ગોડસે વિવાદ : જેમને ખૂની સંસ્કૃતિની ભક્તિ કરવી હોય તેમને એ અધિકાર હોવો જોઈએ - તુષાર ગાંધી

તુષાર ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી ગુજરાતી, સંવાદદાતા

સુરતમાં ગોડસેના જન્મદિવસની ઉજવણી અને સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના ગોડસે મહિમામંડન કરતાં નિવેદનની ટીકા કરતાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કહ્યું હતું કે ઉંદર ફૂંક મારી મારીને કરડે અને કરડ્યા પછી મોડેથી ખબર પડે. સાપ સીધો જ કરડે. સાપ કરડે તો કમસેકમ ખબર તો પડી જ જાય કે એ દંશ મારી ગયો છે. એમાં કોઈ ભ્રમ નથી રહેતો.

19 મેએ સુરતમાં ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેનો જન્મદિવસ સુરતમાં ઊજવવામાં આવ્યો હતો. ત્યારબાદ એ કૃત્યની ખૂબ ટીકા થઈ હતી અને એ ઉજવણીમાં સામેલ કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

સુરતમાં ગોડસેની જે ઉજવણી થઈ એ વિશે વાત કરતાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ બીબીસીને કહ્યું હતું, "સુરતમાં જે ઘટના ઘટી એ અજુગતી હોવા છતાં હું તેના પર રોકટોક લાગે એના પક્ષમાં નથી. જેમને ખૂની સંસ્કૃતિની ભક્તિ કરવી હોય તેમને આ અધિકાર હોવો જોઈએ એમ હું માનું છું."

"જેવી જેની પ્રકૃતિ હોય તેવી રીતે વર્તે એની છૂટ સંવિધાને આપી છે. સરકારની રહેમરાહે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે. ગાંધીધિક્કારના આ પ્રકારનાં કૃત્યોને અનઑફિશિયલી સરકારી શેહ મળે છે."

તુષાર ગાંધીએ કહ્યું હતું, "સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું નિવેદન હોય કે સુરતમાં થયેલી નાથુરામ ગોડસેની ઉજવણી હોય, આ પ્રકારના અખતરા સમયાંતરે થતા રહે છે. આ અખતરાઓમાં તેમનો ગાંધીધિક્કાર સપાટી પર આવી જ જાય છે, અને એ ખૂબ સારું છે. એને લીધે કોઈ ભ્રમ નથી રહેતો."

"ઉંદર ફૂંક મારી મારીને કરડે અને કરડ્યા પછી મોડેથી ખબર પડે. સાપ સીધો જ કરડે. સાપ કરડે તો કમસેકમ ખબર તો પડી જ જાય કે એ દંશ મારી ગયો છે. એમાં કોઈ ભ્રમ નથી રહેતો. જો આ સરકાર ફરી શાસનમાં આવશે તો આ પ્રકારની ઘટનાઓ વધશે અને અમને વિરોધ કરવા માટેની સ્પષ્ટતા રહેશે."

એમણે કહ્યું કે સરકારની મીઠી નજર તળે સમાજમાં ગાંધીની સામેના છેડાનો જુદો અભિપ્રાય ઊભો કરવાની પેરવી ચાલે છે. આ એક પદ્ધતિસરની ઝુંબેશ છે. એક ઑરકેસ્ટ્રેડ કૅમ્પેન છે જેને રણનીતિપૂર્વક ચલાવાય છે.

line

સગવડિયું સ્ટેટમેન્ટ

પ્રજ્ઞા ઠાકુર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અગાઉ ભાજપનાં ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે નાથુરામ ગોડસેને રાષ્ટ્રભક્ત કહ્યા હતા અમને પછી નરેન્દ્ર મોદીએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની ટીકા કરતા કહ્યું હતું કે હું ક્યારેય તેમને દિલથી માફ નહીં કરી શકું.

મોદીનું જે નિવેદન છે એ વિશે તુષાર ગાંધીએ કહ્યું હતું કે પ્રજ્ઞા ઠાકુરના ગોડસે વિશેના બયાન અંગે નરેન્દ્ર મોદીએ જે નિવેદન આપ્યું એ લાચારીનો ઢોંગ છે. એ રણનીતિપૂર્વકનું સગવડિયું સ્ટેટમેન્ટ છે. નરેન્દ્ર મોદી એ નિવેદન આપીને જવાબદારીમાંથી પોતાનો બચાવ કરીને છૂટી ગયા છે.

તુષાર ગાંધીએ કહ્યું કે મારો સીધો આક્ષેપ છે કે ગાંધીજી તો સિમ્બૉલ છે, ટાર્ગેટ તો આખો દેશ છે.

એમણે કહ્યું કે આપણા દેશની જે સર્વસમાવેશક, સહિષ્ણુ, સર્વ વિધારધારોનો આદર કરતી વિચારધારા છે તે આ લોકોને મંજૂર નથી.

તુષાર ગાંધીએ ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ ગાંધીને નામે કરેલા કામો અંગે ઉલ્લેખ કરી કહ્યું કે એક તરફ મહાત્મા મંદિર અને દાંડીકુટિરો બાંધવી અને બીજી તરફ ગાંધીનાં સ્વપ્નના ભારતના પાયામાં ઊધઈ લગાવવી એ બેવડાં વલણ છે, એ કાયરોની વૃત્તિ છે.

અમદાવાદમાં ગાંધીઆશ્રમ પાસે ખેતભવનમાં 21 મેએ સર્વ સેવા સંઘ સહિત ગાંધીવિચારને વરેલા લોકો તેમજ માઇનોરિટી કૉ-ઓર્ડિનેશન કમિટી, ગુજરાત લોકસમિતિ, પર્યાવરણમિત્ર વગેરે સંસ્થાઓએ સંયુક્ત રીતે સુરતની ઘટના અને પ્રજ્ઞા ઠાકુરના નિવેદનની આલોચના કરી હતી.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન
line

હિંદુ અડધિયાનું આ રાજકારણ

પ્રકાશ ન. શાહ

આ નિમિત્તે જાણીતા ગાંધીકાર્યકર તેમજ વિચારપત્ર નિરીક્ષકના તંત્રી પ્રકાશ ન. શાહે કહ્યું હતું કે રાષ્ટ્રજીવનમાં જેને બહુ ગંભીર અને નિર્ણાયક કહે છે તે દૌરમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. ગાંધીહત્યા અને સ્વરાજ પછી પહેલી વાર દેશમાં એક સમાંતર વિમર્શ આવ્યો છે. ગોડસે મહિમામંડનને કોઈ આઇસોલેટેડ ઇવેન્ટ તરીકે અથવા હિંદુ મહાસભાના સમજ વગરનાં થોડાંક તત્ત્વોને ધોરણે જોવાની જરૂર નથી.

તેમણે કહ્યું કે આ સમાંતર વિમર્શ દેશમાં બધી રીતે કબજો જમાવવા આતુર છે, અને છેલ્લાં 4-5 વર્ષથી જોર કર્યું છે. એના ફીલર તરીકે આ પ્રકારની વાતો થઈ રહી છે, જેમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ગોડસેને દેશભક્ત કહે છે. ગાંધીહત્યા અંગે તેમને કોઈ અરેરાટી નથી. પાર્ટી તરફથી આદેશ આવવાને કારણે પછી શબ્દો પાછા ખેંચે છે.

વડા પ્રધાને પ્રજ્ઞાના બચાવ અંગે પ્રકાશ ન. શાહે ઉમેર્યું હતું, "શા માટે હું વડા પ્રધાનના શબ્દો હું સ્વીકારું? પ્રજ્ઞા ઠાકુરને લઈ આવ્યા તમે, ઉમેદવાર તરીકે ટિકિટ આપી તમે અને આ બોલ્યા પછી પણ ઉમેદવાર તરીકે ચાલુ રાખ્યા તમે. ધારો કે તે જીતીને આવશે તો એ તમારા જ વોટપોલ કાઉન્ટમાં ગણાવવાના છે. તો તમે એમને મનથી માફ નથી કર્યા પણ તેમનો વરઘોડો કાઢો છો!

એમણે ભાજપનો સરદાર પ્રેમ તકલાદી ગણાવ્યો હતો. એમણે કહ્યું કે ભાજપનું રાજકારણ સમજવા જેવું છે. પાકિસ્તાન જેમણે રચ્યું હતું એ બળોના હિંદુ અડધિયાનું આ રાજકારણ છે.

પ્રકાશ ન શાહે ગાંધી હત્યા અને સરદારને યાદ કરીને કહ્યું કે, ગાંધીજીની હત્યા થઈ એ વખતે સરદાર પટેલે જ્યારે પગલાં ભર્યાં ત્યારે મુખર્જીએ તેમના વર્ગના લોકોનો બચાવ કર્યો હતો. ભારતીય જનસંઘના સ્થાપક પ્રમુખ શ્યામાપ્રસાદ મુખર્જીને પત્ર લખીને સરદાર પટેલે કહ્યું હતું કે તમે જાણો છો કે હિંદુ મહાસભાની આ પાંખ અને સંઘના ઝેરીલા પ્રચારથી શરૂ થયેલું એક ઝેરી વાતાવરણ ગાંધીજીને ભરખી ગયું."

પ્રકાશ ન. શાહે ઉમેર્યું કે કહેવાનો મતલબ એ છે કે સરદાર પટેલનું બાવલું ઊંચું કરવું છે, પણ સરદારે જે કહ્યું છે તે સાંભળવું નથી.

line

રાષ્ટ્રભક્તિની વ્યાખ્યા શું છે?

મુદિતા વિદ્રોહી

ઇમેજ સ્રોત, Mudita Vidrohi FB

સર્વોદય સાથે સંકળાયેલા મુદિતા વિદ્રોહીએ કહ્યું હતું, "રાષ્ટ્રપિતા ગાંધીની હત્યા કરનારા નાથુરામ ગોડસેને જો રાષ્ટ્રભક્ત કહેવામાં આવતા હોય તો તેમની રાષ્ટ્રભક્તિની વ્યાખ્યા શું છે એ આપણે પૂછવું પડે."

"અગાઉ મેરઠનું નામ બદલીને ગોડસેનગર કરવાનો પ્રસ્તાવ પણ હિંદુ મહાસાભાએ મૂક્યો હતો. સુરતમાં હવે નાથુરામ ગોડસેની જન્મજયંતી ઉજવાઈ. દીવા થયા અને લાડવા ખવરાવવામાં આવ્યા."

"ગાંધીજીને નામશેષ કરી દેવાના હોય એમ એક પ્રવૃત્તિ વિધિવત્ રીતે ચાલી રહી છે. ગાંધીવિચાર જીવતો ન રહી જાય એના માટે વારેવારે નાથુરામ ગોડસેનો જય જયકાર કરવાની પ્રવૃત્તિ ચાલે છે, જે ખતરનાક છે. આનો તાત્કાલિક વિરોધ કરવો જરૂરી છે."

સર્વ સેવા સંઘના પ્રમુખ મહાદેવ વિદ્રોહીએ કહ્યું હતું કે નાથુરામ ગોડસેને રાષ્ટ્રભક્ત ઠેરવવા એ ઘટના આઘાતજનક છે. જે હત્યારાને ન્યાયાલયે ફાંસીની સજા સંભળાવી તેનું મહિમામંડન કરવું એ ન્યાયાલયનું અપમાન છે. આ પ્રકારની ઘટનાઓને ધ્યાનમાં લઇને અમારું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળવા ઇચ્છે છે. અમે તેમનો સમય માગ્યો છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો