કૉંગ્રેસ પોતાના પૂર્વજોનો બચાવ કેમ નથી કરી શકતી?

નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સમીરાત્મજ મિશ્ર
    • પદ, લખનૌથી, બીબીસી ગુજરાતી માટે

પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને 'મૃત્યુ સુધી ભ્રષ્ટાચારી નંબર વન' ગણાવનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર કૉંગ્રેસ પાર્ટીમાં ખળભળ જોવા મળી રહી છે, સોશિયલ મીડિયા પર પણ આ અંગે જાણે યુદ્ધ છેડાઈ ગયું છે.

વડા પ્રધાન મોદી આ પહેલાં પણ ગાંધી-નહેરુ પરિવારના સભ્યો પર અનેક રાજકીય અને વ્યક્તિગત ટિપ્પણી કરી ચૂક્યા છે પણ કૉંગ્રેસના નેતાઓનું કહેવું છે કે આ નિવેદનથી વડા પ્રધાન મોદીએ તમામ હદ પાર કરી દીધી છે.

વડા પ્રધાને થોડા દિવસ પહેલાં કુંભના મેળા સંદર્ભે પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુને પણ ઘેર્યા હતા અને એ પહેલાં નહેરુ અને ઇંદિરા ગાંધીની નીતિઓ અને તેમનાં કાર્યોની નિંદાની સાથે વ્યક્તિગત ટિપ્પણીઓ પણ કરી ચૂક્યા છે.

કૉંગ્રેસ પાર્ટી આ વખતે રાજીવ ગાંધી પર કરાયેલી ટિપ્પણી અંગે ઘણા વધારે આક્રમક દેખાઈ રહ્યા છે.

line

કૉંગ્રેસની પ્રતિક્રિયા

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, EPA

બીજી તરફ વિપક્ષી નેતાઓ અને ખાસ કરીને કૉંગ્રેસ પાર્ટીના નેતાઓની વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરની ટિપ્પણીનો જવાબ આક્રમક રીતે આપવામાં ભાજપ ચૂકતો નથી અને તેને રાજકીય હથિયાર બનાવી દે છે.

2014ની લોકસભા ચૂંટણી પહેલાં મણિશંકર અય્યરના નિવેદનથી માંડીને તાજેતરના ચોકીદાર સંબંધિત આરોપોને ભાજપે રાજકીય હથિયારમાં ફેરવ્યા એટલું જ નહીં તેનો પ્રચારમાં પણ ઉપયોગ કરાઈ રહ્યો છે.

પ્રશ્ન એ ઊઠે છે કે કૉંગ્રેસ પાર્ટી તેમના પ્રમુખ નેતાઓ પર કરાતી ટિપ્પણી સામે આક્રમક કેમ થઈ શકતી નથી?

કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને દિલ્હીનાં પૂર્વ મુખ્ય મંત્રી શીલા દીક્ષિત આ પ્રશ્નનો જવાબ ગુસ્સામાં આપે છે, "રાજીવજી પર આપવામાં આવેલા નિવેદનની કૉંગ્રેસ જ નહીં આખો દેશ નિંદા કરે છે."

"કોઈ વ્યક્તિ સત્તાના અહંકારમાં ભાષા અને પોતાના પદની મર્યાદા ઓળંગે તો શું અમે પણ એમના જેવા જ થઈ જઈએ."

જ્યાં સુધી રાજીવ ગાંધી વિશે મોદીની ટિપ્પણીનો પ્રશ્ન છે તો કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતે અને પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કરીને જવાબ આપ્યો છે અને કૉંગ્રેસના નેતાઓએ પણ તીખી પ્રતિક્રિયાઓ આપી છે.

નામ ન આપવાની શરતે કૉંગ્રેસના એક મોટા નેતા કહે છે, "અમે વાંધો ઉઠાવ્યો, વિરોધ કર્યો, નિવેદન જાહેર કર્યું, ઠેકઠેકાણે વિરોધ પ્રદર્શન કર્યાં પણ મીડિયામાં કંઈ આવે તો ને. મીડિયા તો અમારી વાત લોકોને બતાવતું નથી પણ દેશ તો જોઈ જ રહ્યો છે."

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

ભાજપની ખાસ રણનીતિ

નરેન્દ્ર મોદી અને શાહ

ઇમેજ સ્રોત, EPA

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોઈ ટિપ્પણી પર ભાજપની આક્રમકતા માટે ભાજપના આક્રમક પ્રવક્તાઓ અને આઈટી સેલને શ્રેય આપવામાં આવે છે.

વરિષ્ઠ પત્રકાર અરવિંદ કુમાર સિંહ કહે છે, "કૉંગ્રેસ દેશની સૌથી જૂની પાર્ટી છે. પ્રવક્તાઓની એક સારી પરંપરા રહી છે અને એ હિસાબે જ એમનું પ્રશિક્ષણ થતું હતું."

"ભાષાની મર્યાદા રહેતી હતી, જોકે ભાજપમાં પણ જૂના નેતાઓ અને પ્રવક્તાઓમાં પણ એવા જ સંસ્કાર હતા પણ જ્યારથી ભાજપનું વર્તમાન નેતૃત્વ આવ્યું છે ત્યારથી એક નવી પરંપરા વિકસી છે."

"આક્રમક રીતે પોતાના નેતાઓનો બચાવ કરવાની સાથે વિરોધીઓ પર હુમલો પણ કરે છે."

જાણકારોનું કહેવું છે કે કૉંગ્રેસનું શરૂઆતથી જ એક તંત્ર બનેલું છે અને એ હિસાબથી જ તે હજી ચાલી રહ્યું છે, પણ ભાજપે તકનીકની સાથે પોતાની રીતભાત પણ બદલી છે.

અમિત શાહ તથા નરેન્દ્ર મોદીની તસવીર

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, અમિત શાહ પણ ગાંધી પરિવાર ઉપર નિશાન સાધતા રહે છે

મણિશંકર અય્યરની નરેન્દ્ર મોદી વિશેની ટિપ્પણીનો એ વખતના વડા પ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ જે રીતે રાજકીય હથિયાર સ્વરૂપે ઉપયોગ કર્યો હતો, એનું શ્રેય ભાજપના મીડિયા સેલના બદલે મોદી અને શાહ દ્વારા તૈયાર કરાયેલા સોશિયલ મીડિયા તંત્રને જાય છે.

તાજેતરમાં વડા પ્રધાન મોદીએ પોતાને પછાત જ્ઞાતિના ગણાવીને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો અને 'ચોકીદાર ચોર હૈ' જેવા વિપક્ષના હુમલાને સોશિયલ મીડિયામાં પોતાના તમામ સમર્થકોને 'ચોકીદાર' બનાવીને તેનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો.

અરવિંદ સિંહ કહે છે, "આ નવા તંત્રમાં તેમના અસત્યને પણ ઢાંકવામાં આવી રહ્યું છે અને એ માટે સોશિયલ મીડિયાને પ્લૅટફૉર્મ બનાવાઈ રહ્યું છે.

આની મદદથી કોઈ પણ અસત્યનો એટલો પ્રચાર કરવામાં આવે છે કે લોકો એને સાચું માની લે છે."

"કૉંગ્રેસ પાર્ટી સોશિયલ મીડિયા કૅમ્પેનમાં પાછળ છે એટલું જ નહીં રાજકીય અને ભાષાકીય તુલનામાં પણ પાછળ છે.

ગંભીર અને વિચારવા જેવી વાત એ છે કે સોશિયલ મીડિયા પર પીરસવામાં આવતા કથિત સત્ય ઘણી વખત વડા પ્રધાનનાં ભાષણો સુધ્ધાંમાં તથ્યરૂપે રજૂ કરવામાં આવે છે."

ભારતીય જનતા પાર્ટીના નેતા વડા પ્રધાનની આ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપવાથી તો ખચકાય છે, પણ તેના જવાબમાં ફરીફરીને એ જ વાત આવે છે કે સિત્તેર વર્ષથી દેશને લૂંટી રહેલા લોકોને આ વાતો ખરાબ તો લાગશે જ.

લાઇન
લાઇન

કૉંગ્રેસ જવાબ કેમ નથી આપતી?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, EPA

ઉત્તર પ્રદેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ નિવેદન પર કૉંગ્રેસ નેતાઓમાં ભારે નારાજગી છે.

ધારાસભ્ય આરાધના મિશ્રા કહે છે, "આ રાજનીતિનું નિમ્ન સ્તર છે. ક્યારેય કોઈ વડા પ્રધાને આવી ટિપ્પણી અને ભાષાનો પ્રયોગ નથી કર્યો."

"રાજીવજી પર ટિપ્પણી કરનારને હિંદુ સભ્યતા અને સંસ્કારની મર્યાદાનો પણ ખ્યાલ નથી. તેઓ આ દુનિયામાં નથી અને તેમની જ પાર્ટીની સરકાર ક્લીનચિટ આપી ચૂકી છે."

આરાધના મિશ્રા કહે છે કે એનો સીધો અર્થ એવો નીકળે છે કે ભાજપ અને વડા પ્રધાન ડરેલા છે:

"રાહુલજી જે રીતે તેમના દરેક પ્રશ્નનો જવાબ આપી રહ્યા છે, પ્રિયંકા જે રીતે પડકારી રહ્યાં છે, એથી તેમની ગભરામણ સ્પષ્ટ દેખાય છે."

"મોદીજીના નિવેદન પર દેશભરમાં નારાજગી છે. તેમણે આનું પ્રાયશ્ચિત કરવું પડશે."

લખનૌમાં વરિષ્ઠ પત્રકાર યોગેશ મિશ્ર કહે છે કે કૉંગ્રેસ આવી ટિપ્પણીઓ પર પણ આક્રમકતાથી જવાબ આપવાથી બચે છે, કેમ કે તે ભાજપની બી ટીમ બનવા માગી નથી.

તેઓ કહે છે, "તમે જુઓ, રાહુલ પોતે આવાં નિવેદનોનો જવાબ કઈ રીતે આપી રહ્યા છે."

"કૉંગ્રેસને ખબર છે કે જો આ જ ભાષામાં જવાબ આપવામાં આવશે તો ઇતિહાસમાં તેઓ પોતાને વર્તમાન ભાજપ કરતાં અલગ બતાવી નહીં શકે."

"કૉંગ્રેસમાં આ પ્રકારની ટિપ્પણી કરનારાઓની હકાલપટ્ટી પણ કરાઈ છે પણ ભાજપમાં કદાચ જ કોઈ નેતા વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હોય."

અહીં એક રસપ્રદ વાત એ પણ છે કે ભાજપની આક્રમકતા ત્યારે જ દેખાય છે જ્યારે કોઈ વાંધાજનક ટિપ્પણી કે આરોપ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અથવા અમિત શાહ પર લાગે છે.

ભાજપના કોઈ અન્ય મોટા અને જૂના નેતા વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી પર આટલી આક્રમક શૈલીમાં જવાબ અપાતા નથી.

અરવિંદ કુમાર સિંહ આનું કારણ જણાવતા કહે છે, "અમિત શાહના નેતૃત્વમાં ભાજપનું સંગઠન એ જ રીતે કામ કરે છે જે રીતે રાજ્યોમાં પાર્ટી સંગઠન કરે છે, ખાસ કરીને ક્ષેત્રીય પાર્ટીઓને."

"અહીં પાર્ટીના નેતાઓને જ સર્વ માનીને તેમની વાતોનો પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે અને તેમના વિરુદ્ધ લાગેલા આરોપોનો બચાવ કરવામાં આવે છે."

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો