પુલવામા: 1965માં કચ્છમાં જ્યારે CRPFની નાનકડી ટૂકડીએ પાક. બ્રિગેડને પીછેહઠ કરવા મજબૂર કરી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી
પુલવામા ખાતે ઉગ્રવાદી હુમલાના કલાકો પછી સીઆરપીએફે પ્રથમ વખત ટ્વીટ કર્યું, અમે 'આ જઘન્ય હુમલાનો બદલો લઇશું."
ભારતનો દાવો છે કે 40 જવાનોનો ભોગ લેનારા પુલવામા હુમલા પાછળ 'પાકિસ્તાન સ્થિત સંગઠન'નો હાથ છે, જ્યારે પાકિસ્તાનનું કહેવું છે કે 'ભારતે પુરાવા આપવા જોઈએ.'
CRPFની લલકાર 53 વર્ષ જૂના યુદ્ધ પ્રકરણની યાદ અપાવી, જ્યારે ભારતના પોલીસ દળના જવાનોએ પાકિસ્તાની સેનાની બ્રિગેડને પીછેહઠ કરવા મજબૂર કરી દીધી હતી.
CRPFનાં ઇતિહાસમાં અંકિત એ પ્રકરણ ગુજરાતની ધરતી ઉપર લખાયું હતું, જેને સંગઠન દ્વારા દર વર્ષે 'શૌર્ય દિવસ' તરીકે યાદ કરવામાં આવે છે.
જોકે, એ વિજયમાં પણ કેટલીક ખામી રહી ગઈ હતી, જેને નવા અર્ધ-લશ્કરી દળની સ્થાપના દ્વારા દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પોલીસ વિરુદ્ધ પાકિસ્તાન સેના
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
જાન્યુઆરી 1965માં પાકિસ્તાન તરફી હિલચાલને જોતા CRPFની (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ, કેન્દ્રીય અનામત પોલીસ દળ)ની બીજી બટાલિયનની ચાર કંપની ગુજરાત મોકલવામાં આવી.
તેમની સાથે ગુજરાત પોલીસના કેટલાક જવાન પણ હતા.
CRPFના પોલીસ જવાનો પાસે મીડિયમ મશીનગન તથા મૉર્ટાર જેવા હથિયાર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સામે પક્ષે પાકિસ્તાન પાસે ખુશ્કીદળ, તોપ તથા આધુનિક હથિયારોથી સજ્જ નિયમિત સેના હતી, જેની દક્ષતા સ્વાભાવિક રીતે જ પોલીસ કરતાં વધુ હતી.
CRPFના લગભગ 150 જવાનોની સામે પાકિસ્તાનની બ્રિગેડના 3,500 નિયમિત સૈનિક હતા, જે સંખ્યામાં અને હથિયારોની દૃષ્ટિએ વધુ હતા.
પરંતુ જો ફકત સંખ્યાબળ અને હથિયારોના આધારે યુદ્ધ જીતાતું હોત તા. નવમી એપ્રિલ 1965ની એ રાતે CRPFના ઇતિહાસમાં એ ગર્વિષ્ઠ પ્રકરણ ન ઉમેરાયું હોત.

તમે આ વાંચ્યું કે નહીં?

એ ભયાનક રાત

ઇમેજ સ્રોત, crpf.gov.in
તા. આઠ અને નવ એપ્રિલ, 1965ની રાત્રે પાકિસ્તાનની 51મી ઇન્ફૅન્ટ્રી બ્રિગેડે ભારતીય પોસ્ટ્સ તરફ કૂચ કરી હતી.
જેમાં પાકિસ્તાનની 18મી પંજાબ બટાલિયન, આઠમી ફ્રન્ટિયર રાઇફલ્સ અને છઠ્ઠી બલૂચ બટાલિયનના સૈનિકો હતા.
'ડૅઝર્ટ હૉક'ના નામથી હાથ ધરવામાં આવેલાં સૈન્ય અભિયાનનો હેતુ ભારતની બંને પોસ્ટ્સની ઉપર કબજો કરવાનો હતો, જેથી કરીને અમદાવાદના રસ્તે મુંબઈ તરફ આગળ વધી શકાય.
સપાટ મેદાન ઉપર પોસ્ટ્સએ CRPF માટે નબળું પાસું હતી, કારણ કે દુશ્મન ગોળીબાર અને તોપમારા દ્વારા સીધું જ નિશાન સાધી શકે છે અને થયું પણ એવું જ.
સવારે 3.45 કલાકે હેડ કૉન્સ્ટેબલ રણજીતસિંહને કોઈ હિલચાલ દેખાઈ એટલે તેમણે આગંતુકોને પડકાર ફેંક્યો, જેનો જવાબ ગોળીબારથી મળ્યો.
તરત જ હેડ કૉન્સ્ટેબલ રણજીતસિંહની મશીનગન પણ ધણધણી ઊઠી.
ગોળીબારનો અવાજ સાંભળી પોસ્ટના મુખ્ય અધિકારી મેજર કરનૈલસિંઘ રણજીત સિંહ પાસે ધસી ગયા.
કંપનીના અન્ય જવાનોએ પણ મોરચો સંભાળી લીધો અને વળતી કાર્યવાહી હાથ ધરી.

જ્યારે શસ્ત્ર પુરવઠો સંકટમાં મૂકાયો

ઇમેજ સ્રોત, CRPF.GOV.IN
સ્થિતિની ગંભીરતા જોતા CRPFના અધિકારીઓએ હેડક્વાર્ટરનો સંપર્ક સાધીને પૂરક દળોની મદદ માગી.
સામેથી જવાબ મળ્યો કે 'સેનાને પહોંચતા 15 કલાક જેટલો સમય લાગશે, તમે પૉઝિશન જાળવી રાખો.'
લડાઈ લંબાતી જોઈને મેજર કરનૈલસિંઘે વ્યૂહરચના બદલી, તેમણે જવાનોને ગોળીબાર અટકાવી દેવાનો આદેશ આપ્યો.
પાકિસ્તાની ટૂકડીને થયું કે ભારે ગોળીબાર અને તોપમારાને કારણે ભારતીય સૈનિકો માર્યા ગયા છે અથવા તો ઘાયલ થઈ ગયા છે.
આથી, તેઓ બેધડક આગળ વધવા લાગ્યા, જ્યારે તેઓ વધુ નજીક આવ્યા, ત્યારે ભારતીય દળોની રાઇફલો એકસાથે ધણધણી ઊઠી.
અચાનક થયેલા હુમલાને કારણે પાકિસ્તાનના પક્ષે ભારે ખુંવારી થઈ અને તેના દળોમાં નાસભાગ મચી ગઈ.
આ પીછેહઠને કારણે ભારતીય દળોનો જુસ્સો વધ્યો.
જ્યારે સરદાર પોસ્ટ પર હથિયારોનો પુરવઠો ખૂટવા આવ્યો, ત્યારે ટૉક પોસ્ટ પાસેથી મદદ માગવામાં આવી.
ભારે ગોળીબાર અને તોપમારાની વચ્ચે સુબેદાર કબીરમાન સુબ્બા ગોળીઓ અને ઍમ્યુનેશનનો પૂરક જથ્થો લઈને સરદાર પોસ્ટ પહોંચ્યા.


વધુ ત્રણ પ્રયાસ નિષ્ફળ બનાવાયા

ઇમેજ સ્રોત, CRPF.GOV.IN
આગામી કલાકો દરમિયાન પાકિસ્તાની દળે લગભગ ત્રણ વખત પોસ્ટને કબજે કરવાના પ્રયાસ કર્યા, પરંતુ CRPFના જવાનોના પ્રતિકારને કારણે આગળ વધી ન શક્યા.
બીજા દિવસે સાંજે લગભગ પાંચ વાગ્યે સેનાના પૂરક દળો ન આવ્યાં, ત્યાર સુધી CRPFએ પોસ્ટ્સની સુરક્ષા કરી.
આ અભિયાનમાં પાકિસ્તાની સેનાના બે અધિકારી સહિત 34 સૈનિકો મૃત્યુ પામ્યા, જ્યારે ચારને જીવતા ઝડપી લેવાયા..
ભારતના પક્ષે સીઆરપીએફના કમાન્ડર સહિત 19 જવાનોને બંધક બનાવવામાં આવ્યા, જ્યારે છ જવાન મૃત્યુ પામ્યા.
યુદ્ધ બાદ અજોડ સાહસ દાખવવા બદલ CRPFના કુલ 12 જવાનોને વીરતાપદકોથી નવાજવામાં આવ્યા.
કચ્છમાં જવાનોએ દાખવેલી શૂરવીરતાની યાદમાં CRPF દ્વારા દર વર્ષે તા. 9મી એપ્રિલને 'શૌર્ય દિવસ' તરીકે ઊજવવામાં આવે છે.

સંઘર્ષની પૃષ્ઠભૂમિ

ઇમેજ સ્રોત, Getty Images
વિભાજન બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમાઓને લઈને હંમેશા તણાવ રહેતો.
બંને દેશો એકબીજા ઉપર સીમા પાર કરીને એકબીજાના વિસ્તારમાં પ્રવેશવાના આરોપ મૂકતા.
આ સમસ્યાના કાયમી ઉકેલ માટે એવું નક્કી કરવામાં આવ્યું કે બંને દેશના કેન્દ્રીય સર્વેક્ષણ વિભાગ મળીને સીમાંકન કરશે.
વર્ષ 1963 સુધીમાં રાજસ્થાન અને પંજાબની સરહદ ઉપર આ કામ પૂર્ણ થઈ ગયું.
જોકે, ગુજરાતમાં સીમાંકનનું કામ હાથ ધરવામાં આવે તે પહેલાં પાકિસ્તાનનું કેન્દ્રીય સર્વેક્ષણ વિભાગ આ કાર્યવાહીમાંથી ખસી ગયું.
પાકિસ્તાનની સેનાએ કચ્છના રણમાં સીમાથી લગભગ એક કિલોમીટર દૂર કંજરકોટ ખાતે એક પોસ્ટ ઊભી કરી હતી.
આ અંગે ભારતે વિરોધ નોંધાવતા, પાકિસ્તાને જણાવ્યું હતું કે તેણે પોતાના જ વિસ્તારમાં પોસ્ટ ઊભી કરી છે.
આ વિવાદ ચાલુ જ હતો કે તા. 15મી માર્ચ 1965ના દિવસે પાકિસ્તાને ડિંગમાં વધુ એક પોસ્ટ ઊભી કરી દીધી.
પાકિસ્તાનના વલણને જોતા તેની પ્રવૃત્તિઓને અટકાવવા માટે કંજરકોટથી લગભગ ચાર કિલોમીટર દૂર 'સરદાર' પોસ્ટ તથા ડિંગ પોસ્ટથી લગભગ એક કિલોમીટર દૂર 'ટોક પોસ્ટ'ની સ્થાપના કરવામાં આવી હતી.

આજે સરદાર પોસ્ટ

ઇમેજ સ્રોત, AFP
આજે 'સરદાર પોસ્ટ'ને 'અમર પોસ્ટ' તરીકે ઓળખવામાં આવે છે અને આ વિસ્તારની સુરક્ષાની જવાબદારી બીએસએફ પાસે છે.
આ દળના જવાનો આજે પણ સીઆરપીએફના જવાનોની સ્મૃતિમાં નિર્મિત સ્મારક ઉપર દીવાબત્તી કરે છે અને ત્યાં ભોગ ચડાવે છે.
જવાનો પાસે અવરજવર માટે ઊંટ ઉપરાંત ઑલ ટૅરેન વ્હિકલ, સુવિધાવાળી બૉર્ડર આઉટ પોસ્ટ, કટોકટીના સંજોગોમાં જવાનોની હેરફેર માટે હેલિપૅડ, રાશન-પાણીની હેરફેર માટે વાહનો અને રસ્તાઓ છે અને રાત્રે નજર રાખવા માટે ફ્લડ લાઇટ્સ ઉપલબ્ધ છે.
સ્વાભાવિક છે કે 53 વર્ષ અગાઉ સીઆરપીએફ અને સ્ટેટ પોલીસના જવાનો પાસે એ સુવિધાઓ ન હતી.
છતાં આજે પણ સાપ, વિંછી, ભયાનક ગરમી અને કળણવાળી જમીન જેવી સમસ્યાઓ તો છે જ.


BSFની સ્થાપના

ઇમેજ સ્રોત, Getty Images
સરદાર પોસ્ટનું યુદ્ધ ભારતે જીતી તો લીધું, પરંતુ સરહદી વ્યવસ્થાપનને લગતી કેટલીક ખામીઓ પણ બહાર આવી. કાશ્મીરમાં પણ આવા જ અનુભવો થયા હતા.
રાજ્ય પોલીસ તથા CRPFએ દેશની સરહદોની સુરક્ષા કરવાના બનતા પ્રયાસ તો કર્યાં, પરંતુ તેમની સંખ્યા અપૂરતી હતી, તેમની પાસે પૂરતા આધુનિક હથિયાર ન હતા અને આર્થિક સ્થિતિ પણ ખાસ સદ્ધર ન હતી.
જવાનોમાં તાલીમ અને શિસ્તનો અભાવ હતો, તેમાં કેટલાક વૃદ્ધ જવાનો પણ હતા, જેમની શારીરિક અને માનસિક સક્ષમતા ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા.
મે-1965માં દિલ્હીમાં ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ, જેમાં પોલીસ પાસેથી સરહદી સુરક્ષા વ્યવસ્થા લઈને બૉર્ડર સિક્યુરિટી ફૉર્સના નામે કેન્દ્રીય દળની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો.
યોગાનુયોગ એ બેઠકમાં પોલીસની કામગીરીનો બચાવ કનારા અધિકારી ખુશરો ફારામુર્ઝ રુસ્તમજીને જ BSFની સ્થાપના કરવાની જવાબદારી સોંપવામાં આવી.
રુસ્તમજીએ આ જવાબદારી સુપેરે બજવી અને ગણતરીના મહિનાઓમાં તા. પહેલી ડિસેમ્બર 1965ના દિવસે બીએસએફની સ્થાપના થઈ.
જેનું મુખ્ય કામ ગુજરાત, પંજાબ, જમ્મુ અને કાશ્મીરના અમુક ભાગ અને પૂર્વોત્તરમાં સરહદોની સુરક્ષા કરવાનું છે.
વર્ષ 1971નું ભારત-પાકિસ્તાન યુદ્ધ હોય કે વર્ષ 1999નો કારગીલ સંઘર્ષ, બીએસએફએ તેને સોંપવામાં આવેલી જવાબદારી સુપેરે બજાવી છે.

આજે CRPF

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1939માં ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ પોલીસના નામે સંગઠન અસ્તિત્વમાં આવ્યું.
વર્ષ 1949માં CRPF ઍક્ટ મારફત તે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ તરીકે ઓળખાયું.
લગભગ ત્રણ લાખ જવાનો સાથે આ સંગઠન દેશનું સૌથી મોટું અર્ધ-લશ્કરી દળ છે.
આ દળ ભીડ નિયંત્રણ, હુલ્લડ નિયંત્રણ, દેશના ગણમાન્ય લોકોની સુરક્ષા, મહત્ત્વપૂર્ણ સ્થળોની સુરક્ષા, સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ મિશનમાં સામેલગીરી, કુદરતી આપદા સમયે રાહત અને બચાવકાર્ય જેવા અનેકવિધ કામો કરે છે.
આ સિવાય કેટલાક રાજ્યોમાં નક્સલવાદીઓ અને ઉગ્રપંથીઓ સામે અભિયાન પણ હાથ ધરે છે.
બૉર્ડર સિક્યુરિટી ફૉર્સની સ્થાપના બાદ CRPF પાસે સરહદની સુરક્ષાની જવાબદારી નથી રહી.
છતાં શ્રીનગરમાં ઍરપૉર્ટ ઉપર હુમલો હોય, અયોધ્યામાં હંગામી રામ મંદિર ઉપર હુમલો હોય કે સંસદ ઉપર હુમલો, સીઆરપીએફના જવાનોએ તેને નિષ્ફળ બનાવ્યા છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














