વિવાદાસ્પદ બનેલા 13 પૉઇન્ટ રોસ્ટર વિશે એ બધું જ જે તમે જાણવા ઇચ્છો છો

રોસ્ટર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ભૂમિકા રાય
    • પદ, સંવાદદાતા, બીબીસી ગુજરાતી

જો તમે કોઈ કચેરીમાં કામ કરો છો તો 'રોસ્ટર' શબ્દ તમારા માટે નવો નહીં હોય. તમારે કયા દિવસે કઈ શિફ્ટમાં જવાનું છે અને કયા દિવસે ઘરે આરામ કરવાનો છે, એ આ રોસ્ટરથી જ નક્કી થાય છે.

પરંતુ છેલ્લાં કેટલાંક સપ્તાહથી આ શબ્દ રસ્તાઓ ઉપર અને સંસદની બેઠકોમાં પણ સંભાળવા મળ્યો. 13 પૉઇન્ટ રોસ્ટરની બાબતે એસટી, (શિડ્યુઅલ ટ્રાઇબ) એસસી (શિડ્યુઅલ કાસ્ટ) અને ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ) વર્ગ સરકારથી ખાસ્સો નારાજ છે. તેમની માગ છે કે સરકાર દખલ દે અને એમાં ફેરફાર કરે.

હકીકતમાં, 13 પૉઇન્ટ રોસ્ટર એ પ્રણાલી છે, જેનાથી આગામી સમયમાં વિશ્વવિદ્યાલયોમાં અધ્યાપકોની નિમણૂક કરવામાં આવશે. જોકે, આના વિરોધમાં ઘણાં સપ્તાહથી અધ્યાપકોનો એક મોટો વર્ગ પ્રદર્શન કરી રહ્યો છે, જે પછી માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આ બાબતે પુનર્વિચાર કરીને વટહુકમ લાવવાની વાત કહી છે.

એટલે સુધી કે આરએસએસ (રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ) સાથે સંકળાયેલા અધ્યાપકોનું એક સંગઠન એનડીટીએફ (નેશનલ ડેમૉક્રેટિક ટીચર્સ ફ્રંટ)ના અજય ભાગી પણ કહે છે કે 200 પૉઈન્ટ રોસ્ટર સિસ્ટમથી જ નિમણૂકો થવી જોઈએ.

વિરોધ પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

પહેલાં અધ્યાપકોની નિયુક્તિ માટે યુનિવર્સિટીને એક એકમ તરીકે માનવામાં આવતી હતી અને અનામત અનુસાર અધ્યાપક પદ ઉપર નિયુક્તિઓ આપવામાં આવતી હતી. હવે નવા નિયમ અનુસાર, વિશ્વવિદ્યાલયોમાં અધ્યાપકોની નિયુક્તિ વિભાગના આધારે કરવામાં આવશે.

એટલે હવે એકમ વિશ્વવિદ્યાલય નહીં, પરંતુ વિભાગ બનશે. પહેલાં નિમણૂકો 200 પૉઇન્ટ રોસ્ટરના આધારે કરવામાં આવતી હતી, પરંતુ હવે આને 13 પૉઇન્ટ રોસ્ટર બનાવી દેવામાં આવ્યું છે, જેને 'એલ શેપ' રોસ્ટર પણ કહે છે.

અલાહાબાદ હાઈકોર્ટે વર્ષ 2017માં શૈક્ષણિક પદો ઉપર ભરતી માટે સંસ્થાનના આધારે અનામત નિર્ધારિત કરવાના સર્ક્યુલરને કાઢી નાખવામાં આવ્યો હતો. હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે વિશ્વવિદ્યાલયોમાં અધ્યાપકોની નિયુક્તિ 200 પૉઇન્ટ રોસ્ટરના આધારે નહીં, 13 પૉઇન્ટ રોસ્ટર આધારે થાય. સુપ્રીમ કોર્ટે પણ અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

13 પૉઇન્ટ રોસ્ટર છે શું?

રોસ્ટર

ઇમેજ સ્રોત, Getty Images

સામાન્ય ભાષામાં કહીએ તો પહેલાં જે વસ્તુ 200માંથી વહેંચવામાં આવતી હતી હવે એને 13માંથી વહેંચવામાં આવે છે.

દિલ્હી વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર અને ડૂટાના સભ્ય રાજેશ ઝા કહે છે, "અત્યાર સુધી યુનિવર્સિટી અને કૉલેજને યુનિટ માનીને અનામત આપવામાં આવતી હતી, એ 200 પૉઈન્ટ રોસ્ટર હતું.

"આમાં એકથી માંડીને 200 પૉઈન્ટ સુધી જતાં હતાં."

"માની લઈએ કે પહેલું પદ જનરલ છે, બીજું પદ જનરલ છે, ત્રીજું પદ જનરલ છે તો ચોથું પદ ઓબીસી માટે અનામત થઈ જશે અને આ જ રીતે આગળના પણ અનામત નિર્ધારિત થઈ જતા."

"પરંતુ 13 પૉઈન્ટ રોસ્ટરમાં આપણી સીમા ઓછી થઈ ગઈ છે. અમે ફક્ત 13 પૉઈન્ટ સુધી જઈ શકીએ છીએ અને આ કારણથી આરક્ષિત ક્વોટા ભરી નથી શકાતો."

રાજેશ ઝા જણાવે છે કે 13 પૉઇન્ટ રોસ્ટરને લીધે રિઝર્વ કૅટેગરીની સીટો ઓછી થઈ રહી છે.

તેઓ કહે છે કે આ રોસ્ટર સિસ્ટમની સૌથી વધુ અસર એ ડિપાર્ટમેન્ટ્સ ઉપર થશે જે ઘણા નાના છે, કારણકે કોઈ નાના વિભાગમાં એક સાથે 13-14 બેઠકો ખાલી પડે, એવું બનવાની શક્યતા બહુ ઓછી હોય છે.

વરિષ્ઠ પત્રાકાર દિલીપ સી મંડલ પણ આ વાત ઉપર સહમતિ વ્યક્ત કરે છે.

200 પૉઇન્ટ રોસ્ટરને સમાપ્ત કરીને 13 પૉઇન્ટ રોસ્ટર લાવવાને તેઓ અનામત માટે જોખમ ગણાવે છે.

તેઓ કહે છે જ્યારે 200 ટકા અથવા પૉઈન્ટ રોસ્ટર સિસ્ટમાં 49. 5 ટકા જગ્યાઓ અનામત રહેતી અને 50.5 ટકા પદ બિન-અનામત.

પરંતુ 13 પૉઇન્ટ રોસ્ટર આવી ગયા પછી તમે તમામ અનામત પદોને ભરી નથી શકતા.

line

આ અંતર્ગત...

શરૂઆતના ત્રણ પદ બિન-અનામત હશે અને એના પછી ચોથું પદ ઓબીસીને જશે.

આ પછી સાતમું પદ એસસીને મળશે પછી આઠમું પદ ઓબીસીને મળશે અને એ પછી જો ડિપાર્ટમેન્ટમાં 14મું પદ આવે ત્યારે તે એસટીને મળશે.

દિલીપ મંડલ કહે છે, "જો 13 પૉઈન્ટ રોસ્ટરને ઇમાનદારીથી લાગુ કરી પણ દે તો પણ આપણે રિઝર્વ કૅટેગરીને 30 ટકા જ સંતુષ્ટ કરી શકીશું, જ્યારે હજુ કેન્દ્ર સરકારમાં 49.5 ટકા રિઝર્વેશનની જોગવાઈ છે."

પ્રોફેસર રાજેશ કહે છે કે આજકાલ ઇન્ટર-ડિસિપ્લિનરી કોર્સની સંખ્યા વધી ગઈ છે, જેનાથી ડિપાર્ટમેન્ટ નાનાં થઈ ગયાં છે, આ સ્થિતિમાં આ વિભાગો માટે તો ક્યારેય અનામત બેઠકોની જાહેરાત આવશે જ નહીં.

વિરોધ પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

અલાહાબાદ વિશ્વવિદ્યાલયના એક પ્રોફેસરે નામ નહીં આપવાની શરતે કહ્યું કે 13 પૉઈન્ટ રોસ્ટરને ભલે આમ કહીને ફેલાવવામાં આવી રહ્યું હોય કે આનાથી નિમણૂકોમાં માથાફોડ ઓછી થશે, પરંતુ એવું નથી.

તેઓ કહે છે, "આ તો સીધે-સીધી માથાફોડ છે. ખુલ્લમ-ખુલ્લા અનામતને પતાવવામાં આવી રહી છે."

અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાં આ બાબતે કેવી પ્રતિક્રિયા છે?

આ સવાલના જવાબમાં તેઓ કહે છે, "અહીં પ્રોફેસર બે જૂથોમાં વહેંચાયેલા નજરે પડે છે. જે પોતે આરક્ષિત વર્ગમાંથી આવ્યા છે, તેઓ આને બહેતર પહેલ જણાવે છે."

ડૂટા (દિલ્હી વિશ્વવિદ્યાલય ટીચર્સ ઍસોસિયેશન)ના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અને દિલ્હી વિશ્વવિદ્યાલયના પ્રોફેસર આદિત્ય નારાયણ આ રોસ્ટરનું એક મોટું નુકસાન જણાવે છે.

તેઓ કહે છે, "13 પૉઈન્ટ રોસ્ટરમાં રિઝર્વેશન કૅટેગરી માટે તો જે નુકસાન છે એ તો છે જ પરંતુ એક મોટો મુદ્દો એ પણ છે કે દિલ્હી વિશ્વવિદ્યાલયમાં સેંકડો ટીચર અસ્થાયી ધોરણે વર્ષોથી કામ કરી રહ્યા છે."

"એ તમામે 200 પૉઈન્ટ રોસ્ટરના આધારે જોઈન કર્યું હતું અને હવે જ્યારે 13 પૉઈન્ટ રોસ્ટર અમલમાં આવશે, ત્યારે તેમનું ભવિષ્ય જોખમમાં મૂકાઈ જશે."

line

આ રોસ્ટર સિસ્ટમ ક્યાંથી આવી?

વિરોધ પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

યૂપીએ (યુનાઇટે પ્રોગ્રેસિવ અલાયન્સ) સરકારના કાર્યકાળમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં ઓબીસી આરક્ષણ લાગુ કરવાનો મુદ્દો આવ્યો હતો.

આ પછી સરકારે યુજીસીને (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન) એક પત્ર લખીને અનામતના નિયમોને સ્પષ્ટ કરવા કહ્યું.

એ પછી પ્રોફેસર રાવ સાહેબ કાલેની અધ્યક્ષતામાં એક સમિતિ બની અને 200 પૉઇન્ટ રોસ્ટર અસ્તિત્વમાં આવ્યું.

આ રોસ્ટરમાં યુનિટ વિશ્વવિદ્યાલયને બનાવવામાં આવ્યું અને એ જ આધારે અનામત લાગુ કરવાની વાત કરવામાં આવી.

200 પૉઇન્ટને લાગુ કરવાનો હેતુ એ હતો કે જેટલા ટકા અનામત માટે નક્કી કરવામાં આવ્યા છે તેનું પાલન થઈ શકે.

દિલીપ મંડલ આ બાબત ઉપર પ્રકાશ પાડતા કહે છે, "જ્યારે કોઈ કૅટેગરી માટે 1 અંક પૂરો થઈ જાય છે, ત્યારે નિમણૂક માટે ખાલી પદ ઊભું થાય છે. આ લાગુ કરવાની સિસ્ટમ છે."

"તેઓ જાણાવે છે કે એસસીની અનામત 15 ટકા છે, એસટીની 7.5 ટકા છે અને ઓબીસીની 27 ટકા છે."

"આ હિસાબે એક આખો નંબર પૂરો કરવા માટે ઓબીસીને ચોથી પોસ્ટની રાહ જોવી પડશે અને આ જ ક્રમમાં એસસીને પણ સાતમી સીટની રાહ જોવી પડશે અને એસટીને 14મી સીટની."

line

સરકારનું વલણ

કનૈયા કુમારની તસવીર

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, કનૈયા કુમાર સહિતના વિદ્યાર્થી નેતાઓ 13 પૉઇન્ટ રોસ્ટરનો વિરોધ કરી રહ્યા છે

વિપક્ષી પાર્ટીઓ આ રોસ્ટર સિસ્ટમનો વિરોધ કરી રહી છે અને તેમનો આરોપ છે કે આનાથી અનામત સમાપ્ત થઈ જશે. પરંતુ અલગઅલગ વિશ્વવિદ્યાલયો સાથે સંકળાયેલા શિક્ષકોનું માનવું છે કે સરકાર આ બાબત ઉપર પહેલાં જ પગલું ભરી શકતી હતી અને જે વાતો સરકાર હવે કહી રહી છે તેનું પાલન તે પહેલાં જ કરી શકતી હતી.

દિલ્હી વિશ્વવિદ્યાલયના જ એક પ્રોફેસર કહે છે, "જ્યારે શિક્ષકોએ વિરોધ શરૂ કર્યો એ પછી સરકારે સુપ્રીમ કોર્ટમાં એસએલપી (સ્પેશિયલ લિવ પિટિશન) ફાઇલ કરી."

તેઓ કહે છે, "દિલ્હી વિશ્વવિદ્યાલયની 60 ટકા ફૅકલ્ટી અસ્થાયી છે એ સ્થિતિમાં પસંદગી પ્રણાલીમાં આ ફેરફાર તેમના માટે ખૂબ જ અયોગ્ય છે."

જોકે, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર પણ આ રોસ્ટર સિસ્ટમની બાબતે નિવેદન આપી ચૂક્યા છે કે સરકાર પુનર્વિચાર કરીને આ અંગે વટહુકમ લાવી શકે છે.

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો