મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીઓ બાદ પણ રાજનેતાઓને માફી કેમ મળી જાય છે? - બ્લૉગ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી સંવાદદાતા
દેશની બધી મહિલા સાંસદો, મહિલા સંગઠનો, સામાન્ય મહિલાઓને, તમને, મને, આપણને બધાને શુભકામનાઓ કે સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને માફી માગી લીધી છે.
સંસદની અંદર ડેપ્યુટી સ્પીકરનો હોદ્દો સંભાળતાં રમા દેવી સાથે ખૂબ જ અભદ્ર ભાષામાં વાત કરતા આઝમ ખાન તો લોકસભા છોડીને જતા રહ્યા હતા.
એ તો ભલું થાય મહિલા સાંસદોનું કે જેમણે વાંધો ઉઠાવ્યો, હોબાળો મચાવ્યો અને કંઈક 10 સેકન્ડમાં આપવામાં આવેલી માફી સુધી તો વાત પહોંચી.
નહીં તો ફરી એક વખત એક મહિલા રાજનેતાએ એક પુરુષની અસભ્ય વાતને મજાક સમજીને તેની અવગણના કરી હોત.
તે પુરુષ તેમને તેમનાં પદના કારણે નહીં, પરંતુ તેમના ચહેરા, સુંદરતાના કારણે માન આપવાની વાત કરી બસ સ્મિત આપી દેતા. એવી રીતે કે જાણે તેમના બંધારણીય પદ પર હોવાનું કોઈ મહત્ત્વ જ ન હોય.
વાત માત્ર બસ એવી રહી જાય કે તેઓ એક મહિલા છે.
જે આવડતથી તેઓ એક વરિષ્ઠ પદ સુધી પહોંચ્યાં, તે આવડતનું કોઈ મહત્ત્વ નથી.
માફ કરશો, આ કોઈ મજાક નથી, આ અસભ્ય છે. એવું વર્તન કે જે પુરુષો ખાસ મહિલાઓ સાથે કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમને ઓછી આંકવા માટે. એ દર્શાવવા માટે કે તેઓ એક મહિલા છે એટલે તેમને આગળ વધવામાં તેમના રૂપનું યોગદાન હશે.
તેમનાં મહિલા હોવાના કારણે તેમને ખાસ મહત્ત્વ આપવામાં આવશે. અને તેમની વાત એક વરિષ્ઠ હોવાના કારણે નહીં, પણ તેમની શારીરિક સુંદરતાના કારણે ટાળવામાં આવશે નહીં.
શું કોઈ પુરુષ રાજનેતા સાથે આ પ્રકારની વાત કરતાં કોઈને સાંભળ્યા છે તમે?
વિચારી પણ શકીએ છીએ કે કોઈ પુરુષ વડા પ્રધાન, ગૃહમંત્રી કે સ્પીકરના પદ પર હોય અને કોઈ સાંસદ તેમને એ કહે કે તેમની સુંદરતા તેમને એટલી પસંદ છે, તેઓ એટલાં પ્રેમાળ છે કે તેઓ હંમેશાં તેમની તરફ જોઈ શકે છે, આજીવન જોઈ શકે છે?

સંસદની કથની અને કરણીમાં ફેર!

ઇમેજ સ્રોત, Getty Images
કેટલું ખરાબ છે આ. પરંતુ તે ચાલે છે એટલે વારંવાર થાય છે.
ક્યારેક સંસદની અંદર તો ક્યારેક બહાર. પછી ખૂબ હોબાળો થાય છે. નિંદા પણ થાય છે. ટીવી ચૅનલ પર ચર્ચાઓ થાય છે, લેખ લખવામાં આવે છે.
સમયની સાથે આવેલું તોફાન ચાલ્યું જાય છે. નસીબ સારા હોય તો દસ સેકંડની એક માફી પણ મળી જાય છે.
એવી માફી જેમાં કહેવામાં આવે છે કે, "આવી નજરે કોઈ સાંસદ સ્પીકરની ખુરશીને જોઈ જ શકતું નથી. તે છતાં એવું લાગે છે તો હું માફી માગું છું."
તેનો મતલબ ભૂલ તો મહિલાની જ છે, જેમને મજાકની ખબર ન પડી. ખાલી ખાલી તેઓએ ખોટું લગાડ્યું કે તેમનું અપમાન થયું.
માફી સાંભળીને રમા દેવી બોલવા માટે ઊઠે છે. કહે છે કે તેમને 'માફીની જરૂર નથી, પરંતુ વર્તણૂકમાં સુધારો લાવવા માટે કોઈ પગલાં લેવાની જરૂર છે.'
પરંતુ સંસદ સર્વ સંમતિથી માફીનો સ્વીકાર કરી લે છે. બધા પોતપોતાની ભૂમિકા ભજવીને આગળ વધી જાય છે. આગામી ધારાસભ્ય પર ચર્ચા શરૂ થઈ જાય છે.
અનુશાસનાત્મક કાર્યવાહીની રમા દેવીની માગ ક્યાંક ખોવાઈ જાય છે.
મહિલાઓનાં સમાન અધિકારની કથનીને સંસદ પોતાની કરણીથી જાણે ખોટી સાબિત કરી દે છે.

અસભ્ય વર્તન વ્યક્તિવિશેષ નહીં, સામાન્ય વર્તણૂકનો ભાગ

ઇમેજ સ્રોત, Getty Images
કેમ કે એ બધાને મંજૂર છે. આ વર્તણૂક કોઈ પાર્ટી કે વ્યક્તિવિશેષની નથી, પરંતુ સામાન્ય વર્તણૂકનો ભાગ છે.
મહિલા સાંસદોના શરીર પર ટિપ્પણી કરવી, છોકરાઓ દ્વારા છોકરીઓના જાતીય શોષણને માત્ર એક ભૂલ કહી દેવું, મહિલાઓના કામને માત્ર દેખાડો ગણાવવો, તેમની આવડત તેમને તેમની સુંદરતાના કારણે મળી છે કહી દેવું- એ બધું વારંવાર કરવામાં આવે છે.
પુરુષ રાજનેતાઓ વચ્ચે આ વર્તણૂક મામલે સંમતિ છે.
એક આકલન છે કે આ કઈ શ્રેણીનો અપરાધ છે, તેનાથી શું નુકસાન થાય છે અને તેના માટે કેવી સજા યોગ્ય છે.
સામાન્ય જનતામાં પણ સંમતિ છે.
મહિલાઓ પર કરવામાં આવેલી કેવી મજાક યોગ્ય છે, તેમની આવડતમાં તેમની સુંદરતા કે તેમનાં મહિલા હોવાનો કેટલો હાથ છે, તેમણે કેટલું સહન કરી લેવું જોઈએ, તેમણે કેટલું બોલવું જોઈએ અને તેમની સાથે અસભ્ય વર્તન કરતા લોકો સાથે શું થવું જોઈએ.
આ વિરોધના સૂર અને સંમતિના મૌનનું રાજકારણ છે. જેને મહિલાઓ સહન પણ કરતી આવી છે અને તેની હદોને પડકાર પણ આપતી રહી છે.
એ આશા સાથે કે હોબાળો ક્યારેક તો મૌન તોડશે. ભલે દસ સેકંડની માફી, પરંતુ હોબાળા બાદ આ પહેલું પગલું છે.

ઇમેજ સ્રોત, Getty Images
તેમાં સાર્વજનિક રૂપે થોડો શરમનો અનુભવ થાય છે. એક પગલું છે એ દિશામાં કે જ્યારે મત આપતા પહેલાં તમે અને અમે નેતાના આચરણ વિશે પણ વિચારીએ.
અથવા તો ઓછામાં ઓછી ફરી ક્યારેય આવું બને તો એટલો હોબાળો મચાવવામાં આવે કે સંસદની અંદર પણ ગૂંજે અને માફી કરતાં બીજું ઘણું પણ થાય.
દરેક મહિલા સાંસદને એ વિશ્વાસ હોય કે જ્યારે પણ તેઓ કાર્યવાહીની માગ કરે તો તેમની વાતની અવગણના ન થાય.
તેમને સૌનો સાથ મળે. સંસદની અંદર તેમની ફરિયાદને એ મહત્ત્વ મળે જેને લોકો યાદ રાખે.
જેનાથી સંસદની બહાર, રસ્તાઓ પર મહિલાઓ સાથે અભદ્ર મજાક કરતા લોકો, ઑફિસમાં તેમની આવડતની અવગણના કરતા લોકો અને પરસ્પર તેમના શરીર પર ખરાબ ટિપ્પણીઓ કરનારા લોકોને શરમ આવે.
જે હાલ રાજકારણમાં થયું છે, તેનો ન માત્ર આપણી સાથે સંબંધ છે, પરંતુ તેને જોઈને તેની અવગણના કરવાથી આપણે પણ તે અસભ્યતાનો ભાગ બની રહ્યાં છીએ.
અને જો હોબાળો સાચી નિયતથી થાક્યા વગર મચાવવામાં આવે તો પરિવર્તનનું તોફાન એક પત્તું તો હલાવી જ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












