જ્યારે અજયની ફિલ્મને અડધી જ મૂકીને થિયેટરની બહાર નીકળી ગયા વીરુ દેવગણ

ઇમેજ સ્રોત, Getty Images
બોલીવૂડના અભિનેતા અજય દેવગણના પિતા વીરુ દેવગણનું નિધન થયું છે. વીરુ દેવગણ બોલીવૂડના જાણીતા સ્ટંટ નિર્દેશક હતા.
તેમના નિધનના સમાચાર સામે આવ્યા બાદ બોલીવૂડના કલાકારો સોશિયલ મીડિયા પર પોતાની સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.
અનેક કલાકારો નિધનના સમાચાર સાંભળ્યા બાદ અજય અને કાજોલના ઘરે પહોંચવા લાગ્યા છે.
તાજેતરમાં જ ભાજપની ટિકિટ પરથી સાંસદ બનેલા અને બોલીવૂડના એક સમયના સ્ટાર સની દેઓલ, બોબી દેઓલ, શાહરૂખ ખાન સહિતના કલાકારો હાલ અજયના ઘરે પહોંચ્યા છે.
જાણીતા ફિલ્મવિવેચક તરણ આદર્શે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે વીરુ દેવગણનું અવસાન મુંબઈમાં થયું હતું.
તેમણે લખ્યું, ''વીરુજી ખૂબ જ જાણીતા ઍક્શન ડિરેક્ટર હતા. તેમણે હિંદુસ્તાન કી કસમ ફિલ્મનું પણ ડિરેક્શન કર્યું હતું, જેમાં અજય દેવગણ અને અમિતાભ બચ્ચન હતા.''

ઇમેજ સ્રોત, Getty Images
85 વર્ષની ઉંમરે અવસાન પામેલા વીરુ દેવગણે લગભગ 80થી વધુ ફિલ્મોમાં સ્ટંટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.
પંજાબના અમૃતસરમાં જન્મેલા વીરુ દેવગણે ક્રાંતિ, આજ કા અર્જુન, મિ. નટવરલાલ, મિ. ઇન્ડિયા, શહેનશાહ અને ત્રિદેવ જેવી ફિલ્મોમાં સ્ટંટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતાના પુત્ર અજય દેવગણની સાથે તેમણે ઇશ્ક અને દિલવાલે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
પોતાની કારકિર્દીમાં તેમણે 1999માં હિંદુસ્તાન કી કસમ નામની એક માત્ર ફિલ્મનું ડિરેક્શન કર્યું હતું, જેમાં અજય, અમિતાભ બચ્ચન, મનીષા કોઇરાલા હતાં.
વીરુ દેવગણને બે પુત્રો અજય અને અનિલ તથા એક પુત્રી છે.

જ્યારે વીરુ દેવગણે પુત્ર અજયની ફિલ્મ અધવચ્ચે છોડી દીધી

ઇમેજ સ્રોત, Getty Images
ડેવિડ ધવનના ડિરેક્શનમાં 2011માં રાસ્કલ્સ ફિલ્મ આવી હતી. જેમાં અજય દેવગણ હીરોની ભૂમિકામાં હતા.
અજયની સાથેસાથે આ ફિલ્મમાં સંજય દત્ત, કંગના રનૌત, લિસા હેડન, અર્જુન રામપાલ અને સતીષ કૌશિક જેવા કલાકારો હતા.
વીરુ દેવગણ રાસ્કલ્સ ફિલ્મ જોવા માટે પરિવાર સાથે થિયેટરમાં ગયા હતા.
આ દરમિયાન ફિલ્મમાં કેટલાંક વાંધાજનક દૃશ્યો શરૂ થયાં અને વીરુ દેવગણ ફિલ્મને અધવચ્ચે જ છોડીને નીકળી ગયા હતા.
આ ઘટના બાદ અજય દેવગણે કહ્યું હતું, ''રાસ્કલ્સ ફિલ્મ બાદ મેં એવો નિર્ણય કર્યો છે કે હું કોઈ ડબલ મિનિંગવાળી ફિલ્મ નહીં કરું, જે મારાં બાળકો સાથે બેસીને જોઈ ન શકું."


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












