જેફ બેજોસ એમેઝૉન શરૂ કર્યાનાં 25 વર્ષ પહેલાં શું કરતા હતા?

ઇમેજ સ્રોત, Getty Images
તમારી જાતને પૂછો, તમારું મન શું કહે છે?
દુનિયાની સૌથી અમીર વ્યક્તિ અને એમેઝૉન કંપનીના માલીક જેફ બેઝોસના મતે આ એવો પ્રશ્ન છે જે કોઈ પણ નિર્ણય કરતા પહેલાં આપણે આપણી જાતને પૂછવો જોઈએ.
આ જ પ્રશ્ન તેમણે પોતાને એમેઝૉન શરૂ કર્યાના 25 વર્ષ પહેલાં પૂછ્યો હતો. ત્યારે તેઓ એક સારા પગારવાળી આરામદાયક નોકરી છોડવાનું વિચારી રહ્યા હતા.
તેઓ વૉલ સ્ટ્રીટ ઇન્વૅસ્ટમેન્ટ બૅન્કમાં કામ કરતા હતા અને ત્યાંથી રાજીનામું આપ્યું. ત્યારબાદ તેમણે સિયેટલમાં પિતાના ગૅરેજમાં એમેઝૉનની શરૂઆત કરી હતી.
આ શરૂઆતની તારીખ હતી 5 જુલાઈ 1994.

એ કિસ્સો જેણે જેફ બેજોસનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2010માં પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં તેમણે એક ભાવુક ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે કેવી રીતે એમેઝૉનની શરૂઆત થઈ અને કેવી રીતે દુનિયાની સૌથી મોટી ઈ-કૉમર્સ બની ગઈ.
જેફ બેજોસે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં જ પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો.
ત્યાં તેમણે પોતાના બાળપણનો એક કિસ્સો કહ્યો હતો, જેણે જીવન પ્રત્યે તેમનો દૃષ્ટિકોણ કાયમ માટે બદલી નાખ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેફ બેજોસ ત્યારે 10 વર્ષના હતા. તેઓ પોતાના દાદા-દાદી સાથે એક ટ્રીપ પર ગયા હતા ત્યારે તેમણે જીવનમાં તંબાકુની અસર વિશે જાણ્યું.
સિગારેટના કારણે તેમનાં દાદીના જીવનનો કેટલો સમય વ્યર્થ થઈ ગયો છે, તે સમજાવવા માટે તેમણે આ અભ્યાસ કર્યો હતો.
એ સાંભળીને તેમનાં દાદી રડી પડ્યાં હતાં. ત્યારબાદ તેમના દાદાએ સડકની એક બાજુ પર ગાડી રોકી અને બહાર નીકળીને જેફ બેજોસ માટે ગાડીનો દરવાજો ખોલી આપ્યો.
બેજોસે કહ્યું, "તેઓ એક બુદ્ધિશાળી અને શાંત વ્યક્તિ હતા. તેઓ મને ક્યારેય ખીજાયા નથી, પણ એ પહેલી વખત હતું જ્યારે તેઓ મારા પર બહુ ગુસ્સે થયા અને મને કહ્યું કે હું દાદીની માફી માગું."
"મારા દાદાએ મારા તરફ પ્રેમથી જોયું અને મને થોડી વાર પછી કહ્યું- જેફ એક દિવસ તું એ સમજી શકીશ કે બુદ્ધિમાન થવા કરતાં વિનમ્ર થવું કેટલું અઘરું છે."
ત્યારથી જેફ બેજોસ એ ભૂલી શકયા નથી કે આપણે આપણા વિચારોથી લઈએ છીએ તે દરેક નિર્ણયનું મહત્ત્વ હોય છે.

અઘરો નિર્ણય

ઇમેજ સ્રોત, Getty Images
1964માં જન્મેલા બેજોસ ભણવામાં હોશિયાર હતા અને પોતના મિત્રો અને સહકર્મીઓની જેમ તેમણે પણ મૅક ડૉનાલ્ડ્સથી નોકરીની શરૂઆત કરી હતી.
ન્યૂ જર્સીની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર સાયન્સ અને ઇલેક્ટ્રિકલ એન્જિનીયરીંગમાં અભ્યાસ કર્યા બાદ આઠ જ વર્ષમાં તેઓ ડીઈ ઍન્ડ શૉ કંપનીના વાઇસ પ્રૅસિડેન્ટ બની ગયા હતા.
ડીઈ ઍન્ડ શૉ એક વૉલ સ્ટ્રીટ ઇન્વૅસ્ટમેન્ટ બૅંક છે, જ્યાં રાજીનામું આપીને તેમણે એમેઝૉનની શરૂઆત કરી હતી.
2010માં પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં આપેલા ભાષણમાં તેમણે કહ્યું હતું 'ઇન્ટરનેટની પહોંચ તેજીથી વધી રહી હતી તેથી મેં એક ઓનલાઇન બુકસ્ટોર ખોલવાનું નક્કી કર્યું હતું જ્યાં હજારો પુસ્તકો હોય.'
જેફ બેજોસે વધુમાં કહ્યું, "મારે મારી નોકરી મૂકી દેવી હતી અને કંઈક અલગ કરવું હતું. મારી પત્ની મને પ્રોત્સાહન આપતી હતી. તે ઇચ્છતી હતી કે હું મારું સપનું પુરું કરું."
"મારા એક બૉસ હતા, તેમને હું બહુ માનતો હતો. તેમને મેં મારા આઇડિયા વિશે કહ્યું. તેઓ મને બગીચામાં લઈ ગયા. ત્યાં તેમણે મને શાંતિથી સાંભળ્યો અને કહ્યું કે આ એક બહુ સારો આઇડિયા છે. પણ તેમણે કહ્યું કે આ તેમના માટે છે, જેમની પાસે કોઈ નોકરી ન હોય, મારી પાસે તો સારી નોકરી છે."
"આ વાત પર મેં બહુ વિચાર કર્યો અને બહુ વિચાર્યા પછી મેં નિર્ણય કર્યો કે મારે મારું સપનું પુરું કરવું છે."
"મારે એ વાતે પસ્તાવું નહોતું કે મેં કોઈ પ્રયત્ન જ ન કર્યો. પણ જો હું પ્રયત્ન જ ન કરત, તો મને પસ્તાવો જરૂર થાત. મને મારા નિર્ણય પર ગર્વ છે."
નવી કંપનીની શરૂઆત માટે જેફના મા-બાપે પોતાની મૂડી તેમને આપી દીધી હતી. 25 વર્ષ પછી આજે દુનિયામાં એમેઝૉનનું નામ છે. પુસ્તક બજારમાં કંપનીની બોલબાલા છે.
ભારતમાં પણ એમેઝૉન ઝડપથી પોતાનું નામ અને સ્થાન બનાવી રહી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












