BBC TOP NEWS : જિંદમાં ભાજપની જીત, સુરજેવાલા ત્રીજા ક્રમે

જિંદ બેઠક પરથી કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાની હાર થઈ છે.

રાજસ્થાનના રામગઢમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં કૉંગ્રેસનાં ઉમેદવાર સાફિયા ખાન જીતી ગયાં છે. તેમણે ભાજપના સુખવંતસિંહને 12,228 મતોથી હાર્યા.

આ વિજય સાથે જ રાજસ્થાન વિધાનસભામાં કૉંગ્રેસની 100 બેઠકો થઈ ગઈ છે.

હવે રાજ્યમાં અશોક ગહેલોતની સરકાર માત્ર એક બેઠક પાછળ છે.

રામગઢ સાથે જ 28 જાન્યુઆરીએ હરીયાણાના જિંદમાં પણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી.

જિંદની પેટા ચૂંટણી કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાને કારણે પ્રતિષ્ઠાના જંગમાં ફેરવાઈ ગઈ હતી અને સુરજેવાલાની હાર થઈ છે.

જનનાયક જનતા પાર્ટી(જેજેપી)ના ઉમેદવાર દિગ્વિજય ચોટાલા ત્રીજા નંબરે છે.

અયોધ્યામાં રામમંદિરના નિર્માણની ધર્મ સંસદની જાહેરાત

પ્રયાગરાજમાં કુંભ મેળામાં મળેલી પરમ ધર્મ સંસંદે 21 ફેબ્રુઆરીએ રામમંદિરનો શિલાન્યાસ કરવાની જાહેરાત કરી છે.

ત્રણ દિવસ માટે મળેલી પરમ ધર્મ સંસદમાં સંતોઓ જાહેર કર્યુ હતું કે રામમંદિરના નિમાર્ણ માટે તેઓ વસંતપંચમી એટલે કે 10 ફેબ્રુઆરીથી અયોધ્યા તરફ કૂચ કરશે અને 21 ફેબ્રુઆરીએ રામમંદિરનો શિલાન્યાસ કરશે.

આ ધર્મ સંસદ શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતી મહારાજના અધ્યક્ષપદે યોજાઈ હતી.

'પરમ ધર્મ સંસદ'ના આયોજક અને ગંગા સેવક અભિયાનમના મુખ્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે બીબીસીને કહ્યું, "અમને હવે રામમંદિરના નિર્માણ બાબતે સરકાર પાસે કોઈ આશા નથી. જે સરકાર કાશી અને પ્રયાગરાજમાં સેંકડો મંદિરો નષ્ટ કરી ચૂકી છે, એની પાસે રામમંદિર નિર્માણની આશા રાખવી એ મુર્ખામી સિવાય કંઈ નથી."

પરમ ધર્મ સંસદમાં દુનિયાભરથી આવેલા સનાતન ધર્મના પ્રતિનિધિઓએ નક્કી કરી લીધું છે કે ગમે તે ભોગે 21 ફેબ્રુઆરીએ અયોધ્યા પહોંચશે

આ દરમિયાન કુંભ મેળામાં 31 જાન્યુઆરીએથી બે દિવસની ધર્મ સંસદનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ કરી રહી છે.

આ ધર્મ સંસદમાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ભાગ લે તેવી શક્યતા છે.

'ચાર પેઢી રાજ કરનારાને ચાવાળાનો પડકાર'

સુરતમાં ન્યૂ ઇન્ડિયા યૂથ કૉન્કલૅવમાં ભાજપ સમર્થક યુવાનોને સંબોધિત કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચાર પેઢી રાજ કરનારાને એક ચા વાળો ટક્કરપ આપશે એવું કોઈએ વિચાર્યુ નહીં હોય.

આ કાર્યક્રમમાં મોદીએ પોતાની કામગીરીની વિગતો આપવાની સાથે કૉંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

તેમણે કહ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જામીન પર ફરી રહ્યાં છે અને તેમને જેલ જવું પડશે.

એમણે 70 વર્ષ દેશને લૂંટવામાં આવ્યો હોવાનો દાવો પણ કર્યો હતો.

એમણે કહ્યું કે વિપક્ષ પાસે ફકત એક જ મુદ્દો છે કે મોદીને કેવી રીતે હટાવી શકાય પણ દેશમાં એક નહીં 125 કરોડ મોદી છે.

કૉંગ્રેસ સાવરકરનું સંગઠન નથી કે કરગરશે, આરએસએસ ભ્રમમાં છે - રાહુલ ગાંધી

એનડીટીવીનો એક અહેવાલ જણાવે છે કે કૉગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ યૂથ કૉંગ્રેસની ઇન્કલાબ રેલીનો સંબોધતા આરએસએસ ભ્રમમાં હોવાનું જણાવ્યું હતું.

રાહુલ ગાંધીએ કહ્યું "આરએસએસ ભ્રમમાં છે કેમ કે એ વિચારે છે એ ભારતથી મોટો છે."

એમણે એવું પણ કહ્યું કે "કૉંગ્રેસ સાવરકરનું સંગઠન નથી કે જે અંગ્રેજો સામે કરગરે. આ ગાંધીનું સંગઠન છે, અમે પાછળ નહી હટીએ, ફ્રંટફૂટ પર રમીશું અને મોદીને દેશનો અવાજ સંભળાવીશું."

આપને આ પણ વાંચવું ગમશે

અમેરિકામાં આકરી ઠંડીથી સાત લોકોનાં મૃત્યુ

દુનિયામાં આ વર્ષે શિયાયો ઠંડીના રૅકૉર્ડ તોડી રહ્યો છે. ઘાતક ઠંડીને લીધે અમેરિકામાં સાત લોકનાં મૃત્યુ થયાં છે.

શિકાગોમાં તાપમાન માઇનસ 30 સૅલ્સિયસ સુધી નીચું ગયું છે જે ઍન્ટાર્કટિકાના અમુક વિસ્તારો કરતાં પણ ઓછું છે.

નીચા તાપમાને અમેરિકાનું જનજીવન ઠપ કરી દીધું છે અને એમાં 90 મિલિયન લોકો માઇનસ 17 સૅસ્લિયસ કે તેથી ઓછા તાપમાનનો સામનો કરી રહ્યા છે.

'પૉલર વોર્ટેક્સ' નામે ઓળખાતી આ ઘાટક ચુંબકીય ઠંડીનું કારણ આર્કટિક બ્લાસ્ટ ગણાય છે.

તેને આર્કટિક વાતાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અગસ્તા હેલિકૉપ્ટર કૌભાંડમાં અન્ય એક આરોપીને ભારત લવાશે

વીવીઆઈપી હેલિકૉપ્ટર અગસ્તા કેસમાં ક્રિશ્ચિયન મિશેલના પ્રત્યાર્પણ બાદ અન્ય એક આરોપી રાજીવ સકસેનાને દુબઈથી ભારત લાવવામાં આવી રહ્યા છે.

રાજીવ સકસેનાની સાથે આ કેસમાં અન્ય એક કૉર્પોરેટ ઍવિએશન વચેટિયા દીપક તલવારને પણ ભારત લાવવામાં આવી રહ્યા છે.

ગત મહિને ક્રિશ્ચિયન મિશેલ જૅમ્સને દુબઈથી દિલ્હી લાવવામાં આવ્યા હતા અને નવી દિલ્હી ઍરપૉર્ટ પર એમની ધરપકડ કરી લેવામાં આવી હતી.

મિશેલે 3600 કરોડની વીવીઆઈપી હેલિકૉપ્ટર ડીલમાં વચેટિયાની ભૂમિકા ભજવી હતી.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો