You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
13મી વખત ઈડી ઑફિસ જઈ રહ્યો છું, 80 કલાક જવાબો આપ્યાં છે : રૉબર્ટ વાડ્રા
કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડ્રાને છ અઠવાડિયા માટે વિદેશ જવાની દિલ્હીની અદાલતે પરવાનગી આપી છે. આજે રૉબર્ટ વાડ્રાએ પોતાની ફેસબુક પર લખ્યું કે 13મી વખત ઈડી ઑફિસ જઈ રહ્યો છું અને લગભગ 80 કલાક દરેક સવાલના જવાબ આપ્યાં છે.
રૉબર્ટ વાડ્રાએ મીડિયાના ડ્રામા સિવાય તપાસ આગળ ચાલવા દેવા અને સત્યને બહાર આવવા દેવા વિનંતી કરી હતી.
એમણે કહ્યું કે મારું જીવન અલગ છે અને મેં એક દાયકા સુધી પાયાવિહોણા આરોપોનો સામનો કર્યો છે. આમાં મે મારા આરોગ્ય સાથે લાપરવાહી રાખી છે. હું મારો સમય એવા લોકો સાથે વિતાવું છું જેમને જરૂરિયાત છે, જે બીમાર છે અને દેખી નથી શકતા. અનાથ બાળકોના મોં પર જે હાસ્ય રેલાય છે એનાંથી મને તાકાત મળે છે.
આગળ એમણે કહ્યું કે શારીરિક સ્થિતિ બદલાય છે પરંતુ દિમાગ નથી બદલાતું. હું સત્ય પર અડગ છું અને તે મારા તરફથી આવનારા સમયમાં એક કિતાબ તરીકે હશે જે દુનિયા સમક્ષ મારો દષ્ટિકોણ સ્પષ્ટ કરશે.
ગઈકાલે રૉબર્ટ વાડ્રાને આ પરવાનગી આરોગ્યના કારણોસર આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રૉબર્ટ વાડ્રાની લંડનની સંપત્તિ સહિતના મામલે તપાસ ચાલી રહી છે.
લોકસભાની ચૂંટણી અગાઉ અનેક વખત અધિકારીઓ એમની તપાસ કરી ચૂકયા છે.
લોકસભાની ચૂંટણી અગાઉ ઍન્ફોર્સમૅન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અનેકવિધ સ્થળોએ એમની સામે તપાસ કરવામાં આવી હતી અને અદાલતે એમને આગોતરા જામીન પણ આપ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બિકાનેર, હરિયાણા વગેરે અનેક કેસમાં રૉબર્ટ વાડ્રાની ઘણી વખત ઈડીની ઑફિસમાં પૂછપરછ પણ થઈ છે.
અગાઉ જ્યારે તપાસ થઈ ત્યારે રૉબર્ટ વાડ્રાએ કહ્યું હતું કે સત્યની જીત થશે. રૉબર્ટ વાડ્રાએ આરોપોને ઘણી વખત ફગાવી દીધા છે.
તેમનું કહેવું છે કે બધા જ મામલા ભાજપની સરકારના દબાણમાં રાજકારણથી પ્રેરિત થઈને ચલાવવામાં આવી રહ્યા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
વાડ્રા પર શું છે કેસ?
લંડનમાં કથિત રુપે ઘર ખરીદવા મામલે વાડ્રા પર મની લૉન્ડરીંગનો મામલો ચાલી રહ્યો છે.
ઈડીએ કૉર્ટમાં કહ્યું છે કે વાડ્રા સાથે જોડાયેલી ઘણી સંપત્તિઓ લંડનમાં છે. ઈડીનું કહેવું છે કે લંડનમાં વાડ્રાનાં બે ઘરની સાથે છ અન્ય ફ્લેટ્સ પણ છે.
લંડનમાં ઘર ખરીદવા સિવાય વાડ્રા પર બીજા પણ કેટલાક કેસ ચાલી રહ્યા છે.
ઈડીનો આરોપ હતો કે રૉબર્ટ વાડ્રાની માલિકી ધરાવતી કંપની સ્કાયલાઇટ્સ હૉસ્પિટાલિટીએ બીકાનેર સ્થિત જમીન પર કબજો મેળવ્યો હતો.
આ જમીન ગરીબ ગ્રામીણોનાં પુનઃ સ્થાપન માટે હતી.
એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે રૉબર્ટ વાડ્રાએ 69.55 હૅક્ટર જમીન ખૂબ જ સસ્તા ભાવે ખરીદી હતી અને તેને 5.15 કરોડ રૂપિયામાં ગેરકાયદેસર લેણદેણ કરીને વેચી નાખી હતી.
ઍન્ફોર્સમૅન્ટ ડિરેક્ટોરેટની માહિતી પ્રમાણે જે કંપનીને રૉબર્ટ વાડ્રાએ જમીન વેચી હતી તેના પણ શૅરહોલ્ડર બોગસ હોવાનું બહાર આવ્યું હતું.
ઈડીનો એવો પણ દાવો છે કે વાડ્રા અને તેમના સહયોગીઓને 2009માં થયેલી પેટ્રોલિયમ ડીલથી પણ પૈસા મળ્યા હતા. આ ડીલ પર વર્ષ 2009માં UPAના શાસનકાળ દરમિયાન હસ્તાક્ષર થયા હતા.
ભાજપનો આરોપ છે કે આ કરારે રૉબર્ટ વાડ્રાએ ખૂબ ફાયદો કરી આપ્યો અને તેનાથી મળેલા પૈસાથી તેમણે લંડનમાં કરોડોની સંપત્તિ ખરીદી હતી.
રૉબર્ટ વાડ્રા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપિન્દર સિંહ હુડા વિરુદ્ધ એ આરોપસર FIR નોંધવામાં આવી હતી કે તેમણે ગુડગાંવમાં જમીનની લેણદેણમાં કૌભાંડ કર્યાં છે.
વાડ્રા પર આરોપ છે કે તેમની કંપની સ્કાયલાઇટ્સ હૉસ્પિટાલિટીએ વર્ષ 2008માં 3.5 એકર જમીન રિયલ એસ્ટેટ કંપની ડીએલએફને ઊંચા ભાવે વેચી હતી.
મહત્ત્વનું છે કે આ બધા જ કેસમાં રૉબર્ટ વાડ્રાએ પોતાના પર લાગેલા આરોપ ફગાવ્યા છે અને તેમણે તપાસ એજન્સીઓ પર ભાજપના ઇશારે ચાલવાનો આરોપ લગાવ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો