You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મધ્ય પ્રદેશમાં આવકવેરા વિભાગને મળેલા કાળાનાણાંના વાઇરલ વીડિયોનું સત્ય
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
ટ્વિટર પર દક્ષિણપંથી વલણ ધરાવતા કેટલાક લોકો દ્વારા એક જૂના વીડિયોને મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી કમલનાથના સેક્રેટરીના ઘરે જપ્ત કરાયેલી નોટોનો ગણાવીને શૅર કરાઈ રહ્યો છે.
જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આવકવેરા વિભાગની રેડ પડ્યા બાદ નોટના ઢગલાને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ વીડિયોમાં ગુલાબી નોટનો એક ઢગલો નાની ટ્રૉલી પર રાખેલો દેખાય છે અને બીજી તરફ લીલી- ગુલાબી રંગની નોટનો ઢગલો જોઈને લાગે છે કે કોઈએ તેમાં આગ લગાવવાનો પ્રયાસ કર્યો હોય.
આવકવેરા વિભાગે શનિવારની રાત્રે અઢી કલાકે મધ્ય પ્રદેશના સીએમ કમલનાથના ઓએસડી પ્રવીણ કક્કડ અને તેમના પૂર્વ સલાહકાર આર. કે. મિગલાનીનાં ઘણાં ઠેકાણા પર દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી.
આવકવેરા વિભાગના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા બે દિવસોમાં ભોપાલ, ઇન્દોર, ગોવા અને દિલ્હી-એનસીઆરના 52 ઠેકાણાં પર આ મામલે દરોડા પાડવામાં આવ્યા છે.
આવકવેરા વિભાગનો દાવો છે કે દરોડા પાડીને તેમણે 14.6 કરોડ રૂપિયા રોકડ રકમ જપ્ત કરી છે. સાથે જ એક મોટા રેકેટના માધ્યમથી 281 કરોડની ગેરકાયદેસર લેવડ-દેવડની જાણકારી મળી છે.
પરંતુ જે વાઇરલ વીડિયોને આવકવેરા વિભાગની કાર્યવાહી બાદનો ગણાવવામાં આવી રહ્યો છે, તે બોગસ છે.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખોટો દાવો
ટ્વિટર પર @RohiniShah73 નામનાં એક યૂઝરે આ જૂનો વીડિયો સોમવારના રોજ આ જ ખોટા દાવા સાથે શૅર કર્યો હતો.
આશરે 60 હજાર વખત તેમનાં ટ્વીટમાં લાગેલો વીડિયો જોવાઈ ગયો છે. સેંકડો લોકો તેને શૅર કરી ચૂક્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હી ભાજપના મહાસચિવ કુલજીત સિંહ પણ આ યૂઝરને ટ્વિટર પર ફૉલો કરે છે.
'ચોકીદાર રોહિણી' નામનાં એક યૂઝરના દાવાને શબ્દશ: ઘણા અન્ય લોકોએ કૉપી કર્યો છે.
જેમણે તેને કૉપી કર્યો છે, તેમાંથી મોટાભાગના લોકોના નામની સાથે 'ચોકીદાર' લખાયેલું છે.
ભાજપ દ્વારા સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવેલા 'મેં ભી ચોકીદાર' અભિયાન બાદ પાર્ટીના સમર્થકોએ પોતાના નામની આગળ ચોકીદાર જોડી દીધું હતું.
જોકે, તેમાંથી કેટલા અકાઉન્ટ બોગસ છે અને કેટલા અકાઉન્ટ સાચા છે, બીબીસી તેની સ્વતંત્ર પુષ્ટિ કરી શકતું નથી.
પરંતુ વાઇરલ વીડિયો સાથે આ લોકોએ જે દાવો કર્યો છે, તે એકદમ બોગસ છે.
ટ્વિટર સિવાય દક્ષિણપંથી વલણ ધરાવતા નમો ફેન અને નરેન્દ્ર મોદી 2019 જેવા ફેસબુક પેજ પર પણ આ વીડિયો આ ખોટા દાવા સાથે શૅર કરવામાં આવ્યો છે.
ઘણા લોકોએ વૉટ્સએપના માધ્યમથી બીબીસીને આ વીડિયો મોકલ્યો છે અને આ વીડિયોને વાસ્તવિકતા જાણવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
વીડિયોની વાસ્તવિકતા
સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલો આ વીડિયો ફેબ્રુઆરી 2018નો છે.
વીડિયોમાં નોટનો જે ઢગલો જોવા મળી રહ્યો છે તે ખરેખર કળાનો એક નમૂનો છે જેને લાકડીના બોર્ડ પર પેન્સિલથી રંગ ભરીને સ્પેનના કલાકાર અલેજાંદ્રો મોંગેએ પોતાના હાથોથી તૈયાર કર્યો હતો.
કલાકારના આધારે આ એક થ્રીડી પેઇન્ટિંગ છે જેને જોઈને લાગે છે કે તે જૂની નોટનો કોઈ ઢગલો છે.
સ્પેનમાં યોજાતા આર્ટ મેડ્રિડ ફૅરમાં 21થી 25 ફેબ્રુઆરી 2018 વચ્ચે આ આર્ટ પીસને જનતાની સામે રાખવામાં આવ્યો હતો.
સમાચાર એજન્સી એએફપીને આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં અલેજાંદ્રો મોંગેએ જણાવ્યું હતું કે આર્ટ ફૅરમાં આવેલા કોઈ દર્શકે આ વીડિયો બનાવ્યો હતો.
ઇન્સ્ટાગ્રામ પર અલેજાંદ્રો મોંગેએ આ આર્ટ પીસ સાથે જોડાયેલી ઘણી તસવીર અને વીડિયો શૅર કર્યા છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં અલેજાંદ્રો મોંગેએ આ વીડિયો ફરી એક વખત ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે વીડિયોમાં દેખાઈ રહેલી 500 યૂરોની નોટ હાથથી પેઇન્ટ કરવામાં આવી હતી.
તેમણે લખ્યું હતું, "ઇન્ટરનેટ પર ક્યાંની વસ્તુ ક્યાં જઈને વાઇરલ થઈ જાય, તેના વિશે ખબર પડી શકતી નથી. લોકોને સાચી વાત ખબર હોતી નથી અને તેઓ તેને શૅર કરવા લાગે છે."
આ પહેલી વખત નથી કે જ્યારે આ વીડિયોને કોઈ ઘટના સાથે જોડવામાં આવ્યો હોય.
ભારત પહેલાં રશિયા, કેમરુન, સ્પેન અને પાકિસ્તાનમાં પણ આ વીડિયોના આધારે પાયાવિહોણા દાવા કરવામાં આવ્યા છે અને નોટના ઢગલાના આ પેઇન્ટિંગને કોઈ સંસ્થા કે વ્યક્તિ વિરુદ્ધ વાપરવામાં આવ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો