ગુજરાતના જંગલમાં વર્ષો પછી વાઘની હાજરી સાબિત થઈ, વનવિભાગે કરી પૃષ્ટિ

    • લેેખક, જય મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતના જંગલોમાં વાઘ હોવાની વન વિભાગે પુષ્ટિ કરી છે. 26 વર્ષ બાદ ગુજરાતમાં વાઘ જોવા મળ્યો છે.

મહિસાગર અને પંચમહાલ જિલ્લાની સરહદે સ્થાનિક શિક્ષક મહેશભાઈ મહેરાએ પહેલીવાર વાઘને જોયો હતો અને તેની તસવીર ખેંચી હતી.

જે વાઇરલ થયા બાદ તેની ખરાઈ કરવા વન વિભાગે જંગલમાં નાઇટ વિઝન કૅમેરા ગોઠવ્યા હતા.

ઉપરાંત, વન વિભાગના માણસો સાથે કુલ 200 લોકો વાઘની ભાળ મેળવવામાં કામે લાગ્યા હતા.

જે બાદ મંગળવારે વન વિભાગે કૅમેરામાં તસવીરો કેદ થયા બાદ વાઘ હોવાની પુષ્ટિ કરી હતી.

અહીંથી શરુ થઈ હતી 'વાઘ આવ્યો...વાઘ આવ્યો...'ની વાત

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં મહેશભાઈએ જણાવ્યું, "આ ઘટના છઠ્ઠી જાન્યુઆરીની છે. સાંજે પાંચ-સાડા પાંચનો સમય હતો અને હું શાળાએથી પરત ફરી રહ્યો હતો."

"મેં જોયું કે સામે વાઘ રસ્તો ઓળંગી રહ્યો હતો. ગભરાઈને મેં ગાડી ઊભી રાખી દીધી."

"મારી અને વાઘ વચ્ચે લગભગ 40થી 50 ફૂટનું અંતર હશે અને મોબાઇલમાં મેં એની તસવીર ઝડપી લીધી."

લુણાવાડામાં રહેતા મહેશભાઈ નજીકમાં આવેલા ગુગલીયા ગામની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે.

મહેશભાઈએ જે વિસ્તારમાં વાઘ જોયો એ ગઢ ગામનો જંગલ વિસ્તાર છે.

મહેશભાઈએ ખેંચેલી તસવીર થતા વનવિભાગે તપાસ હાથ ધરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

આખરે વાઘ હોવાની વાતને પુષ્ટિ મળી

મહિસાગર જિલ્લાના વન અધિકારી આર. એમ. પરમાર આગળ જણાવે છે કે તસવીરને આધારે પ્રાથમિક તપાસ બાદ સમગ્ર જંગલખાતુ એના પર કામે લાગ્યું હતું.

ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન સાથે વન વિભાગની 30 ટીમો કામે લાગી હતી.

અમને જે વિસ્તારમાં હોવાની શંકા હતી ત્યાં નાઇટ વિઝન કૅમેરા લગાવામાં આવ્યા હતા.

ગઈ કાલે રાત્રે સંતરામપુરના સંત જંગલમાંથી લગાવેલા નાઇટ વિઝન કૅમેરામાં વાઘની હાજરીની સાબિતી મળી આવી છે.

વાઘની હયાતીને ખાતરી માટે કર્મચારી, રોજમદાર, સ્થાનિક લોકો સહિત 200 લોકોએ મહેનત કરી હતી એમ તેઓ જણાવે છે.

ક્યારેક ગુજરાતમાં પણ વાઘ હતા

'એશિયાઈ સિંહો'નું એક માત્ર ઘર ગણાતા ગુજરાતમાં એક સમયે વાઘની પણ વસતિ હતી.

મોટાભાગ વાઘ ડાંગનાં જંગલોમાં જોવા મળતા હતા, જોકે રાજ્યમાં વાઘોની સંખ્યા સતત ઘટતી ગઈ.

આ અંગે સૌથી પહેલાં ચિંતા ત્યારે જન્મી જ્યારે વર્ષ 1979માં વાઘની આંગણીના વેઢે ગણી શકાય એટલી જ સંખ્યા ગુજરાતમાં રહી હોવાની વાત સામે આવી હતી.

એના દસ વર્ષ બાદ કરાયેલી વસતિ ગણતરી અનુસાર, ગુજરાતમાં માત્ર 13 જ વાઘ બચ્યા હોવાનું જાણવા મળ્યું.

1992ની વસતિ ગણતરી અનુસાર, રાજ્યમાં વાઘ એક પણ વાઘ નહોતો બચ્યો.

'સૅન્ચુરી' વેબસાઇટના દાવા અનુસાર વર્ષ 1997માં ગુજરાતમાં વાઘ દેખાયો હતો, જોકે ફરી પાછો કોઈ વાઘ રાજ્યમાં દેખાયો નથી.

અલબત્ત, ગુજરાતમાં વાઘ દેખાવાની વાતો સમયાંતરે સંભળાતી જ રહે છે.

1985માં થયેલા માર્ગ અકસ્માતમાં છેલ્લો વાઘ માર્યો ગયો હતો

આ અંગે વાત કરતા સમાચાર સંસ્થા પીટીઆઈ સાથેની વાતચીતમાં ગુજરાતના ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ(વાઇલ્ડ લાઇફ) જી. કે. સિન્હાએ જણાવ્યું હતું:

"1985માં થયેલા માર્ગ અકસ્માતમાં છેલ્લો વાઘ માર્યો ગયો હતો. એ બાદ રાજ્યમાં કોઈ વાઘ દેખાયો નથી."

ડાંગમાં વારંવાર વાઘ દેખાવા સંદર્ભના દાવા અંગે વાત કરતા સિન્હાએ જણાવ્યું હતું:

"અમે નૅશનલ ટાઇગર કન્ઝર્વેટિવ ઑથોરિટીને વાઘની વસતિ ગણતરીમાં ડાંગનો સમાવેશ કરવા ભલામણ કરી હતી."

"આ મામલે વન વિભાગે એક ટીમ પણ 2017માં મોકલી હતી, જોકે, કશું જ નક્કર બહાર આવ્યું નહોતું.

સિન્હાએ ઉમેર્યું હતું, "સ્થાનિક લોકો સામાન્ય રીતે હાઇના (ઝરખ)ને વાઘ સમજી લેતા હોય છે."

વાઘને બચાવવા 'પ્રોજેક્ટ ટાઇગર'

ભારતમાં ઘટી રહેલી વાઘની સંખ્યાને પગલે સરકારને વાઘને બચાવવા માટે 'પ્રોજેક્ટ ટાઇગર' અભિયાન હાથ ધરવું પડ્યું હતું.

વાઘના અસ્તિત્વ પર તળાઈ રહેલા જોખમને પગલે વર્ષ 1973માં આ અભિયાનની શરૂઆત કરાઈ હતી.

1973માં વાઘ માટે દેશમાં 9 અભ્યારણ્ય હતાં, જે વધીને 2016માં 50 થયા હોવાનો દાવો 'નેશનલ ટાઇગર કન્ઝર્વૅશન ઑથોરિટી/ પ્રોજેક્ટ ટાઇગર'ની વેબસાઇટ પર કરાયો છે.

આ અભિયાન અંતર્ગત કુલ 71,027.10 કિલોમીટરનો વિસ્તાર આવરી લેવાયો છે.

18 રાજ્યોમાં ચાલી રહેલા 50 'પ્રોજેક્ટ ટાઇગર'ના વિસ્તારને વધારી, તેમાં નવા વિસ્તારો સામેલ કરવા 'રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ'એ 28 માર્ચ 2017માં ભારત સરકારને સૂચન કર્યું હતું.

કેટલાય વર્ષોથી ઘટી રહેલી વાઘની સંખ્યા, સંરક્ષણના પ્રયાસો બાદ 2006થી સતત વધી રહી છે. હાલમાં ભારતના વિશ્વના 60 ટકા વાઘ રહે છે.

વર્ષ 2014માં કરાયેલી વાઘોની રાષ્ટ્રીય વસતિ ગણતરી અનુસાર, વાઘની કુલ સંખ્યા 2,226 થઈ ગઈ છે.

એનો એવો અર્થ થાય કે છેલ્લાં ચાર વર્ષોમાં વાઘની વસતિમાં 30 ટકાનો વધારો નોંધાયો છે.

ભારત સરકારના ડેટા અનુસાર વર્ષ 2014માં કરાયેલી વાઘોની વસતિ સૌથી વધુ કર્ણાટક રાજ્યમાં જોવા મળી હતી. કર્ણાટકમાં 406 વાઘ હતા.

જે બાદ ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં અનુક્રમે 340 અને 308 વાઘ હોવાનું નોંધાયું હતું.

જોકે, વાઘ નક્કી કરાયેલાં અભ્યારણ્યની બહાર જતા રહેતા હોવાને કાણે માનવ અને વાઘ વચ્ચેની હિંસક ઘટનાઓના સમાચાર પણ છાશવારે આવતા રહે છે.

વાઘ કેટલા જરૂરી?

'વર્લ્ડ વાઇલ્ડ ફંડ'ના જણાવ્યા અનુસાર, પર્યાવરણમાં સંતુલન જળવાઈ રહે એ માટે વાઘનું અસ્તિત્વ મહ્તત્વપૂર્ણ છે.

વનસ્પતિ પર નભતાં પ્રાણીઓને વાઘ પોતાનો આહાર બનાવે છે અને એ રીતે જંગલમાં શાકાહારી પ્રાણીઓની સંખ્યા જળવાઈ રહી છે.

વેબસાઇટ પર એવો પણ દાવો કરાયો છે કે વાઘની સંખ્યા ઘટવા કે નાબૂદ થવાનો અર્થ એવો કરી શકાય કે પર્યાવરણના સરંક્ષણના પૂરતા પગલાં નથી લેવાયા.

મૉરેશિયસમાં ડોડો પક્ષી લુપ્ત થઈ જતાં પર્યાવરણનું સંમતુલન કઈ રીતે ખોરવાયું એનું ઉદાહરણ આપતા વેબસાઇટ વાઘના સંરક્ષણ માટે હાકલ કરે છે.

(આ અહેવાલ માટે ગોધરાથી દક્ષેશ શાહ પાસેથી ઇનપુટ્સ મળેલાં છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો