You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મેનકા ગાંધીએ મુસલમાનો વિશે એવું શું કહ્યું કે વિવાદ થઈ ગયો?
મેનકા ગાંધીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમણે મુસ્લિમ મતદાતાઓ મામલે એક નિવેદન આપ્યું છે.
હવે મેનકા ગાંધીના આ વીડિયોમાં આપેલા નિવેદન પર વિવાદ થઈ ગયો છે.
ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે.
શુક્રવારે ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં એક ચૂંટણીસભાને સંબોધતા તેમણે આ નિવેદન કર્યું હતું.
મેનકા ગાંધીનું નિવેદન
મેનકાએ કહ્યું, "હું જીતી રહી છું. લોકોની મદદ અને પ્રેમથી હું જીતી રહી છું. જો મારી જીત મુસલમાનો વિના થશે, તો મને બહુ સારું નહીં લાગે.
કેમ કે હું એટલું કહી દઉં છું કે દિલમાં દુખ થાય છે. પછી જો મુસલમાન આવે છે કામ માટે તો વિચારું છું કે રહેવા દો, શું ફરક પડે છે.
આખરે નોકરી એક સોદાબાજી જ હોય છે, આ વાત સાચી છે કે નહીં.
એવું નથી કે અમે બધા મહાત્મા ગાંધીની છઠ્ઠી ઓલાદ છીએ કે અમે લોકો દેતા જ જઈશું, દેતા જ જઈશું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પછી ચૂંટણીઓમાં માર ખાતા જઈશું. વાત સાચી છે કે નહીં. તમારે એ જાણવું પડશે. આ જીત તમારા વિના પણ થશે, તમારી સાથે પણ થશે.
આ ચીજ તમારે દરેક જગ્યાએ ફેલાવવી પડશે. જ્યારે હું દોસ્તીનો હાથ લઈને આવી છું.
પીલીભીતમાં પણ પૂછી લો, એક પણ વ્યક્તિને ત્યાં ફોન કરીને પૂછી લો મેનકા ગાંધી ત્યાં કેવાં હતાં. જો તમે ક્યારેય પણ લાગે કે અમારાથી ગુસ્તાખી થઈ છે, તો અમને મત ના આપતા.
જો, તમને લાગે કે તમે ખુલ્લા દિલથી સાથે આવ્યા છો, તમને લાગે કે કાલે તમને મારી જરૂર પડશે. આ ચૂંટણી તો હું પાર કરી ચૂકી છું. હવે તમને મારી જરૂર પડશે.
જો હવે તમારે જરૂરિયાતનો પાયો નાખવો હોય તો આ જ સાચો સમય છે. જ્યારે તમારા પૉલિંગ બૂથનાં પરિણામો આવશે અને એમાં સો કે પચાસ મત નીકળ્યા અને તે બાદ જો તમે મારી પાસે કામ માટે આવ્યો તો પછી એવો જ હશે મારો સાથ.."
મેનકા ગાંધીના આ નિવેદન પર હવે વિવાદ છેડાઈ ગયો છે અને વિપક્ષો તેના પર ટિપ્પણી કરી રહ્યા છે.
મેનકાના આ નિવેદન પર કૉંગ્રેસના નેતા સંજય ઝાએ ટ્વીટ કર્યું, "વાહ, મેં અત્યારે સાંભળ્યું કે મેનકા ગાંધીએ મુસ્લિમો સાથે વાત કરતા ખૂબ જ હેરાન કરનારી વાત કહી છે કે મારી પાસે બૂથના હિસાબથી સારી માહિતી છે, તમને મારી જરૂર પડશે."
"ભાજપને હરાવવો એ અમારી જવાબદારી છે, તેઓ મત માટે અમારા સાથી ભારતીયોને ડરાવી રહ્યા છે. ચૂંટણીપંચ આ મામલે જલદી પગલાં ભરે."
આમ આદમી પાર્ટીના નેતા અભિજીત દિપકેએ લખ્યું, "મેનકા ગાંધીએ ખુલ્લેઆમ મતદારોને ધમકી આપી છે. મેનકા ગાંધી અને ભાજપે લોકોને નોકરી આપવા માટે શું કર્યું. દેશમાં બેરોજગારીની ટકાવારી હજી સૌથી વધારે છે."
બોલિવૂડ અભિનેત્રી પાયલ રોહતગીએ ટ્વીટ કર્યું, "જો ભારતીય મુસલમાન મેનકા ગાંધીને મત ના આપે તો તેઓ(મેનકા ગાંધી) કોઈ મહાત્મા ગાંધી નથી કે દગાના બદલે ઇનામમાં પાકિસ્તાન આપી દેશે. ઇમાદારીને ઇનામ મળવું જોઈએ અને દગાને હંમેશાં યાદ રાખવો જોઈએ."
સુલતાનપુર મેનકા ગાંધીના પતિ સંજય ગાંધીનું કાર્યક્ષેત્ર રહ્યું છે, જે એ સમયે અમેઠી સંસદીય ક્ષેત્રમાં આવતું હતું.
મેનકા ગાંધી પીલીભીતથી છ વખત ચૂંટણી જીતી ચૂક્યાં છે પરંતુ આ વખતે તેમણે પોતાની બેઠક તેમના પુત્ર વરુણ ગાંધીને આપી દીધી છે અને પોતે સુલતાનપુરથી ચૂંટણી લડી રહ્યાં છે.
ગત લોકસભા ચૂંટણીમાં વરુણ ગાંધી સુલતાનપુરથી ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો