લોકસભા ચૂંટણી 2019 : આ પાંચ રાજ્યો નક્કી કરશે લોકસભા ચૂંટણીનું પરિણામ

- લેેખક, સિન્ધુવાસિની
- પદ, બીબીસી સંવાદદાતા
- ઉત્તર પ્રદેશ - 80,
- મહારાષ્ટ્ર - 48
- પશ્ચિમ બંગાળ - 42
- બિહાર - 40
- તામિલનાડુ - 39
લોકસભાની બેઠકોની સંખ્યાના આધારે ભારતનાં આ પાંચ રાજ્યો બહુ મહત્ત્વનાં છે. દેખીતી રીતે જ દિલ્હીમાં સરકાર બનાવવા માટે આ રાજ્યોની ભૂમિકા મહત્ત્વની રહેશે.
ગયા વખતે આ રાજ્યોમાં શું સ્થિતિ હતી તેના પર નજર નાખીએ. શાસક પક્ષ ભાજપને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 71 બેઠકો મળી હતી, મહારાષ્ટ્રમાં 23, પશ્ચિમ બંગાળમાં 2, બિહારમાં 22 અને તામિલનાડુમાં પણ એક બેઠક મળી હતી.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ઘણો ફરક છે. જાણકારો કહે છે કે આ વખતે ગયા વખતની સરખામણીએ આંકડામાં ઊથલપાથલ થઈ જવાની છે. તેનાં ઘણાં બધાં કારણો પણ છે.
જોકે, એક વાત નહીં બદલાય અને તે છે કેન્દ્રમાં સરકાર બનાવવામાં આ પાંચ રાજ્યોનું યોગદાન. પાંચેય રાજ્યોની રાજકીય સ્થિતિ કેવી છે તે હવે તપાસીએ.
સૌથી વધારે બેઠકો ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશથી શરૂઆત કરીએ.

ઉત્તર પ્રદેશ

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીનો રસ્તો ઉત્તર પ્રદેશ થઈને જાય છે તે વાત ભલે જૂની થઈ ગઈ હોય, પણ હજીય સાચી છે.
અયોધ્યામાં રામમંદિરના મુદ્દાથી લઈને કુંભ સુધીના મુદ્દા અને અમેઠી, રાયબરેલીથી માંડીને લખનૌ સુધીની હાઈપ્રોફાઇલ બેઠકો સતત ચર્ચામાં રહ્યાં છે.
પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં યુવા દલિત નેતા તરીકે ચંદ્રશેખરનું નામ ઊપસ્યું. તેમણે વારાણસીમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી અને પછી ફેરવી તોળ્યું, પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત થઈ, એસપી-બીએસપીએ કૉંગ્રેસ પર આક્ષેપ મૂક્યો કે તે મતદારોને ભરમાવે છે ત્યાંથી શરૂ કરીને બીએસએફના ભૂતપૂર્વ જવાન તેજબહાદુર યાદવે વારાણસીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે ઉમેદવારીપત્ર ભર્યું ત્યાં સુધીની ચર્ચાઓ રહી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એસપી પણ તેજબહાદુરને ટિકિટ આપવાનું નક્કી કર્યું, બાદમાં તેમનું ઉમેદવારીપત્ર રદ થઈ ગયું.
શત્રુઘ્ન સિંહાનાં પત્ની પૂનમ સિંહાને એસપીએ રાજનાથ સામે લખનૌમાં મેદાનમાં ઉતાર્યાં - આ પ્રકારના ચોંકાવનારા ઘટનાક્રમની યાદી બહુ લાંબી છે.
જોકે, આ બધા વચ્ચે સૌથી અગત્યની બાબત એ છે કે સમાજવાદી પક્ષ, બહુજન સમાજવાદી પક્ષ અને રાષ્ટ્રીય લોકદળ વચ્ચે ગઠબંધન થયું.

તમે આ વાંચ્યું કે નહીં?

ભાજપ વિરુદ્ધ મહાગઠબંધન

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ પત્રકાર અને ઉત્તર પ્રદેશના રાજકારણ પર ઝીણી નજર રાખનારા મહેન્દ્ર પ્રતાપનું માનવું છે કે સત્તાધારી ભાજપ સામે એસપી-બીએસપી-આરએલડી જોડાણનો પડકાર ઊભો થયો છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "અત્યાર સુધીની સ્થિતિ જોઈને મને લાગે છે કે ભાજપની બેઠકો અડધી થઈ જશે."
"પૂર્વ ઉત્તર પ્રદેશનું રાજકારણ મોટા ભાગે જ્ઞાતિના ગણિત પર ચાલે છે. તે વિસ્તારમાં ગઠબંધનની સ્થિતિ ઘણી મજબૂત બની છે."
નાના પક્ષો વિશે વાત કરતાં મહેન્દ્ર પ્રતાપ કહે છે કે તેમની ભૂમિકા પણ અગત્યની રહેશે.
પૂર્વીય ઉત્તર પ્રદેશમાં અપના દલ, સુહેલદેવ ભારતીય સમાજ પક્ષ અને નિષાદ પક્ષ જેવા નાના નાના પક્ષો કદાચ જીતે નહીં, પણ મતોને વહેંચી નાખવામાં તેમની ભૂમિકા રહેશે.

'જ્ઞાતિઓ પર લડાતી ચૂંટણીઓ'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
મુદ્દા અંગેના સવાલના જવાબમાં મહેન્દ્ર પ્રતાપ કહે છે, "ચૂંટણી આગળ વધતી ગઈ, તેમ ઉત્તર પ્રદેશમાં મુદ્દાઓ ગૌણ બનતા ગયા."
"પ્રથમ અને બીજા તબક્કામાં શેરડી ઉગાડતા ખેડૂતોની સમસ્યાઓ વિશે વાત થઈ ખરી, પણ ત્યાર પછી સ્થાનિક મુદ્દાઓ ગાયબ થઈ ગયા. છેલ્લે ચૂંટણીઓ જ્ઞાતિના મુદ્દા પર આવીને અટકી ગઈ."
ઉત્તર પ્રદેશમાં આ વખતે સૌથી વધુ ફાયદો કોને થશે? જવાબમાં મહેન્દ્ર પ્રતાપ કહે છે:
"ગત ચૂંટણી વખતે બીએસપીને એક પણ બેઠક મળી નહોતી. આ વખતે તેને બે બેઠકો મળી જાય તો પણ તેના માટે બહુ મોટી વાત છે."
"પ્રિંયકા ગાંધીનું આગમન અને રાહુલ ગાંધીની સક્રિયતાને કારણે કૉંગ્રેસની પણ કેટલીક બેઠકો વધવાનું અનુમાન છે. એસપીની બેઠકો વધશે તેવી પણ આશા છે."
મહેન્દ્ર પ્રતાપના જણાવ્યા અનુસાર આ વખતે અગાઉની ચૂંટણીઓની જેમ મુસ્લિમ મતદારોને મનાવવા માટે કોઈ પક્ષ તરફથી વિશેષ પ્રયાસો થઈ રહ્યા નથી.
ઉત્તર પ્રદેશમાં 19 ટકા જેટલા મુસ્લિમ મતદારો હોવા છતાં આ વખતે તેના માટે હોડ નથી જામી એમ તેઓ કહે છે.


પશ્ચિમ બંગાળ

ઇમેજ સ્રોત, PTI
ચુસ્ત બંદોબસ્ત છતાં ચૂંટણીના દરેક તબક્કે પશ્ચિમ બંગાળમાં હિંસાના બનાવો બનતા રહ્યા.
અંગ્રેજી અખબાર 'ધ ટેલિગ્રાફ'ના વરિષ્ઠ પત્રકાર તપસ ચક્રવતી માને છે કે આ વખતે બંગાળમાં લડાઈ 'મોદી વિરુદ્ધ મમતા'ની રહી.
મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ને 2011માં સત્તા મળી હતી. શરૂઆતમાં ડાબેરી પક્ષો અને ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણો થતી રહેતી હતી.
જોકે, છેલ્લાં બે વર્ષથી ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે હિંસા થવા લાગી છે. તેના પરથી જ અણસાર મળે છે કે સત્તાની લડાઈ હવે ટીએમસી અને ભાજપ વચ્ચે છે.
તપસ ચક્રવર્તીના જણાવ્યા અનુસાર મમતા બેનરજી પર મુસ્લિમ તુષ્ટિકરણના આરોપો લાગવા લાગ્યા તે પછી પશ્ચિમ બંગાળના રાજકારણમાં જમણેરી એટલે કે ભાજપની વિચારધારાની અસર દેખાવા લાગી છે.
તેના કારણે બંગાળના બહુમતી સમાજનો એક વર્ગ મમતાથી દૂર થવા લાગ્યો. તેનો ફાયદો ઉઠાવીને ભાજપના કાર્યકરોએ પક્ષનું સંગઠન ઊભું કરવાની શરૂઆત કરી દીધી.
એટલું જ નહીં, સરહદની નજીકના વિસ્તારોમાં વસેલા, બાંગલાદેશથી આવેલા હિંદુઓનો ટેકો મેળવવાનું શરૂ કરી દીધું હતું.

ભાજપ માટે સહાનુભૂતિ

ઇમેજ સ્રોત, Getty Images
તેની સ્પષ્ટ અસર દેખાઈ હતી 2016માં થયેલી પંચાયતોની ચૂંટણીઓમાં. પંચાયતોની ચૂંટણીમાં ભાજપને મળેલા મતોની ટકાવારી ઘણી વધી ગઈ હતી.
જોકે, પંચાયતોની ચૂંટણીમાં સાર્વત્રિક વિજય મેળવવામાં ટીએમસીને સફળતા મળી હતી, પરંતુ ભાજપ સીપીઆઈ(એમ)ને પાછળ રાખીને બીજા નંબરના સ્થાને બેસી ગયો હતો.
તપસ ચક્રવર્તી કહે છે કે પંચાયત ચૂંટણીઓની સાથે જ ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે હિંસા થવા લાગી હતી.
પંચાયતની ચૂંટણીઓ વખતે શરૂ થયેલી હિંસા લોકસભાની ચૂંટણી સુધી ચાલતી રહી છે. ભાજપના કાર્યકરો પર હુમલા અને કેટલાકની હત્યાને કારણે પણ એક વર્ગમાં ભાજપ માટે સહાનુભૂતિ ઊભી થઈ છે.
ચક્રવર્તી કહે છે કે પશ્ચિમ બંગાળના રાજકારણના જાણકારોનાં અનુમાન અનુસાર આ વખતે ભાજપને 8થી 10 બેઠકો મળી શકે છે.
ગત વખતની ચૂંટણી કરતાં વધુ બેઠકો મળશે તે વાત તો નક્કી જ છે. જોકે, ભાજપનો દાવો તો 23 બેઠકો મેળવવાનો છે.
ચક્રવર્તી કહે છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે પશ્ચિમ બંગાળ મહત્ત્વનું રાજ્ય બન્યું છે.
ઉત્તર પ્રદેશમાં એસપી-બીએસપી-આરએલડીને ગઠબંધનના કારણે થનારું નુકસાન ભાજપ પશ્ચિમ બંગાળમાંથી સરભર કરવા ધારે છે.


ચેન્નાઈ-મુંબઈ જવા મજબૂર કોલકાતાના યુવાનો

ઇમેજ સ્રોત, Getty Images
પશ્ચિમ બંગાળના લોકો માટે કયા મુદ્દા મહત્ત્વના તે વિશે વાત કરતાં ચક્રવર્તી કહે છે કે શિક્ષિત બંગાળી યુવાનોને ઇચ્છિત રોજગારી મળી રહી નથી.
આ માટે તેમણે ચેન્નાઈ, મુંબઈ અને બેંગલુરુ જેવાં શહેરો તરફ નજર માંડવી પડે છે.
રોજગારીના અભાવે જ ડાબેરી પક્ષોનું શાસન ગયું હતું અને તેની જગ્યાએ ટીએમસીને સત્તા મળી હતી.
સામ્યવાદી શાસનમાં થોડો સમય માટે ખેતીમાં સારી સ્થિતિ હતી, પણ બાદમાં તેમાં પણ સ્થગિતતા આવી ગઈ હતી.
રોજગારી અને વિદેશી રોકાણની બાબતમાં રાજ્યની સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હતી.
જોકે, મમતા બેનરજી પણ રોજગાર અને વિદેશી મૂડીરોકાણની બાબતમાં ખાસ કશું કરી શક્યા નથી. તેમણે કેટલાક વિદેશપ્રવાસો કર્યા હતા, પણ ત્યાંથી રોકાણ લાવવામાં ખાસ સફળતા મળી નહોતી. લોકોમાં આજે પણ તેના કારણે નિરાશા છે.
જોકે, લોકોમાં આવી ફરિયાદો છતાં મમતા બેનરજીની હજી પણ પકડ છે, કેમ કે તેમના પક્ષના કાર્યકરો અને સંગઠનનું માળખું મજબૂત છે.
તપસ ચક્રવર્તી કહે છે, "યુનિવર્સિટી અને કૉલેજોમાં વિદ્યાર્થી સંગઠનો પર પણ પકડ મેળવી લેવાઈ છે, તેના પરથી જ ખ્યાલ આવશે કે ટીએમસીની કૅડર કેટલી મજબૂત થઈ ગઈ છે."
"ડાબેરી વિદ્યાર્થી સંગઠન સ્ટુડન્ટ ફેડરેશન ઑફ ઇન્ડિયાનું જાણે કોઈ અસ્તિત્વ ના રહ્યું હોય તેવી સ્થિતિ છે."
રાજકીય જાણકારો કહે છે કે ભાજપે પણ ધીમેધીમે પોતાની કૅડર મજબૂત કરી છે. જોકે, હજી સુધી ભાજપ હિંદીભાષીઓ સુધી જ વધારે પહોંચી શક્યો છે.
જાણકારો એવું પણ કહે છે કે ભાજપના આ પ્રયાસોનું ફળ લોકસભા કરતાંય વિધાનસભા ચૂંટણી વખતે વધારે મળશે.

મહારાષ્ટ્ર

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે છેક સુધી ખેંચતાણ ચાલતી હતી, પણ આખરે બંનેએ ગઠબંધન કરીને ચૂંટણી લડવાનું નક્કી કર્યું.
બીજી બાજુ રાજ ઠાકરેના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)એ ચૂંટણીમાં ભાગ નથી લીધો, પરંતુ તેમણે ઘણી સભાઓ કરીને જોરદાર પ્રચાર કર્યો છે.
'એ લાવા તો રે વીડિયો' એમ કહીને સ્ટેજ પરથી મોદીના જૂના વીડિયો દેખાડીને તેમના દાવાની ફજેતી કરવાનું કામ કર્યું હતું.
મરાઠી અખબાર 'લોકસત્તા'ના તંત્રી ગિરીશ કુબેરનું માનવું છે કે 2019માં સૌથી વધુ ખરાબ હાલત શિવસેનાની થવાની છે.
ગિરીશ કુબેર કહે છે, "ગયા વખતે સેના-ભાજપના ગઠબંધનને 41 બેઠકો મળી હતી. આ વખતે તે આંકડો ઘટીને 30-32નો થઈ જવાનો છે."
"શિવસેનાએ ભાજપ તરફ સતત કટુતા દાખવી અને છેલ્લી ઘડીએ હાથ મેળવી લીધા તે વાત મતદારોને ગળે ઊતરી નથી."
તેઓ માને છે કે આ વખતે મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ભૂમિકા સૌથી ધ્યાનાકર્ષક બની છે.


રાજ ઠાકરેની બોલબાલા

ઇમેજ સ્રોત, Getty Images
રાજ ઠાકરે કહે છે, "દરેક ચૂંટણીમાં કોઈ એક પક્ષ એવો હોય છે, જેના વિશે અંદાજ લગાવવો મુશ્કેલ હોય. આ વખતે તેવી સ્થિતિ મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેના મનસેની છે."
"તેમણે 11-12 સભાઓ કરી અને દરેક સભાઓમાં મોદી સરકારના દાવાઓને ખુલ્લા પાડ્યા. તેઓ સભાઓમાં વીડિયો દેખાડતા હતા અને દાવાઓને ખોટા સાબિત કરતા હતા. તેના કારણે ભાજપના મતો થોડા ઓછા થયા હશે."
ગિરીશના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં શિવસેનાની સ્થિતિ બગડી અને રાજ ઠાકરે ચર્ચામાં રહ્યા, તેની અસર આગળ જોવા મળશે.
ચૂંટણીના થોડા વખત પહેલાંથી જ એનસીપીના પ્રમુખે સ્થાનિક મુદ્દાઓને ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું, તેની અસર પણ પરિણામો પર દેખાશે તેમ ગિરીશ કુબેર માને છે.
તેઓ કહે છે, "મહારાષ્ટ્રને આપણે બે ભાગમાં વહેંચીને જોવું જોઈએ. રાજ્યમાં 30 બેઠકો ગ્રામીણ વિસ્તારની છે, જ્યારે 18 બેઠકો સંપૂર્ણપણે શહેરી છે."
"મને લાગે છે કે ગ્રામીણ વિસ્તારોમાં એનસીપીને વધારે મતો મળશે, કેમ કે કૃષિ ક્ષેત્રે ગંભીર સમસ્યા હોવા છતાં કેન્દ્ર સરકારે આ વિસ્તારોની અવગણના કરી હતી. તેના કારણે ખાસ કરીને ખેડૂતોમાં નારાજગી છે. એનસીપી 10-12 બેઠકો મેળવી જાય તો મને નવાઈ નહીં લાગે."
તેઓ માને છે કે ચૂંટણીનાં પરિણામો પછી રાજ્યમાં એનસીપીની ભૂમિકા અગત્યની બનશે જ, ઉપરાંત રાષ્ટ્રીય રાજકારણમાં પણ મહારાષ્ટ્રની ભૂમિકા અગત્યની રહેશે.
ભાજપના 'રાષ્ટ્રવાદ' અને 'હિંદુત્વ'ના મુદ્દા મહારાષ્ટ્રમાં કેટલા સફળ રહેશે? ગિરીશ કુબેર માને છે કે શહેરી વિસ્તારોમાં આ મુદ્દોઓ ઘણા અંશે સ્વીકાર્ય બની શકે છે.
તેઓ કહે છે, "શહેરનો મધ્યમ વર્ગ રાષ્ટ્રવાદ અને હિંદુત્વ જેવા મુદ્દાથી અળગો રહી શકતો નથી."
"આ વર્ગમાં 'પુલવામા', 'બાલાકોટ ઍરસ્ટ્રાઇક' અને 'પાકિસ્તાનને પાઠ ભણાવવાની વાત'ની ઘણી ચર્ચાઓ રહી છે. જોકે, ગામડાંમાં ખેતી, વળતરે, દેવાંમાફી, પાણી અને રોજગાર જેવા મૂળભૂત મુદ્દાઓ છવાયેલા રહ્યા."

રાષ્ટ્રવાદ ઠીક, પણ રોજીરોટીનું શું?

ઇમેજ સ્રોત, Getty Images
ગિરીશ કહે છે, "ચૂંટણી પહેલાં મેં મહારાષ્ટ્રના ઘણે શહેરી અને ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમિયાન મને લાગ્યું કે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મુદ્દાઓમાં બહુ ફરક છે."
"મહારાષ્ટ્ર એવું રાજ્ય છે, જ્યાં શહેરીકરણ ઘણું થયેલું છે. ગામડાં પણ શહેરોની અડોઅડ જ આવેલાં છે. તેથી ગામડાંની અવગણના કરીને ચૂંટણી જીતવી મુશ્કેલ છે."
છેલ્લાં 40 વર્ષ દરમિયાન ચૂંટણીનું કવરેજ કરતાં આવેલા ગિરીશ કુબેર કહે છે કે 2019ની ચૂંટણી એ રીતે અલગ પડે છે કે તેમાં મુદ્દાઓની વિભિન્નતા વધારે છે.
તેઓ કહે છે, "અગાઉ ક્યારેય મેં ગ્રામીણ અને શહેરી મતદારોમાં મુદ્દાઓનું આટલું વિભાજન જોયું નહોતું."
"સામાજિક અને આર્થિક રીતે આટલી ભિન્નતા આવી ગઈ છે તે બહુ ચોંકાવનારી વાત છે."


બિહાર

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપના પ્રમુખ અમિત શાહે બિહારના સિવાન અને ગોપાલગંજની ચૂંટણી સભાઓમાં કહ્યું હતું કે, "અમે જીતીએ કે હારીએ, પણ દેશની સુરક્ષાના મામલે ક્યારેય સમાધાન નહીં કરીએ."
આ સભાઓ પહેલાં અમિત શાહ દરેક ભાષણમાં કહેતા હતા કે, "અબકી બાર, 300 પાર."
શું અમિત શાહનું બદલાયેલું વલણ ભાજપની ડગમગી રહેલી સ્થિતિને દર્શાવે છે? બિહારની સામાજિક અને રાજકીય સ્થિતિ પર નજર રાખતા પ્રોફેસર ડી. એમ. દિવાકર આ સવાલનો જવાબ હકારમાં આપે છે
બીબીસી સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું, "ભાજપ માટે ગયા વખત જેટલી સ્થિતિ આસાન નથી."
"બીજું મુખ્ય મંત્રી નીતીશકુમાર 'વિકાસ' અને 'સુશાસન'ના મુદ્દા પર મતો માગવા માટે જાણીતા છે, પરંતુ બીજા અને ત્રીજા તબક્કા બાદ તેઓ પણ સીધી કે આડકતરી રીતે રાષ્ટ્રવાદ અને વડા પ્રધાન મોદીના નામે મતો માગવા લાગ્યા હતા."
"એવું કહેવાતું હતું કે દેશના બીજા ભાગોમાં ભલે મોદીના નામે મતો માગવામાં આવે, બિહારમાં લોકો નીતીશકુમારના નામે જ મતો આપે છે, પરંતુ તે સ્થિતિ હવે બદલાઈ ગઈ છે."
આ ઉપરાંત ભાજપના ચાર સાંસદોની ટિકિટ્સ કપાઈ ગઈ હતી. ડી. એમ. દિવાકરના જણાવ્યા અનુસાર આ નેતાઓ 'વોટકટવા'ની ભૂમિકા ભજવી શકે છે.
દિવાકર માને છે કે બિહારમાં પણ સત્તાવિરોધી લહેરની અશર છે. તેનો પુરાવો એવી રીતે મળે છે કે ભાજપના નેતાઓ પોતાનાં ભાષણોમાં 'નોટબંધી' અને 'જીએસટી' જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરતા નથી. તેના બદલે 'રાષ્ટ્રવાદ' અને 'પાકિસ્તાન પર ઍરસ્ટ્રાઇક'ના નામે મતો માગવામાં આવ્યા હતા.

'તેજસ્વીને મળી શકે છે સહાનુભૂતિનો લાભ'

ઇમેજ સ્રોત, Getty Images
લાલુ યાદવ આ ચૂંટણીમાં સક્રિય નથી તેની વાત કરતાં દિવાકર કહે છે કે તેનું નુકસાન આરજેડીને થઈ શકે છે.
બીજી બાજુ એવી વાત પણ છે કે આરજેડીની 'સહાનુભૂતિના મતો'નો લાભ મળી શકે છે.
દિવાકર કહે છે, "પિતાની હાજરી નહોતી, કદાચ તેના કારણે જ તેજસ્વીને બિહારમાં પોતાનું સ્થાન જમાવવાની તક મળી ગઈ છે."
"લાલુ યાદવ સક્રિય હોત તો તેજસ્વી એટલા જલદી પરિપક્વ બન્યા ના હોત કે લોકોનો આટલો સાથ ના મળ્યો હતો."
નિષાદ સમાજના નેતા મુકેશ સહાનીએ સ્થાપેલો વિકાસશીલ ઇન્સાન પક્ષ, ભૂતપૂર્વ મુખ્ય મંત્રી જીતનરામ માંઝીનો પક્ષ હિન્દુસ્તાની આવામ મોરચા અને ઉપેન્દ્ર કુશવાહાનો પક્ષ રાષ્ટ્રીય લોકસમતા પક્ષ અન્ય નાના પક્ષો છે, પણ તેમનો બહુ પ્રભાવ નહીં રહે તેમ દિવાકર માને છે.
હા, આ પક્ષોના કારણે એવો સંદેશ જરૂર ગયો છે કે બિહારમાં માત્ર મુસ્લિમ અને યાદવ મતદારો જ નિર્ણાયક નથી, પરંતુ અન્ય પછાત વર્ગો અને દલિતો પણ એટલી જ મહત્ત્વની ભૂમિકામાં છે.


ખેડૂતોનો વિચાર કોણ કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
મુદ્દાઓ અંગે પૂછવામાં આવ્યું ત્યારે દિવાકરે જણાવ્યું કે અન્ય સ્થળોની જેમ બેરોજગારીનો મુદ્દો સાર્વત્રિક છે જ, સાથેસાથે અન્ય બે કે ત્રણ મહત્ત્વના મુદ્દાઓ છે.
પ્રોફેસર દિવાકર કહે છે, "બિહારમાં ખેતીની તથા પશુપાલનની સમસ્યાઓ વકરી છે. ખેતી અને પશુપાલન ઉપરાંત અનેક સમસ્યાઓ ઊભી થઈ છે."
"દાખલા તરીકે બિહારમાં તળાવો અને જળસ્રોતોની અછત નથી, આમ છતાં માછલીઓની આયાત આંધ્ર પ્રદેશથી કરવી પડે છે."
"નીતીશકુમારના કાર્યકાળમાં માળખાગત સુવિધાઓ વધી છે, પરંતુ રોજગાર, ખેતી અને અન્ય મુદ્દાઓ પર ઘણું બધું કામ કરવાનું હજી બાકી છે. મતદારો પણ આ બાબતો સારી રીતે જાણે છે."

તામિલનાડુ

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ ભારતના તામિલનાડુમાં લોકસભાની 39 બેઠકો છે. આ વખતે જોકે અહીં 38 બેઠકો પર જ ચૂંટણી થઈ રહી છે, કેમ કે વેલ્લોરની ચૂંટણી રદ કરી દેવામાં આવી છે.
અહીં ભાજપ સાથે એઆઇએડીએમકે, ડીએમડીકે અને પીએમકેનું ગઠબંધન થયેલું છે.
સામી બાજુએ કૉંગ્રેસની સાથે ડીએમકે, એમડીએમકે, વીએસકે તથા ડાબેરી પક્ષો સીપીઆઈ અને સીપીએમ પણ જોડાયા છે અને ગઠબંધન કર્યું છે.
આ બે ગઠબંધન ઉપરાંત તામિલનાડુમાં બે નવા પક્ષો પણ ઊભા થયા છે. તેમાંથી એક છે ફિલ્મસ્ટાર કમલ હાસનનો પક્ષ મક્કલ નિધિ મય્યમ (એમએનએન) અને બીજો છે શશિકલાના ભત્રીજા ટીટીવી દિનાકરણનો પક્ષ અમ્મા મક્કલ મુનેત્ર કઝગમ (એએમએમકે). એઆઇએડીએમકેમાંથી છુટ્ટા પડીને દિનાકરણે અલગ પક્ષ બનાવ્યો છે.
આ બે નવા પક્ષો પ્રથમ વાર ચૂંટણી લડી રહ્યા છે. દિનાકરણે બધી જ બેઠકો પર ઉમેદવારો રાખ્યા છે, પણ તેમનો દરજ્જો અપક્ષ ઉમેદવાર જેવો જ છે, કેમ કે તેમના પક્ષનું રજિસ્ટ્રેશન હજી થયું નથી.
અંગ્રેજી અખબાર 'ધ હિન્દુ'ના પત્રકાર અને તામિલનાડુના રાજકારણ પર નજર રાખતા ડી. સુરેશકુમાર કહે છે કે તામિલનાડુમાં ભાજપ અને કૉંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષોની ભૂમિકા બહુ મર્યાદિત છે. તેના કારણે જ તેમણે પ્રાદેશિક દ્રવિડ પક્ષો (એઆઇએડીએમકે અને ડીએમકે)નો સાથે લેવો પડે છે.
ડી. સુરેશનું કહેવું છે કે તામિલનાડુમાં ભાજપવિરોધી લહેર છે જ, ઉપરાંત જયલલિતાના નિધન પછી પલાનીસામી સરકારની સામે પણ સત્તાવિરોધી લહેર છે.
ડી. સુરેશે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "વર્તમાન સ્થિતિ પ્રમાણે તામિલનાડુમાં આ વખતે કૉંગ્રેસ અને ડીએમકેનું ગઠબંધન મજબૂત સ્થિતિમાં છે."
"ગઠબંધન 25-30 બેઠકો જીતી શકે છે. સામી બાજુએ એઆઇએડીએમકે-ભાજપના ગઠબંધનને 10થી 12 બેઠકો મળી શકે છે."
પંરપરા પ્રમાણે કન્યાકુમારી અને કોઈમ્બતૂર બેઠકો પર ભાજપની સ્થિતિ પ્રમાણમાં સારી છે.
આ વિશે ડી. સુરેશ કહે છે, "કન્યાકુમારીમાં ભાજપના સાંસદ છે પોન રાધાકૃષ્ણન અને તેઓ અહીં મંત્રી પણ છે."
"આમ છતાં આ વખતે કન્યાકુમારીમાં ભાજપ માટે સ્થિતિ આસાન નથી, કેમ કે ત્યાં કૉંગ્રેસ અને ડીએમકેનું ગઠબંધન મજબૂત છે."
"આ ઉપરાંત કન્યાકુમારીમાં પોન રાધાકૃષ્ણન સામે સત્તાવિરોધી લહેર પણ છે."


માછીમારોની નારાજગી નડશે?

ઇમેજ સ્રોત, Getty Images
ડી. સુરેશના જણાવ્યા અનુસાર રાધાકૃષ્ણન સામે નારાજીનું એક કારણ 2017માં આવેલા ઓકી વાવાઝાડોથી અહીં થયેલું નુકસાન પણ છે. વાવાઝાડોના કારણે અનેક માછીમારોનાં મોત થયાં હતાં.
લોકોમાં એવી નારાજગી છે કે સાંસદ હોવા છતાં રાધાકૃષ્ણન માછીમારોને કુદરતી આફતમાં કેન્દ્ર સરકાર તથા ભારતીય તટરક્ષક દળની પૂરતી મદદ અપાવી ન શક્યા.
રાધાકૃષ્ણન સામે નારાજીનું અન્ય એક કારણ આપતા ડી. સુરેશ જણાવે છે કે કન્યાકુમારીમાં પૉર્ટ બનાવવાની રાધાકૃષ્ણનની યોજના સામે પણ સ્થાનિક માછીમારોનો વિરોધ હતો. માછીમારોને લાગે છે કે બંદર બની જશે તો માછીમારીના કામ પર અસર પડશે.
આ ઉપરાંત રાધાકૃષ્ણનને કારણે હિન્દુ મતો પોતાને મળશે એવી ગણતરી ભાજપની હતી, પરંતુ આ વખતે કૉંગ્રેસે કન્યાકુમારીના રિટેલ વેપારી એચ. વસંતકુમારને ટિકિટ આપી છે.
પોન રાધાકૃષ્ણનની જેમ વસંતકુમાર પણ નાદર હિન્દુ સમાજના છે. તેના કારણે હિન્દુ મતોમાં વિભાજન થવાની શક્યતા છે.
બીજી મહત્ત્વની વાત એ છે કે કન્યાકુમારીમાં લઘુમતી મતદારોની સંખ્યા પણ ઘણી છે. તેમાંથી મહત્તમ મતો મેળવવાની ગણતરી ડીએમકે-કૉંગ્રેસની છે.
સરવાળે એવું કહી શકાય કે આ વખતે કન્યાકુમારીમાં ભાજપની સ્થિતિ મજબૂત નથી. જોકે, ડી. સુરેશ એ વાત સ્વીકારે છે કે કોઈમ્બતૂરમાં ભાજપની સ્થિતિ મજબૂત રહી છે.
તેઓ કહે છે, "બીજું કે ડીએમકે-કૉંગ્રેસે કોઈમ્બતૂરમાં અગાઉ સાંસદ રહી ચૂકેલા સીપીઆઈ(એમ)ના પી. આર. નટરાજનને ટિકિટ આપી છે."
"તેમની સામે ભાજપે પણ ભૂતપૂર્વ સાંસદ સી. પી. રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવ્યા છે. તેથી કોઈમ્બતૂરમાં બંને પક્ષો વચ્ચે ટક્કર થવાની સંભાવના છે."
જોકે, નોટબંધી અને જીએસટી જેવી આર્થિક નીતિઓનો મુદ્દો કોઈમ્બતૂરમાં ભાજપને નડી શકે છે.


યુવાનોમાં કમલ હાસનનું આકર્ષણ

ઇમેજ સ્રોત, Getty Images
ડી. સુરેશ કહે છે, "કોઈમ્બતૂર વેપારી શહેર છે અને અહીં નાનામોટા હજારો ઉદ્યોગો છે."
"નોટબંધી અને જીએસટીને કારણે અહીંના વેપારીઓને મોટું નુકસાન થયું છે, તેથી ભાજપના મતો ઓછા થવાની શક્યતા ખરી, તેમ છતાં કોઈમ્બતૂરમાં બરાબરની ટક્કર જોવા મળી શકે છે."
ડી. સુરેશના જણાવ્યા અનુસાર ભાજપને રામનાથપુરમ બેઠકમાં પણ ફાયદો થઈ શકે છે.
આ બેઠક પર ભાજપના નાયનર નાગેન્દ્ર ઉમેદવાર છે. નાગેન્દ્ર એઆઈએડીએમકે સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. પક્ષમાંથી રાજીનામું આપીને તેઓ ભાજપમાં જોડાયા હતા.
કૉંગ્રેસે અહીં ઇન્ડિયન મુસ્લિમ લીગના નવાઝ કનીને ઉમેદવાર બનાવ્યા છે. જોકે, તેમની સ્થિતિ બહુ મજબૂત નથી તેવું માનવામાં આવે છે. તેથી હાલ પૂરતું કહી શકાય કે રામનાથપુરમમાં ભાજપ ફાયદામાં દેખાય છે.
કમલ હાસનના નવા પક્ષ વિશે વાત કરતાં ડી. સુરેશ કહે છે કે શહેરી વિસ્તારોમાં યુવાનો અને મહિલાઓનો એક વર્ગ આ પક્ષ તરફ આકર્ષાઈ રહ્યો હોય તેમ લાગે છે.
આ એવો વર્ગ છે જે એઆઈએડીએમકે-ભાજપ ગઠબંધનને મત આપવા માગતો નથી. તેથી તેમાંના કેટલાક એવા પણ હશે, જે ડીએમકે-કૉંગ્રેસના ગઠબંધનને બદલે કમલ હાસનના નવા પક્ષને પસંદ કરે.
ડી. સુરેશ ઉમેરે છે, "આ પક્ષ નવો છે એટલે તેનો ટેકેદાર વર્ગ કેટલો છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. તેથી પરિણામો સુધી રાહ જોવી પડશે. શહેરી વિસ્તારોમાં તેની થોડી અસર ચોક્કસ થશે, પણ એટલી નહીં કે બેઠક જીતી શકે. પરંતુ મોટા પક્ષના મતો તે કાપે તેવી પૂરી સંભાવના છે."
બીજી બાજુ દિનાકરણનો પક્ષ એઆઈએડીએમકેના મતોમાં ગાબડું પાડશે. ડી. સુરેશના જણાવ્યા અનુસાર કાવેરી-ડેલ્ટા વિસ્તારમાં દિનાકરણની મજબૂત પકડ છે. તેમની ફોઈ શશિકલાનો પરિવાર મન્નારગુડી ગામનો જ છે અને અહીં તેમણે વર્ચસ્વ જમાવ્યું હતું.
દક્ષિણ તામિલનાડુમાં પણ દિનાકરણની સ્થિતિ ઠીક ઠીક સારી છે. એક અંદાજ અનુસાર દિનાકરણને 68% મતો મળશે. તેમને લઘુમતીના મતો પણ થોડા મળે તેવી શક્યતા છે.


નારાજગીનું કારણ NEETની પરીક્ષા

ઇમેજ સ્રોત, Getty Images
ડી. સુરેશ કહે છે કે છેલ્લા બેત્રણ વર્ષથી એટલે કે જયલલિતાના નિધન પછી તામિલનાડુના પક્ષોએ લોકોના મનમાં એવી વાત ફેલાવી દીધી છે કે ભાજપ તામિલનાડુનાં હિતોની વિરુદ્ધ છે. આવા પ્રચારમાં NEETની પરીક્ષાનો મુદ્દો મહત્ત્વનો બન્યો છે.
તામિલનાડુમાં 10 વર્ષ પહેલાં મેડિકલ અને એન્જિનિયરિંગ કૉલેજોમાં પ્રવેશ માટેની પ્રવેશપરીક્ષા બંધ કરી દેવાઈ હતી.
12મા ધોરણમાં આવેલા માર્ક્સના આધારે જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવતો હતો. બાદમાં તામિલનાડુમાં પણ NEETની પરીક્ષા લાગુ કરવામાં આવી. તેના કારણે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને સારી કૉલેજમાં પ્રવેશ નહીં મળે તેવું ઘણાને લાગ્યું.
તે વખતે ભાજપના નેતા (અને મૂળ તામિલનાડુના) નિર્મલા સીતારમણે કહ્યું હતું કે એક વર્ષ માટે રાજ્યને પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે, પણ તેવું થયું નહોતું.
દરમિયાન દલિત પરિવારની એક કન્યા અનીતાએ આત્મહતા કરી હતી. અનીતાએ NEET લેવા સામે વિરોધ કરીને ઝુંબેશ ચલાવી હતી.
આત્મહત્યાના આ બનાવ બાદ એક વર્ગ ભાજપથી નારાજ થઈ ગયો હતો.
આ ઉપરાંત કેન્દ્રની ઘણી યોજનાઓની બાબતમાં પણ તામિલનાડુમાં ભારે નારાજી જોવા મળે છે, જેમ કે હાઇડ્રોકાર્બન પ્રોજેક્ટ અને સેલમ-ચેન્નાઈ કૉરિડૉર પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ પર હાલમાં કોર્ટે સ્ટે આપેલો છે.
આ યોજનાઓ સામે તામિલનાડુમાં વિરોધનો સ્વર ઊઠ્યો હતો, કેમ કે સ્થાનિક લોકોને લાગે છે કે તેના કારણે સૌથી વધુ નુકસાન ખેતી અને સ્થાનિક વેપારને થશે.
ડી. સુરેશ એક બીજી અગત્યની બાબત તરફ ધ્યાન દોરે છે. તેઓ કહે છે કે કરુણાનિધિ અને જયલલિતા બંનેની ગેરહાજરી હોવાને કારણે તામિલનાડુના લોકોને લાગે છે કે મોદીની આગેવાની હેઠળનો ભાજપ તેમની વિચારધારા રાજ્ય પર ઠોકી બેસાડવા માગે છે.
દાખલા તરીકે જયલલિતા જીવિત હતાં ત્યારે તેમણે અન્ન સુરક્ષા ખરડો, ઉજ્જ્વલા યોજના અને જીએસટીનો વિરોધ કર્યો હતો. આમ છતાં તેમના અવસાન પછી આ બધી જ યોજનાઓને રાજ્યમાં લાગુ કરી દેવાઈ છે. તેથી લોકોને લાગે છે કે કેન્દ્ર સરકાર તામિલનાડુ સાથે 'મોટા ભા' જેવો વહેવાર કરે છે.
ડી. સુરેશ કહે છે, "આ બધાં પરિબળોને ધ્યાનમાં રાખીને જ ભાજપે એઆઈએડીએમકે સાથે જોડાણ કર્યું છે. ગયા વખતે તેને નોટા કરતાંય ઓછા મતો મળ્યા હતા. આ વખતે એટલી ખરાબ સ્થિતિ નહીં હોય, પણ વધારે સારી સ્થિતિ ડીએમકે-કૉંગ્રેસ ગઠબંધનની જ દેખાઈ રહી છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














