'મારાં માતાપિતાએ મને જન્મ આપ્યો, એટલે હું તેમના પર કેસ કરું છું'

ઇમેજ સ્રોત, NIHILANAND
- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
મુંબઈમાં રહેતા 27 વર્ષીય યુવકે કંઈક એવું કર્યું છે કે જેની ચર્ચા સમગ્ર દુનિયામાં થઈ રહી છે.
આ વ્યક્તિ પોતાનાં માતાપિતા પર તેમને જન્મ આપવા બદલ કેસ કરવા માગે છે. તેમને ગુસ્સો છે કે તેમને જન્મ આપતા પહેલાં તેમનાં માતાપિતાએ એક વખત પૂછ્યું કેમ નહીં.
રફાએલ સેમ્યુઅલના સમાચાર સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયા છે કે તેમને જન્મ આપવા બદલ તેઓ પોતાનાં પરિવારને કોર્ટમાં લઈ જઈ રહ્યા છે.
રફાએલ સેમ્યુઅલે બીબીસી સાથે વાત કરતા કહે છે કે બાળકોને તમની મરજી વગર દુનિયામાં લાવવા એ ખોટું છે. કેમ કે તેનાથી તેમણે આખી જિંદગી સહન કરવું પડે છે.
જોકે, રફાએલ સેમ્યુઅલ માને છે કે જન્મ પહેલાં કોઈ વ્યક્તિની મરજી જાણી શકાતી નથી. તે છતાં તેઓ એમ માને છે કે 'જન્મ લેવાનો નિર્ણય તેમનો ન હતો.'
તેઓ દલીલ કરે છે કે 'જન્મ લેવાનો નિર્ણય અમારો ન હતો એટલે અમને આગળ જીવન જીવવા માટે વળતર મળવું જોઈએ.'
રફાએલ સેમ્યુઅલ માને છે કે જીવન ખૂબ ખરાબ છે અને લોકોએ બાળકને જન્મ આપવો ન જોઈએ.
તેઓ કહે છે કે આવું થશે તો પૃથ્વી પર આગળ જતા માનવજાતિ જોવા નહીં મળે અને તે પૃથ્વી ગ્રહ માટે સારું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "માનવજાતિનો કોઈ મુદ્દો જ નથી. ઘણા લોકો તકલીફનો સામનો કરી રહ્યા છે. જો માનવજાતિનો નાશ થશે, તો પૃથ્વી અને પશુઓ બન્ને ખુશ રહેશે. તેમની પરિસ્થિતિ સારી બનશે."
"કોઈ મનુષ્યએ તકલીફનો સામનો પણ નહીં કરવો પડે. માનવજાતિનાં અસ્તિત્વનો કોઈ મતલબ જ નથી."

તમે આ વાંચ્યું કે નહીં?


ઇમેજ સ્રોત, NIHILANAND
એક વર્ષ પહેલાં તેમણે નિહિલાનંદ નામે એક ફેસબુક પેજ બનાવ્યું હતું કે જેમાં તેઓ નકલી દાઢી સાથે જોવા મળ્યા હતા. આ સિવાય તેમણે આંખ પર માસ્ક પહેર્યું છે અને જન્મ વિરોધી સંદેશ પણ જોવા મળે છે.
તેમાં લખ્યું છે, "શું બાળકોને આ દુનિયામાં લાવી તેમની કારકિર્દી બનાવવાં માટે મજબૂર કરાતાં નથી?"
"તમારાં માતાપિતા એક રમકડું કે એક કૂતરું પાળવાનાં બદલે તમને આ દુનિયામાં લાવ્યા. તમે તેમનાં માટે કંઈ નથી. માત્ર તેમનું મનોરંજન છો."
રફાએલ સેમ્યુઅલ કહે છે કે તેમને પહેલી વખત આ પ્રકારના વિચાર પાંચ વર્ષની વયે આવ્યા હતા.
તેઓ કહે છે, "હું એક સામાન્ય બાળક હતો. એક દિવસ હું ખૂબ કંટાળી ગયો હતો અન સ્કૂલે જવા માગતો ન હતો પણ મારા માતાપિતા મને જબરદસ્તી સ્કૂલે મોકલવા માગતા હતા. ત્યારે મેં તેમને પૂછ્યું : 'તમે મને શા માટે જન્મ આપ્યો?' મારા પિતા પાસે કોઈ જવાબ ન હતો. જો ત્યારે તેઓ જવાબ આપી શક્યા હોત, તો આજે હું આવો ન હોત."

ઇમેજ સ્રોત, NIHILANAND
હસતા હસતા રફાએલ કહે છે, "મારાં મમ્મી ઇચ્છતાં હતાં કે કાશ મારા જન્મ પહેલાં તેઓ મને મળી લેતાં. અને જો તેઓ મને મળ્યાં હોત, તો તેમણે ચોક્કસ મને જન્મ ન આપ્યો હોત."
"તેઓ કહેતાં હતાં કે જ્યારે મારો જન્મ થયો હતો ત્યારે તેઓ ખૂબ નાનાં હતાં અને તેમની પાસે બીજા વિકલ્પો હોવાની તેમને જાણકારી ન હતી. હું એ જ કહેવા માગું છું કે દરેક વ્યક્તિ પાસે વિકલ્પ છે."
એક નિવેદનમાં રફાએલનાં માતા કવિતા સેમ્યુઅલે કહ્યું, "જન્મ વિરોધી તેમના વિચાર અને પૃથ્વી પર ભાર અંગે તેમની ચિંતા, બાળકો દ્વારા અનુભવાતી તકલીફ અને બીજી ઘણી વસ્તુઓ ભુલાઈ ગઈ છે."
"હું ખૂબ ખુશ છું કે મારો દીકરો કોઈ ડર વગર મોટો થયો છે, સ્વતંત્ર વિચાર ધરાવે છે. ખુશીનો રસ્તો શોધવા અંગે તે ચોક્કસ છે."
રફાએલ સેમ્યુઅલ કહે છે કે તેમનાં માતાપિતાને કોર્ટમાં લઈ જવાનો તેમનો નિર્ણય માત્ર તેમના એ વિશ્વાસને આધારિત છે કે મનુષ્યો વગર આ પૃથ્વી એક સારી જગ્યા બની શકશે.
આશરે 6 મહિના પહેલાં નાસ્તો કરતી વખતે તેમણે તેમનાં માતાને કહ્યું કે તેઓ તેમના પર કેસ કરવાનું વિચારી રહ્યા છે.
તેમનાં માતાએ કહ્યું હતું, "સારું, કેસ કરો. પણ મારી પાસે એવી આશા ન રાખતા કે હું કોર્ટમાં તમારી સામે નરમ વલણ અપનાવીશ. હું પણ કોર્ટમાં તમને કડક જવાબ આપીશ."
સેમ્યુઅલ હવે એક એવા વકીલની શોધ કરી રહ્યા છે કે જેઓ તેમનો કેસ લડી શકે. જોકે, હજુ સુધી તેમાં તેમને સફળતા મળી નથી.



ઇમેજ સ્રોત, NIHILANAND
રફાએલ કહે છે, "મને ખબર છે કે આ કેસ કચરાના ડબ્બામાં જ ફેંકાવાનો છે. કેમ કે કોઈ પણ જજ આ અંગે સુનાવણી કરશે નહીં. તે છતાં હું કેસ કરવા માગું છું કેમ કે હું આ મુદ્દો લોકો વચ્ચે લાવવા માગું છું."
રફાએલની ફેસબુક પોસ્ટે પણ ઘણા લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. કેટલાક લોકો સકારાત્મક પ્રતિક્રિયા આપી રહ્યાં છે, પણ મોટાભાગના લોકો નકારાત્મક પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
કેટલાક લોકો તો તેમને મરી જવાની પણ સલાહ આપી રહ્યા છે.
તેમની પોસ્ટ જોઈને ઘણી માતાઓએ એવી ચિંતા વ્યક્ત કરી છે કે જો તેમનાં બાળકો આ પોસ્ટ જોશે તો તેમના પર શું અસર પડશે.
રફાએલ કહે છે, "કેટલાક લોકો તાર્કિક દલીલ કરી રહ્યા છે, તો કેટલાક લોકો ગાળો આપી રહ્યા છે. જે લોકો મને ગાળો આપી રહ્યા છે, તેનાથી મને કોઈ ફેર પડતો નથી."
"ઘણા લોકો એવા પણ છે કે જેઓ મને સમર્થન આપી રહ્યા છે પણ જાહેરમાં બોલી શકતા નથી. હું તેમને કહું છું કે તેઓ બહાર આવે અને આ મુદ્દે બોલે."
સમીક્ષકોનું કહેવું છે કે તેઓ આ બધું નામ કમાવવા માટે કરી રહ્યા છે.
આ મામલે રફેલ કહે છે, "હું નામ કમાવવા માટે આ બધું કરી રહ્યો નથી. હું ઇચ્છું છું કે મારો વિચાર લોકો સુધી પહોંચે. એક સીધો વિચાર કે બાળકોને જન્મ ન આપવું સારું છે."
જ્યારે રફેલને પૂછવામાં આવ્યું કે શું તેઓ પોતાના જન્મથી નાખુશ છે?
તેના જવાબમાં તેઓ કહે છે, "હું માનું છું કે કાશ મારો જન્મ ન થયો હોત. તેનો એ મતલબ નથી કે હું જીવનમાં નાખુશ છું. મારું જીવન સારું છે. પણ હું અહીં આવવા ઇચ્છતો ન હતો. આ એવું છે કે જીવન એક ખૂબ સુંદર રૂમ છે, પણ હું તે રૂમમાં રહેવા માગતો નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












