દુનિયાની વસતીમાં બાળકો કરતાં દાદા-દાદીની સંખ્યામાં વધારો, તેનાથી તમને શું ફેર પડશે?

કસરત કરતા વૃદ્ધો

ઇમેજ સ્રોત, Getty Images

સંયુક્ત રાષ્ટ્રસંઘે જણાવ્યું છે કે ઇતિહાસમાં પ્રથમ વખત બાળકો કરતાં મોટેરાઓની વસતી દુનિયામાં વધી ગઈ છે.

આ આંકડાં પ્રમાણે 2018ના અંતે પાંચ વર્ષથી નાના બાળકોની સંખ્યા કરતાં, 65 વર્ષથી મોટી વયના લોકોની સંખ્યા વધી ગઈ છે.

65થી મોટી ઉંમરના લોકોની વસતી 70.5 કરોડ કરતાં પણ વધી ગઈ છે, જ્યારે ચાર વર્ષની ઉંમર સુધીના બાળકોની સંખ્યા 68 કરોડ જેટલી છે.

line

વધી રહેલો ગાળો

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

હાલના પ્રવાહો દર્શાવી રહ્યા છે કે વૃદ્ધો અને કિશોરો વચ્ચેનો વસતીગાળો 2050 સુધીમાં વધી જશે. 0-4 વર્ષના દરેક બાળકની સામે 2થી વધુ 65 વર્ષના વૃદ્ધો હશે.

વસતી નિષ્ણાતો છેલ્લા ઘણા દાયકાથી વધી રહેલા આ ગાળા પર નજર રાખી રહ્યા છે. મોટા ભાગના દેશોમાં લોકોની સરેરાશ આયુ વધી રહી છે અને બાળકોનો જન્મદર ઘટી રહ્યો છે.

આ સ્થિતિની તમારા પર શું અસર થઈ શકે છે? શું તેની અસર થવા પણ લાગી છે?

line

બાળકોના જન્મનું અપૂરતું પ્રમાણ

વૃદ્ધ મહિલા એક નાના બાળક સાથે

ઇમેજ સ્રોત, Getty Images

વોશિંગટન યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ફૉર હેલ્થ મેટ્રીક્સ એન્ડ ઇવેલ્યૂએશનના ડાયરેક્ટર ક્રિસ્ટોફર મરેએ બીબીસીને જણાવ્યું:

"65 વર્ષથી મોટી ઉંમરના લોકોની સંખ્યા વધારે હશે અને બાળકો બહુ ઓછા હશે તેથી વૈશ્વિક સમાજને ટકાવી રાખવાનું કામ મુશ્કેલ બનશે."

મરેએ 2018માં એક શોધનિબંધ પણ પ્રગટ કર્યો હતો, જે અનુસાર વિશ્વના અડધોઅડધ દેશોમાં 'બેબી બસ્ટ'ની સમસ્યા ઊભી થઈ છે.

એટલે કે વસતીનું પ્રમાણ જાળવી શકાય તેટલા બાળકો પેદા ના થવાની સમસ્યા ઊભી થઈ છે.

દાદા-દાદી વિ. પૌત્ર-પૌત્રી. 5 વર્ષથી ઓછી અને 65 વર્ષ થી વધારે ઉંમર ધરાવતા લોકોની વસતીની વૈશ્વિક ટકાવારી. Over-65s and under-5s in the world's population over the years (and projections) .

મરે ઉમેરે છે, "પૌત્ર-પૌત્રીઓ કરતાં દાદા-દાદીની વસતી વધારે હોય તેના કારણે કેવા સામાજિક અને આર્થિક પરિણામો આવશે તેની કલ્પના કરો."

વિશ્વ બૅન્કના આંકડા અનુસાર 1960માં વિશ્વમાં મહિલા દીઠ પાંચ બાળકોના જન્મનો દર હતો.

60 વર્ષ પછી તે દર અડધો થઈને 2.4નો થઈ ગયો છે.

આ ઉપરાંત સામાજિક અને આર્થિક પ્રગતિનો ફાયદો પણ વસતીને થયો છે.

1960માં સરેરાશ આયુષ્ય 52 વર્ષનું હતું, જ્યારે 2017માં સરેરાશ આયુષ્ય 72 વર્ષ સુધી પહોંચ્યું છે. તેનો અર્થ એ થયો કે આપણે વધારે લાંબું જીવી રહ્યા છીએ.

વૃદ્ધ થતા જઈએ તેમ વધુ ને વધુ સ્રોતોની માગ ઊભી કરતા જઈએ છીએ. પેન્શન અને આરોગ્યના ક્ષેત્રે તેનો બોજ વધતો જાય છે.

line

વયોવૃદ્ધ વસતી

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

વિકસિત દેશોમાં વસતીમાં વધતા વૃદ્ધોની સંખ્યા સમસ્યા બની રહી છે. વિકસિત દેશોમાં જન્મદર ઘટી ગયો છે.

આર્થિક સદ્ધરતા, બાળ મૃત્યુના પ્રમાણમાં ઘટાડો, સરળતાથી મળતા ગર્ભાધાન રોકવાના ઉપાયો અને મોંઘો પડતો બાળઉછેર વગેરે કારણોસર જન્મદર ઘટી રહ્યો છે.

આવા દેશોમાં સ્ત્રી મોટી ઉંમરે માતા બને છે અને તેના કારણે ઓછા બાળકોને જન્મ આપે છે.

જાપાનના પાર્કમાં બેઠેલાં વૃદ્ધ દંપતી

ઇમેજ સ્રોત, Getty Images

લાઇફસ્ટાઇલ સુધરી હોવાથી વિકસિત દેશોમાં લોકો લાંબું જીવે પણ છે. સૌથી ધ્યાન ખેંચતું ઉદાહરણ જાપાનનું છે.

જાપાનમાં (વિશ્વમાં સૌથી વધુ) સરેરાશ આયુષ્ય 84 વર્ષ સુધીનું થયું છે.

જાપાનમાં 65 વર્ષથી મોટી ઉંમરના લોકોની સંખ્યા 2018માં કુલ વસતીના 27% જેટલી થઈ હતી. તે બાબતમાં પણ જાપાન વિશ્વમાં સૌથી આગળ છે.

જાપાનમાં પાંચ વર્ષથી નીચેના બાળકોની સંખ્યા કેટલી છે? સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા અનુસાર લગભગ 3.85% જેટલી છે.

આ રીતે બંને બાજુથી વિપરિત સ્થિતિને કારણે જાપાનના સત્તાધીશો ચિંતામાં પડ્યા છે. તેના કારણે જ સરકારે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે હવે પછીથી નિવૃત્તિની ઉંમર ફરજિયાત 65ના બદલે 70 વર્ષની રહેશે.

નિવૃત્તિની ઉંમરમાં ફરજિયાત વધારો લાગુ કરાશે ત્યારે જાપાનીઓ વિશ્વમાં સૌથી વધુ લાંબો સમય કામ કરનારા પણ બની જશે.

વસતીના આ અસંતુલનની અસર વિકાસશીલ દેશોને પણ થવા લાગી છે.

જાપાન કરતા ચીનમાં 65 વર્ષથી વયના લોકોની સંખ્યા ઓછી છે (વસતીના 10.6%), પરંતુ 1970ના દાયકાથી લાગુ કરાયેલા કડક નસબંધીના નિયમોને કારણે ચીનમાં જન્મદર બહુ ઓછો થઈ ગયો છે.

ચીનમાં સ્ત્રી દીઠ માત્ર 1.6 બાળકોનો જન્મદર છે.

ચીનની મુખ્ય ભૂમિ પર પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની વસતી હવે કુલ વસતીના 6% કરતા પણ ઓછી થઈ છે.

line

સંખ્યા સામે જીવનની ગુણવત્તા

આફ્રિકન મહિલા અને બાળક

ઇમેજ સ્રોત, Getty Images

જીવનધોરણ અને બાળકોની સંખ્યાની બાબતમાં સૌથી ઉત્તમ ઉદાહરણ આફ્રિકા છે. આફ્રિકામાં હજુ પણ જન્મદર ઊંચો છે.

દાખલા તરીકે નાઇજરમાં સ્ત્રીઓની પ્રજનનક્ષમતા વિશ્વમાં સૌથી વધારે છે કે જ્યાં 2017માં સ્ત્રી દીઠ બાળકોની સંખ્યા 7.2ની હતી.

જોકે આ દેશોમાં બાળમરણનું પ્રમાણ પણ ઊંચું છે. નાઇજરમાં 1000 બાળકોનો જન્મ થાય તેમાંથી 85ના મોત થાય છે, જે વિશ્વમાં સૌથી ઊંચું પ્રમાણ છે.

line

વસતી સ્થિર રાખવાનો દર

ચેક અપ કરાવવા આવેલી ગર્ભવતી મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

વસતી સ્થિર રાખવા માટે 2.1 મેજિક જેવો આંકડો છે. વસતી નિષ્ણાતો કહે છે કે આટલો જન્મદર હોય તો વસતી જળવાઈ રહે છે.

જોકે હાલના સંયુક્ત રાષ્ટ્રસંઘના આંકડામાં જણાવાયું છે કે આટલો જન્મદર વિશ્વના અડધા જેટલા દેશોમાં જ છે - 113 દેશોમાં.

સંશોધકો એ વાત તરફ પણ ધ્યાન દોરે છે કે બાળમરણનું પ્રમાણ વધારે હોય અને સરેરાશ આયુષ્ય ઓછું હોય તેવા દેશોમાં 2.3નો જન્મદર હોવો જરૂરી છે. હાલમાં 99 દેશોમાં જ આવી સ્થિતિ છે.

ઘટી રહેલા જન્મદરના કારણે ઘણા દેશોની વસતી ઓછી થવાની સંભાવના છે. 2024 સુધીમાં વિશ્વની કુલ વસતી વધીને આઠ બિલિયન થઈ જશે, પણ ઘણા દેશોમાં વસતી ઓછી થઈ હશે.

સૌથી નોંધપાત્ર દાખલો રશિયાનો છેઃ અહીં સ્ત્રી દીઠ જન્મદરનું પ્રમાણ 1.75 બાળક હોવાથી આવતા થોડા દાયકામાં રશિયનોની વસતી ઘણી ઘટી જવાની છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના વસતી વિભાગે મૂકેલી ગણતરી પ્રમાણે રશિયાની હાલની વસતી 14.3 કરોડ છે, તે 2050 સુધીમાં ઘટીને 13.2 કરોડની થશે.

line

આર્થિક અસર

યોગા કરતી મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઘટતી વસતી અને વૃદ્ધોની સંખ્યામાં વધારાનો અર્થ એ થાય કે કામ કરનારા લોકોની સંખ્યા ઘટે.

તેના કારણે આર્થિક પ્રવૃત્તિઓમાં ઘટાડો થાય અને વિકાસ દરને અવરોધે.

દેશ/વિસ્તારમાં 65થી વધારે ઉંમર ધરાવતાં લોકોની ટકાવારી . . .

ગયા નવેમ્બરમાં ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ (IMF)એ ચેતવણી આપી હતી કે વૃદ્ધોની સંખ્યા વધવાથી જાપાનનું અર્થતંત્ર આગામી 40 વર્ષોમાં 25% જેટલું ઘટી શકે છે.

ઓક્સફર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પૉપ્યુલેશન એજિંગના ડિરેક્ટર જ્યોર્જ લીસને બીબીસીને જણાવ્યું, "વસતીનું પ્રમાણ આપણા જીવનના દરેક પાસાને સ્પર્શે છે."

"તમારી બારીમાંથી શેરીમાં, આસપાસના ઘરોમાં, ટ્રાફિક પર અને ઉપભોગની પ્રક્રિયા નજર રાખો. આ બધી બાબતો પર વસતીની સીધી અસર થાય છે."

વૃદ્ધોની વધતી સંખ્યાના કારણે ઊભી થઈ રહેલી સમસ્યાઓને નિવારવામાં શું ટેકનૉલૉજી ઉપયોગી થશે ખરી?

line

નીતિઓ અને રાજકારણ

ફેક્ટરીમાં કામ કરતી વ્યક્તિ

ઇમેજ સ્રોત, Getty Images

એક બાબતમાં સહમતી છે કે સરકારોએ માનવ વસતીના 'વયવધારાના ટાઇમ બૉમ્બ'ને નિષ્ક્રિય કરવા માટે સક્રિય થવું પડશે. સરકારો તે માટે કામ કરી પણ રહી છે.

ચીને 2015માં 'એક બાળકની નીતિ' વિશે પુનઃવિચારણા કરી હતી અને 2018માં અણસાર આપ્યો હતો કે આગામી વર્ષથી તે નીતિને કદાચ રદ કરવામાં આવે.

સરકારી અખબાર પિપલ્સ ડેઇલીના એક લેખમાં જણાવ્યા અનુસાર બાળકોને જન્મ આપવો તે પણ એક 'કૌટુંબિક અને રાષ્ટ્રીય મુદ્દો' છે.

જોકે વધુ બાળકો પેદા કરવા પરના નિયંત્રણો હટાવી દેવાથી તાત્કાલિક ફાયદો થવાનો નથીઃ 2018માં ચીનમાં 1.52 કરોડ બાળકો જન્મ્યા હતા, જે છેલ્લા 60 વર્ષનો સૌથી ઓછો જન્મદર હતો.

ચીનના શિક્ષણશાસ્ત્રીઓ જન્મદરમાં ઘટાડા માટે માતા બનવા લાયક સ્ત્રીઓની ઓછી સંખ્યા અને આર્થિક કારણોસર સંતાનોને ટાળતા દંપતીને કારણભૂત ગણાવે છે.

ખાસ કરીને શિક્ષિત નારી પરંપરા પ્રમાણે કુટુંબની કાળજી લેવાની ભૂમિકા નિભાવવા માટે ઓછી તૈયાર છે તે કારણ પણ છે.

line

વૃદ્ધ અને સશક્ત

મ્યુઝીક વગાડતા વૃદ્ધો

ઇમેજ સ્રોત, Getty Images

જાણકારો કહે છે કે વયોવૃદ્ધ વસતીની સમસ્યાને નિવારવા માટે વૃદ્ધોની તંદુરસ્તીના મુદ્દાને મહત્ત્વ આપવામાં આવે તે જરૂરી છે.

તે માટે એવી દલીલ થાય છે કે તંદુરસ્ત વ્યક્તિઓ વધારે લાંબો સમય સુધી, વધારે ક્ષમતા સાથે કામ કરી શકે છે. સાથે જ આરોગ્યની સંભાળ પાછળનો ખર્ચ પણ ઘટી શકે છે.

કામ કરનારી વસતીમાં સ્ત્રીઓની સંખ્યા વધે તે બાબતને પણ અવગણવામાં આવી છે.

ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશ (આઇએલઓ)ના આંકડાં જણાવે છે કે વૈશ્વિક લેબર માર્કેટમાં 2018માં મહિલાઓની ભાગીદારીનો દર 48.5% જેટલો હતો.

પુરુષોની ભાગીદારી કરતાં આ દર 25% કરતાં વધારે નીચો છે.

line
વાઇન ફેક્ટરીમાં કામ કરતી મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images

ILOના અર્થશાસ્ત્રી એકાર્ડ અર્ન્સ્ટ જણાવે છે, "મહિલાઓની વધારે વ્યાપક ભાગીદારી સાથેના અર્થતંત્ર હોય તેમાં મંદીનું પ્રમાણ ઓછું જોવા મળતું હોય છે."

"વધુ મહિલા કામદારોને કારણે અર્થતંત્ર મંદી સામે વધારે મજબૂત બને છે, એટલું જ નહીં ગરીબી નિવારણમાં પણ તે અગત્યની ભૂમિકા ભજવે છે."

એક વાત પાક્કી છે કે આ સમસ્યા હજીય આગળ વધી જ રહી છે.

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો