રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી, સરકાર રચવા માટેની તોડજોડ કોના માટે સરળ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અરવિંદ મોહન
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી
ઍક્ઝિટ પોલના આંકડાંઓમાં ભલે એનડીએને બહુમતી મળતી દેખાતી હોય તો ભલે પણ જો તે પરિણામોમાં પરિવર્તિત ન થાય તો...
કોઈ એક ગઠબંધનને સ્પષ્ટ બહુમત ન મળે એ સ્થિતિમાં શું કરવું, એ માટે નાના-મોટા તમામ પક્ષો કામે લાગી ગયા છે.
તેઓ રણનીતિ બનાવવામાં લાગ્યા છે. એટલું જ નહીં, તેઓ લેણદેણમાં ભાવતાલની શક્યતાઓ પણ શોધી રહ્યા છે.
રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી પરિણામ આવ્યા પછી જોડ-તોડ માટે સક્રિય થશે એવું માનવું અણસમજ કહેવાશે.
ચૂંટણીમાંથી નવરાશ મળી ગઈ હોવાથી ચંદ્રબાબુ નાયડુ અને કે ચંદ્રશેખર રાવ જેવા નેતા જ સક્રિય થયા છે એવું માનવાની જરાય જરૂર નથી, યૂપીએનાં પ્રમુખ સોનિયા ગાંધીના નામે હળવા-મળવાના આમંત્રણ અપાઈ રહ્યાં છે.
ચંદ્રબાબુ ઘણા અંશે કૉંગ્રેસ અને રાહુલ ગાંધીની તરફેણમાં જોડ-તોડ, સમીકરણ, શાસન અને સરકાર રચવાનો એજન્ડા બનાવવાની કોશિશ કરી રહ્યા છે, તો તેલંગણાના મુખ્ય મંત્રી કેસીઆર પોતાની મહત્ત્વની ભૂમિકા શોધી રહ્યા છે. તેમણે ઘણી જગ્યાએથી સીધેસીધો જવાબ પણ મળ્યો છે.
એવું પણ કહેવાઈ રહ્યું છે કે કૉંગ્રેસે વાઈએસઆર કૉંગ્રેસના નેતા જગનમોહન રેડ્ડીનો પણ સંપર્ક કર્યો જે એ સમયે વિદેશ હતા.
એવું મનાતું હતું કે આગામી સંસદમાં કોઈ ગઠબંધનને સ્પષ્ટ બહુમત ન મળવાની સંભાવનાને પામી ગયા હોવાથી આ પ્રયત્નો કરાઈ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

જનતાની રગ

ઇમેજ સ્રોત, Getty Images
ચૂંટણીમાં સીધી ભાગીદારી ધરાવનારા અને જનતાની રગને સારી રીતે પકડનારા જ્યારે આ પ્રકારના પ્રયાસો કરે તો પત્રકારો ચોંકી જ જતા હોય છે.
જ્યારે સોનિયા ગાંધીના નામથી આમંત્રણ અપાવવાં લાગ્યાં અને તારીખની અદલાબદલીના સમાચાર આવ્યા તો તેને ત્રિશંકુ સંસદ બને છે તેવા એંધાણ તરીકે અને તે માટેની આગળની તૈયારીઓના સંકેત જ ગણવામાં આવ્યા.
આ પ્રકારના નિર્દેશ નરેન્દ્ર મોદીએ પણ આપ્યા. એક નેતા, એક મજબૂત નેતા જે પાકિસ્તાનને ધૂળ ચટાડી દેવાનો દાવો કરીને દિગ્વિજય માટે નીકળ્યા છે, એમની પણ કેટલીક મજબૂરીઓ હતી અને છે.
આખી ચૂંટણી જ્યારે નરેન્દ્ર મોદીને નામે લડવામાં આવી છે અને પક્ષ-વિપક્ષના ભાગલાઓ વચ્ચે નરેન્દ્ર મોદી પણ ચૂંટણી પછીની તજવીજમાં પડી શકે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

એનડીએના નેતાઓની પરેડ

ઇમેજ સ્રોત, Getty Images
ચૂંટણી કઈ લાઇન પર છે તેનો તેમને ખ્યાલ આવ્યો અને યૂપી-બિહારના નુકસાનની ભરપાઈ કદાચ બંગાળ-ઓડિશા થકી નહીં થઈ શકે એવું લાગ્યું ત્યારે એમણે એક સમયે એનડીએનો ભાગ રહેલા મમતા બેનરજી તરફથી ઝભ્ભો અને રસગુલ્લાની ભેટ મળ્યાની વાત પણ જાહેરમાં કરી.
બીજુ જનતા દળ સામેના પ્રહારો મંદ કર્યા, આપદા રાહતના નામે નવીન પટનાયક સાથેની તસવીરો શૅર કરી અને જ્યારે મમતાએ જ્યારે ઊલટાં સિગ્નલ આપવાનું શરૂ કર્યું તો પ્રહારો તીવ્ર કર દીધા.
આ વચ્ચે તેમણે પોતાની ઉમેદવારી સમયે એનડીએ નેતાઓની પરેડ પણ કરાવી અને જાહેરમાં પ્રકાશસિંહ બાદલનાં ચરણસ્પર્શ પણ કર્યાં.
નરેન્દ્ર મોદી, એનડીએ, ભાજપ અને તેમના લગભગ તમામ ઉમેદવારોને નરેન્દ્ર મોદીની મજબૂત નેતા તરીકેની છબીથી લાભ થયો.
તેમનાથી નારાજ શિવસેના પણ પોતાની પસંદગીનો સોદો કરીને આ જ વાતનો લાભ લેવા માટે ગઠબંધનમાં આવી પાછી આવી ગઈ.

મોદી-શાહની જોડી

ઇમેજ સ્રોત, Getty Images
ભાવતાલ કરીને પોતાના હિસ્સામાં વધારે સીટો લીધા બાદ પોતાને પીએમ મટિરિયલ માનનાર નીતીશ કુમાર પણ માથું ઝુકાવીને ચૂંટણીમાં સાથે જ રહ્યા. પણ છઠ્ઠા તબક્કાની નજીક આવતા સુધીમાં બિહારને સ્પેશિયલ સ્ટેટસ અપાવવાની માગ ઉઠાવવા લાગ્યા, જેના કારણે લોકો પણ સવાલ પૂછવા લાગ્યા કે શું આ વખતે ફરી પલટી મારશે?
નીતીશ પણ ભાવતાલની કોઈ તક ચૂકે એવું લાગતું નથી.
હજી પરિણામ આવ્યું પણ નથી કે મોદીની મજબૂત નેતા, દબંગ નેતાની છબીથી તકલીફ થવા લાગી છે.
હવે તો મોદી પરિણામમાં એટલા મજબૂત સાબિત ન થયા તો પાર્ટીની અંદર-બહાર બન્ને તરફથી પ્રશ્ન ઊઠશે, કેમ કે આખી ચૂંટણી તેમણે પોતાને નામે લડવાનું જોખમ ખેડ્યું હતું,
આની ખબર પરિણામ આવ્યા પછી જ પડશે, પણ જો તેઓ પોતાના દમ પર બહુમતી લાવશે તો એનડીએના ઘટક પક્ષોની દશા 2014-19ની તુલનામાં વધારે દયનીય થશે.
જોકે, એવું પણ કહેવું જોઈએ કે ઘટક પક્ષોની તમામ ફરિયાદો છતાં મોદી-શાહ એનડીએને જાળવી રાખવામાં મોટા પાયે સફળ રહ્યા.



ગઠબંધનની સરકાર
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ને છોડીને મોટા ભાગનું ગઠબંધન 2014 જેવું જ છે, જેડીયુ અને શિવસેનાને છૂટ આપીને મનાવી લેવામાં આવ્યા. એટલી હદ સુધી કે આસામ ગણ પરિષદને પણ ફરી જોડવામાં આવી.
બેઠકોની વહેંચણીમાં છૂટ અને ભવિષ્યની શક્યતાઓને ધ્યાને રાખીને આ બધા સાથે આવ્યા છે, પણ પરિણામોની જાહેરાત પછી ખરો ભાવતાલ થશે.
મોદીની સરખામણીમાં નરમ અને મૃદુ છબી ધરાવતા રાહુલને ઘણી રાહત થશે.
કૉંગ્રેસમાં જોડ-તોડના સૂત્રધાર ગુલાબ નબી આઝાદે તો એવું પણ કહી દીધું કે ગઠબંધનની સરકાર બનાવવા માટે વડા પ્રધાનપદનો દાવો પણ કૉંગ્રેસ જતો કરી શકે છે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને દાવાને ભાજપ નીચે કરી લે એવું શક્ય લાગતું નથી. આવું કરવાથી માત્ર ચૂંટણીલક્ષી જ નહીં, રાજકીય કથાનક પણ ધોવાઈ જશે.

બિનકૉંગ્રેસી દળોના નેતા
એવામાં ગઠબંધનને નામે પાલખી ઉઠાવનારા અથવા કોઈ લાભ માટે સરળતાથી માની જાય એવા સાથીઓ મળી જાય એવી સંભાવના વધારે છે.
કોઈને મોટું પદ કે મનગમતો વિભાગ અને વધારે પ્રતિનિધિત્વ આપવા જેવી રીતોથી સમર્થન પામી શકાય છે, પણ હકીકતમાં તે ન તો ગઠબંધનની રાજનીતિ હશે ન તો તેનો કોઈ અલગ એજન્ડા હશે.
ક્યારેક કોઈ રામવિલાસ પાસવાન એકાદ મુદ્દા પર મોઢું ખોલી દે અથવા નીતીશ કુમાર મંચ પર વંદે માતરમ્ પર મૌન સાધી લે એ જ ફળશ્રુતિ રહેશે.
આ મામલે કૉંગ્રેસ અથવા અન્ય બિનભાજપી દળો અને તેમજ બિનકૉંગ્રેસી દળોના નેતાઓ સારી સ્થિતિમાં છે.
કૉંગ્રેસ જો અત્યારથી જ વડા પ્રધાનપદનો દાવો છોડવા તૈયાર હોય તો તેને રાહુલ માટે એક ખતરો માનવાના બદલે રણનીતિ ગણવામાં આવશે.
બીજી તરફ ગડકરી અથવા રાજનાથસિંહ એવું કંઈ પણ બોલી દે છે જેનો અર્થ ખેંચી-તાણીને મોદીના વિરોધ તરીકે કાઢવામાં આવે છે, જેનાથી મોદીના કાન તો સરવા થઈ જાય છે. ગડકરી જેવા નેતાને પણ સ્પષ્ટતા કરવામાં મુશ્કેલી થાય છે.

ગઠબંધનની જરૂર

ઇમેજ સ્રોત, Getty Images
અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીનો કિસ્સો પણ ચર્ચવો રસપ્રદ રહેશે.
મંદિર-આંદોલન પછીની પાર્ટી અડવાણી દ્વારા બની હતી. સાંસદો પૈકી મોટા ભાગના લોકો તેમના પક્ષે હતા, પાર્ટી પર તેમની સારી એવી પકડ હતી.
બીજી તરફ વાજપેયી હતા જેમણે મંદિર-આંદોલનથી અંતર રાખ્યું હતું.
23 ડિસેમ્બરની રાત્રે તેઓ એકલા રાયસીના રોડ સ્થિત પોતાના મકાનમાં હતા, પણ જેવી ગઠબંધનની જરૂર પડી તો અડવાણીને આઘા ખસેડવામાં ભાજપને એક મિનિટની વાર નહોતી લાગી, કેમ કે તેમના નામે અન્ય પક્ષો સાથે ન આવ્યા હોત અને સમર્થન ન કર્યું હોત.
એકલા હાથે પૂર્ણ બહુમત ન મળવાની હાલતમાં ભાજપ ફરી એવું નહીં કરે એવી ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે.
પરિણામ આવે એ પહેલાં કંઈ પણ કહેવું એ અંદાજ લગાડવા જેવું કહેવાશે. મોદીની છબી એવી છે કે ફરીથી સમર્થન મેળવવામાં અડવાણીને પડી હતી એથી વધારે જ તકલીફ પડશે.
પરિણામની રાહ જોવાઈ રહી છે પરંતુ રાજનીતિ એની રાહ નથી જોઈ રહી. જે આગામી સરકારના ગઠનમાં ભૂમિકા નિભાવી શકે છે એ તમામ ખેલાડીઓ પૂરતા સક્રિય થઈ ગયા છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














