રાજ્યસભાની ગુજરાતની બેઠકો માટે ભાજપે જાહેર કરેલા ઉમેદવારો કોણ છે?

ગુજરાતમાં આવનારા દિવસોમાં 5 જુલાઈના રોજ થનારી રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના બંને ઉમેદવારોએ 25 જૂનના રોજ ફૉર્મ ભર્યાં છે.

ગુજરાતમાંથી ભાજપે વિદેશ મંત્રી એસ. જયશંકર અને જુગલજી માથુરજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે.

અમિત શાહ અને સ્મૃતિ ઈરાની આ પહેલાં ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્યો હતાં. જોકે, લોકસભાની ચૂંટણીમાં બંને વિજયી થતાં આ બેઠકો ખાલી પડી હતી.

જે બાદ આ ખાલી પડેલી જગ્યાઓ પર પેટાચૂંટણી યોજવાની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

કોણ છે વિદેશ મંત્રી એસ. જયશંકર?

જયશંકર 24 જૂનના રોજ ભાજપમાં જોડાયા હતા અને કલાકોમાં જ તેમનું નામ જાહેર કરી દેવામાં આવ્યું. તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા ન હતા એટલે તેમને રાજ્યસભાની ટિકિટ આપીને સંસદમાં લાવવામાં આવશે તે પહેલાંથી જ નક્કી હતું.

જયશંકરે દિલ્હીની સૅન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી રાજનીતિ વિજ્ઞાનમાં એમ.ફીલ અને જેએનયૂથી પીએચડી કર્યું છે. તેમણે પરમાણુ કૂટનીતિમાં પણ વિશેષજ્ઞતા પ્રાપ્ત કરી છે.

આંતરરાષ્ટ્રીય પોલિટિક્સમાં જયશંકરની કરિયર એક રાજદૂતના રૂપમાં રહી છે. વિદેશસેવાના તેઓ 1977 બેચના અધિકારી છે અને તેમની પહેલી પોસ્ટિંગ રશિયા ખાતે ભારતીય દૂતાવાસમાં થઈ હતી.

તેઓ તત્કાલીન રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્માના પ્રેસ સચિવ પણ રહી ચૂક્યા છે.

બાદમાં તેઓ વિદેશ મંત્રાલયમાં અન્ડર સેક્રેટરી રહ્યા. અમેરિકામાં ભારતના પ્રથમ સચિવ પણ રહ્યા. તેઓએ શ્રીલંકામાં ભારતીય સેનાના રાજનીતિજ્ઞ સલાહકાર તરીકે પણ કામ કર્યું છે.

એ પછી તેમણે ટોક્યો અને ચેક રિપબ્લિકમાં ભારતના રાજદૂતનું પદ સંભાળ્યું. તેઓ ચીનમાં પણ ભારતીય રાજદૂત રહી ચૂક્યા છે.

ચીન સાથે વાતચીતના માધ્યમથી ડોકલામ ગતિરોધને હલ કરવામાં જયશંકરની મોટી ભૂમિકા માનવામાં આવે છે.

જયશંકરે ભારત-અમેરિકા અસૈન્ય પરમાણુ કરાર પર વાતચીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આ વર્ષે જ પદ્મશ્રીથી સન્માનિત ભારતીય વિદેશ સેવાના વરિષ્ઠ અધિકારી જયશંકરે વિદેશ સચિવ તરીકે પણ સેવા આપી છે.

કોણ છે જુગલજી ઠાકોર?

ભાજપે એસ. જયશંકર સાથે રાજ્યસભાની બીજી ટિકિટ જુગલજી ઠાકોરને આપી છે.

જુગલજી ઠાકોર હાલ ભાજપના બક્ષીપંચ મોર્ચાના પ્રદેશ મંત્રી છે. તેઓ આ પહેલાં ભાજપમાં જિલ્લા સ્તરે વિવિધ હોદાઓ પર રહી ચૂક્યા છે.

પ્રશાંત વાળાના જણાવ્યા પ્રમાણે તેઓ લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા છે અને કર્મનિષ્ઠ કાર્યકર્તા છે.

વાળાના કહેવા મુજબ તેમના પિતા વર્ષો પહેલાં કૉંગ્રેસમાં હતા અને ઠાકોર સમાજમાં 'ભામાશા' તરીકે ઓળખાતા હતા.

તેમના પિતા મથુરજીનો ઠાકોર સમાજ પર પ્રભાવ હતો અને અન્ય સમાજો પર પણ તેમની સારી પકડ હતી.

ગુજરાતની રાજ્યસભા ચૂંટણી મામલે વિવાદ

સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પર પેટાચૂંટણી અલગ યોજવા મામલે ચૂંટણીપંચને નોટિસ ફટકારી છે. આ મામલે ગુજરાત કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

વકીલ વરુણ ચોપરા દ્વારા દાખલ કરાયેલી અરજીમાં માગ કરવામાં આવી હતી કે અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં ચૂંટાયા બાદ ખાલી પડેલી જગ્યા પર ચૂંટણીપંચ જલદી અને એકસાથે મતદાન કરાવે.

આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પોલ પેનલે રાજ્યમાં ખાલી પડેલી જગ્યાઓને 'વૈધાનિક ખાલી જગ્યાઓ' ગણવાને બદલે 'આકસ્મિક ખાલી જગ્યાઓ' ગણી હતી જે રેપ્રિઝેન્ટેશન ઑફ પીપલ્સ ઍક્ટનું ઉલ્લંઘન છે.

અમિત શાહ ગાંધીનગર બેઠકથી ચૂંટાઈને લોકસભામાં ગયા, બીજી તરફ સ્મૃતિ ઈરાની કૉંગ્રેસનો ગઢ મનાતી અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધીને હરાવીને લોકસભામાં પહોંચ્યાં.

બન્નેએ રાજ્યસભામાં રાજીનામાં આપ્યાં એ સાથે ખાલી બેઠકો પર યોજાનાર પેટાચૂંટણીનું ગણિત ગોઠવવામાં બન્ને પક્ષો લાગી ગયા છે.

રાજ્યસભાની બે બેઠકો માટે બે અલગ દિવસે ચૂંટણી યોજવા સંદર્ભે કૉંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો અને આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો