કર્ણાટકમાં ધારાસભ્યોનાં રાજીનામાંથી કૉંગ્રેસ-જેડીએસની સરકાર પર સંકટ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી ગુજરાતી માટે
કર્ણાટકમાં જનતાદળ સેક્યુલર (જેડીએસ) અને કૉંગ્રેસના ગઠબંધનવાળી સરકારના એક ડઝનથી વધુ ધારાસભ્યોએ રાજીનામાં આપી દેતાં રાજ્ય સરકાર પર સંકટ તોળાઈ રહ્યું છે.
માનવામાં આવી રહ્યું છે કે 12 જુલાઈથી શરૂ થયેલા વિધાનસભા સત્ર દરમિયાન ભારતીય જનતા પક્ષ કર્ણાટકના કુમારસ્વામી સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પણ લાવી શકે છે.
આ પરિસ્થિતિમાં પ્રશ્ન એ પણ ઉદ્ભવે છે કે શું કર્ણાટકમાં ગઠબંધન સરકારની નબળી સ્થિતિ દેશમાં ગઠબંધન સરકારોની ખરાબ સ્થિતિ અને તેમની સમાપ્તિ તરફ ઇશારો કરે છે?
હાલમાં જ યોજાયેલી લોકસભા ચૂંટણીઓમાં ભાજપ વધુ મજબૂત રાજકીય પક્ષ સાબિત થયો છે. જે રીતે વર્ષ 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધ જીત્યા પછી ઇંદિરા ગાંધી સત્તાનું કેન્દ્ર બની ગયાં હતાં એ રીતે હાલના સમયમાં મોદીએ સત્તાનું એકીકરણ કરી નાંખ્યું છે.

ઇમેજ સ્રોત, @rahul gandhi
ઇંદિરા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ સત્તા પર આવ્યાં અને બહુ ઓછા સમયમાં તેમને 'ગૂંગી ગૂડિયા' કહી દેવામાં આવ્યાં હતાં. એ વખતે કૉંગ્રેસ બહુ નબળી સ્થિતિમાં હતી અને વર્ષ 1967માં ભારતમાં ગઠબંધનના રાજકારણની શરૂઆત થઈ.
તેના પરિણામ સ્વરૂપ સંયુક્ત વિધાયક દળ (એસવીડી) સરકારનો ઉદય થયો. જે ભારતીય ક્રાંતિ દળ, સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટી, પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી અને ભારતીય જનસંઘ (જે આગળ જઈને ભારતીય જનતા પક્ષ બન્યો)નું ગઠબંધન હતું.
તેમણે પાકિસ્તાનનું વિભાજન કરીને બાંગ્લાદેશ બનાવ્યો તો ઇંદિરા ગાંધીએ બહુમત તો હાંસલ કર્યો જ પણ દેશનાં અલગઅલગ રાજ્યમાં રહેલી ગઠબંધન સરકારોને પણ ધરાશાયી કરવાનું કામ કર્યું.
ગઠબંધનની સરકારો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, પંજાબ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તામિલનાડુ અને કેરળમાં પડી ગઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેરળ સિવાય અત્યાર સુધી પશ્ચિમ બંગાળમાં કૉમ્યુનિસ્ટ પાર્ટી મજબૂત હતી. જ્યારે તામિલનાડુમાં દ્રવિડ પક્ષોનું શાસન હતું.
ગઠબંધનની સરકારો બનાવવાનો બીજો તબક્કો 1989માં શરૂ થયો. આ સમયગાળામાં ઘણા નવા ગઠબંધન પક્ષોનો ઉદય થયો. આ પક્ષોએ રાજ્ય કક્ષાએ સત્તાનો સ્વાદ ચાખ્યો અને કેન્દ્રમાં પણ સત્તામાં રહ્યા.

ઇમેજ સ્રોત, Getty Images
1989થી શરૂ થયેલો ગઠબંધનનો આ દોર કૉંગ્રેસના નેતૃત્વવાળી યૂપીએ સરકાર બની ત્યાં સુધી યથાવત્ રહ્યો, જેણે 2004 અને 2009માં કેન્દ્ર કક્ષાએ બે સફળ કાર્યકાળ પૂરા કર્યા.
આ દોર મોદી સરકારની 2014ના વર્ષની જીત સુધી જળવાઈ રહ્યો અને હવે તો તાજેતરની ચૂંટણીઓમાં તેમણે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે.
મેમાં થયેલી ચૂંટણીના એક વર્ષ પહેલાં જ્યારે ભાજપ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યો તો કૉંગ્રેસે ભાજપના કૉંગ્રેસમુક્ત ભારત કૅમ્પેનને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો.
તેનું પરિણામ એ આવ્યું કે કૉંગ્રેસ પાર્ટીએ અમુક એવા નિર્ણય લીધા તેના પર વિશ્વાસ થઈ શકે એવો નહોતો. જેમ કે, જેડીએસના એચડી કુમારાસ્વામી સમક્ષ મુખ્ય મંત્રીપદનો પ્રસ્તાવ મૂકી દીધો.
ચૂંટણીમાં ભલે જેડીએસને 37 બેઠકો મળી હોય અને તે કૉંગ્રેસે જીતેલી બેઠકો કરતાં અડધી જ હોય છતાં કૉંગ્રેસે મુખ્ય મંત્રીની ખુરશીનો પ્રસ્તાવ મૂકી દીધો.
આ નિર્ણય ચોંકાવનારો હતો, કારણ કે આ જ બંને પક્ષો વર્ષો સુધી દક્ષિણ કર્ણાટકમાં એકબીજાના દુશ્મન હતા.

ઇમેજ સ્રોત, Getty Images
કર્ણાટકમાં આ ગઠબંધન સરકાર બની તેને હજુ 14 મહિના જ થયા છે અને હાલની સ્થિતિ જોઈને લાગે છે કે આ ગઠબંધન જોખમમાં છે.
સરકારના 13 ધારાસભ્યોએ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામાં આપી દીધાં છે.
તેની પાછળ રાજ્યમાં ભાજપના ઑપરેશન કમલનું મોટું યોગદાન છે. જે સભ્યો રાજીનામું આપીને જાય તેમને ભવિષ્યમાં ભાજપની ટિકિટ પરથી ચૂંટાવાનું વચન આપવામાં આવ્યું છે. આવો જ પ્રયોગ 2008માં પણ થયો હતો, જ્યારે કર્ણાટકમાં ભાજપ ચૂંટાઈને સત્તામાં આવ્યો હતો.
તો આ સ્થિતિમાં એવું કહી શકાય કે દેશ એક મજબૂત રાજકીય પાર્ટી તરફ આગળ વધી રહ્યો છે. તેનો અર્થ એવો થઈ શકે કે હવે ગઠબંધન સરકારોનો દોર ખતમ થવાના આરે છે?
ધારવાડ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના પ્રોફેસર હરીશ રામાસ્વામી કહે છે, "એક દૃષ્ટિએ આવું છે. 2019ની લોકસભા ચૂંટણીના પરિણામે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં રાજકીય પક્ષોએ પોતાની શાખ ગુમાવી છે. સાથે જ હાલ દેશમાં એવું કોઈ નેતૃત્વ નથી જે મોદીના નેતૃત્વ સામે ઊભા રહી શકે કે તેને પડકારી શકે."

ઇમેજ સ્રોત, Getty Images
રાજકીય બાબતોના જાણકાર મહાદેવ પ્રકાશ કર્ણાટકમાં વર્ષ 1983માં થયેલાં પ્રથમ ગઠબંધન વિશે વાત કરે છે.
આ ગઠબંધન રામકૃષ્ણ હેગડેના નેતૃત્વવાળી જનતા પાર્ટી અને ક્રાંતિરંગ વચ્ચે થયું હતું. તેને ભાજપ અને કૉમ્યુનિસ્ટ પાર્ટીનું સમર્થન હતું, પરંતુ જ્યારે વર્ષ 1984માં લોકસભા ચૂંટણી થઈ તો આ ગઠબંધનને પછડાટ મળી, કારણ કે કૉંગ્રેસને 28 લોકસભા બેઠકોમાંથી 24 બેઠકો મળી હતી.
ત્યારબાદ વર્ષ 2004માં વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ સૌથી મોટો પક્ષ સાબિત થયો ત્યારે કૉંગ્રેસ-જેડીએસનું ગઠબંધન તૂટી ગયું.
એચડી કુમારાસ્વામીએ ગઠબંધનની સરકાર ચલાવવા માટે વર્ષ 2006માં ભાજપ સાથે હાથ મિલાવ્યો એ પણ વિખેરાઈ ગઈ.
મહાદેવ પ્રકાશ કહે છે "જેડીએસ અને કૉંગ્રેસનું ગઠબંધન સરકારોના સંદર્ભમાં ત્રીજો પ્રયોગ રહ્યો. જો વાત વર્ષ 2019ની કરીએ તો સમગ્ર દેશમાં જનતાએ ગઠબંધનને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યું. લોકોએ નક્કી કર્યું કે એક પક્ષની સરકાર જ સૌથી સારી હશે, કારણ કે ગઠબંધન લોકોને શાસન નથી આપી શકતું."

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે મૈસોર યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર મુઝફ્ફર અસ્સાદી મહાદેવ પ્રકાશની વાતો સાથે સહમત નથી.
તેઓ કહે છે, "ગઠબંધનની સરકાર તમામ રાજકીય અને અન્ય મતભેદો છતાં કામ કરવા સક્ષમ હતી. વૈચારિક રીત તેઓ ધર્મનિરપેક્ષતાના સમર્થનમાં હતા. પહેલાંની આ તમામ લડતો અને અહંકારના ઘર્ષણના કારણે મતભેદ ઊભો થયો છે."
જોકે પ્રોફેસર મુઝફ્ફર અસ્સાદી એવું જરૂર માને છે કે હાલ ગઠબંધન સફળ રહ્યા નથી, પરંતુ તેના માટે ભાજપ જવાબદાર છે.
તેઓ માને છે, "ભાજપ હિંદુ જાતિ સમૂહોનું સંગઠન બનાવવામાં સફળ રહ્યો છે. ભાજપે દરેક હિંદુ જાતિઓને એક મંચ પર લાવવાનું કામ કર્યું. જે ભાજપના હિંદુત્વથી બિલકુલ અલગ છે. કર્ણાટકમાં હવે પહેલાંથી વધુ હિંદુકરણ થયું છે. જોકે હવે એનો મતલબ હિંદુ ધર્મથી બિલકુલ અલગ નથી. ભાજપનું વિવિધ જાતિઓને એક મંચ પર લાવવાનું કાર્ય કૉંગ્રેસ અને જેડીએસના સામાજિક આધારની વિરુદ્ધમાં ગયું."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












