બાપુ બોલે તો... : ગાંધીજીના હત્યારાઓને તેમના પરિવારજનોએ માફ કરી દીધા હતા?

મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, FOX PHOTOS/GETTY IMAGES

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગાંધીજીની હત્યાના વાજબીપણા વિશે અને તેમના હત્યારાઓને મહાન દેશપ્રેમી સાબિત કરવાની દિશામાં વખતોવખત પ્રયાસ થતા રહે છે.

એ માટે અર્ધસત્યો અને જૂઠાણાંની ભેળસેળ કુટિલતાથી વહેતી મૂકવામાં આવે છે.

લોકોને ગુંચવાડામાં નાખીને હત્યારાઓ પ્રત્યેનો અભાવ ઓછો કરી શકાય-તેમના પ્રત્યે સહાનુભૂતિની લાગણી પેદા કરી શકાય, એવો પ્રચારકોનો આશય હોય છે.

આવા પ્રચારમાં ક્યારેક એવું પણ કહેવામાં આવે છે કે હત્યારાઓને તો ગાંધીજીનાં પરિવારજનોએ માફ કરી દીધા હતા.

આમ કહેવા પાછળનો ઇશારો એ હોય છે કે હવે તમારે હત્યારાઓની અને એમની વિચારસરણીની ટીકા ન કરવી જોઈએ.

line

માફીના પ્રયાસ

મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, BBC/GETTY IMAGES

ગાંધીજીના ખૂનીઓ અને તેમની વિચારધારા માટે હિંદુ ધર્મનો આદર્શ ગુરુજનોને મારી નાખતો અર્જુન છે. (ધર્મગ્રંથોમાંથી છેવટે તો પોતાની વૃત્તિ પ્રમાણેનો જ બોધ મળે છે.)

આ લોકો પાછા પોતાની જાતને હિંદુ ધર્મ અને ધર્મીઓના રક્ષક તરીકે ખપાવે.

બીજી તરફ, પોતાને ગૌરવપૂર્વક હિંદુ ગણાવનારા ગાંધીજી તેમની પર ખૂની હુમલા કરનારને પણ માફી આપતા હતા.

દક્ષિણ આફ્રિકામાં અને ભારતમાં તેમનું આવું વલણ જાહેર હતું.

હિંદુ ધર્મની તેમની આવી ઉદાર સમજ ભલે તેમની અપેક્ષા જેટલી પ્રસરી નહીં, પરંતુ તે લોકો માને છે એટલી હદે નિષ્ફળ પણ ગઈ ન હતી.

તેના ઉત્તમ પુરાવા સૌથી ખરાબ પ્રસંગે મળ્યા. એ પ્રસંગ એટલે ગાંધીજીની હત્યા.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

ગાંધી-પ્રેમીઓએ પણ માફીની તરફેણમાં

આપ્ટે ( ડાબી બાજુ) અને નાથુરામ ગોડસે (જમણી બાજુ)

ઇમેજ સ્રોત, NANA GODSE

ઇમેજ કૅપ્શન, આપ્ટે ( ડાબી બાજુ) અને નાથુરામ ગોડસે (જમણી બાજુ)

અદાલતી કાર્યવાહી પછી હત્યારા ગોડસે અને કાવતરાના એક સાથી આપ્ટેને ફાંસીની સજા થઈ.

ત્યારે દેશવિદેશમાંથી એવા અનેક પત્રો આવ્યા, જેમાં હત્યારાઓને ફાંસીની સજા ન કરવાની વિનંતી હતી.

આવી રજૂઆતો કરનારા ગોડસેપ્રેમીઓ નહીં, ગાંધીપ્રેમી-ગાંધીના અનુયાયી હતા.

જાણીતાઅજાણ્યા, દેશીવિદેશી એવા ઘણા લોકોએ ત્યારના ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીને વિનંતીપત્રો મોકલ્યા.

તેમાં લખ્યું પણ ખરું કે આજીવન અહિંસાના ઉપાસક રહેલા અને ફાંસીની સજા નાબૂદ થવી જોઈએ, એવો મત ધરાવતા ગાંધીજીના હત્યારાઓને ફાંસીની સજા ન આપવી જોઈએ.

નાથૂરામ ગોડસેના વસ્ત્રો
ઇમેજ કૅપ્શન, ગાંધીની હત્યા સમયે નાથૂરામ ગોડસેએ આ વસ્ત્રો પહેરેલાં

આ વિનંતીપત્રોમાં ગોડસેમંડળીની ધિક્કારપ્રેરિત સમજણ નહીં, ગાંધીજીએ રોપવા ધારેલી ધર્મની ઉદાર સમજણ દેખાતી હતી.

'જીવ આપનાર જ જીવ લઈ શકે' એવો સીધોસાદો છતાં પાયાનો, કોઈ પણ ધર્મથી ઉપર એવો માનવતાનો સિદ્ધાંત દેખાતો હતો.

નારાયણભાઈ દેસાઇએ નોંધ્યું છે કે ગાંધીજીના અસ્થિ-વિસર્જન પછી 'જુગતરામભાઈ (દવે)ની પ્રેરણાથી આસપાસનાં 28 ગામોમાંથી એકઠી થયેલી મેદનીએ ઠરાવ કર્યો કે આઝાદ ભારત દેશમાંથી સજા-એ-મોતની પરંપરા દૂર કરવાનો આરંભ ગાંધીના ખૂનીને ફાંસી ન દઈને થાય.' (મારું જીવન એ જ મારી વાણી-4, નારાયણ દેસાઈ, પૃ.484)

ગાંધીજીના કેટલાક સાથીઓ ગાંધીશાઈ અંદાજમાં પોતાની 'નિષ્ફળતાનો એકરાર' કરીને કહેતા હતા કે યુવાનોની શક્તિને આપણે સાચા માર્ગે વાળી ન શક્યા.

એટલે તે આડા રસ્તે ફંટાઈ ગયા. માં એમને દોષ દઈ શકાય નહીં.

લાઇન

આપને આ પણ વાંચવું ગમશે

લાઇન

પુત્રોના પ્રયત્નો

આભા અને મનુ સાથે ગાંધીજી

ઇમેજ સ્રોત, GANDHISMRITI.GOV.IN

ઇમેજ કૅપ્શન, આભા અને મનુ સાથે ગાંધીજી

ગાંધીહત્યા વિશેની સરકારી ફાઇલમાં સજામાફી માટેના કેટલાક પત્રો સચવાયેલા છે, જેની ગવર્નર-જનરલ ગોપાલાચારી અને ગૃહમંત્રી સરદાર પટેલ વચ્ચે આપ-લે થઈ હોય.

સજામાફીની વિનંતીઓમાં સૌથી ઉલ્લેખનીય રજૂઆતો ગાંધીજીના બે પુત્રોની હતી.

ગાંધીજીના ભારત આવી ગયા પછી દક્ષિણ આફ્રિકામાં રહીને ત્યાં કામ કરનારા મણિલાલ ગાંધીએ ડરબનથી ગવર્નર જનરલને તાર કર્યો અને ગોડસેની ફાંસી માફ કરવા વિનંતી કરી.

પહેલા તારમાં ફક્ત ગોડસેની માફી વિશે લખ્યા પછી તેમને ઝબકારો થયો હશે, એટલે તેમણે નવેમ્બર 6, 1949ના રોજ બીજો ટેલિગ્રામ કરીને કહ્યું કે અગાઉ તે ફાંસીની સજા પામેલા બીજા ગુનેગાર આપ્ટેનું નામ લખવાનું ભૂલી ગયા હતા અને આપ્ટેની સજામાફી માટે પણ તે વિનંતી કરે છે.

આવી વિનંતી કરનાર ગાંધીજીના બીજા પુત્ર એટલે રામદાસ.

મોટા હરિલાલ પછી બીજા ક્રમે આવતા રામદાસે રાજઘાટ પર ગાંધીજીના મૃતદેહને અગ્નિ આપ્યો હતો.

તેમની લાગણીનું વર્ણન કરતાં તેમનાં પુત્રી સુમિત્રા કુલકર્ણીએ નોંધ્યું છે:

''(અંતિમ વિધિ પછી) રાત્રે દસ વાગ્યે મારા પિતા ફરીથી રાજઘાટ ગયા અને ઓલવાતી ચિતા પાસે આખી રાત મોટરમાં બેસી રહ્યા કે જેથી કોઈ વ્યાકુળ, શ્રદ્ધાળુ ભક્ત મહાત્માના અવશેષની લાલસામાં ચિતાને રગદોળી ન નાખે...''

''પોષ મહિનાની એ કાળરાત્રિએ એમની સામે એક વેરાન જીવન પથરાયેલું પડ્યું હતું. એમના જીવનને અજવાળતી દીપશિખા વિલીન થઈ ગઈ હતી.'' (અણમોલ વિરાસત-3, સુમિત્રા કુલકર્ણી, પૃ. 138)

તેમ છતાં, ગોડસે સામે ફાંસીનો કેસ ચાલ્યો ત્યારે રામદાસ પટેલે ગૃહમંત્રી સરદારને પત્ર લખ્યો કે 'ગોડસેને ફાંસીની સજા કરવી, એ બાપુજીની અહિંસાથી ઊલટું થશે અને એમના આત્માને ક્લેશ થશે. ''

''ગોડસેના મૃત્યુથી બાપુ ફરીથી જીવતા થવાના નથી...અમે દુઃખી છીએ, પણ વેર લઈને શું કરવાનું? અને કોની સામે વેર લેવાનું?''

''નાથુરામ તો ફક્ત નિમિત્ત હતો. એટલે વેરની હિંસા જગાડીને આપણે બાપુજીની જીવનભરની સાધનાનો ક્ષય કરવો જોઈએ નહીં.''

'' આમ કરવાથી અહિંસાના પૂજારીનું અપમાન થશે.'' (અણમોલ વિરાસત-3, પૃ. 139)

line

ગોડસે, માફી અને પસ્તાવો

(ડાબે થી જમણે) નાના આપ્ટે, દામોદર સાવરકર, નાથુરામ ગોડસે, વિષ્ણુપંત કરકરે, દિગમ્બર બડગે, મદનલાલ પહાવા ( જમણેથી ડાબે ઉભા) ગોપાલ ગોડસે, શંકર કિસ્તય્યા

ઇમેજ સ્રોત, NANA GODSE

ઇમેજ કૅપ્શન, (ડાબે થી જમણે) નાના આપ્ટે, દામોદર સાવરકર, નાથુરામ ગોડસે, વિષ્ણુપંત કરકરે, દિગમ્બર બડગે, મદનલાલ પહાવા ( જમણેથી ડાબે ઉભા) ગોપાલ ગોડસે, શંકર કિસ્તય્યા

રામદાસે જેલમાં રહેલા ગોડસેને પણ પત્ર લખીને સજામાફીના પોતાના પ્રયાસ વિશે જાણ કરી હતી.

જવાબમાં ગોડસેએ તેમને જેલમાં મળવા જણાવ્યું.

વિચારધારાના નશાથી મત્ત ગોડસેએ તેમને લખ્યું હતું કે કોને ખબર, તમે મને પસ્તાવો કરવા પ્રેરી શકો કે પછી હું તમને મારા દૃષ્ટિબિંદુ સાથે સંમત કરી દઉં.

પરંતુ સરકારે એ મુલાકાત માટે મંજૂરી આપી નહીં. (ધ અસેસિન્સ આસિસ્ટન્ટ, રાધા રાજાધ્યક્ષે લીધેલો નથુરામના ભાઈ ગોપાલ ગોડસેનો ઇન્ટરવ્યૂ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, જાન્યુઆરી 25, 1998, પૃ.18)

આ મુલાકાતમાં ગોપાલ ગોડસેને પૂછવામાં આવ્યું કે ''નથુરામે અદાલતમાં આપેલા બયાન પ્રમાણે, હત્યા પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છોડી દીધો હતો?''

ગોપાલ ગોડસેનો જવાબ હતો, ''ખરું પૂછો તો, ના. (નૉટ ઍક્ઝેક્ટલી). ટેકનિકલી અને થિયોરિટીકલી એ સભ્ય હતો જ. ''

''પણ તેણે પછીથી તેણે સંઘ માટે કામ કરવાનું બંધ કરી દીધું હતું અને તેની શક્તિઓ નવનિર્મિત હિંદુ રાષ્ટ્ર દળમાં કેન્દ્રિત કરી હતી. ''

''પરંતુ અદાલતમાં તેણે આર.એસ.એસ. છોડી દીધું છે એવું નિવેદન સંગઠન પરથી દબાણ દૂર કરવા જ આપ્યું હતું, કારણ કે હત્યા પછી સંગઠન ભારે ભીંસમાં હતું.''

લાઇન
લાઇન

સરકારનું વલણ

નાથૂ રામ ગોડસે

ઇમેજ સ્રોત, NANA GODSE

ગાંધીજીના પુત્રો સહિત બીજા કેટલાક અનુયાયીઓ હત્યારાને ફાંસીની સજા માફ કરવા આગ્રહ કરતા હોય, ત્યારે ગવર્નર જનરલ અને ગૃહમંત્રીની સ્થિતિ મૂંઝવણભરી થાય.

કેમ કે, ગૃહમંત્રી સરદાર ગાંધીજીના આજીવન નિકટ સહયોગી હતા અને ગવર્નર જનરલ રાજગોપાલાચારી તો ગાંધીજીના વેવાઈ- સૌથી નાના પુત્ર દેવદાસના સસરા.

(બે મોટા ભાઈઓની જેમ દેવદાસ ગાંધીએ પણ સજામાફીનો પત્ર ન લખ્યો, તેનું કારણ આ હશે? ખબર નથી.)

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સહિત અનેક ઉચ્ચ હોદ્દે રહી ચૂકેલા સ્વતંત્ર અભ્યાસી અને સગપણમાં ગાંધીજીના પૌત્ર (દેવદાસ ગાંધીના પુત્ર) ગોપાલકૃષ્ણ ગાંધીએ એક લેખમાં વિક્રમજીત બત્રાને ટાંકીને નોંધ્યું હતું કે 1948-49ના ગાળામાં રાજગોપાલાચારી ગવર્નર જનરલ હતા ત્યારે દયાની 384 અરજીઓ તેમની પર આવી હતી.

આ બધી અરજીઓ ખૂનકેસમાં ફાંસીની સજા પામેલા લોકોની હતી.

લાઇન
લાઇન
ગાંધીજી

ઇમેજ સ્રોત, Getty Images

આવી અરજીઓમાં રાજાજી કેસની ઊંડી તપાસ કરતા, જરૂર પડ્યે સરકાર પાસેથી ખુલાસા માગતા અને પછી નિર્ણય લેતા.

એ રીતે તેમણે 66 કિસ્સામાં ફાંસીને જન્મટીપમાં ફેરવવાનો આદેશ આપ્યો હતો, પણ 318 અરજીઓ ફગાવી દીધી હતી. (સ્ટીલ હેંગિંગ ફાયર, ગોપાલકૃષ્ણ ગાંધી, હિંદુસ્તાન ટાઇમ્સ, 9-9-11)

ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતની કદર હોવા છતાં, ગોડસે-આપ્ટેની સજામાફીનો નિર્ણય તેમને દેશના વડા તરીકે લેવાનો હતો, જેમાં સિદ્ધાંતચર્ચા કરતાં કાયદાની પ્રક્રિયાનું ધ્યાન વધારે રાખવાનું હતું.

સાથોસાથ, એ પણ તેમના ધ્યાનમાં હતું કે ગુનેગારો તરફથી તેમના કૃત્ય માટે જરાય અફસોસ કે પસ્તાવો દર્શાવાયો ન હતો.

આથી સત્તાવાર વલણ એવું લેવામાં આવ્યું કે ગાંધીજીની ઇચ્છા હોવા છતાં, ભારતમાં હજુ સુધી મૃત્યુદંડ નાબૂદ કરાયો નથી.

માટે, જેમની પર સરકાર ચલાવવાની જવાબદારી છે તે લોકો એક જ સજા પામેલા જુદા જુદા ગુનેગારો વચ્ચે વહેરોઆંતરો રાખી શકે નહીં.

આપણામાંથી ઉત્તમ કહેવાય એવા માણસની હત્યા કરનારને ફાંસીમાંથી માફી મળે અને બાકીના હત્યારાઓને ફાંસી મળે, એવો ભેદભાવ સરકારથી ન રખાય.

line

વિશ્લેષણ

ગાંધીજીનો મૃતદેહ

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષો પછી ઘણા લોકોના મનમાં ગાંધીહત્યાના સહયોગીઓ વિશે વિચિત્ર પ્રકારનું આકર્ષણ પેદા થયું.

ગોપાલ ગોડસેના ઇન્ટરવ્યૂ કરવા ને ટાંકવા, એ ફૅશન બની ગઈ.

થોડા લોકોએ જ તેમનાં જૂઠાણાં ઉઘાડાં પાડવાની મહેનત લીધી.

બાકીનાએ તેમની રસિક કથાઓને સાચજૂઠની પરવા કર્યા વિના, કેવળ મનોરંજન ખાતર ચગાવી.

તેમાં એક વાત મુખ્ય હતીઃ ગોપાલ ગોડસે મરણપથારીએ પડેલા રામદાસ ગાંધીના દર્શન કરવા ગયા અને કહ્યું:

''અમે તો તમને જ મહાત્મા ગણીએ છીએ. કેમ કે, તમે તમારા પિતાના હત્યારા માટે સજામાફીની વાત કરી હતી.''

આ વાતને ગોપાલ ગોડસેની સારપ તરીકે પ્રચારવામાં આવે છે.

લાઇન

આપને આ પણ વાંચવું ગમશે

લાઇન
નાથુરામ ગોડસે

ઇમેજ સ્રોત, NANA GODSE

હકીકતમાં, ગોડસે જે વિચારધારાના પ્રતિનિધિ હતા, તેની બેવડી નીતિ અને દંભનું આ ઉત્તમ ઉદાહરણ હતું.

માફી અને ક્ષમાની તેમને આટલી જ કદરકિંમત હતી, તો ક્ષમાની વાત કરનારા ગાંધીજી પ્રત્યે તેમને આટલું બધું ખુન્નસ કેમ હતું કે તેમની હત્યા પછી માનવીય ધોરણે પણ અફસોસ કે પસ્તાવો ન થાય?

પરંતુ આ તેમની વિચારધારાની તાસીર છે, જેમાં સિદ્ધાંત નહીં, સગવડ મહત્ત્વની છે.

પ્રેમ અને ક્ષમા નહીં, ધિક્કાર અને હિંસા કેન્દ્રસ્થાને છે, જૂઠાણાં અને અર્ધસત્યો તેમની વ્યૂહરચના છે, તેમની તાકાત છે અને તેમનાં હથિયાર છે.

રહી વાત સજામાફીની.

ગાંધીજીના પુત્રોએ અને બીજા અનેક ગાંધીવાદીઓએ દિલથી સજામાફીની વાત કરીને પોતાનો ધર્મ ઉજાળ્યો, પણ તેમની વિનંતી હત્યારાઓ અને કાવતરાંબાજોની નિર્દોષતા સૂચવતી નથી કે નથી તેમના કાર્યનું વાજબીપણું દર્શાવતી.

તે એટલું જ બતાવે છે કે સામેવાળો લાખ ઉદારતા બતાવે, તો પણ જેના મનમાં રાષ્ટ્રવાદના નામે કોમવાદ અને હિંદુ ધર્મના નામે કુતર્કપ્રેરિત ઝનૂનનું ભૂંસું ભરેલું હોય, તે બોલવા-લખવામાં ગમે તેટલા ચબરાક-બુદ્ધિશાળી હોય તો પણ તેમની માનસિકતા રીઢા હત્યારાની જ રહે છે.

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો