિને જોતાં સાંજે ઇમરજન્સી બેઠક બોલાવી હતી.

આઈએએસ અધિકારી વિનોદ રાવ અને લોચન સેહરા વડોદરા પહોંચ્યા હતા, જેથી ઊભી થયેલી સ્થિતિ મામલે સ્થાનિક તંત્રને માર્ગદર્શન આપી શકાય.

વિજય રૂપાણીએ નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને તંત્રને સહકાર આપવા અરજ કરી હતી. જેથી બચાવ કામગીરીમાં સરળતા રહે.

તંત્રએ આદેશ આપી દીધા છે 1 ઑગસ્ટના રોજ તમામ સ્કૂલો બંધ રાખવામાં આવે.

એનડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને જરૂર પડે ત્યાં લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.

વડોદરા સિવાય ગુજરાતમાં અમદાવાદ, ડભોઈ, હાલોલ, પંચમહાલના અન્ય વિસ્તારો, વડોદારના કરજણ અને વાઘોડિયા, સુરતના ઉમરપાડા, છોટા ઉદેપુરના સંખેડા સહિતનાં અન્ય સ્થળોએ પણ ભારે વરસાદ પડ્યો હતો.

વિશ્વામિત્રી નદીમાં પૂર

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી પર આવેલા તમામ પુલ બંધ કરી દેવામાં આવ્યા છે.

માત્ર 6-7 કલાકમાં 20 ઇંચ વરસાદ પડી જવાને કારણે શહેરમાંથી પાણી બહાર નીકળી શક્યું ન હતું.

આજવા સરોવર ઓવરફ્લો થવાને કારણે વડોદરા શહેર જેના કાંઠે વસ્યું છે તે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું.

વિશ્વામિત્રીમાં પૂર અને બીજી તરફ પડી રહેલા ભારે વરસાદને કારણે શહેરની સ્થિતિ વધારે ખરાબ થઈ હતી.

પૂરનું પાણી પણ શહેરના કેટલાક વિસ્તારમાં ઘૂસ્યું હોવાના અહેવાલો છે.

નદીના કાંઠે રહેતા લોકોને કહેવામાં આવ્યું છે કે તેઓ સલામત સ્થળે ખસી જાય.