હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશના ચૂંટણી નહીં લડવાથી કોને ફાયદો કોને નુકસાન?

ઇમેજ સ્રોત, Jignesh Mewani/FB
- લેેખક, આદર્શ રાઠોડ
- પદ, બીબીસી સંવાદદાતા
2017માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન ત્રણ યુવા નેતાઓએ સત્તાધારી ભારતીય જનતા પક્ષને મુશ્કેલીમાં મૂકી દીધો હતો.
આ નેતાઓ છે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી. ત્રણેયે એવો મોરચો માંડ્યો હતો કે ભાજપને પૂરી તાકાતથી લડવું પડ્યું હતું.
182 બેઠકવાળી ગુજરાત વિધાનસભામાં ભાજપ બહુમત લાયક બેઠકો મેળવવામાં તો સફળ રહ્યો, પરંતુ આગળની ચૂંટણીની 115 બેઠકની સરખામણીએ આ વખતે માત્ર 99 બેઠકો જ મેળવી શક્યો હતો.
કૉંગ્રેસે એ વખતે જે રીતે ભાજપને ટક્કર આપી હતી તેનો શ્રેય રાજકીય વિશ્લેષકોએ આ ત્રણ યુવા નેતાઓને આપ્યો હતો.
એવું માનવામાં છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન આ ત્રિપુટી ભાજપના મિશન 26/26માં મુશ્કેલી ઊભી કરી શકે છે.
પરંતુ જો હાલની સ્થિતિ પર નજર નાખીએ તો પાટીદાર આંદોલનથી ઊભરી આવેલા હાર્દિક પટેલે કૉંગ્રેસનો હાથ પકડ્યો છે પરંતુ તેઓ આ વખતે ચૂંટણી લડી શકશે નહીં.
ત્યારે દલિત યુવા નેતા જિગ્નેશ મેવાણી બિહારના બેગુસરાયમાં સીપીઆઈના ઉમેદવાર કનૈયા કુમારના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા છે.
જ્યારે અલ્પેશ ઠાકોર અંગે કહેવાય છે કે તેમની કૉંગ્રેસ દ્વારા અવગણના થયા બાદ તેઓ ભાજપની નજીક જઈ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિધાનસભા ચૂંટણીના 18 મહિના પછી થઈ રહેલી લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં આ ત્રણ નેતાઓની શું ભૂમિકા છે?

તમે આ વાંચ્યું કે નહીં?


હાર્દિક પટેલનો જાદુ ટકી રહ્યો છે?

ઇમેજ સ્રોત, AFP
પાટીદાર અનામત આંદોલનમાંથી ઊભરેલા હાર્દિક પટેલ 2017ની વિધાનસભા ચૂંટણી 25 વર્ષ પૂરાં થયાં ન હોવાને કારણે લડી શક્યા નહીં.
આ વખતે લોકસભા ચૂંટણી લડવાનું સપનું મહેસાણા તોફાન કેસમાં થયેલી સજાના કારણે પૂરું ન થઈ શક્યું. સુપ્રીમ કોર્ટે તેમને આ મામલે થયેલી સજા પર સ્ટે લગાવવાની અરજી ફગાવી દીધી. તેથી તેઓ આ ચૂંટણી પણ લડી શકશે નહીં.
હાર્દિક આ માર્ચ મહિનાના અંતમાં જ કૉંગ્રેસમાં જોડાયા છે. તેમને પાર્ટીએ ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં પ્રચારક બનાવ્યા છે.
ગુજરાતના રાજકારણ પર નજર રાખનાર વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ જણાવે છે કે કૉંગ્રેસને હાર્દિક આવવાથી થોડો ફાયદો જરૂર થશે.
તેઓ કહે છે, "હાર્દિક હજુ સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યા છે. ત્યારબાદ તેઓ અમદાવાદ અને ગાંધીનગર આવશે. તેઓ પટેલો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. મને લાગે છે કે તેનાથી કૉંગ્રેસને થોડો-ઘણો ફાયદો પણ થશે."
શું હાર્દિક પટેલનો વિધાનસભા ચૂંટણી જેટલો જ પ્રભાવ હજુ પણ છે?
આ અંગે વરિષ્ઠ પત્રકાર રાજીવ શાહ કહે છે, "લાગતું નથી કે એટલો પ્રભાવ હોય. આમ પણ હવે ચૂંટણીમાં બહુ ઓછો સમય રહ્યો છે. વિધાનસભા ચૂંટણી વખતે પણ રાહુલ ગાંધીએ ગઠબંધનની કોશિશ કરી હતી."
"પાર્ટી બહારના લોકોને પણ પોતાની સાથે જોડ્યા હતા. ત્યારે કૉંગ્રેસ 80 જેટલી બેઠકો મેળવી શકી હતી. પરંતુ હવે રાહુલ પાસે એટલો સમય નથી અને સ્થાનિક નેતાઓ એ ગણતરી સાથે ચાલતા નથી."



જિગ્નેશ મેવાણી ગુજરાતમાં કેમ નથી?

ઇમેજ સ્રોત, Getty Images
દલિત નેતા જિગ્નેશ મેવાણી હાલમાં બિહારના બેગુસરાયથી ચૂંટણી લડી રહેલા વિદ્યાર્થી નેતા અને સીપીઆઈના ઉમેદવાર કનૈયા કુમારના પ્રચારમાં વ્યસ્ત છે.
જિગ્નેશ ગુજરાતની વડગામ બેઠકના અપક્ષ ઉમેદવાર છે. તેમને વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસનું સમર્થન મળેલું, પરંતુ તેઓ ક્યારેય કૉંગ્રેસના સભ્ય બન્યા નથી.
તેઓ પોતાનો મતવિસ્તાર અને ગુજરાત છોડીને બિહારમાં જઈને પ્રચાર કરી રહ્યા છે, તેની પાછળ શું કારણ છે?
આ અંગે રાજીવ શાહ જણાવે છે, "તેનાં બે કારણો છે. એક તો ગુજરાતમાં દલિત વસતી સાત ટકા જ છે. બે જ દલિત બહુમતીવાળી બેઠકો છે અમદાવાદ અને કચ્છ. અમદાવાદમાં જિગ્નેશ મેવાણી દલિત અને મુસ્લિમ મતો પર અસર કરી શકે છે. પરંતુ ત્યાં કૉંગ્રેસના ઉમેદવારની સ્થિતિ મજબૂત છે."
"પછી કચ્છમાં તો તેમનો પ્રભાવ ના બરાબર છે. બીજું કારણ એ છે કે જિગ્નેશ દલિત અને ડાબેરી વિચારધારા વચ્ચે ફરે છે. તેથી કનૈયા કુમાર સાથે જોડાયા છે. જોકે, તેમણે કહ્યું કે ઉત્તર ગુજરાતની બેઠકો પર પ્રચાર કરીશ. જોઈએ કે ક્યારે આવે છે."
વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ જણાવે છે કે જિગ્નેશ મેવાણી કૉંગ્રેસમાં જોડાય તે શરતે તેમને કચ્છની બેઠક ઑફર કરાઈ હતી. જિગ્નેશ કૉંગ્રેસ સાથે દોસ્તી પણ જાળવી રાખવા માગે છે, સાથે જ પોતાની અલગ ઓળખ પણ બનાવી રાખવા માગે છે.
અજય ઉમટ જણાવે છે, "જિગ્નેશ મોટા દલિત નેતા બનવા માગે છે અને પોતાને લાંબી રેસનો ઘોડો માને છે. તેઓ જાણે છે કે હાલ ગુજરાતમાં જે રીતે જાતિઓનું ધ્રુવીકરણ થઈ રહ્યું છે, તેમાં તેમની કોઈ ભૂમિકા નથી."
"તેથી તેઓ કનૈયા કુમાર સાથે રહીને પોતાને રાષ્ટ્રિય સ્તર પર દલિત નેતા તરીક પ્રોજેક્ટ કરવા માગે છે. તેઓ ભવિષ્યમાં માયાવતીનું સ્થાન લેવા માગે છે. તેથી સમગ્ર દેશમાં ભ્રમણ કરી રહ્યા છે."

આ વિશે વધુ વાંચો


અલ્પેશની ભૂમિકા

ઇમેજ સ્રોત, ALPESH THAKOR/FACEBOOK
ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જ કૉંગ્રેસમાં જોડાયા હતા અને રાધનપુર બેઠક પરથી જીત્યા હતા.
છેલ્લા કેટલાક સમયથી તેમની નારાજ હોવાની અને ભાજપમાં જોડાવાની વાતો ચાલતી હતી. 10 એપ્રિલે તેમણે બે ધારાસભ્યો સાથે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું.
ત્યારે તેમણે જાહેરાત કરી કે તેઓ ભાજપમાં નહીં જોડાય અને ધારાસભ્ય તરીકે પોતાનો કાર્યકાળ પૂરો કરશે.
તેમણે સવા વર્ષની અંદર જ કૉંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો તેનું કારણ શું?
આ અંગે વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ જણાવે છે, "અલ્પેશ ઠાકોર મહત્ત્વાકાંક્ષી નેતા છે. તેમણે કૉંગ્રેસ પહેલાં ભાજપ સાથે પણ વાટાઘાટો કરી હતી. તેઓ ભાજપ પાસે 22 ધારાસભ્યો માટે ટિકિટ અને કૅબિનેટમાં ત્રણ બેઠક માગી રહ્યા હતા. ભાજપ સાથે સમજૂતી ન થઈ તેથી કૉંગ્રેસે તેમના એક ડઝન લોકોને ટિકિટ આપી અને અલ્પેશને તેમની સૌથી સુરક્ષિત બેઠક રાધનપુર પરથી ઉતાર્યા હતા."
"પરંતુ જ્યારે ભાજપને લાગ્યું કે લોકસભા ચૂંટણીમાં તેમને 26/26 બેઠકમાં મુશ્કેલી પડશે તો તેમણે અલ્પેશ સાથે ફરી વાટાઘાટો કરવા વિચાર્યું."
અજય ઉમટ કહે છે, "તમે જોયું હશે કે લોકસભા ચૂંટણીની જાહેરાત થવાના દસ જ દિવસમાં ભાજપે સૌરાષ્ટ્રમાંથી કૉંગ્રેસના કમ સે કમ છ ધારાસભ્યો તોડ્યા હતા અને બેને કૅબિનેટ મંત્રીનું પદ આપ્યું હતું. બાકીનાને વિધાનસભા કે લોકસભાની ટિકિટ આપી."
"વિધાનસભામાં જ્યારે ભાજપ 99 બેઠકોમાં સમાઈ ગયો તો તેમને અહેસાસ થયો કે કોળી, ઠાકોર અને આહીર સમાજ તેમનાથી નારાજ છે. તેથી આ ત્રણ સમાજને પોતાના મતમાં સામેલ કરવા માટે આ તોડ-જોડ કરી. તેમાં કૉંગ્રેસ પોતાનું ઘર બચાવવામાં નિષ્ફળ રહી."



કૉંગ્રેસને કેટલું નુકસાન થશે

ઇમેજ સ્રોત, AICC
અલ્પેશના જવાથી કૉંગ્રેસને કેટલું નુકસાન થશે, આ અંગે વરિષ્ઠ પત્રકાર રાજીવ શાહ કહે છે, "અલ્પેશ અપક્ષોનું સમર્થન કરવાની વાત કરે છે તેથી જાહેર છે કે તે કૉંગ્રેસના મત તોડશે. તેનાથી ઉત્તર ગુજરાતમાં થોડું નુકસાન તો થશે જ. એવું ચોક્કસ ન કહી શકાય કે કેટલું નુકસાન થશે."
શાહ કહે છે, "અલ્પેશ ઠાકોરની ઠાકોરસેના પણ વિભાજિત થઈ ચૂકી છે. કૉંગ્રેસના નેતાઓનો દાવો છે કે અમારા હાથમાં 60 ટકા છે અને 40 ટકા ઠાકોર સમાજ સાથે છે. પરંતુ 50-50 ટકાનું વિભાજન થઈ ગયું છે એવું તો કહી જ શકાય."
જ્યારે વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ કહે છે, "એવું લાગે છે કે ભાજપે અલ્પેશને ચોકીદારની ભૂમિકા આપી દીધી છે કે ક્યાંક ઠાકોર મત કૉંગ્રેસમાં ન ચાલ્યા જાય."
તેઓ કહે છે, "ત્રણ યુવા નેતાઓથી ભાજપને તકલીફ થાય એવું હતું. કદાચ એટલે જ ભાજપે અલ્પેશને રાજીનામું આપવા સમજાવ્યા છે. ભાજપે અલ્પેશ પર ગુજરાતમાં અન્ય રાજ્યના લોકોનો વિરોધ કરવાનો આક્ષેપ કર્યો હતો અને અલ્પેશને કૉંગ્રેસે બિહારના પ્રભારી બનાવ્યા ત્યારે પણ તેનો વિરોધ કર્યો હતો."
"તેથી તેમને સામેલ કરવાનો નિર્ણય ઊલટો પડી શકે છે. તેમને ચોકીદારની ભૂમિકા આપવામાં આવી કે ઠાકોર સમાજના મત કૉંગ્રસને ન મળે. ઠાકોરસેનાના અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. જેથી કૉંગ્રસના મત તોડી શકે અને ભાજપને ફાયદો થશે."
જ્યારે રાજીવ શાહ કહે છે, "અલ્પેશ મહત્ત્વાકાંક્ષી તો છે જ, તેમનો ઝોક એક ચોક્કસ પક્ષ તરફ ક્યારેય રહ્યો નથી. તેઓ કૉંગ્રેસમાં આવ્યા તે વાત સાચી પણ તેઓ ઇચ્છતા હતા કે તેમનું મહત્ત્વ જળવાઈ રહે."
"તેઓ અંગત રીતે પણ એ જ કારણ આપે છે કે જરૂરી નથી કે હું કૉંગ્રેસમાં રહું અને આવું જ ચાલતું રહે તો છોડી દઉં. તેઓ મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પણ મળ્યા. હવે તેઓ કહે છે કે હું ભાજપમાં નહીં જોડાઉં. તો જોવાનું એ જ છે કે હવે આગળ શું થાય છે."

આપને આ પણ વાંચવું ગમશે

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












