કૉંગ્રેસનાં સોશિયલ મીડિયા હેડ દિવ્યા સ્પંદના ટ્વિટર પરથી ગાયબ

કૉંગ્રેસનાં સોશિયલ મીડિયા હેડ દિવ્યા સ્પંદનાએ સંભવત: ટ્વિટર છોડી દીધું છે. તેમના પ્રોફાઇલ પેજ પર દેખાય છે કે 'આ એકાઉન્ટ અસ્તિત્વમાં નથી.'
આ મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. સાથે જ એવા પણ કયાસ લગાવાઈ રહ્યા છે કે દિવ્યાએ કૉંગ્રેસ તો નથી છોડી દીધી ને?
આ સિવાય દિવ્યાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડિઍક્ટિવેટ થઈ ગયું છે. જોકે, સત્તાવાર રીતે કૉંગ્રેસે આની પુષ્ટિ નથી કરી.
સમાચાર એજન્સી એએનઆઈ મુજબ તેમણે દિવ્યાને આ અંગે સવાલ કર્યો હતો. પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું હતું કે 'તમારા સ્રોત ખોટા છે.'
બીજી તરફ દિવ્યા ફેસબુક અને લિંક્ડઇન પર સક્રિય છે જેમાં તેઓ કૉંગ્રેસ સાથે જાડાયેલાં જોવા મળે છે.

નંદા દેવી પર્વતથી ચાર પર્વતારોહકોનો બચાવ

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તરાખંડના પિઠોરાગઢ જિલ્લામાં નંદા દેવી પર્વતની પૂર્વની ટોચ પરથી 12 વિદેશી પર્વતારોહકોનું દળ લાપતા થઈ ગયું હતું જેમાંથી લોકોને બચાવી લેવાયા છે.
ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ની ટીમ હજુ બાકી લોકોની શોધખોળ કરી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બચાવી લેવાયેલા પર્વતારોહકોમાં યૂકેના 32 વર્ષના ઝેકરી ક્વેન, કેટ આર્મ્સ્ટ્રો, ઈઆન વેડ અને માર્ક ટાઓમસ છે.
આ દળમાં સાત વિદેશી અને એક ભારતીય નાગરિક હતા. વિદેશીઓમાં બ્રિટન, અમેરિકા અને ઑસ્ટ્રેલિયાના નાગરિકો સામેલ છે.
જ્યારે આઠમા વ્યક્તિ ભારતીય પર્વતારોહક સંસ્થાના એક અધિકારી છે. સમાચારો અનુસાર આ દળ 13 મેના રોજ મુનસ્યારીથી નીકળ્યું હતું. તેમણે 7434 મિટરનું ચઢાણ પૂરું કર્યા બાદ શુક્રવારે રાત સુધીમાં બેઝ કૅમ્પ પરત ફરવાનું હતું.
આ દળને પરત આવવામાં મોડું થયા બાદ બેઝ કૅમ્પના અધિકારીઓએ પિઠોરાગઢ જિલ્લા વહિવટી તંત્રને આ પર્વતારોહકાના લાપતા થયા હોવાની જાણ કરી હતી. ત્યાર બાદ તેમને શોધવા માટે ટૂકડીઓ મોકલવામાં આવી પરંતુ હજુ સુધી તેમને કોઈ સફળતા મળી નથી.

ભાજપ મમતા બેનરજીને જય શ્રી રામ લખેલાં દસ લાખ પોસ્ટકાર્ડ્સ મોકલશે

ઇમેજ સ્રોત, PTI
ભાજપ પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીને જય શ્રી રામ લખેલા 10 લાખ પોસ્ટકાર્ડ્સ મોકલશે.
શનિવારે પશ્ચિમ બંગાળના કંચરાપરામાં જે રસ્તા પરથી તૃણમૂલનો કાફલો પસાર થવાનો હતો, તે જ માર્ગ પર ભાજપના કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.
લોકોએ રસ્તા પરથી હઠવાનો ઇનકાર કરતાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ત્યાર બાદ કેટલાક યુવા કાર્યકરો તૃણમૂલ છાત્ર પરિષદના પ્રમુખ ત્રિણંકુર ભટ્ટાચાર્યાની ગાડી પાસે દોડી ગયા અને તેના પર પ્રહાર કર્યા, તેથી પોલીસે ફરી લાઠીચાર્જ કર્યો. જેના પરિણામે કેટલાક ટોળાએ કંચરાપરાના સ્ટેશનનો ઘેરાવો કરીને કેટલીક ગાડી પણ રોકી હતી.
આ સ્થિતિમાં પશ્ચિમ બંગાળના ભાજપના નવા ચૂંટાયેલા સભ્ય અર્જુન સિંહે જય શ્રી રામ લખેલાં દસ લાખ પોસ્ટ કાર્ડ મુખ્યમંત્રી મમતા બેનરજીને મોકલવાનો નિર્ણય લીધો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ટીએમસીના કાર્યકરો ઉત્તર વિસ્તારના 24 જિલ્લાની આગામી યોજના નક્કી કરવા માટે કંચરાપરામાં મળ્યા હતા.

ભીષણ ગરમીએ તોડ્યા રેકર્ડ્ઝ, ગરમીનો પારો આસમાન પર

ઇમેજ સ્રોત, Getty Images
દેશની રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં કાળઝાળ ગરમી અને લૂના કારણે લોકોની સ્થિતિ ખરાબ છે.
અલાહાબાદ, દિલ્હી, જયપુર, લખનઉ સહિતના શહેરોમાં પારો 45 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.
દિલ્હીમાં શુક્રવારનો દિવસ મોસમનોનો સૌથી ગરમ દિવસ રહ્યો, જ્યારે હવામાન વિભાગે શહેરમાં 47 ડિગ્રી તાપમાન નોંધ્યું હતું.
જો કે શનિવારે આ તાપમાનમાં થોડો ઘટાડો થયો પણ બે દિવસ સુધી પારો 45 ડિગ્રીની આસપાસ રહેશે.
દક્ષિણ ભારત પણ પ્રચંડ ગરમીના પ્રકોપથી બચી શક્યું નથી. તેલંગણા, આંધ્રપ્રદેશ, કેરલ, પોંડિચેરી, તમિલનાડુના ઘણા વિસ્તારોમાં પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.
મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારની સ્થિતિ કપરી છે. હવામાનની જાણકારી આપતી એક વેબસાઇટ અલ ડોરાડો મુજબ સમગ્ર દુનિયામાં એપ્રિલના અંતમાં સૌથી ગરમ 15 શહેરોમાં મધ્ય ભારતના શહેરો હતાં.
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં તાપમાન 48 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું જ્યારે મે મહિનાના અંતમાં બ્રાહ્મપુરીમાં તાપમાન 47.8 ડિગ્રી હતું.
મધ્ય ભારતમાં હજૂ પણ લૂનો પ્રકોપ યથાવત છે. રાજસ્થાનમાં પણ ગરમીના કારણે જનજીવન પર અસર પડી છે, ત્યાં બિકાનેરમાં સૌથી વધુ 45.6 ડિગ્રી તાપનમાન નોંધાયુ છે.
તે ઉપરાંત ગંગાનગર, જેસલમેર અને કોટામાં પણ 45 ડિગ્રી જેટલું તાપમાન રહ્યુ છે. જેસલમેરમાં પારો 49.6 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. 1944નાં વર્ષમાં અહીં સૌથી વધુ તાપમાન 49.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
ભારતીય હવામાન વિભાગ મુજબ તાપમાન હજુ વધી શકે છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ શક્યતા છે.
હવામાન વિભાગના આંકડા મુજબ 1961થી 2018 વચ્ચે તાપમાનમાં નાટકીય રીતે (લગભગ 0.8 ડિગ્રી સેલ્સિયસ) વધારો થયો છે. તેમજ ભારતમાં ગરમીના દિવસોમાં પણ વધારો થયો છે.
આ વર્ષે હિલ સ્ટેશન ગણાતા મસૂરીનું તાપમાન પણ 38 ડિગ્રીને પાર કરી ગયું હતું. આ જ સ્થિતિ પુણેની પણ હતી. તેને પણ હિલ સ્ટેશન માનવામાં આવે છે, પરંતુ ત્યાં પણ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. એવું માનવામાં આવે છે કે છેલ્લા 50 વર્ષોમાં પહેલી વખત આવું બન્યું છે.
બેંગલુરુમાં તાપમાન હંમેશા 30 ડિગ્રીથી ઓછુ જ રહેતું હતું પરંતુ ત્યાં પણ આ વખતે 40 ડિગ્રી પહોંચી ગયું છે.

રાહુલ ગાંધીએ કહ્યું, કોઈ સંસ્થા તમારો સાથ નહીં આપે, આ અંગ્રેજકાળ જેવો સમય

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસ પક્ષના નેતા તરીકે ફરી ચૂંટાયેલા સોનિયા ગાંધીએ શનિવારે મળેલી બેઠકમાં રાહુલ ગાંધીના વખાણ કર્યા હતાં અને કહ્યું કે તેઓ બહાદુરીપૂર્વક ચૂંટણી લડ્યા.
ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ મુજબ રાહુલ ગાંધી પાર્ટી પ્રેસિડેન્ટ તરીકેના રાજીનામાને વળગી રહેશે કે ફરી પદ સંભાળશે એ અંગેની ચર્ચાઓ વચ્ચે તેમણે કૉંગ્રેસના સભ્યોને વધુ મોટી લડાઈ માટે તૈયાર રહેવા કહ્યું હતું.
તેમણે કહ્યું, "અંગ્રેજોના સમયની જેમ તેમને દરેક સંસ્થાઓ સામે લડવું પડશે. કૉંગ્રેસના 52 સભ્યોને ઓછા ન આંકવા જોઈએ. તેઓ ભાજપના મજબુત લડત આપશે.
રાહુલ ગાંધીએ સંસદસભ્યોને આક્રમક બનવાની સલાહ આપી કહ્યું કે કૉંગ્રેસ ફરી બેઠી થશે.
સોનિયા ગાંધીએ કહ્યું કે રાહુલ ગાંધીએ પક્ષના પ્રમુખ રહેવું કે નહીં તે કૉંગ્રેસ નક્કી કરશે.

યૂએસ અને ભારત વચ્ચે કરમાં વિવાદ થતાં સ્પેશિયલ ટ્રેડ ટ્રીટમેન્ટ અટકાવી

ઇમેજ સ્રોત, Getty Images
યૂએસના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે આગામી સપ્તાહથી ભારતને વેપારમાં પ્રાધાન્ય આપવાનું અટકાવી દેશે.
યૂએસમાં કેટલાક ઉત્પાદનો ડ્યૂટી ફ્રી વેચી શકવાની યોજનાનો ભારત સૌથી વધુ લાભ લેતો દેશ હતો.
ટ્રમ્પના કહેવા મુજબ બુધવારે ભારતના આ દરજ્જાનો અંત આવી જશે.
માર્ચ મહિનામાં તેમણે કહ્યું હતું કે, ભારત તેના બજારોમાં યોગ્ય તકો ઉપલબ્ધ ન કરાવી શક્યું તેથી આ મુદ્દે પુનઃવિચારણા કરવામાં આવશે, પરંતુ ટ્રમ્પે સમયમર્યાદા વધારી નહીં.
શુક્રવારે તેમણે જાહેર કર્યું, "ભારતનો લાભાર્થી વિકાસશીલ દેશનો દરજ્જો પાછો લેવાનો આ યોગ્ય સમય છે."
જો કે, ભારતે કહ્યું છે કે આ નિર્ણયથી 'બહુ ઓછી આર્થિક અસર' પડશે. પરંતુ હાલ ભારત સૌથી નીચા ગ્રોથ રેકર્ડ અને સૌથી વધુ બેકારીની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે અમેરિકાએ આ નિર્ણય લીધો છે.
આ યોજના અંતર્ગત ભારતને અત્યાર સુધી અમેરિકામાં લગભગ 5.6 બિલિયન ડોલરના ઉત્પાદનો કર વિના નિકાસ કરવાની છૂટ હતી.
ટ્રમ્પના આ નિર્ણયને ભારત સરકારે કમનસીબ ગણાવી ને કહ્યું છે તેઓ રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખી એનો ઉકેલ લાવશે.

કોઈ પણ ભાષા લાદવામાં નહીં આવે : પ્રકાશ જાવડેકર

ઇમેજ સ્રોત, PTI
દક્ષિણ ભારતીય રાજ્યોમાં હિન્દ ભાષા લાગુ કરવાની વાતને લઈને ગઈકાલે છેડાયેલા વિવાદમાં માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ રાજ્ય પર કે વ્યકિત પર કોઈ પણ ભાષા લાદવામાં નહીં આવે.
આ વિવાદ ત્રિભાષીય રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પ્રસ્તાવને લીધે ઉભો થયો છે. દક્ષિણ ભારતના રાજ્યો આને એમના પર હિન્દી લાદવાના પ્રયાસ તરીકે જુએ છે.
ગઈકાલે સોશિયલ મીડિયા પર મોટાપાયે આને વિરોધ થયો હતો. જેને લઈને મંત્રી પ્રકાશ જાવડેકરે ચોખવટ કરી હતી.
પ્રકાશ જાવડેકરે કહ્યું કે આ ફક્ત સમિતિએ આપેલો પ્રસ્તાવ છે અને કોઈ નીતિ નક્કી થઈ નથી. આવી નીતિ ઘડતા અગાઉ તમામના સૂચનો લેવામાં આવશે. કોઈના પણ ઉપર ભાષા લાદવામાં નહીં આવે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












