મહિલાઓનાં મતો નરેન્દ્ર મોદીની જીત માટે આ રીતે નિર્ણાયક બન્યાં

    • લેેખક, પ્રોફેસર સંજય કુમાર
    • પદ, CSDSના નિદેશક

2019ની લોકસભા ચૂંટણીને જોવાના ઘણા બધા દૃષ્ટિકોણ છે, પરંતુ કેટલાંક વિશેષજ્ઞો ભાજપની મોટી જીત પાછળ મહિલા મતદારોનાં સમર્થનને મોટું કારણ માને છે.

ઘણાં લોકોનું માનવું છે કે મહિલાઓએ આ ચૂંટણીમાં ન માત્ર મોટી ભૂમિકા નિભાવી, પરંતુ મોટી સંખ્યામાં ભાજપને સમર્થન પણ આપ્યું છે.

મોદી સરકારની લોકપ્રિય ઉજ્જવલા યોજનાથી મોટાપાયે ગ્રામીણ મહિલાઓને ગૅસ સિલિન્ડર મળ્યા અને કેટલાંક વિશેષજ્ઞો માને છે કે આ કારણોસર મહિલાઓમાં ભાજપનું સમર્થન વધ્યું.

તમે આ વાંચ્યું કે નહીં?

ભાજપના મહિલા- પુરુષ મતદારોમાં સંખ્યાનું અંતર ઘટ્યું

ચૂંટણી બાદ CSDS (સેન્ટર ફૉર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટી)ના સર્વેક્ષણથી અનુમાન મળે છે કે ઉજ્જ્વલા યોજનાનો ફાયદો 34% પરિવારોને થયો છે અને તેમાંથી મોટી સંખ્યામાં લોકો જાણતા હતા કે આ યોજના મોદી સરકાર ચલાવી રહી છે.

આ કારણોસર મહિલાઓ પહેલા કરતાં વધારે સંખ્યામાં મત આપવા પહોંચી હોય એવું બની શકે છે.

જોકે, યોજનાઓનો ફાયદો લેતા મતદારો હંમેશાં સત્તાધારી પાર્ટીને જ મત આપે છે એવું ચોક્કસપણે એમ માની શકાતું નથી.

ચૂંટણી બાદ CSDS તરફથી કરવામાં આવેલા સર્વેક્ષણ એવો સંકેત આપે છે કે ભાજપના મહિલા અને પુરુષ મતદારોની સંખ્યાનું અંતર ઘટ્યું છે પરંતુ ભાજપ હજુ પણ મહિલાઓ કરતાં પુરુષો વચ્ચે જ વધારે લોકપ્રિય છે.

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો વોટશૅર 37 ટકા હતો તેમાં મહિલા મતદારોની 36 ટકા હતી, જ્યારે 39% પુરુષ મતદારોએ ભાજપને મત આપ્યો હતો.

જોકે, આ માત્ર આ ચૂંટણીની વાત નથી. ભાજપ હંમેશાં મહિલાઓ કરતાં પુરુષ મતદારો વચ્ચે વધારે લોકપ્રિય રહ્યો છે.

2004 બાદ યોજાયેલી લોકસભા ચૂંટણીના આંકડા પણ એ જ તરફ ઇશારો કરે છે.

આ ટ્રૅન્ડ ઘણા પ્રદેશોમાં દેખાય છે પરંતુ કેટલાંક પ્રદેશ અપવાદ ચોક્કસ છે.

ગુજરાત, કર્ણાટક, આસામ અને ઉત્તર પ્રદેશમાં ભાજપને પુરુષોની સરખામણીએ મહિલાઓનાં મત વધારે મળ્યા.

પરંતુ ભાજપનો પ્રભાવ ધરાવતા બાકી બધા પ્રદેશોમાં ભાજપને મત આપવામાં પુરુષોની સંખ્યા વધારે હતી.

મહિલાઓનાં મતદાનમાં સામાન્યપણે બરાબર વહેંચણી જોવા મળે છે જેમાં કોઈ પાર્ટી કે પક્ષ કે વિરોધમાં વલણ દેખાતું નથી. પરંતુ પશ્ચિમ બંગાળ એક અપવાદ છે કે જ્યાં મહિલાઓ બીજા પક્ષોની સરખામણીએ મમતા બેનરજીને વધારે પસંદ કરે છે.

મહિલાઓની ભાગીદારીની રીત બદલાઈ

મહિલાઓની વોટિંગ પેટર્ન 2019ની ચૂંટણીમાં પણ પહેલા જેવી જ રહી. પરંતુ લોકોનું ધ્યાન એ તરફ જવું જોઈએ કે આ ચૂંટણીમાં મહિલાઓની ચૂંટણીમાં ભાગીદારીની રીતમાં મોટો ફેરફાર નોંધાયો છે.

એ વાત મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલી લોકસભા ચૂંટણી છે કે જેમાં મહિલાઓ અને પુરુષોએ સમાન મતદાન કર્યું છે.

મહિલાઓ અને પુરુષ, બન્નેને એકસાથે મતાધિકાર મળ્યો હતો પરંતુ ચૂંટણીમાં મહિલાઓમાં મતદાનની ટકાવારી પુરુષોની સરખામણીએ ઓછી જ રહેતી હતી.

સ્વતંત્રતા બાદ કેટલીક લોકસભા ચૂંટણીઓમાં બન્ને વચ્ચે મતદાનની ટકાવારીનું અંતર 12-14% સુધી હતું.

2004ની ચૂંટણી સુધી આ આંકડો 9-10% પર પહોંચી ગયો હતો.

2009માં તેમાં ચાર ટકાનો ઘટાડો થયો અને 2014માં આ અંતર માત્ર 1.6 ટકા રહી ગયું. જ્યારે 2019માં પુરુષ અને મહિલા મતદારોનો આંકડો એક સમાન થઈ ગયો.

મહત્ત્વની વાત એ છે કે ઘણાં પ્રદેશ એવા પણ છે કે જ્યાં મહિલાઓએ પુરુષો કરતાં વધારે મતદાન કર્યું છે.

ઉદાહરણ તરીકે અરુણાચલ પ્રદેશ, બિહાર, ગોવા, હિમાચલ પ્રદેશ, કેરળ, મણિપુર, મેઘાલય, નાગાલૅન્ડ, ઓડિશા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઉત્તરાખંડ આવા જ પ્રદેશ છે.

એટલું જ નહીં, વર્તમાન લોકસભામાં 78 મહિલા સાંસદ ચૂંટાઈ છે જે અત્યાર સુધીના ઇતિહાસમાં સર્વાધિક છે.

2019ની લોકસભા ચૂંટણીમાં આ વાતો ખૂબ મહત્ત્વની અને સકારાત્મક છે. જોકે, સંસદમાં મહિલાઓના પ્રતિનિધિત્વનાં સવાલ પર આપણે હજુ આગળ વધવાનું બાકી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો