ભારતમાં કેમ વધી રહ્યાં છે સેમી અરેન્જ મૅરેજ? જે સામાન્ય લગ્નોથી કેવી રીતે જુદાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સિન્ધુવાસિની
- પદ, બીબીસી સંવાદદાતા
'નહીં, યે શાદી નહીં હો સકતી!!!'
'દુનિયામાં લગ્ન કરવા માટે સૌથી વધુ મહત્ત્વનું શું હોય છે? પ્રેમ. આપણે ત્યાં ભારતમાં ના, બીજા પણ ત્રણ-ચાર સ્ટેપ્સ હોય છે.'
'દીકરીના પરિવારને દીકરા માટે પ્રેમ હોવો જોઈએ અને દીકરાના પરિવારને દીકરી માટે. આ બધું કર્યા પછી જો થોડો પ્રેમ બચે તો છોકરા-છોકરીનાં લગ્ન થઈ શકે.'
આ ડાયલૉગ માત્ર બૉલીવૂડ ફિલ્મોનો જ ભાગ નથી પણ દર્શાવે છે કે ભારતીય સમાજમાં ખરેખર લગ્ન કઈ રીતે થાય છે. લગ્ન માત્ર લગ્ન નથી પણ એ સામાજિક તાણા-વાણાનો એક ભાગ હોય છે.
લગ્ન જ દર્શાવે છે કે કોઈ એક સમાજનું સંચાલન કઈ રીતે થાય છે. જો લગ્નોને સામાજિક અને મનોવૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો ઘણી અગત્યની બાબતો સામે આવશે.
બદલાતા સામાજિક-સાંસ્કૃતિક ઢાંચા સાથે લગ્નો પણ બદલાય છે. લગ્નોનોની રીત બદલાઈ રહી છે. આવું સંયુક્ત રાષ્ટ્રનો તાજેતરનો અહેવાલ જણાવે છે.
યુએન વીમેન દ્વારા તાજેતરમાં જ એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેનું નામ છે, 'પ્રોગ્રેસ ઑફ વર્લ્ડ્સ વીમેન 2019-2020: ફૅમિલીઝ ઇન ચૅન્જિંગ વર્લ્ડ'.
આ અહેવાલમાં ભારતીય સમાજ અને મહિલાઓ વિશે ઘણી રસપ્રદ બાબતો સામે આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સેમી અરેન્જ્ડ મૅરેજ

ઇમેજ સ્રોત, 2 states/facebook
ભારતમાં હજુ પણ અરેન્જ્ડ મૅરેજનું મહત્ત્વ છે પરંતુ ધીરે ધીરે તેનું સ્થાન સેમી અરેન્જ્ડ મૅરેજ લઈ રહ્યાં છે. પરંતુ આ સેમી અરેન્જ્ડ મૅરેજ શું છે?
'સેમી અરેન્જ્ડ મૅરેજ' એવાં લગ્ન છે જેમાં પરિવારની પસંદગી તો માતાપિતા જ કરે છે પણ જો છોકરીને ન ગમે તો તે ના પાડી શકે છે.
ભવિષ્યના સંબંધીઓની પસંદગી કરતી વખતે તેઓ છોકરાનો ધર્મ, જાતિ અને આર્થિક-સામાજિક બાબતોને પણ ધ્યાનમાં રાખે છે.
આ લગ્નોમાં છોકરી પાસે ના પાડવાનો અધિકાર હોય છે. જો છોકરીને માતાપિતાની પસંદગી સાથે કોઈ વાંધો હોય તો તે ઇનકાર કરી શકે છે.
અંતિમ નિર્ણય છોકરીનો હોય. તે માતાપિતાને અન્ય વિકલ્પો માટે કહી શકે છે.
અહેવાલ મુજબ જે છોકરીઓનાં સેમી અરેન્જ્ડ મૅરેજ થાય છે તે છોકરીઓની લગ્ન બાદ બાળકોના ઉછેર, ફૅમિલી પ્લાનિંગ અને ઘર ખર્ચ સાથે જોડેલા નિર્ણયો લેવાની શક્યતા વધી જાય છે. એટલું જ નહીં, આવાં લગ્નોમાં મહિલાઓ સાથે ઘરેલુ હિંસાની શક્યતા પણ ઓછી થઈ જાય છે.

'લવ કમ અરેન્જ્ડ મૅરેજથી 'સેમી અરેન્જ્ડ મૅરેજ' કઈ રીતે અલગ છે?'

ઇમેજ સ્રોત, Getty Images
યૂએન વીમેન સાથે સંકળાયેલા નિષ્ઠા સત્યમે બીબીસીને જણાવ્યું, "લવ કમ અરેન્જ્ડ મૅરેજ ભારત અને દક્ષિણ એશિયાનું ચલણ છે."
"છોકરી પોતાની ઇચ્છાથી પાર્ટનર પસંદ કરે છે અને પરિવાર સાથે મળાવે છે. પછી પરિવાર ખુશીથી તેનાં લગ્નનું આયોજન કરે છે."
નિષ્ઠા આ અહેવાલ તૈયાર કરનાર સભ્યોમાંનાં એક છે.
તેઓ કહે છે, "લવ કમ અરેન્જ્ડ મૅરેજમાં છોકરીઓની પસંદની સીમા વધુ મોટી હોય છે."
"તેઓ એવા પાર્ટનર પણ પસંદ કરી શકે છે જે તેમના જાતિ-ધર્મ કે આર્થિક સામાજિક બાબતો સાથે બંધ બેસતા ન હોય."
"જોકે, એનો અર્થ એવો નથી કે ભારતીય સમાજમાં અરેન્જ્ડ મૅરેજનું ચલણ ઓછું થઈ ગયું છે."
"હજુ પણ ભારતમાં મોટી સંખ્યામાં અરેન્જ્ડ મૅરેજ થાય છે. આજે પણ એવી છોકરીઓનો એક મોટો વર્ગ એવો છે જેને પોતાના જીવન સાથી પસંદ કરવાની છૂટ નથી."
"બીજી તરફ લગ્નને સંપૂર્ણ રીતે નકારવાનો કે અસ્વીકાર કરવાનો વિકલ્પ હજુ ઘણી ઓછી છોકરીઓ પાસે છે, એક ટકાથી પણ ઓછી છોકરીઓ પાસે."

ઇમેજ સ્રોત, Getty Images
દહેજ- ગેરકાયદેસર અને દંડનીય અપરાધ જાહેર કર્યો હોવા છતાં ભારતમાં દહેજ આજે પણ લગ્નનો એક ભાગ છે. આ અહેવાલમાં દહેજ લેનારા મુખ્યત્વે લગ્ન કરનારા યુવાનો જ હોય છે. ત્યાર બાદ વરનાં માતા એટલે કે સાસુની દહેજ માગવાની ફરિયાદ સૌથી વધુ હોય છે. આ અહેવાલ કહે છે કે દહેજનો સંબંધ સીધો ઘરેલુ હિંસા સાથે છે.
જે છોકરીઓના માતાૃપિતા વર પક્ષને મો માંગ્યો દહેજ ન આપી શકે તેમની સાથે હિંસાની શક્યતાઓ વધી જાય છે.
છૂટાછેડા - અહેવાલ જણાવે છે કે છેલ્લા બે દાયકામાં ભારતમાં થનારા છૂટાછેડાની સંખ્યામાં લગભગ બમણો વધારો થયો છે. પરંતુ માત્ર 1.1 ટકા મહિલો એવી છે જેમણે કાયદેસર રીતે છૂટાછેડા લીધા છે. તેમાં મોટી સંખ્યા શહેરી મહિલાઓની છે.
અહેવાલ અનુસાર જો મહિલાઓ પાસે કોઈ સંપત્તિ કે આર્થિક સ્રોત હોય તો તેની હિંસક સંબંધમાંથી બહાર આવવાની શક્યતા વધી જાય છે. અહેવાલ મુજબ ભારતમાં સિંગલ પૅરન્ટ મહિલાઓની સંખ્યા પણ વધી છે જેમાં મોટા ભાગે શહેરી મહિલાઓ છે.
નોકરી કરતી મહિલાઓની સંખ્યામાં ઘટાડો- અહેવાલો મુજબ સકારત્મક આર્થિક વિકાસ છતાં ભારતમાં નોકરી કરતી મહિલાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. એટલે કે તેમનું લેબર ફૉર્સ પાર્ટિસિપેશન ઘટ્યું છે. ચીનમાં પણ લગભગ આ જ સ્થિતિ છે.

સ્ત્રીઓની સ્થિતિ કેટલી બદલાઈ?

ઇમેજ સ્રોત, Getty Images
યુએન વીમેન સાથે જોડાયેલા નિષ્ઠા સત્યમનું માનવું છે કે રિપોર્ટ ભારતીય મહિલાઓની સ્થિતિમાં મિશ્ર બદલાવ દર્શાવે છે. નિષ્ઠા ભારત, શ્રીલંકા, ભૂતાન અને માલદીવમાં યુએન વીમેનના 'ડેપ્યુટી કંટ્રી રિપ્રેઝન્ટેટિવ' છે.
નિષ્ઠા કહે છે, "જો આપણે સેમી અરેન્જ્ડ મૅરેજ જોઈએ તો તેમાં છોકરી પાસે ના પાડવાનો અધિકાર છે પણ તે ક્યા સુધી ના પાડશે, એ અંગે કોઈ સ્પષ્ટતા નથી. તેને ક્યારે હા પાડવી પડે તે કહી શકાય નહીં."
"તેની પાસે વિકલ્પો પણ મર્યાદીત છે. તેનાં માતાપિતા તેના માટે જે છોકરાને યોગ્ય સમજતા હોય, તેમાંથી જ કોઈ એકને તેણે પસંદ કરવો પડશે."
"બીજી તરફ એવું પણ છે કે જે છોકરીઓ પાસે કોઈ વિકલ્પ જ નથી હોતો તેના કરતાં તો સેમી અરેન્જ્ડ મૅરેજ વધારે યોગ્ય છે."
લેબર ફૉર્સમાં મહિલાઓના ઘટતાં પ્રદાનને નિષ્ઠા બે રીતે જુએ છે. તેમણે કહ્યું, "આ નિરાશાજનક છે જરૂર છે કે હાલ જેટલી ઉચ્ચ શિક્ષણ મેળવતી છોકરીઓની સંખ્યા વધી છે, તેટલી જ નોકરી છોકરી છોડતી મહિલાઓની સંખ્યા પણ વધી છે."
"જોકે, તેનું એક બીજું પાસું પણ છે, હવે મહિલાઓ નાની-મોટી નોકરીઓ કરવા માગતી નથી. તેઓ પોતાની યોગ્યતા મુજબ સારા વેતન સાથે અલગ-અલગ ક્ષેત્રોમાં કામ કરવા માગે છે. તેઓ કારકિર્દી બાબતે કોઈ સમાધાન કરવા માગતા નથી. એ એક હકારાત્મક બાબત છે."
નિષ્ઠા કહે છે, "ઘણી વખત મને છૂટાછેડાના સંદર્ભે પૂછવામાં આવે છે કે શું તેના માટે છોકરીઓનું આત્મનિર્ભર હોવું જવાબદાર છે?"
"મને લાગે છે કે એ કમનસીબ બાબત છે આપણા મનમાં આવા વિચાર માટે પણ સ્થાન છે."
"આપણે આપણી જાતને સવાલ પૂછવો પડશે કે જે પરિવાર મહિલાઓ સાથે થતી હિંસા અને બળજબરીના આધારે ઊભો હોય તેને પરિવાર પણ કહી શકાય કે નહીં?"
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












