લોકસભા ચૂંટણી 2019 : નરેન્દ્ર મોદી બીજાને અરીસો બતાવે છે પણ પોતે નથી જોતા

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, @AMITSHAH

    • લેેખક, રાજેશ પ્રિયદર્શી
    • પદ, ડિજિટલ એડિટર, બીબીસી હિંદી

મોદી બહુ સારા વક્તા છે. ચૂંટણી નજીક છે તેથી તેઓ માત્ર બોલવા સુધી સીમિત રહેવા નથી માગતા. તેમણે લાંબા વિરામ બાદ કશુંક લખ્યું છે અને બહુ સારું લખ્યું છે.

તેમણે એવું જ લખ્યું, જેની તેમની પાસેથી અપેક્ષા હતી.

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મનમોહન સહિત લગભગ બધાં જ મોટાં કૉંગ્રેસી નેતાઓ મોદીના પ્રદેશ ગુજરાતમાં હતા અને ત્યાં કાર્યસમિતિની બેઠક અને રેલી કરીને મોદીને સીધો પડકાર આપ્યો છે તે સમયે મોદીનો બ્લોગ લખાયો છે.

મોદીએ આ પહેલાં 31 ઑક્ટોબર, 2018ના રોજ સરદાર પટેલની જયંતી પર પોતાની ઍપ પર બ્લૉગ લખ્યો હતો. તેમના બ્લૉગને 13 ભાષાઓમાં વાંચી શકાય છે. જેમાં હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ઉપરાંત ઉર્દૂ પણ સામેલ છે. તેમના આ બ્લૉગનું શીર્ષક છે- 'જ્યારે એક મુઠ્ઠી મીઠાએ અંગ્રેજી સામ્રાજ્યને હલાવી દીધું'.

એક મુઠ્ઠી મીઠાની વાત એટલા માટે કે મહાત્મા ગાંધીની દાંડીયાત્રાની જયંતીનો સમય છે. મહાત્મા ગાંધીને મોદી અવાર-નવાર યાદ કરે છે.

પરંતુ ચૂંટણી પહેલાં આ રીતે ગાંધીજીને યાદ કરવાનો હેતુ બિલકુલ રાજકીય હતો.

તેમણે પોતાના બ્લૉગની શરૂઆત આ રીતે કરી. 'શું તમને ખ્યાલ છે કે ગાંધીજીની દાંડીકૂચની યોજના કોણે બનાવી હતી? ખરેખર તેની પાછળ આપણા મહાન નેતા સરદાર વલ્લભભાઈ પટેલ હતા.'

આ 'આપણા' શબ્દ પર ધ્યાન આપવું જોઈએ. આ 'આપણા' શબ્દ ગુજરાતીઓ માટે પણ છે, દેશભક્તો માટે પણ છે અને ભાજપ માટે પણ.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

આ એ જ પટેલ છે જેમણે ગૃહમંત્રી તરીકે ભાજપની માતૃ સંગઠન સંસ્થા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ પર પ્રતિબંધ મૂક્યો હતો ને પ્રતિબંધનું કારણ હતું ગાંધીની હત્યા.

જોકે, પ્રતિબંધ બાદ તે સમયના સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકરે સરદાર પટેલને એક પત્ર લખ્યો હતો.

જવાબમાં સરદાર પટેલે 11 સપ્ટેમ્બર, 1948ના રોજ એક પત્રમાં લખ્યું, "સંઘે હિન્દુ સમાજની સેવા કરી છે, પરંતુ તકલીફ એ વાતની છે કે આરએસએસ બદલાની ભાવનાથી મુસલમાન પર હુમલો કરે છે. તમારાં દરેક ભાષણમાં સાંપ્રદાયિક ઝેર ભર્યું હોય છે. તેનું પરિણામ એ આવ્યું કે દેશે ગાંધીનું બલિદાન આપવું પડ્યું. ગાંધીની હત્યા બાદ આરએસએસના લોકોએ ખુશી મનાવીને મીઠાઈઓ વહેંચી. તેથી સરકાર માટે આરએસએસ પર પ્રતિબંધ મૂકવો જરૂરી થઈ ગયો હતો."

તેમ છતાં જો મોદી સરદાર પટેલનાં વખાણ કરતા હોય તો એ તેમની ઉદારતા સમજવી કે રાજકીય ચતુરાઈ?

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન
line

આ એ કૉંગ્રેસ નથી

સોનિયા ગાંધી - રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

પોતાના બ્લૉગમાં તેમણે લખ્યું છે, "એ કમનસીબની વાત છે કે કૉંગ્રેસની સંસ્કૃતિ ગાંધીની વિચારધારાથી વિપરીત થઈ ચૂકી છે."

તેમની આ વાત બિલકુલ સાચી છે કે કૉંગ્રેસ લાખ પ્રયત્ન કરે તેમ છતાં પોતાને ગાંધીના ખરા વારસદાર સાબિત કરી શકે તેમ નથી. તેમના કલંકોની યાદી ઘણી લાંબી છે. જેને મોદી સરળતાથી ગણાવી શકે છે. તેને ગણાવવું રાજકીય વિરોધીનું કામ પણ છે.

પરંતુ તકલીફ એ છે કે કૉંગ્રેસની ટીકા કરીને મોદી પોતાની સત્તા અને વારસાને છૂપાવી શકતા નથી, પરંતુ ઘણી વખતે તે વધુ ઊભરીને બહાર આવે છે.

જે મુદ્દાઓ પર તેઓ કૉંગ્રેસની ટીકા કરી રહ્યા છે તેને જો માપદંડ માની લેવામાં આવે તો ભાજપ અને તેમના પ્રેરણાસ્રોતોનું આચરણ મોદી માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

ઉદાહરણ તરીકે મોદીના બ્લૉગનું આ વાક્ય જુઓ- "કૉંગ્રેસે લોકોને વિભાજિત કરવામાં ક્યારેય સંકોચ નથી અનુભવ્યો. ભયંકર કોમવાદી હુલ્લડો અને નરસંહારની ઘટનાઓ કૉંગ્રેસના શાસનમાં થઈ છે."

હવે ઉપર લખેલા વાક્યના આધારે મોદીના ગુજરાત અને સમગ્ર દેશના છેલ્લાં પોણાં પાંચ વર્ષ જોઈ લો.

કૉંગ્રેસની ટીકા સાચી છે. થવી પણ જોઈએ પણ કદાચ એવું હોત કે એ જ મુદ્દાઓ પર ભાજપની ટીકા થવાની કોઈ શક્યતા ન હોત.

મોદી એ દર્શાવવાની કોશિશ કરે છે કે ભાજપ કૉંગ્રેસથી ઘણો અલગ છે. કૉંગ્રેસમાં બધું જ કાળું છે અને ભાજપમાં બધું સફેદ. પરંતુ બંનેના પોતપોતાના '50 'શેડ્ઝ ઑફ ગ્રે' છે.

line

મૂડીવાદ-વંશવાદ વિરોધી, ગાંધીવાદી મોદી?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, AFP

પોતાના બ્લૉગમાં મોદી લખે છે, "બાપુએ ત્યાગની ભાવના પર ભાર મૂકતા એ શીખવ્યું હતું કે વધુ સંપત્તિ પાછળ ભાગવું યોગ્ય નથી.

જ્યારે કૉંગ્રેસે બાપુની આ સલાહથી વિરુદ્ધ પોતાનાં બૅંક ખાતાં ભરવાનું અને સુખ-સુવિધાવાળી જીવનશૈલી અપનાવવાનું જ કામ કર્યું છે."

દુનિયાના સૌથી મોટા રાજકીય પક્ષના સૌથી મોટા નેતા મોટા અબજપતિઓ સાથે સૌથી વધુ ખુશ દેખાય છે. જાણે કે તેઓ દેશની ગરીબ જનતાની સેવા કરીને અબજપતિ બન્યા હોય.

કૉર્પોરેટ દુનિયાના હાલની સત્તા સાથેના સંબંધ એવા જ છે જેવા કૉંગ્રેસના હતા.

કેટલાક લોકો તો એવી તસવીરો પણ શૅર કરે છે જેમાં અબજપતિ મૂકેશ અંબાણી પીએમ મોદીની પીઠ પર હાથ રાખીને ઊભા હોય.

ત્યારબાદ મોદીજીએ કૉંગ્રેસના વંશવાદ પર પ્રહાર કર્યો છે. આ કૉંગ્રેસની એવી મજબૂરી છે કે જેનો ભરપૂર ફાયદો ઉઠાવી શકાય તેમ છે. આ વાત તેઓ સારી રીતે જાણે છે.

મોદીએ પોતાના બ્લૉગમાં લખ્યું, "બાપુ વંશવાદી રાજનીતિની નિંદા કરતા હતા. પરંતુ કૉંગ્રેસ માટે 'ખાનદાન સૌથી ઉપર' એ આજે મૂળમંત્ર બની ચૂક્યો છે."

લાઇન
લાઇન
મોદી- મુકેશ

ઇમેજ સ્રોત, Getty Images

વંશવાદ કૉંગ્રેસની ઓળખ રહી છે તેમાં કોઈ શંકા નથી. જ્યારે એક ગાંધીથી કામ ન થયું તો પ્રિયંકા ગાંધીને પણ બોલાવી લેવાયાં છે.

કૉંગ્રેસમાં ક્યારેક જ પરિવારની બહારની કોઈ વ્યક્તિ નેતૃત્વની ભૂમિકામાં આવી છે.

નરસિંહ રાવ અને સીતારામ કેસરી જેવા પરિવાર બહારના લોકોને પાર્ટીની અંદર કોઈ યાદ પણ નથી કરતું.

એ વાત સાચી છે કે ભાજપના બે ટોચના નેતાઓના પરિવારમાંથી કોઈ રાજકારણમાં નથી. પરંતુ રાજનાથસિંહ, વસુંધરા રાજે, યેદિયુરપ્પા અને લાલજી ટંડન જેવા પાર્ટીના જાણીતા નેતાઓનાં સંતાનોને રાજકારણમાં સેટ કરી દેવામાં આવ્યાં છે.

તેથી ભાજપ એવું ન કહી શકે કે તેઓ સૈદ્ધાંતિક રીતે વંશવાદની વિરુદ્ધ છે.

line

લોકશાહી, કટોકટી અને મોદી

ઇન્દિરા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

કટોકટી કૉંગ્રેસના ઇતિહાસનું એવું કલંક છે કે તેને ધોઈ શકવું બહુ મુશ્કેલ છે. કટોકટી પર થયેલી ટીકાનો કૉંગ્રેસ પાસે કોઈ જવાબ પણ ન હોઈ શકે.

મોદીએ પોતાના બ્લૉગમાં લખ્યું છે, "કૉંગ્રેસે દેશને કટોકટી આપી. આ સમય હતો જ્યારે આપણી લોકશાહી ભાવનાને રગદોળી નાખવામાં આવી. એટલું જ નહીં કૉંગ્રેસે કલમ 356નો ઘણી વખત દુરુપયોગ કર્યો

તેમને જો કોઈ નેતા ન ગમતા તો તેઓ તેમની સરકાર જ બરખાસ્ત કરી નાખતા."

પીએમ મોદીએ જે લખ્યું છે તેનો એકએક શબ્દ સાચો છે. જો હવે આ જ માપદંડો પર ભાજપને પરખવામાં આવે તો પણ કેટલાક કિસ્સાઓ સામે આવશે. અરુણાચલ પ્રદેશમાં સરકાર પાડીને રાષ્ટ્રપતિ શાસન લાદવાના ભાજપના નિર્ણયને 13 જુલાઈ, 2016ના રોજ સુપ્રીમ કોર્ટે બદલ્યો અને

નબામ ટુકીને ફરી મુખ્યમંત્રી બનાવ્યા. આ જ રીતે ઉત્તરાખંડમાં કૉંગ્રેસના હરીશ રાવતની સરકારને પણ પાડી દેવામાં આવી હતી. ભાજપના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટે 12 મે, 2016ના રોજ અયોગ્ય ઠેરવ્યો અને હરીશ રાવતને ફરી મુખ્યમંત્રી બનાવ્યા.

આ વાત થઈ 356ના દુરુપયોગની. હવે લોકશાહી ભાવનાઓની પણ ચર્ચા કરી લઈએ. જો કોઈ ભાજપ વિરોધી વ્યક્તિ આ વાત કરે તો તમે તેને નકારી શકો છો. અટલ બિહારી વાજપેયીની સરકારમાં કૅબિનેટમંત્રી રહી ચૂકેલા યશવંત સિંહા કંઈક આવું માને છે-

"ઇંદિરા ગાંધીએ બંધારણને બંધારણીય રીતે નષ્ટ કર્યું. તેમણે બતાવ્યું કે કટોકટી કેવી રીતે લાદી શકાય. હાલના વડા પ્રધાને બંધારણને નષ્ટ નથી કર્યું, તેમણે બંધારણીય અને લોકશાહી સંસ્થાઓને નષ્ટ કરી દીધી અને એ રીતે કટોકટી જેવી સ્થિતિનું નિર્માણ કર્યું."

જોકે, મોદી એવો માહોલ બનાવવામાં સફળ થતાં દેખાઈ રહ્યા છે કે કૉંગ્રેસ વંશવાદી રાજકારણ કરે છે અને તેઓ નિઃસ્વાર્થ રાષ્ટ્રસેવા કરે છે, જેને રાજકારણ સાથે કોઈ લેવા-દેવા નથી. પણ આ રાજકારણ જ છે અને એ પણ ચૂંટણીનું રાજકારણ. હજુ ઘણું લખાશે અને બોલાશે. સત્ય તો એ છે કે મોદી બીજાને અરીસો બતાવે છે પણ પોતે નથી જોતા.

લાઇન

આપને આ પણ વાંચવું ગમશે

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો