પશ્ચિમ બંગાળના 107 ધારાસભ્યો ભાજપમાં જોડાશે, મુકુલ રોયનો દાવો

પશ્ચિમ બંગાળના ભાજપના નેતા મુકુલ રોયે દાવો કર્યો છે કે આગામી સમયમાં રાજ્યના 107 ધારાસભ્યો ભાજપમાં જોડાશે.

સમાચાર સંસ્થા એએનઆઈને મુકુલ રોયે કહ્યું કે સીપીએમ, કૉંગ્રેસ અને તૃણમૂલ કૉંગ્રેસના ધારાસભ્યો અમારા સંપર્કમાં છે અને તેમની યાદી તૈયાર છે.

લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય પછી પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે અને ચૂંટણી પછી ભાજપ મમતા બેનરજીના ગઢમાં અનેક છેદ કરી રહ્યો છે.

ગત મહિને ટીએમસીના ધારાસભ્ય સુનિલ સિંઘ અને બિસ્વજિત દાસ ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત ત્રણ ધારાસભ્યો તુષાર ભટ્ટાચાર્ય, દેબેન્દ્ર નાથ અને મોનીરુલ ઇસ્લામે ભાજપમાં જોડાઈ ગયા હતા.

ફેસબુકને 34,000 કરોડનો દંડ, ડેટાની ગુપ્તતાનો મામલો

અમેરિકન સત્તાધીશોએ ફેસબુક પર 5 અરબ ડોલર યાને કે આશરે 34,000 કરોડનો દંડ ફટકારવાની કવાયતને મંજૂરી આપી છે.

અમેરિકન મીડિયામાં પ્રકાશિત સમાચારો મુજબ સોશિયલ મીડિયા કંપની ફેસબુક સામે ચાલી રહેલા ડેટા ગોપનીયતાના કેસમાં પતાવટ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સંઘીય વેપાર આયોગ (એફટીસી) રાજકીય પરામર્શક કંપની કૅમ્બ્રિજ એનાલિટિકા પર ફેસબુકના 8.7 કરોડ ઉપયોગકર્તાઓનો ડેટા ખોટી રીતે મેળવવાનો આરોપ છે.

અમેરિકન મીડિયાના કહેવા મુજબ સંઘીય વેપાર આયોગે આ 3 વિરુદ્ધ 2 મતે આ પતાવટ માટે મંજૂરી આપી છે.

અલબત્ત, બીબીસીએ જ્યારે આ મીડિયા અહેવાલો અંગે ફેસબુક અને સંઘીય વેપાર આયોગ પાસે જાણકારી માગી તો એમણે કોઈ પણ ટિપ્પણી કરવાની ના પાડી દીધી છે.

કૅમ્બ્રિજ એનાલિટિકાએ કરોડો ઉપયોગકર્તાઓનો ડેટા મેળવતા ફેસબુક સામે 2018થી આ કેસની તપાસ ચાલી રહી હતી.

કર્ણાટકમાં વિશ્વાસમત પહેલાં રિસોર્ટની રાજનીતિ શરૂ

કર્ણાટકમાં ચાલી રહેલી સત્તાની ખેંચતાણ વચ્ચે 'રિસોર્ટની રાજનીતિ' શરૂ થઈ ગઈ છે.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ સત્તાધારી કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધન તેમજ વિપક્ષ ભાજપ વિશ્વાસના મત પહેલાં પોતાના ધારાસભ્યો પર નજર રાખી રહ્યા છે.

કૉંગ્રેસના 79માંથી 13 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા બાદ તેમણે લગભગ 50 ધારાસભ્યોને શહેરની બહાર આવેલાં ક્લાર્ક એક્ઝોટિકા રિસોર્ટમાં મોકલી દીધા છે.

જ્યારે કેટલાક ધારાસભ્યો વિધાનસભા ભવન પાછળ આવેલા સિટી સેન્ટરમાં રોકાયા છે.

કૉંગ્રેસના પ્રવક્તા રવિ ગૌડાએ જણાવ્યું, "પોતાના ઑપરેશન કમલ અંતર્ગત ભાજપ પહેલાંથી જ ગઠબંધન સરકારને અસ્થિર કરવા માટે એક ડઝનથી વધુ ધારાસભ્યો પર નજર બગાડી ચૂક્યો છે. તેથી અમે 50 જેટલા ધારાસભ્યોને રિસોર્ટમાં મોકલી દીધા છે."

જ્યારે જેડીએસના લગભગ 30 ધારાસભ્યોને નંદી હિલ નજીક ગોલ્ફશાયર રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે.

બીજી તરફ ભાજપે પણ પોતાના બધા ધારાસભ્યોને એક રિસોર્ટમાં રાખવાનો નિર્ણય લીધો છે.

ભાજપના પ્રવક્તા જી. મધુસૂદને કહ્યું, "અમારે આ નિર્ણય લેવો પડ્યો, જેથી અમે એક જ સ્થળે અમારા ધારાસભ્યો સાથે વિચાર વિમર્શ કરી શકીએ અને કૉંગ્રેસ તેમજ જેડીએસ સાથે કોઈ પણ નેતાને વાત કરતા અટકાવી શકીએ."

રેલવેનું ખાનગીકરણ ન થઈ શકેઃ પીયૂષ ગોયલ

રેલ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે રેલવેનું ખાનગીકરણ થઈ શકે નહીં. તેનો કોઈ પ્રશ્ન જ નથી અને તે સરકારના એજન્ડામાં પણ નથી.

તેમણે શુક્રવારે સ્પષ્ટ કર્યું કે રાજકીય લાભ ખાટવા માટે નવી ટ્રેનનું સપનું બતાવવાને બદલે કેન્દ્ર સરકાર સુવિધાઓ વધારવા અને રોકાણ વધારવા માટે પીપીપી મૉડેલ પર કામ કરવા માગે છે.

લોકસભામાં 2019-20 માટે રેલ મંત્રાલયના નિયંત્રણ હેઠળ અનુદાનો પર ગુરુવારે મોડી રાત સુધી ચર્ચા ચાલી.

આ અંગે જવાબ આપતાં શુક્રવારે તેમણે કહ્યું કે હું વારંવાર કહી ચૂક્યો છું કે રેલવેનું ખાનગીકરણ થશે નહીં.

અમેરિકાના વિરોધ છતાં તૂર્કીએ રશિયા પાસેથી મિસાઇલ ખરીદી

અમેરિકાના વિરોધ છતાં તૂર્કીએ રશિયન મિસાઇલ એસ-400નો પ્રથમ જથ્થો મેળવી લીધો છે.

તૂર્કીના રક્ષા મંત્રાલયના કહેવા મુજબ અંકારાના ઍરબેઝ પર શુક્રવારે આ શિપમેન્ટ પહોંચ્યું.

અમેરિકાએ તૂર્કીને ચેતવણી આપી હતી કે તે અમેરિકાના યૂએસ એફ-35 ફાઇટર જેટ્સ અને એસ-400 એન્ટી ઍરક્રાફ્ટ મિસાઇલ બંને ન રાખી શકે .

તૂર્કી અને અમેરિકા વચ્ચે નાટો સંધિ થયેલી છે, પરંતુ તૂર્કી રશિયા સાથે પણ સંબંધ સાચવી રહ્યું છે.

નાટોના અધિકારીઓએ એએફપી એજન્સીને જણાવ્યા મુજબ તેઓ તૂર્કીને આ વલણ અંગે સંવેદનશીલ છે.

જ્યારે શુક્રવારે યૂએસના એક્ટિંગ ડિફેન્સ સેક્રેટરી માર્ક એસ્પરે કહ્યું કે અમેરિકા હજુ પણ પોતાના વલણ અંગે મક્કમ છે.

ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ ધોની ભાજપમાં જોડાશે?

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ ક્રિકેટમાંથી સંન્યાસ લીધાં બાદ મહેન્દ્ર સિંહ ધોની રાજકરણમાં જોડાઈ શકે છે. તેઓ ભારતીય જનતા પક્ષમાં જોડાય તેવી શક્યતા છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સંજય પાસવાને દાવો કર્યો છે, "આ મુદ્દે તેમની સાથે ઘણા લાંબા સમયથી વાતચીત થઈ રહી છે."

"આ અંગેનો નિર્ણય તેમની નિવૃત્તિ બાદ જ લેવાશે. ધોની મારા મિત્ર છે, વિશ્વ પ્રસિદ્ધ ખેલાડી છે. તેથી તેમની ભાજપમાં જોડાવા અંગે વાતચીત થઈ છે."

નોંધનીય છે કે ભાજપના 'સંપર્ક ફૉર સમર્થન' કૅમ્પેન અંતર્ગત ભાજપ અધ્યક્ષ અમિત શાહ ધોનીને મળ્યા હતા, ત્યારથી આ અટકળો શરૂ થઈ છે.

જ્યારે ભાજપના એક નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું છે કે ધોનીનો ભાજપના ઘણા નેતાઓ સાથે વ્યક્તિગત સંબંધ છે, તેથી જો તેઓ ભાજપમાં જોડાય તો કોઈ નવાઈની વાત નથી.

વિમ્બલ્ડન 2019: નાદાલને હરાવીને ફેડરર ફાઇનલમાં પહોંચ્યા

દુનિયાની સૌથી મોટી ટેનિસ ટુર્નામેન્ટ વિમ્બલ્ડનમાં મૅન્સ સિંગલમાં ફાઇનલ કયા બે ખેલાડીઓ વચ્ચે રમાશે તે નક્કી થઈ ગયું છે.

રવિવારે 14 તારીખે વિમ્બલ્ડનની ફાઇનલ મૅચ રમાશે. જેમાં સર્બિયાના નોવાક જોકોવિચ અને સ્વિત્ઝરલૅન્ડના રોજર ફેડરર એકબીજા સાથે ટકરાશે.

સેમિફાઇનલમાં નોવાક જોકોવિચે સ્પૅનના રોબર્ટો બાતિસ્તા અગુટને અને રોજર ફેડરરે સ્પૅનના રાફેલ નાદાલને હરાવતા બંને સ્પૅનિશ ખેલાડીઓનું આ વર્ષે ફાઇનલમાં રમવાનું સપનું તૂટી ગયું હતું.

38 વર્ષના ફેડરર 20 ગ્રાન્ડ સ્લૅમ જીતી ચૂક્યા છે. તેમજ આઠ વખત વિમ્બલ્ડન જીતી ચૂક્યા છે.

જ્યારે જોકોવિચ ગયા વર્ષે વિમ્બલ્ડનના વિજેતા રહ્યા હતા. તેઓ કુલ ચાર વખત ચૅમ્પિયન રહી ચૂક્યા છે.

32 વર્ષના જોકોવિચ પાસે 15 ગ્રાન્ડ સ્લૅમ છે. તેઓ આ વર્ષે ઑસ્ટ્રેલિન ઑપન પણ જીતી ચૂક્યા છે. તેથી ફાઇનલ મુકાબલો રસપ્રદ રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો