એવાં નાનકડાં ઘરો કે જે માત્ર 4 કલાકમાં જ તૈયાર થઈ જાય

ઇમેજ સ્રોત, BBC Capital
- લેેખક, ચે ઇંગલ્સ
- પદ, બીબીસી કૅપિટલ
ફિલિપાઇન્સ એશિયાના એ દેશોમાંથી એક છે કે જ્યાં વસતિ પૂરઝડપે વધી રહી છે. વધતી જનસંખ્યા માટે ઘરની જરૂર રહેતી હોય છે.
એક અનુમાન અનુસાર ફિલિપાઇન્સને વર્ષ 2030 સુધી એક કરોડ વીસ લાખ નવાં ઘરોની જરૂર પડશે.
આનો અર્થ એ થયો કે જો ફિલિપાઇન્સ સૌ માટે ઘરનું સપનું પૂરું કરવા માગે છે, તો તેને દર વર્ષે 10 લાખ નવાં ઘરોની જરૂરિયાત રહેશે. આ કામ 2019થી જ શરૂ કરી દેવું પડશે.
ફિલિપાઇન્સ માટે આટલાં ઘર બનાવવાં એ એક મોટો પડકાર છે. આના માટે પુષ્કળ પ્રમાણમાં સંસાધનોની જરૂર પડશે, જેને એકઠાં કરવા સરળ નથી.

સમસ્યાનું નિવારણ આ રીતે કરી શકાશે

ઇમેજ સ્રોત, BBC capital
ફિલિપાઇન્સની આ મોટી સમસ્યાને વાંસના ઝાડની મદદ વડે ઉકેલી શકાય તેમ છે.
ફિલિપાઇન્સના જળવાયુમાં વાંસ ઝડપભેર ઊગે છે અને વૃદ્ધિ પામે છે. આની મદદથી ટકાઉ બિલ્ડિંગ મટીરિયલ તૈયાર કરી શકાય છે.
અર્લ ફોર્લેલ્સ, ફિલિપાઇન્સના કેઝોન શહેરમાં રહેનારા યુવાન એંજિનયર છે અને મહેનતુ છે.
તેઓ જણાવે છે, "રહેઠાણની અછત એ ઝડપથી વધતી સમસ્યા છે અને એના તરત સમાધાનની જરૂર છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફોર્લેલ્સે ફિલિપાઇન્સના પરંપરાગત વાંસનાં ઘરો( બહાય કૂબો) ને અપગ્રૅડ કરવાની યોજના બનાવી છે.
તેઓ જણાવે છે, "વાંસનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. જો તમે એને યોગ્ય રીતે પ્રોસેસ કરો તો એની ઉંમર 50 વર્ષ સુધીની થઈ શકે છે."
ફિલિપાઇન્સમાં વાંસ માત્ર 3 વર્ષમાં તૈયાર થઈ જતા હોય છે.
તેઓ જણાવે છે, "અમારા માટે સારી વાત તો એ છે કે અહીં વાંસની કોઈ કમી નથી."
ફોર્લેલ્સ 'ક્યૂબો મૉડ્યૂલર' નામની કંપનીના સીઈઓ છે. એમની કંપની, વાંસમાંથી કૉમ્પેક્ટ ઘર તૈયાર કરવાના આઇડિયા પર કામ કરે છે.
આ કંપની વાંસને પ્રૉસેસ કરે છે. વાંસને પહોળા પ્લાઇવૂડના સ્વરૂપમાં ફેરવવામાં આવે છે.
વાંસની પરત લગાડી દઈ ચોકઠાં અને થાંભલા તૈયાર કરવામાં આવે છે.
વાંસમાંથી તૈયાર આ બિલ્ડિંગ મટીરિયલમાંથી પ્રી-ફૅબ્રિકેટેડ ઘર બનાવવામાં આવે છે.
ઘરના તમામ ભાગોને બિલ્ડિંગ સાઇટથી દૂર ફૅક્ટરીમાં તૈયાર કરવામાં આવે છે. જેમાં એક અઠવાડિયા કરતાં પણ ઓછો સમય લાગે છે.
ફોર્લેલ્સની કંપની ઘરના એ ભાગોને સાઇટ પર લઈ જઈ માત્ર 4 કલાકમાં જ જોડી દે છે.
આ રીતે ઓછા સમય અને ઓછા ખર્ચમાં એક ઘર તૈયાર થઈ જતું હોય છે.



નાનાં અને આરામદાયક ઘર

ઇમેજ સ્રોત, BBC capital
ફોર્લેલ્સ જણાવે છે, "આ અમારા પરંપરાગત બહાય કૂબો(વાંસનાં ઘરો)ની જેવાં જ છે."
કૂબોનો કૉન્સેપ્ટ એકદમ 'કૉમ્પેક્ટ' હોય છે પણ એમાં જરૂરિયાતના તમામ સાધનો ઉપલબ્ધ હોય છે. જેને ફિલીપાઈન્સના લોકો પોતાના ઘરમાં રાખતા હોય છે.
ફોર્લેલ્સે બનાવેલાં નાનકડાં ઘરોમાં સોફા, સેન્ટ્રલ ટેબલ, બે, ટીવી, ફ્રિઝ જેવાં જરૂરિયાતનાં તમામ સાધનો ઉપલબ્ધ હોય છે.
એટલે સુધી કે છત પર જવા માટે સીડી પણ બનાવવામાં આવે છે.
ફોર્લેલ્સ જણાવે છે કે એમને બાળપણથી જ વાંસની ચીજોને પછાડવામાં -તોડવામાં અને એનું ફરીથી સમારકામ કરવામાં મજા પડતી.
તેઓ પોતાનાં માતા પાસે રમકડાં ખરીદવાની જીદ કરતા અને રમકડું મળી જાય તો એને ખોલીને નિરિક્ષણ કરતાં કે તે કામ કેવી રીતે કરે છે અને આને પાછું કેવી રીતે જોડી શકાય.

કંઈક નવું કરવાની ઇચ્છા

ઇમેજ સ્રોત, BBC capital
સમય અને ઉંમરની સાથે પણ ફોર્લેલ્સની આદત બદલાઈ નહીં.
તેઓ જણાવે છે, "કૉલેજમાં મેં મટીરિયલ સાયન્સ અને એંજિનયરિંગનો અભ્યાસ કર્યો હતો."
"હું જાણવા માગતો હતો કે આ કામ કેવી રીતે કરે છે અને એમાં થોડુંક પરિવર્તન કરી આપણે એને ઉત્તમ કેવી રીતે બનાવી શકીએ છીએ."
સવાલ એ છે કે શું એમની પાસે ફિલિપાઇન્સના રહેઠાણની સમસ્યા અંગે કોઈ સમાધાન છે? અને શું આ આઇડિયાને દુનિયાના બીજા ભાગમાં અપનાવી શકાય ખરો?
ફોર્લેલ્સ એશિયામાં જ નહીં પણ લૅટિન અમેરિકા અને આફ્રિકાના દેશોમાં પણ વાંસનાં ઘરો બનાવવાં માગે છે.
તેઓ જણાવે છે, "અમને લાગે છે કે આ ઉપાય ત્યાં પણ અજમાવી શકાય તેવો છે અને લાખો લોકોની ઘરની જરૂરિયાત પૂરી થઈ શકે તેમ છે."
ફોર્લેલ્સની કંપની 'ક્યૂબો મૉડ્યૂલર'માં કામ કરનારા તમામ લોકો 20થી 30ની વચ્ચેની ઉંમરના છે.
તેઓ જણાવે છે, "અમારામાં જે અનુભવની ઊણપ છે તેની ભરપાઈ અમે ઊર્જા અને ઝનૂન વડે કરી દઈએ છીએ."
ફોર્લેલ્સ જણાવે છે કે આજે જો એમને પોતાની 16 વર્ષની ઉંમરમાં પાછા જઈ જાતને કોઈ સલાહ આપવાની હોય તો તેઓ એ જ સલાહ આપવા માંગશે કે જ્યારે તમારો હેતુ લોકોને મદદ કરવાનો હોય ત્યારે તમારે પ્રયાસ કરવામાં ક્યારેય ગભરાવું ના જોઈએ.
તેઓ જણાવે છે, "તમે તમારી છાપ છોડી શકશો. તમે એ લક્ષ્ય તરફ ગતિ કરી રહ્યા હશો કે જે તમે નિર્ધારિત કર્યું છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













