કર્ણાટક રાજકીય સંકટ : મોદી માટે બેઠક ખાલી કરનારા વજુભાઈ વાળા પાસે હુકમનું પત્તું

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
કર્ણાટકમાં કૉંગ્રેસ-જેડીએસના અસંતુષ્ટ ધારાસભ્યોના રાજીનામા બાદ રાજ્યની યુતિ સરકાર સંકટમાં આવી ગઈ છે, ત્યારે હવે રાજભવન ઉપર બધાની મીટ મંડાયેલી છે.
કૉંગ્રેસે ધારાસભ્યોનાં રાજીનામાં પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ મૂક્યો છે.
કર્ણાટક ભાજપના કહેવા પ્રમાણે, જેડીએસ-કૉંગ્રેસના ધારાસભ્યોનાં રાજીનામાં સાથે તેને કોઈ લેવાં-દેવાં નથી અને તાજેતરનો ઘટનાક્રમ જે-તે પક્ષની 'આંતરિક બાબત' છે.
એવું માનવામાં આવે છે કે તા. 12મી જુલાઈથી વિધાનસુધાનું સત્ર શરૂ થાય છે ત્યારે ભાજપ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરશે.
ત્યારે ગુજરાતના રાજકારણમાં પીઢ રાજનેતાની છબી ધરાવતા, રાજકારણ ખૂબ જ ઊંડી સમજ અને સંપૂર્ણપણે કાઠીયાવાડી રમૂજ સ્વભાવ ધરાવતા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા પાસે હુકમનું પત્તું છે.

કોણ છે વજુભાઈ વાળા ?

ઇમેજ સ્રોત, narendramodi.in
વજુભાઈ વાળા મૂળ રાજકોટના વેપારી પરિવારના છે. વાળાએ તેમની રાજકીય કારકિર્દી શરૂ કરી તે પહેલાં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર હતા.
સંઘમાં સેવા આપ્યા બાદ 1970ના દાયકામાં તેઓ જનસંઘમાં જોડાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાળાએ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર પ્રાંતમાં જનસંઘના બીજનું વાવેતર કર્યું. આજે આ બીજ ભાજપ સ્વરૂપે વિશાળ વટવૃક્ષ બની ગયું છે.
જનસંઘનો વ્યાપ વિસ્તારવામાં કેશુભાઈ પટેલ અને પ્રવીણભાઈ મણિયાર સહિતના નેતાઓએ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
વજુભાઈ વાળાના ભાષણમાં રમૂજ પુષ્કળ પ્રમાણમાં રહેતી, જે ભીડને જકડી રાખતી.
આથી ચૂંટણીપ્રચાર અભિયાન દરમિયાન વિશેષ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં તેમની માગ રહેતી.
પાર્ટીના નેતાઓ તથા સંબંધીઓને દરેક નાનામોટા પ્રસંગમાં હાજરી આપતા વજુભાઈ માત્ર કાર્યકર જ નહીં, તેના પરિવારજનોનાં નામ પણ મોઢે હોય.
આ ખાસિયત વજુભાઈને અન્ય રાજનેતાઓથી અલગ પાડે છે.

સમયનું પૈડું ફર્યું

ઇમેજ સ્રોત, narendramodi.in
1996માં શંકરસિંહ વાઘેલાના બળવા બાદ ભાજપના ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી સુરેશ મહેતાએ વિશ્વાસમત મેળવવાનો હતો.
ખેંચતાણ અને મારામારીનાં દૃશ્યોની વચ્ચે મહેતાએ વિશ્વાસમત હાંસલ કર્યો હતો.
જોકે, તત્કાલીન રાજ્યપાલ કૃષ્ણપાલસિંહે વિધાનસભામાં થયેલી હિંસાને પગલે રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી હતી.
જેનો એચ. ડી. દેવૈગૌડાના નેતૃત્વવાળી તત્કાલીન સંયુક્ત મોરચા સરકારે સ્વીકાર કર્યો હતો.
મહેતાએ આરોપ મૂક્યો હતો, "કોંગ્રેસ તથા સંયુક્ત મોરચા સરકારે ભાજપની સરકારને અસ્થિર કરવા માટે કાવતરું ઘડ્યું છે."
એ સમયે વજુભાઈ વાળા ગુજરાત ભાજપના અધ્યક્ષ હતા. ભાજપના કાર્યકરોએ રાજ્યભરમાં તત્કાલીન વડા પ્રધાન એચ. ડી. દેવેગૌડાની નનામીઓ સળગાવી હતી.
આજે 23 વર્ષ બાદ વજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ છે. એચ. ડી. દેવેગૌડાના પુત્ર એચ. ડી. કુમારસ્વામીના રાજકીય ભાવિ અંગે વાળાએ નિર્ણય લેવાનો છે.
એ સમયે નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપના મહાસચિવ હતા, આજે તેઓ દેશના વડા પ્રધાન છે.

'પાણી'વાળા નેતા

ઇમેજ સ્રોત, Getty Images
સમર્પિત કાર્યકર્તાઓની મદદથી રાજકોટ મહાનગરપાલિકા પર ભાજપે 1980માં કબ્જો મેળવ્યો અને વાળા મેયર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમના મેયરકાળ દરમિયાન રાજકોટમાં પાણીની અછત ઊભી થઈ.
વાળાએ રેલવે ટ્રેન દ્વારા રાજકોટ માટે પાણીની વ્યવસ્થા કરાવી હતી. ત્યારથી તેઓ પ્રશંસકોમાં 'પાણીવાળા નેતા' તરીકે પ્રસિદ્ધ થયા.
ત્યારબાદ 1985માં રાજકોટ પશ્ચિમની બેઠક ચૂંટણી જીતી વિધાનસભામાં પ્રવેશ કર્યો, ત્યારપછી આ બેઠક ભાજપનો 'અજય ગઢ' રહી છે.
ગુજરાતના વર્તમાન મુખ્ય મંત્રી વિજયભાઈ રુપાણી પણ એ જ બેઠક પરથી વિધાનસભામાં રાજકોટનું પ્રતિનિધિત્વ કરે છે.

મોદીના વિશ્વાસુ

ઇમેજ સ્રોત, Getty Images
2001માં નરેન્દ્ર મોદીએ મુખ્ય મંત્રી તરીકે પદગ્રહણ કર્યું, ત્યારે તેમના માટે સૌથી સલામત વિધાનસભાની બેઠકની શોધ ચાલતી હતી.
તે સમયે વજુભાઈએ તેમની રાજકોટ બેઠક ખાલી કરી આપી હતી અને રાજકોટની બેઠક પરથી નરેન્દ્ર મોદી પહેલી વખત વિધાનસભામાં ચૂંટાઈને આવ્યા હતા.
2012માં વજુભાઈ વિધાનસભામાં ચૂંટાઈ તો આવ્યા, પરંતુ એ સમયે મોદીએ તેમને મંત્રીમંડળમાં સમાવવાની જગ્યાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાવવાનું નક્કી કર્યું.
આ એક ગણતરીપૂર્વકનું પગલું હતું, જેથી તેમનાથી જુનિયર રાજનેતા આનંદીબહેન પટેલ માટે મુખ્ય મંત્રીપદનો માર્ગ મોકળો થાય.
કેન્દ્રમાં ભાજપની સરકાર બની ત્યારબાદ તેમની કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી.
આ રાજનેતાનું એક જમા પાસું એ છે કે તેમણે પક્ષ વિરુદ્ધ ક્યારેય એક હરફ ઉચ્ચાર્યો નથી કે નથી જાહેરમાં નારાજગી વ્યક્ત કરી.

જનસંઘથી ભાજપ સુધી

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
વજુભાઈ વાળા જનસંઘ અને ભાજપના સ્થાપનાકાળના નેતાઓની કૅડરના છે.
ઉત્તર ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા, સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેશુભાઈ પટેલ, પ્રવીણભાઈ મણિયાર અને વજુભાઈ, દક્ષિણ ગુજરાતમાં ફકીરભાઈ ચૌહાણ અને કાશીરામ રાણા, મધ્ય ગુજરાતમાં મકરંદભાઈ દેસાઈ તથા અમદાવાદમાં નાથાલાલ ઝઘડાએ સંઘ અને પાછળથી ભાજપનો વ્યાપ વધારવા તનતોડ મહેનત કરી હતી.
જેના પગલે ભાજપ પહેલાં જનતા દળ (જી) અને પછી સ્વતંત્ર રીતે સરકાર રચવા સક્ષમ બન્યો.

સત્તા પર અણનમ

ઇમેજ સ્રોત, Gujarat Assembly
સક્રિય રાજકારણમાંથી 'નિવૃત્ત' થયા તે પહેલાં તેઓ વિધાનસભામાં આઠ વખત ચૂંટાઈ આવ્યા હતા.
તેઓ કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં નાણામંત્રી અને મહેસૂલ મંત્રી બન્યા હતા.
2005-06 દરમિયાન વજુભાઈ ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા અને ભાજપનું સંગઠન મજબૂત કર્યું હતું.
વાળા 18 વખત ગુજરાતનું અંદાજપત્ર રજૂ કરવાનો રેકર્ડ ધરાવે છે.
રાજકીય વિશ્લેષકોના મતે વજુભાઈ બંધારણને ચોક્કસ વફાદાર રહેશે જ, પરંતુ સંઘ અને પક્ષની વફાદારી પણ છોડશે નહીં.

ઊથલપાથલની પૃષ્ઠભૂમિ

ઇમેજ સ્રોત, Getty Images
2018માં કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ (105) સૌથી મોટો પક્ષ બન્યો, પરંતુ બહુમતના આંકડાથી હાથવેંતનું છેટું રહ્યું હતું.
78 ધારાસભ્યો સાથે કૉંગ્રેસ બીજા અને જનતા દળ સેક્યુલર (37) ત્રીજા ક્રમે રહ્યો.
રાજ્યપાલ વજુભાઈ વાળાએ પરંપરા મુજબ સૌથી મોટા પક્ષ ભાજપના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર બી. એસ. યેદિયુરપ્પાને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓ બહુમત સાબિત કરી શક્યા ન હતા અને રાજીનામું આપવું પડ્યું હતું.
13 મહિના અગાઉ અલગ-અલગ ચૂંટણી લડનારા જનતા દળ સેક્યુલર તથા કૉંગ્રેસે મળીને સરકાર રચી હતી.
વધુ બેઠકો હોવા છતાં કૉંગ્રેસે જેડીએસના એચ. ડી. કુમારસ્વામીને મુખ્ય મંત્રી બનાવ્યા હતા.


ઇમેજ સ્રોત, Getty Images
શનિવારે કૉંગ્રેસના 10 તથા જેડીએસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા. 13માંથી 11 અસંતુષ્ટ ધારાસભ્યો રવિવારે મુંબઈ રવાના થશે.
તાજેતરનાં રાજીનામાંને કારણે રાજ્યસભામાં યુતિની સભ્યસંખ્યા ઘટીને 105 રહી ગઈ હતી.
બીજી બાજુ, કૉંગ્રેસ તથા જેડીએસે તેમના ધારાસભ્યોને મનાવવા માટે તજવીજ હાથ ધરી છે.
કર્ણાટક કૉંગ્રેસના વડા દિનેશ ગુંડું રાવ યૂકેથી, જ્યારે મુખ્ય મંત્રી એચ. ડી. કુમારસ્વામી અમેરિકાથી કર્ણાટક પરત ફરશે.
224 ધારાસભ્યોવાળી કર્ણાટકમાં બહુમત માટે 113 ધારાસભ્યોનાં સમર્થનની જરૂર રહે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












