ભાજપ ચૂંટણીમાં ભલે સૌથી મોટો પક્ષ બને, મોદી નહીં બને પીએમ : શરદ પવાર

ઇમેજ સ્રોત, Getty Images
નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારે મંગળવારે કહ્યું કે ભાજપ લોકસભાની ચૂંટણીમાં ભલે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બીજો કાર્યકાળ મળે એવી કોઈ સંભાવના નથી.
મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં પવારે સંબંધિત વાત કરી હોવાનું 'એનડીટીવી ખબર'ની વેબસાઈટ જણાવે છે.
પવારે જણાવ્યું, "સંસદીય ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી શકે છે અને તેને સરકાર બનાવવા સહયોગી દળોની જરૂર પણ પડી શકે છે."
"આવા પરિદૃશ્યમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બીજી તક મળવાની સંભાવના નથી."

ભારતમાં બોઈંગ 737 મૅક્સ વિમાનોની ઉડાણ પર પ્રતિબંધ

ઇમેજ સ્રોત, ANADOLU AGENCY
ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બોઈંગ 737 મૅક્સ વિમાનોની ઉડાણોને તત્કાલ અટકાવી દેવાના આદેશ આપ્યા છે.
ડીજીસીએએ બોઈંગ 737 મૅક્સ વિમાનોને એવું કહેતાં પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે કે જ્યાં સુધી સુરક્ષિત ઉડાણ માટે પૂરતાં પગલાં ન ભરાય અને જ્યાં સુધી જરૂરી સુધારા ન કરવામાં આવે ત્યાં સુધી વિમાનોને ઉડાવી શકાશે નહીં.
'ઈયૂ ઍવિયેશન સૅફટી એજન્સી' દ્વારા પણ આ પ્રકારનાં પગલાં લેવાયાં છે. સાવધાની વર્તતા વિમાનોને અટકાવાયાં હોવાનું પણ એજન્સીએ જણાવ્યું છે.
ગત રવિવારે ઈથોપિયાની રાજધાની અદિસ અબાબાથી કૅન્યાની રાજધાની નૈરોબી માટે ઊડેલું બોઈંગ 737 મૅક્સ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દુર્ઘટનામાં તમામ 157 લોકોનાં મૃત્યુ નીજપ્યાં હતાં. પાંચ મહિનાની અંદર બોઈંગના આ નવા વિમાનની દુર્ઘટનાગ્રસ્ત થવાની બીજી ઘટના હતી.

રાહુલના હિંદુ અને બ્રાહ્મણ હોવાના દાવા પર હેડગેએ ફરી સવાલ કર્યા

ઇમેજ સ્રોત, Anantkumar Hegde/fb
કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડેએ ફરી એક વખત હિંદુ અને જન્મે બ્રાહ્મણ હોવાના રાહુલ ગાંધીના દાવાને પડકાર્યો છે.
કર્ણાટકમાં એક જાહેર સભાને સંબોધતા હેડગેએ પૂછ્યું કે ભાજપ સરકાર દ્વારા પાકિસ્તાનમાં કરાયેલા હુમલા પર કૉંગ્રેસ અને રાહુલ ગાંધી પ્રશ્નો કરે છે, જ્યારે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના ખુદના હિંદુ હોવાના દાવા પર જ પ્રશ્નાર્થ છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'માં છપાયેલા અહેવાલ અનુસાર ઉત્તર કન્નડાના ભાજપના સાંસદ હેગડેએ પૂછ્યું, "તેઓ પાકિસ્તાન પર કરાયેલા હુમલાના પુરાવા માગે છે. સૈનિકોએ શું કર્યું એના પુરાવા માગે છે."
"પણ શું મુસ્લિમના આ પુત્ર એવો પુરાવો આપી શકે કે તેઓ બ્રાહ્મણ છે? તેમના પિતા મુસ્લિમ છે અને માતા ખ્રિસ્તી છે તો તેઓ કઈ રીતે બ્રાહ્મણ બની શકે?"

કૉંગ્રેસનો આરોપ, 'ડોભાલે મસુદ અઝહરને ક્લિનચિટ આપી હતી'

ઇમેજ સ્રોત, AFP
કૉંગ્રેસે એક જૂના ઇન્ટર્વ્યૂને ટાંકીને દાવો કર્યો છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ઉગ્રવાદી મસુદ અઝહરને છોડવા માટે એ વખતની ભાજપની સરકારને દોષી ઠેરવી હતી.
કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને પૂછ્યું છે, ડોભાલે કહ્યું હતું કે "મસુદને મુક્ત કરવો એક રાજકીય નિર્ણય હતો. તો શું હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રવિશંકર પ્રસાદ એ રાષ્ટ્રવિરોધ કૃત્યનો સ્વીકાર કરશે?"
વર્ષ 2010માં છપાયેલા એક જૂના ઇન્ટર્વ્યૂને ટાંકીને કૉંગ્રેસ ડોભાલ પર મસુદ અઝહરને 'ક્લિનચિટ' આપવાનો પણ આરોપ લગાવ્યો છે.
સુરજેવાલાએ દોવાલના ઇન્ટર્વ્યૂનો એ ભાગ હાઇલાઇટ કર્યો છે, જેમાં દોવાલે કહ્યું હતું કે 'મસુદને ના તો વિસ્ફોટ બનાવતા આવડે છે કે ના તો ગોળીબાર કરતા આવડે છે.'
નોંધનીય છે કે મસુદના ઉલ્લેખ પાછળ 'જી' લગાડવા બદલ કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની ભાજપ દ્વારા ટીકા કરાઈ રહી છે.

અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ વાર્તા માટે કેટલાય મુદ્દાઓ પર સહમતી

ઇમેજ સ્રોત, Getty Images
તાલિબાનના એક પ્રવક્તાએ બીબીસીને કહ્યું છે કે અફઘાન શાંતિ વાર્તાની વર્તમાન શ્રેણીમાં અમેરિકા અને તાલિબાન વચ્ચે બે મહત્ત્વના મુદ્દાઓ પર સહમતી સધાઈ છે.
સુહૈલ શાહીને કહ્યું છે કે બન્ને પક્ષો અફઘાનિસ્તાનમાંથી અમેરિકન દળોના પરત ફરવા પર તૈયાર થઈ ગયા છે.
હવે અફઘાનિસ્તાનની ધરતી પરથી બીજા દેશો પર થતાં આતંકવાદી હુમલા કઈ રીતે રોકવા એના પર વાતચીત થશે.
નોંધનીય છે કે આ પહેલાં બે સપ્તાહ સુધી કતારમાં ચાલેલી વાતચીતમાં અફઘાનિસ્તાનની સરકારને સામેલ નહોતી કરાઈ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












