ચૂંટણી પહેલાં વધુ એક પુલવામા જેવો હુમલો થઈ શકે : રાજ ઠાકરે

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(એમએનએસ)ના પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે પઠાણકોટ અને પુલવામા હુમલાઓને ચૂંટણી સાથે જોડતાં આરોપ લગાવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલાં પુલવામા જેવો જ બીજો એક હુમલો થઈ શકે છે.
એમએનએસના 13માં સ્થાપના દિવસ પર રાજ ઠાકરેએ કહ્યું, "મારી વાતોને ધ્યાનથી સાંભળો, આવનારા બે મહિનામાં પુલવામાની જેમ એક વધુ હુમલો કરાવવામાં આવશે."
"જેથી લોકોનું ધ્યાન અસલી મુદ્દાઓથી ભટકીને દેશભક્તિ તરફ વાળી શકાય."
ઠાકરેએ એ પણ કહ્યું કે સત્તાધારી પક્ષ ભાજપ અને મોદી સરકાર તમામ મોર્ચા પર ખરાબ રીતે નિષ્ફળ રહ્યા છે. ત્યાં સુધી કે રામ મંદિરના મુદ્દા પર પણ નિષ્ફળ રહ્યા છે.

સેનાને ચૂંટણી પ્રચારથી દૂર રાખો, થઈ શકે છે કાર્યવાહી : ચૂંટણી પંચ

ચૂંટણી પંચે રાજકીય પક્ષોને સૂચના આપી છે કે સેનાના જવાનોના ફોટોગ્રાફ્સનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે ના કરવામાં આવે.
પંચ તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે સંરક્ષણ મંત્રાલય તરફથી એ સંજ્ઞાનમાં લાવવામાં આવ્યું છે કે કેટલાક રાજકીય પક્ષો સુરક્ષાદળોના જવાનોની તસવીરોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર અને રાજકીય પ્રસાર માટે કરી રહ્યા છે.
સંરક્ષણ મંત્રાલયે ચૂંટણી પંચને એક પત્ર લખ્યો હતો અને તેમાં કહેવામાં આવ્યું હતું કે રાજકીય પક્ષો અને નેતાઓ તરફથી સેનાના જવાનોની તસવીરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના પર પંચ રાજકીય પક્ષોને દિશા નિર્દેશ આપે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંત્રાલયના આ પત્રના સંદર્ભમાં ચૂંટણી પંચે રાજકીય પક્ષોને આ સૂચના આપી છે.
પંચે કહ્યું છે કે આચારસંહિતા લાગુ થયા બાદ આવા નેતાઓ કે પક્ષો સામે કાર્યવાહી થઈ શકે છે.

મોદી આતંકવાદી જેવા દેખાય છે : કૉંગ્રેસનાં નેતા
તેલંગણા કૉંગ્રેસનાં નેતા વિજયા શાંતિએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આતંકવાદી જેવા દેખાય છે.
કૉંગ્રેસ નેતાએ જ્યારે આ નિવેદન આપ્યું ત્યારે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ મંચ પર બેઠા હતા.
શમ્સાબાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વિજયા શાંતિએ બાલાકોટમાં થયેલી ઍરસ્ટ્રાઇક પર સવાલો ઉઠાવ્યા હતા.
તેમણે કહ્યું હતું, "તમામ લોકો એ વાતથી ડરેલાં છે કે મોદી ગમે ત્યારે કોઈ બૉમ્બ ફેંકી દેશે. લોકોને પ્રેમ કરવાની જગ્યાએ હવે તેઓ એક આતંકવાદી જેવા દેખાય છે. આવી રીતે કોઈ પણ વડા પ્રધાને ના હોવું જોઈએ."


ગુજરાતમાં ત્રણ નવા મંત્રીઓ, અલ્પેશ કૉંગ્રેસમાં જ રહેશે

ઇમેજ સ્રોત, GUJARAT INFORMATION DEPARTMENT
શનિવારે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરતાં ત્રણ નવા મંત્રીઓનો સમાવેશ કર્યો હતો.
જેમાં શુક્રવારે કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જવાહર ચાવડાને કૅબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા.
જ્યારે જામનગર ઉત્તરથી ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા અને વડોદરાની માંજલપુર બેઠકથી ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલને રાજ્યકક્ષાના મંત્રીઓ બનાવવામાં આવ્યા.
બીજી તરફ ઘણા સમયથી જેમની ભાજપમાં જોડાવાની અટકળો ચાલતી હતી તે અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ કરીને જાહેરાત કરી કે તેઓ કૉંગ્રેસમાં જ રહેશે.
તેમણે કહ્યું કે ભાજપમાં જોડાવા અને મંત્રી બનવા માટે તેમણે વાટાઘાટો કરી હતી પરંતુ અંતે તેમણે કૉંગ્રેસમાં રહેવાનો નિર્ણય કર્યો છે.

આકાશ અંબાણી અને શ્લોકા મહેતા બંધાયા લગ્નના બંધને

ભારતના સૌથી ધનવાન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી શ્લોકા મહેતા સાથે લગ્નના તાંતણે બંધાયા છે.
શ્લોકા મહેતા હીરાના મોટા વેપારી રસેલ મહેતાનાં પુત્રી છે અને આકાશ અને શ્લોકા સ્કૂલમાં સાથે જ અભ્યાસ કરતાં હતાં.
મુંબઈમાં શનિવારે યોજાયેલી લગ્નની સેરેમનીમાં અનેક સ્ટાર્સ અને ઉદ્યોગપતિઓ સહિત વિશ્વભરમાંથી મહેમાનો આવ્યાં હતાં.
ગૂગલના ચીફ એક્ઝેક્યુટીવ સુંદર પિચાઈ, બિઝનેસ મેન રતન તાતા, બૅન્ક ઑફ અમેરિકા, સેમસંગ અને જેપી મોર્ગનના ગ્લોબલ ચીફ એક્ઝેક્યુટીવ પણ આ લગ્નમાં હાજર રહ્યા હતા.
ઉપરાંત બ્રિટનના પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર, પૂર્વ યૂએન સેક્રેટરી બાન કી મૂને પણ લગ્નમાં હાજરી આપી હતી.

વેનેઝુએલામાં સામ સામી રેલીઓ, અનેક વિસ્તારો વીજળી વિહોણા

ઇમેજ સ્રોત, Getty Images
વેનેઝુએલામાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે હાલ વિરોધ પ્રદર્શનનો દોર ચાલી રહ્યો છે.
વિરોધ પક્ષના નેતા જુઆન ગુઈદો અને રાષ્ટ્રપતિ નિકોલસ મદુરોનાં સમર્થકોએ સામ સામે વિરોધ પ્રદર્શનો કર્યાં હતાં અને રેલીઓ કાઢી હતી.
રાજધાની કારાકાસમાં ગુઈદોના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જે બાદ પોલીસે પેપર સ્પ્રેનો ઉપયોગ કરીને મામલો શાંત પાડ્યો હતો.
જુઆન ગુઈદોએ ખુદને 23 જાન્યુઆરીના રોજ વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ જાહેર કરી દીધા હતા.
જેને વર્તમાન રાષ્ટ્રપતિ નિકોલસ મદુરો સામે સીધી જ બાથ ભીડી હતી. ત્યારથી આ રાજકીય સંકટ વધારે ઘેરું બન્યું છે.
શનિવારે થયેલાં પ્રદર્શનોની વચ્ચે અનેક વિસ્તારોમાં વીજળીમાં કાપ મૂકવામાં આવ્યો હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












