વંદે ભારત એક્સપ્રેસ : કેવી છે સ્વદેશી સેમી હાઈ-સ્પીડ ટ્રેન?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, દિલ્હી
ભારતમાં રેલ ક્રાંતિની શરુઆત કરનારી ટ્રેન-18ને 'વંદે ભારત એક્સપ્રેસ' નામ આપવામાં આવ્યું છે, તે રવિવારે તેની પ્રથમ યાત્રા ઉપર રવાના થઈ છે.
મુસાફરોને નવો અનુભવ આપનારી આ ટ્રેન શતાબ્દી એક્સપ્રેસનું સ્થાન લેશે.
શનિવારે આ ટ્રેન કથિત રીતે ટેકનિકલ ખામીને કારણે ટૂંડલા જંકશન ઉપર અટકાવી દેવાય હતી.
ભારતીય રેલવેના કહેવા પ્રમાણે, સંદેશાવ્યવહારમાં ખામી ઊભી થતાં ટ્રેનની ઑટોમેટિક સિસ્ટમે બ્રેક્સ લગાવી દીધી હતી.
આ ટ્રેનને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ફેબ્રુઆરીએ નવી દિલ્હી રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપી હતી.
આ ટ્રેન દેશની પહેલી એંજિન વગરની ટ્રેન છે, જે નવી દિલ્હીથી વારાણસી સુધીનો પ્રવાસ ખેડશે.
ટેકનિકલ વિશેષતાઓનાં કારણે વંદે ભારત એક્સપ્રેસ સામાન્ય ટ્રેન કરતાં વધારે ગતિશીલ હશે અને તેની ઝડપ 160 કિલોમિટર પ્રતિકલાકની હશે.
આ ટ્રેનને સ્વદેશી સેમી હાઈ સ્પીડ ટ્રેન ગણાવવામાં આવી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તમે આ વાંચ્યું કે નહીં?

વંદે ભારત એક્સપ્રેસની જાણવા જેવી બાબતો

ઇમેજ સ્રોત, Getty Images
એનડીટીવીના અહેવાલ મુજબ, વંદે ભારત એક્સપ્રેસ નવી દિલ્હીથી સવારે છ કલાકે ઉપડશે અને વારાણસી સુધીનું અંતર નવ કલાક 45 મિનિટમાં કાપશે.
આ ટ્રેન કાનપુર અને પ્રયાગરાજ એમ બે સ્ટેશન પર જ રોકાશે.
આ ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ મંગળવાર, બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારના રોજ ચાલશે. બાકીના બે દિવસ ટ્રેનનું સમારકામ કરવામાં આવશે.
'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત વંદે ભારત ટ્રેનનું નિર્માણ ભારતમાં જ થયું છે અને તેને 18 મહિનામાં બનાવવામાં આવી છે.
ટ્રેનનું નિર્માણ ICF (ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરી) ચેન્નાઈ દ્વારા રૂ. 97 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.
વર્ષ 2018માં બનવાના કારણે આ ટ્રેનને T-18 નામે ઓળખ મળી હતી.


વંદે ભારત એક્સપ્રેસની ખાસિયત

ઇમેજ સ્રોત, Getty Images
એનડીટીવીમાં પ્રકાશિત અહેવાલ મુજબ બાકી ટ્રેનની જેમ ન તો તેના ડબ્બા બદલવામાં આવે છે અને ન તો તેમાં એંજિન લાગેલું હોય છે.
એક ટ્રેનનાં બધાં જ કંપોનેન્ટ્સ મળીને તે એક સેટની જેમ ચાલે છે.
આ ટ્રેનની આખી બૉડી ખાસ એલ્યૂમિનિયમની બનેલી છે એટલે ટ્રેનનું વજન ખૂબ હલકું રહે છે.
તેને તુરંત જ બ્રેક લગાવીને રોકવી પણ સહેલી હશે અને તેને તુરંત જ તેજ ગતિ પણ આપી શકાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રેનની અન્ય ખાસિયતોની વાત કરવામાં આવે તો :
- કુલ 16 કોચ ધરાવતી આ ટ્રેન સામાન્ય શતાબ્દી ટ્રેનની સરખામણીએ ઓછો સમય લેશે.
- ટ્રેનના મધ્યમાં બે ઉચ્ચ વર્ગના કંપાર્ટમેન્ટ હશે. પ્રત્યેકમાં 52 સીટ હશે.
- સામાન્ય કોચમાં 78 સીટ હશે.
- ટ્રેન એકસાથે 1,128 યાત્રીઓને લઈ જઈ શકે છે.
- શતાબ્દીની ગતિ મહત્તમ 130 કિલોમિટર પ્રતિકલાક છે, જ્યારે વંદે ભારત એક્સપ્રેસ મહત્તમ 160 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે દોડી શકશે.
- વંદે ભારત એક્સપ્રેસમાં જીપીએસ (ગ્લોબલ પૉઝિશનિંગ સિસ્ટિમ) આધારિત યાત્રી સૂચના પ્રણાલી સિવાય અલગ પ્રકારની લાઇટ, ઑટોમૅટિક દરવાજા અને સીસીટીવી (કલોઝ્ડ સર્કિટ કૅમેરા) લાગેલા હશે.
- ટ્રેનમાં બાયો વૅક્યૂમ ટૉયલેટ્સ છે, જેમને ટચ ફ્રી ફિટિંગ સાથે જોડવામાં આવ્યાં છે.
- ટ્રેનમાં પીપલ વીધ ડિસેબિલિટી (PWD) ને અનુકૂળ શૌચાલય પણ છે.
- આ ટ્રેન વાઈ ફાઈ, સ્વચાલિત જળવાયુ નિયંત્રિત ઍર કંડિશનીંગ, વ્યક્તિગત ચાર્જિંગ સૉકેટ જેવી સુવિધાઓથી સજ્જ છે.


વંદે ભારત એક્સપ્રેસનું ભાડું અને ભોજન

ઇમેજ સ્રોત, Getty Images
એનડીટીવીના અહેવાલ મુજબ વંદે ભારત એક્સપ્રેસની ચેર કાર ટિકિટનું ભાડું આશરે 1760 રૂપિયા, જ્યારે ઉચ્ચ શ્રેણીનું ભાડું 3310 રૂપિયા નક્કી કરાયું છે.
ભોજનની વાત કરીએ તો નવી દિલ્હીથી વારાણસી જવા માટે યાત્રીઓએ ઉચ્ચ શ્રેણીમાં સવારની ચા, નાશ્તા અને લંચ માટે 399 રૂપિયા આપવાના રહેશે.
જ્યારે ચેર કારના યાત્રીઓએ તેના માટે 344 રૂપિયા ચૂકવવા પડશે.

ભારતમાં હાઈ સ્પીડ ટ્રેનનું ભવિષ્ય

ઇમેજ સ્રોત, ALAMY
જાપાનના સહયોગથી મુંબઈ અને અમદાવાદ વચ્ચે ભારતની પહેલી બુલેટ ટ્રેન પણ ભારતમાં થોડાં વર્ષોમાં દોડવા લાગશે.
આ બુલેટ ટ્રેનની મોટાભાગની ફંડિંગ જાપાન પાસેથી લેવામાં આવતા 17 બિલિયન ડૉલર્સ (આશરે 1088 અબજ રૂપિયા)ના દેવાથી થશે.
એવી આશા છે કે આ ટ્રેનથી 500 કિલોમિટરની યાત્રા કરવા માટે લાગતો સમય આઠ કલાકથી ઘટીને ત્રણ કલાકનો થઈ જશે.
750 સીટ ધરાવતી આ ટ્રેન 2022 સુધી દોડવાની આશા છે.

ઇમેજ સ્રોત, AFP
બુલેટ ટ્રેનની ખાસિયતોની વાત કરવામાં આવે તો,
- ટ્રેન અમદાવાને ભારતની આર્થિક રાજધાની મુંબઈ સાથે જોડશે.
- 500 કિલોમિટરના રસ્તા દરમિયાન વચ્ચે 12 સ્ટેશન હશે.
- મોટાભાગનો રસ્તો જમીનથી ઉપર એટલે કે ઍલિવેટેડ હશે.
- તેની યાત્રામાં સાત કિલોમીટરનો ભાગ સમુદ્રની નીચે બનેલી સુરંગમાંથી પસાર થશે.
- ટ્રેનમાં 750 યાત્રિઓ માટે બેસવાની સુવિધા હશે.
- તેની મહત્તમ સ્પીડ 350 કિલોમીટર પ્રતિકલાકની હશે, જે ભારતની સૌથી ઝડપથી ચાલતી ટ્રેનોની સ્પીડ કરતાં બે ગણી વધારે હશે.
મહત્ત્વનું છે કે રેલવે વિભાગ ICF સાથે મળીને વધુ એક હાઈ સ્પીડ ટ્રેન, ટ્રેન-20 માટે પણ બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી રહ્યું છે.
આશા છે કે આપણે જલદી દેશમાં એક રુપાંતરિત રેલવે નેટવર્ક જોઈશું- જે દેશવાસીઓને ઉત્તમ ઝડપ અને ભવિષ્ય પ્રદાન કરશે.


વિશ્વની હાઈ સ્પીડ ટ્રેન
જાપાને ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે, ત્યારે એ પણ જાણી લો કે દુનિયામાં કઈ ટ્રેન છે જે સૌથી વધારે ઝડપથી ચાલે છે અને લોકોને હવા સાથે વાત કરવા જેવો અનુભવ કરાવે છે.

શાંઘાઈ મેગલેવ

ઇમેજ સ્રોત, Getty Images
ચીનની હાઈ સ્પીડ ટ્રેને ન માત્ર યાત્રીઓને સગવડ આપી છે, પરંતુ દેશની અર્થવ્યવસ્થાને પણ મજબૂતી આપી છે.
જો તમે ચીનની હાઈ સ્પીડ ટ્રેનમાં મુસાફરી કરશો તો તમને લાગશે કે જાણે તમે હવા સાથે વાત કરી રહ્યા છો.
શાંઘાઈની મેગ્નેટિક ટ્રેન ચીનની હાઈ સ્પીડ ટ્રેનમાંથી જ એક છે. તેની ઝડપ 430 કિલોમિટર પ્રતિકલાકની છે, જે અવાજની ગતિ (MACH) કરતાં પણ વધારે છે.
આ ટ્રેન પુડોંગ ઇન્ટરનેશનલને શહેરના મેટ્રો સ્ટેશન સાથે જોડે છે.
યાત્રિઓની સગવડ માટે એક સ્ટેશન ઍરપૉર્ટની વચ્ચે બનાવવામાં આવ્યું છે.
આ ટ્રેન રેલવેના પૈડા પર દોડવાના બદલે થોડી ઉપર ઉઠીને એટલે કે ચુંબકીય શક્તિથી દોડે છે. આ ટ્રેનની મોટી ખાસિયત એ પણ છે કે તેનું ભાડું ખૂબ ઓછું છે.

શિંકાન્સેન બુલેટ ટ્રેન

ઇમેજ સ્રોત, Getty Images
જાપાન પહેલો એવો દેશ હતો કે જેણે હાઈ સ્પીડ ટ્રેનો માટે વિશેષ રેલવે લાઇન (શિંકાન્સેન જેનો શાબ્દિક અર્થ નવી ટ્રંક લાઇન) બનાવી હતી.
પહેલી 515 કિલોમિટર લાંબી રેલવે લાઇન 1964માં ટોક્યો અને શિન ઓસાકા વચ્ચે મુંબઈ- અમદાવાદ કૉરિડોરની જેમ જ શરૂ થઈ હતી.
સૌથી ઝડપથી ચાલતી ટ્રેન 285 કિલોમિટર પ્રતિકલાકની ઝડપથી ટોક્યો અને શિન ઓસાકા વચ્ચે અંતર નક્કી કરવામાં 2 કલાક 22 મિનિટનો સમય લાગે છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













