બાલ ઠાકરે મામલે પીએમ મોદીનો કૉંગ્રેસ પરનો આરોપ ખોટો નીકળ્યો : ફૅક્ટ ચેક

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રશાંત ચહલ
- પદ, ફૅક્ટ ચેક ટીમ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના લાતુરમાં યોજાયેલી એક ચૂંટણીસભામાં શિવસેનાના સંસ્થાપક બાલ ઠાકરે અને કૉંગ્રેસ પાર્ટી વિશે એક નિવેદન આપ્યું હતું કે જે ખરેખર સાચું નથી.
જનસભામાં વડા પ્રધાન મોદીએ કહ્યું, "હું જરા કૉંગ્રેસના લોકોને કહેવા માગું છું કે દર્પણમાં જઈને પોતાનું મોઢું જુઓ. તમારા મોઢામાંથી માનવાધિકારની વાતો શોભતી નથી. તમારે કૉંગ્રેસના લોકોએ ભારતનાં એકેએક બાળકને જવાબ આપવો પડશે. ભારતનાં એકેએક બાળકોને ન્યાય આપવો પડશે. તમે કૉંગ્રેસીઓએ 'બાલા સાહેબ'ની નાગરિકતા છીનવી લીધી હતી. તેમની પાસેથી મતદાન કરવાનો અધિકાર છીનવી લીધો હતો."

તમે આ વાંચ્યું કે નહીં?


ઇમેજ સ્રોત, TWITTER/NARENDRAMODI
લાતુરની જનસભામાં જે સમયે નરેન્દ્ર મોદીએ આ વાત કહી હતી, તે સમયે બાલ ઠાકરેના પુત્ર અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મંચ પર જ હાજર હતા.
ભાજપ અને શિવસેના, બન્ને પક્ષો વચ્ચે 18 ફેબ્રુઆરીના રોજ બેઠકો પર પરસ્પર સંમતિ સધાઈ હોવાની જાહેરાત કરવામાં આવી હતી.
2019ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 બેઠક પૈકી 25 બેઠક પર ભાજપ અને 23 બેઠક પર શિવસેના ચૂંટણી લડી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ શિવસેનાના સંસ્થાપક બાલ ઠાકરે વિશે મંગળવારે પીએમ મોદીએ જે કંઈ કહ્યું તેમાં એક હકીકતદોષ છે.
બાલ ઠાકરેના ચૂંટણી લડવા કે મત આપવા પર કૉંગ્રેસ પાર્ટી કે કૉંગ્રેસ સરકારે પ્રતિબંધ લગાવ્યો ન હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ દેશના રાષ્ટ્રપતિના રીફર કરવા પર ચૂંટણીપંચે બાલ ઠાકરે માટે આ સજા નક્કી કરી હતી.
બાલ ઠાકરે પાસેથી 1995થી માંડીને 2001 સુધી મતદાનનો અધિકાર છીનવી લેવામાં આવ્યો હતો.
કાયદાના જાણકાર આ સજાને 'કોઈની નાગરિકતા છીનવી લેવી' પણ ગણાવે છે.


જાણો સંપૂર્ણ કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
આ મામલો આશરે 31 વર્ષ જૂનો છે.
મુંબઈમાં આવતી મહારાષ્ટ્રની વિધાનસભા સીટ 'વિલે પાર્લે' પર પેટાચૂંટણી થઈ રહી હતી.
એક તરફ કૉંગ્રેસના નેતા પ્રભાકર કાશીનાથ કુંટે હતા, તો બીજી તરફ અપક્ષીય ઉમેદવાર ડૉક્ટર રમેશ યશવંત પ્રભુ ચૂંટણી મેદાનમાં હતા જેમને બાલ ઠાકરેની પાર્ટી શિવસેનાનું સમર્થન પ્રાપ્ત હતું.
બાલ ઠાકરે પોતે ડૉક્ટર રમેશ પ્રભુ માટે મત માગવા ચૂંટણી સભાઓમાં જઈ રહ્યા હતા. 13 ડિસેમ્બર 1987ના રોજ મતદાન થવાનું હતું.
14 ડિસેમ્બર 1987ના રોજ આ પેટા-ચૂંટણીનું પરિણામ આવ્યું અને કૉંગ્રેસી નેતા પ્રભાકર કુંટે ડૉક્ટર રમેશ પ્રભુ સામે હારી ગયા.
આ પેટાચૂંટણી પહેલાં વિલે પાર્લે વિધાનસભા સીટ કૉંગ્રેસ પાસે જ હતી.

જ્યારે ઠાકરેને દોષી ગણાવવામાં આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
પેટાચૂંટણીમાં હાર્યા બાદ કૉંગ્રેસના નેતા પ્રભાકર કાશીનાથ કુંટે પુરાવા સાથે કોર્ટ પહોંચી ગયા અને તેમણે આરોપ લગાવ્યા કે ભડકાઉ ભાષણ આપીને ડૉક્ટર રમેશ આ ચૂંટણી જીત્યા છે.
7 એપ્રિલ 1989ના રોજ બૉમ્બે હાઈકોર્ટે ડૉક્ટર રમેશ પ્રભુ અને બાલ ઠાકરેને 'રીપ્રેઝેન્ટેશન ઑફ ધ પીપલ ઍક્ટ, 1951'માં પરિભાષિત ચૂંટણીની 'કરપ્ટ પ્રૅક્ટિસ'ના દોષી ગણાવ્યા હતા.
સાથે જ વિલે પાર્લે સીટની પેટાચૂંટણીના પરિણામને રદ કરી દીધા હતા.
બૉમ્બે હાઈકોર્ટના આ નિર્ણય વિરુદ્ધ ડૉક્ટર રમેશ યશવંત પ્રભુએ સુપ્રીમ કોર્ટમાં સિવિલ અપીલ દાખલ કરી હતી.
પરંતુ 11 ડિસેમ્બર 1995ના રોજ સુપ્રીમ કોર્ટે આ અપીલ ફગાવી દીધી હતી અને બૉમ્બે હાઈકોર્ટના નિર્ણયને સુરક્ષિત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જગદીશ સરન વર્માએ નિર્ણયમાં લખ્યું હતું, "વિલે પાર્લે વિધાનસભા ક્ષેત્રમાં 29 નવેમ્બર, 9 ડિસેમ્બર અને 10 ડિસેમ્બર 1987ના રોજ ડૉક્ટર રમેશ પ્રભુ અને બાલ ઠાકરે દ્વારા આપવામાં આવેલાં ભાષણોને આ મામલે તપાસનો આધાર બનાવવામાં આવ્યાં."
"આ સભાઓમાં બાલ ઠાકરેએ કહ્યું હતું કે 'અમે હિંદુઓની રક્ષા માટે ચૂંટણી લડી રહ્યા છીએ. અમને મુસ્લિમ મતોની ચિંતા નથી. આ દેશ હિંદુઓનો હતો અને તેમનો જ રહેશે.' આ ભાષણોના આધારે બન્નેને ચૂંટણીની કરપ્ટ પ્રૅક્ટિસના દોષી ઠરાવવામાં આવ્યા હતા."
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય કોર્ટની ઔપચારિક વેબસાઇટ પર ઉપલબ્ધ છે.


રાષ્ટ્રપતિએ ચૂંટણીપંચ પાસેથી સલાહ લીઘી

ઇમેજ સ્રોત, Getty Images
કાયદાના જાણકાર અને હૈદરાબાદ લૉ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ફૈઝાન મુસ્તફાએ અમને જણાવ્યું કે આવા મામલે પેનલ્ટી શું હોય તેના મામલે દેશના રાષ્ટ્રપતિ પાસે રેફર કરવામાં આવે છે કેમ કે મતદાતાની યાદીમાં તેમના જ અંતિમ આદેશ હોઈ શકે છે.
તેમણે જણાવ્યું, "આ કેસમાં રાષ્ટ્રપતિ કે આર નારાયણનએ સજા નક્કી કરવા માટે મામલો ચૂંટણી પંચ પાસે રેફર કર્યો હતો અને ચૂંટણી પંચે જ ડૉક્ટર રમેશ પ્રભુ સાથે બાલ ઠાકરે મામલે નિર્ણય લીધો હતો."
ચૂંટણીની 'કરપ્ટ પ્રૅક્ટિસ'ના દોષી સાબિત થયા બાદ કેટલી સજા થઈ શકે છે, એ જાણવા માટે અમે ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી આયુક્ત ટી એસ કૃષ્ણમૂર્તિ સાથે વાત કરી.
તેમણે જણાવ્યું કે 6 વર્ષ સુધી મતદાનનો અધિકાર છીનવી લેવો આવા કેસમાં મહત્તમ સજા છે.

નિર્ણયના સમયે ભાજપની સરકાર

ઇમેજ સ્રોત, ECI
બાલ ઠાકરેના મામલે ચૂંટણીપંચે 22 સપ્ટેમ્બર 1998ના રોજ પોતાનું સૂચન રાષ્ટ્રપતિ કાર્યાલયને લેખિતમાં મોકલી દીધું હતું.
આ સૂચનમાં ચૂંટણીપંચના પૂર્વ મુખ્ય ચૂંટણી આયુક્ત ડૉક્ટર મનોહર સિંહ ગિલે લખ્યું હતું કે ન્યાયપાલિકા દ્વારા દોષી સાબિત થવાના કારણે બાલ ઠાકરે પાસેથી 6 વર્ષ (11-12-1995થી 10-12-2001) માટે મતદાનનો અધિકાર લઈ લેવામાં આવે.
રાષ્ટ્રપતિ કે. આર. નારાયણે ચૂંટણીપંચના સૂચનના આધારે જુલાઈ 1999માં બાલ ઠાકરે પર પ્રતિબંધ લાગુ કરી દીધો હતો.
જે સમયે આ બધું થયું, તે સમયે દેશમાં ભાજપની સરકાર હતી અને ભારતના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી હતા.

'કૉંગ્રેસને ક્યારેય દોષ નહીં'

ઇમેજ સ્રોત, Getty Images
શિવસેનાની રાજકીય સફર પર પુસ્તક લખી ચૂકેલા વરિષ્ઠ પત્રકાર પ્રકાશ આકોલકરે બીબીસીને જણાવ્યું કે બાલા સાહેબ ઠાકરેએ આ નિર્ણયની ટીકા ચોક્કસ કરી હતી, પણ તેમણે ક્યારેય કૉંગ્રેસ પાર્ટી પર તેનો આરોપ લગાવ્યો ન હતો.
આકોલકરે કહ્યું કે આ નિર્ણયના પગલે 1999ની લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તેઓ મત આપી શક્યા ન હતા. વર્ષ 2004માં પ્રતિબંધ હટ્યા બાદ પહેલી વખત બાલ ઠાકરેએ મત આપ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












