ફૅક્ટ ચેક : સૈનિકોને કરોડો રૂપિયા દાન કરવાનો મુર્તજા અલીનો દાવો કેટલો સાચો?

મુર્તજા અલી

ઇમેજ સ્રોત, SM VIRAL POST

    • લેેખક, પ્રશાંત ચહલ
    • પદ, ફૅક્ટ ચેક ટીમ

મુંબઈમાં રહેતા મુર્તજા અલી પોતાના એક મોટા દાવાના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

તેમણે દાવો કર્યો છે કે તેઓ પોતાની કમાણીથી 110 કરોડ રૂપિયા વડા પ્રધાન રાહત કોષમાં આપવાના છે.

નેત્રહીન મુર્તજા અલી ઇચ્છે છે કે આ પૈસાનો ઉપયોગ એ ભારતીય સૈનિકોના પરિવારોની મદદ માટે થાય, જેમણે દેશ માટે પોતાનો જીવ આપી દીધો.

સોશિયલ મીડિયા પર તેમના આ દાવા પર આધારિત ઘણા સમાચાર શૅર કરવામાં આવી રહ્યા છે. ઘણી મોટી મીડિયા સંસ્થાઓએ તેમના આ દાવાને સમાચારમાં આવરી લીધા છે.

લોકો તેમના આ નિર્ણયના વખાણ કરી રહ્યા છે.

આ સિવાય ભારતના પરિવહન મંત્રી નિતિન ગડકરી સાથે મુર્તજા અલીની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી છે.

નિતિન ગડકરી સાથે મુર્તજાની તસવીર

ઇમેજ સ્રોત, SM VIRAL POST

પરંતુ લોકોમાં એ જિજ્ઞાસા છે કે પોતાને એક સામાન્ય વ્યક્તિ ગણાવતા મુર્તજા અલી આટલી મોટી રકમ દાનમાં કેવી રીતે આપી રહ્યા છે?

તેના જવાબમાં મુર્તજા અલીએ બીબીસીને જણાવ્યું, "આ પૈસાનો સોર્સ મારે લોકોને જણાવવાની શું જરુર છે? હું સ્વેચ્છાથી મારા પાન કાર્ડ અને અન્ય જરુરી દસ્તાવેજો સાથે આ પૈસા પીએમને આપવાનો છું."

મુર્તજા અલી વિશે છપાયેલા સમાચારો પર ધ્યાન આપવામાં આવે તો તેમાંથી એક જેવી જ જાણકારી મળે છે કે તેઓ મૂળ કોટાના રહેવાસી છે.

2015માં તેઓ મુંબઈ પહોંચ્યા અને નાનપણથી તેઓ દિવ્યાંગ છે. પહેલાં તેમનો ઑટોમોબાઇલનો બિઝનેસ હતો. ત્યારબાદ તેઓ અન્વેષક બની ગયા.

હાલ તેઓ 'ફ્યૂલ બર્ન ટૅકનૉલૉજી' નામની કોઈ ટૅકનિક પર કામ કરી રહ્યા છે અને 110 કરોડ રૂપિયા દાનમાં આપવાની જાહેરાત કરી ચૂક્યા છે.

મુર્તજા અલીના અનુસાર પુલવામા હુમલા બાદ 25 ફેબ્રુઆરીના રોજ તેમણે જ ડોનેશનની રજૂઆત કરતા આ સૂચના પ્રેસને આપી હતી.

તેમણે એવો દાવો પણ કર્યો હતો કે સરકારે તેમની ટૅકનૉલૉજીનો ઉપયોગ કર્યો હોત તો પુલવામામાં મૃત્યુ પામેલા 40 કરતાં વધારે જવાનોનાં જીવ બચી ગયા હોત.

બીબીસી સાથે થયેલી વાતચીતમાં આ તેમનો બીજો મોટો દાવો હતો. પરંતુ આ દાવા સાથે જોડાયેલા અમારા ઘણા સવાલ હતા કે જેમનો જવાબ મુર્તજા અલી આપી ન શક્યા.

સાથે જ વડા પ્રધાન કાર્યાલયે પણ તેમના દાવા પર ઘણા સવાલ ઉઠાવ્યા છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

ઘણા સવાલ અને જવાબ કંઈ નહીં

ફેસબૂક સર્ચની તસવીર

ઇમેજ સ્રોત, FACEBOOK SEARCH

તેઓ જણાવે છે કે એક મોટી કંપની સાથે મળીને તેમણે 'ફ્યૂલ બર્ન ટૅકનૉલૉજી' તૈયાર કરી છે. પરંતુ આ કંપની ભારતીય છે કે વિદેશી? તેનું નામ શું છે? શું સ્તર છે? તેઓ તેના વિશે કંઈ પણ જણાવતા નથી.

તેમની કાર્યશાળા ક્યાં છે, જેમાં તેમણે આ ટૅકનિક પર કામ કર્યું છે?

તેઓ કહે છે, "ટૅકનૉલૉજી સાથે જોડાયેલા કામ પૂરા થઈ ગયાં છે, ત્રણ વર્ષથી તો અમે સરકાર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."

પરંતુ તેઓ કાર્યશાળા અંગે જાણકારી આપતા નથી.

મુર્તજા દાવો કરે છે કે પોતાની ટૅકનિકની મદદથી તેઓ દૂરથી જ કારમાં કેટલો સામાન છે, શું સામાન છે, તેની જાણકારી મેળવી શકે છે.

તેઓ દાવો કરે છે કે એક વર્ષ પહેલાં ખાડીના દેશોમાંથી કોઈ એક દેશના કેટલાક લોકો તેમની પાસે આ ટૅકનિકને માગવા આવી ગયા છે અને તેમને આ ટૅકનિક માટે એક લાખ વીસ હજાર કરોડ રૂપિયાની ઑફર કરી ચૂક્યા છે.

પણ શું કૅમેરાની સામે તેઓ પોતાની આ કથિત ટૅકનિકનું પ્રદર્શન કરી શકે છે? એવું ન કરી શકવાના તેમણે ઘણાં ટૅકનિકલ કારણો જણાવ્યાં અને પછી તેમણે તેનાથી ઇનકાર કરી દીધો.

તેમણે કહ્યું, "25 ઑક્ટોબર 2018ના રોજ હું સ્ટેમ્પ પેપર પર આ ટૅકનિકને વડા પ્રધાનના નામ પર ટ્રાન્સફર કરી ચૂક્યો છું. એ માટે ગોપનીયતાના કારણે તેઓ પહેલાં આ ટૅકનિકને ભારત સરકારને દેખાડવા માગશે."

શું તેઓ ટૅકનિકના હસ્તાન્તરણના દસ્તાવેજ દેખાડી શકે છે? એ વાતથી પણ તેમણે ઇનકાર કર્યો.

લાઇન
લાઇન

'ન દસ્તાવેજ, ન પૈસા'

મુર્તજા અલી

ઇમેજ સ્રોત, SM VIRAL POST

વાતચીતના અંતમાં મુર્તજા અલી કહે છે કે એ હવે સરકાર પર છે કે તેઓ તેમને ક્યારે મળવા બોલાવશે. તેઓ પૈસા વડા પ્રધાનને આપે અને ડોનેશનના પૈસા સૈનિકોના પરિવાર સુધી પહોંચે.

વડા પ્રધાન કાર્યાલય સાથે જોડાયેલા દાવાની તપાસ કરવા માટે અમે પીએમઓ સાથે વાત કરી.

વડા પ્રધાન કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, "મુર્તજા અલીએ ડોનેશનની રજૂઆતનો ઈ-મેઇલ પીએમઓને મોકલ્યો હતો. તેમણે વડા પ્રધાનને મળવાનો સમય માગ્યો હતો અને તેઓ ઇચ્છતા હતા કે ડોનેશનનો ચેક તેઓ જાતે વડા પ્રધાનને સોંપે."

તેઓ ઉમેરે છે, "પ્રોટૉકોલને ધ્યાનમાં રાખતા વડા પ્રધાનના અપૉઇન્ટમેન્ટ સેક્શને તેમને ફંડ સેક્શન સાથે વાત કરવાનું કહી દીધું હતું જ્યાં તેઓ શરત વગર ડોનેશન આપી શકે છે."

ફંડ વિભાગ (પીએમઓ)ના ઉપ સચિવ અગ્નિ કુમાર દાસે બીબીસીને જણાવ્યું કે, "ફોન પર મુર્તજાએ 110 કરોડ રૂપિયા દાનમાં આપવાની વાત કરી હતી. તેઓ પોતાના સંશોધનના દસ્તાવેજ પણ અમને આપવા માગતા હતા. અમે તેમને કહ્યું કે તેઓ પીએમઓમાં આવીને પોતાના દસ્તાવેજ જમા કરાવી દે. પણ ન દસ્તાવેજ આવ્યા, ન તો પૈસા."

(જો તમને કોઈ સંદિગ્ધ સમાચાર, તસવીરો, વીડિયો કે દાવા મળે તો તેની વિગતો બીબીસી ન્યૂઝને +91 9811520111 ઉપર અથવા તો અહીં મોકલો તથા તેની સત્યતા ચકાસો.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો