શું ભાજપ આરએસએસના પ્રભાવને લીધે ચૂંટણી જીતે છે?

ભાજપની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, નારાયણ બારેઠ
    • પદ, જયપુરથી બીબીસી ગુજરાતી માટે

ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો પ્રભાવ વધ્યો છે. પણ એ માત્ર સંયોગ છે કે ભાજપે તેના સહારે પોતાનો ફેલાવો કરી લીધો છે.

સંઘ સાથે જોડાયેલા લોકો કહે છે કે ચોક્કસથી ભાજપ વૈચારિક રીતે તેની નજીક છે પણ ભાજપનો આગવો પ્રભાવ છે.

તો કેટલાક વિશ્લેષકો કહે છે કે દક્ષિણ પંથનો આ ફેલાવો દેશની વિવિધતા માટે ચિંતાજનક છે.

line

દેશમાં સંઘનો વિસ્તાર

ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images

સંઘના એક રિપોર્ટ અનુસાર દેશમાં 59 હજાર શાખાઓ ચાલી રહી છે. શાખાના માધ્યમથી દરરોજ સંઘના સભ્યો એકઠા થાય છે.

રાજસ્થાનમાં સંઘ સાથે સંકળાયેલી પત્રિકાના સંપાદક કે. એલ. ચતુર્વેદી કહે છે કે દેશમાં વિભાગો અને મંડળ સ્તરે સંઘની ઉપસ્થિતિ છે.

શું ભાજપનો વધતો પ્રભાવ સંઘની દેણ છે? આ સવાલ પર ચતુર્વેદી કહે છે, ''એવું નથી, ભાજપનું આગવું અસ્તિત્વ છે. એ ખરું કે ભાજપ વૈચારિક રીતે તેની નજીક છે પણ ભાજપનું પોતાનું સંગઠન અને શક્તિ છે.''

જોકે, ચતુર્વેદી એ ચોક્કસ માને છે કે ચૂંટણીમાં સ્વયંસેવકોના પ્રયત્નોનો ભાજપને લાભ મળે છે, કેમ કે વૈચારિક રીતે બંને નજીક છે.

ચતુર્વેદીના અનુસાર હાલમાં થયેલી ચૂંટણીમાં સ્વયંસેવકોની સક્રિયતાને લીધે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વધુ મતદાન થયું.

આરએસએસે છેલ્લા કેટલાક સમયમાં મીડિયા, જનસંપર્ક અને પ્રચારમાં ખાસ ધ્યાન આપ્યું છે.

તેના માટે સમાજના આગેવાનો સાથે સંપર્કમાં રહેવા કૉફી-ટેબલ બુક જેવા કાર્યક્રમનો સહારો લીધો છે.

ઉજ્જૈન, પટણા અને ભાગ્યનગરમાં બ્લૉગર્સ અને જાણીતા લેખકો સાથે બેઠકો કરી, જેમાં 225 લેખકોએ ભાગ લીધો હતો.

સંઘે નારદમુનિને પત્રકારત્વ સાથે જોડી દીધા અને ગત બે વર્ષમાં નારદજયંતી પર અલગઅલગ જગ્યાએ કાર્યક્રમો કરીને 2000થી વધુ પત્રકારોનું સન્માન કર્યું.

સંઘના રિપોર્ટ પ્રમાણે દિલ્હી, જયપુર અને ભુવનેશ્વરમાં સોશિયલ મીડિયામાં કૉન્ક્લેવનું આયોજન કરાયું. જેમાં સોશિયલ મીડિયામાં સક્રિય એક હજારથી વધુ લોકોએ ભાગ લીધો.

આરએસએસ હાલમાં 12 ભાષાઓમાં 30 પત્રિકાઓ પ્રકાશિત કરીને નિયમિત રીતે બે લાખ ગામો સુધી પહોંચાડે છે. હરિયાણામાં આ પત્રિકાઓ પહોંચાડનાર 572 પોસ્ટમૅનનું સન્માન કરાયું.

સંઘે પોતાની રીતે દેશમાં 43 પ્રાંત બનાવ્યા છે. જેમાં બંગાળને ઉત્તર અને દક્ષિણ બંગાળમાં વિભાજિત કર્યું છે.

ગત વર્ષે સંઘે આ બંને ભાગમાં ધાર્મિક અન સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી પોતાની મોજૂદગી વધારવાનો પ્રયાસ કર્યો છે.

સંઘના રિપોર્ટ પ્રમાણે બંગાળમાં 32 સ્થળોએ રામનવમી પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

લાઇન

આપને આ પણ વાચવું ગમશે

લાઇન

કૉંગ્રેસની તૈયારી

સોનિયા ગાંધી અને ડૉ. મનમોહન સિંહ

લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંઘના વડા પ્રધાન ગણાવીને પ્રહારો કર્યા હતા. પણ શું કૉંગ્રેસ પોતાનો વૈચારિક પ્રભાવ વધારવા માટે કોઈ પ્રયાસ કરે છે?

રાજસ્થાનમાં કૉંગ્રેસની ચૂંટણી અભિયાન સમિતિના પ્રમુખ અને આરોગ્યમંત્રી રઘુ શર્માએ કહ્યું:

''અમે અમારા કાર્યકરોની આઝાદીની લડાઈ, ઇતિહાસ, વિચાર અને લોકનાયકોનાં જીવનચરિત્ર વિશે પ્રશિક્ષણ આપતા રહીએ છીએ.''

''અમે ભાજપ અને વડા પ્રધાન મોદીના બેવડા માપદંડો અને જૂઠ વિશે પણ કાર્યકરોને માહિતગાર કરતા રહીએ છીએ.''

શર્મા ઉમેરે છે, ''કૉંગ્રેસ પાસે એક-એકથી ચડિયાતા વિચારશીલ લોકો છે, કૉંગ્રેસ એક આંદોલન છે, આ પાર્ટી છેલ્લાં 30 વર્ષથી કામ કરી રહી છે. અમારી પહોંચ અંતરિયાળ ગામ સુધી છે, ભાજપની એવી પહોંચ નથી.

આરએસએસે પોતાના સંગઠન પ્રમાણે રાજસ્થાનને ત્રણ પ્રાંતમાં વહેંચી રાખ્યું છે. જેમાં આદિવાસી બહુમતીવાળા મેવાડને ચિત્તોડ પ્રાંત સાથે જોડ્યું છે.

મેવાડ એક સમયે કૉંગ્રેસનો ગઢ હતો. શરૂઆતના તબક્કામાં કૉંગ્રેસે આદિવાસીઓ વચ્ચે રહીને શિક્ષણ, રોજગારી અને જાગૃતિ માટે ઘણું કામ કર્યું હતું. બાદમાં મેવાડ કૉંગ્રેસના હાથમાંથી સરકતું ગયું.

આ એ જ સમય હતો જ્યારે સમાજવાદી નેતા મામા બાલેશ્વરદયાલ આદિવાસી સમાજમાં સૌથી વધુ પ્રભાવક તરીકે ઊભરી આવ્યા.

તેમની હયાતીમાં કૉંગ્રેસ અને ભાજપ ડુંગરપુર અને વાંસવાડા જેવા જિલ્લામાં સફળ ન થઈ શક્યા.

પરંતુ બે દસક પહેલાં તેમનું નિધન થતાં ભાજપે જગ્યા બનાવી લીધી. સમાજવાદી નેતા અર્જુન દેથા કહે છે, ''મામાજીની વિરાસત ત્રણ ભાગમાં વેરાઈ ગઈ.''

તેઓ જણાવે છે, ''એક ભાગ ભાજપ અને કૉંગ્રેસ પાસે ગયો, બીજો ભાગ નવી ઉભરેલી ટ્રાઇબલ પાર્ટીએ સમેટી લીધો અને ત્રીજો ભાગ હજુ પણ પોતાનું સ્થાન શોધી રહ્યો છે.''

દેથાના જણાવ્યા પ્રમાણે કૉંગ્રેસે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ વિસ્તારમાં વૈચારિક અને સંગઠનનું કામ નથી કર્યું. એટલા માટે તે નબળી પડી રહી છે.

line

ભારતીય સમાજ પર પ્રભાવ

સંઘ

ઇમેજ સ્રોત, Getty Images

જાણકારોનું કહેવું છે કે મેવાડમાં આરએસએસ સાથે સંકળાયેલી 'વનવાસી કલ્યાણ પરિષદ' દ્વારા 40 વર્ષ પહેલાં કામ શરૂ કરાયું હતું અને હવે તેણે મૂળિયાં પ્રસારી દીધાં છે.

પરિષદ આ વિસ્તારમાં 335 સેવાકેન્દ્રો ચલાવે છે. જેમાં 16 વનવાસી બૉર્ડિંગ સ્કૂલ, 17 પ્રાથમિક, 6 માધ્યમિક અને સૅકન્ડરી સ્કૂલ, 108 એક જ શિક્ષકથી ચાલતી શાળા અને 179 બાળ સંસ્કારકેન્દ્ર સામેલ છે.

પરિષદે 117 ગ્રામ સ્વાસ્થ્યકેન્દ્ર અને 115 સ્પોર્ટ્સ સૅન્ટર પણ શરૂ કર્યાં છે.

સમાજશાસ્ત્રી ડૉ. રાજીવ ગુપ્તા જણાવે છે, "આ દક્ષિણપંથી સંગઠનોનો વધી રહેલો પ્રભાવ ભારતના બહુમત અને વિવિધતા ધરાવતા સમાજ માટે ચિંતાનો વિષય છે, કારણ કે આવાં સગઠનો સંકિર્ણ અને રૂઢિચુસ્ત મન-મસ્તિક તૈયાર કરે છે."

રાજીવ ગુપ્તાનું કહેવું છે, "ભારતમાં વિકાસની દૃષ્ટિએ આ મોટો વિશ્વાસઘાત હશે, કારણ કે ભારતીય સમાજ બહુમતી અને વિવિધતાથી ભરેલો દેશ છે."

"એ જ કારણ છે કે એક બિંદુ બાદ સમાજ દક્ષિણપંથી ફેલાવવાની આ પ્રક્રિયાને સ્વીકારવાનો ઇન્કાર કરી દેશે."

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો