જ્યારે પ્રણવ મુખર્જી બે વખત વડા પ્રધાન બનતા-બનતા રહી ગયા

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત સરકારે ભારત રત્ન અર્પણ કરવાની જાહેરાત કરી છે.

પૂર્વ રાષ્ટ્રપતિ મુખર્જી ઉપરાંત સમાજસેવક નાનાજી દેશમુખ અને જાણીતા ગાયક અને સંગીતકાર ભૂપેન હઝારિકાને મરણોપરાંત ભારત રત્ન એનાયત કરવામાં આવશે.

પ્રણવ મુખર્જી જુલાઈ 2012થી જુલાઈ 2017 સુધી દેશના રાષ્ટ્રપતિ પદે પહોંચ્યા.

આ પહેલા તેમણે નાણા, રક્ષા અને વિદેશ જેવા અગત્યના મંત્રાલયની જવાબદારી સંભાળી છે.

વર્ષ 2004થી 2014 સુધી કેન્દ્રમાં કૉંગ્રેસની યૂપીએ સરકાર હતી, જેમાં તેમને મુખ્ય 'સંકટમોચક' માનવામાં આવતા હતા.

કૉંગ્રેસના નેતાઓએ પ્રણવ મુખર્જીને ભારત રત્ન એનાયત કરવાના નિર્ણયને આવકાર્યો છે.

પોતાના શુભેચ્છા સંદેશમાં કહ્યું છે કે તેમણે હંમેશાં 'દેશની જાહેર સંસ્થાઓને મજબૂત કરવા માટે કામ કર્યું છે.'

કૉંગ્રેસી નેતાઓએ એમ પણ કહ્યું કે આ એક એવા વ્યક્તિની સેવાઓનું સન્માન છે, "જેઓ મહાત્મા ગાંધી, પંડિત નહેરૂ અને સરદાર પટેલની વિચારધારાને માને છે અને તેનું પાલન કરે છે."

પ્રણવ મુખર્જીને કૉંગ્રેસના સૌથી બુદ્ધિશાળી અને યોગ્ય નેતાઓમાંના એક માનવામાં આવે છે.

ગયા વર્ષે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં જવાને કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા.

ત્યારે તેમના દિકરી અને કૉંગ્રેસના નેતા શર્મિષ્ઠા મુખર્જી સહિત ઘણા લોકોએ કાર્યક્રમમાં ભાગ નહીં લેવાની સલાહ આપી હતી.

પ્રણવ મુખર્જીના જીવનમાં એવી બે તકો આવી જ્યારે તેઓ વડા પ્રધાન બની શકતા હતા, પણ બંને વખતે તેમના હાથમાંથી બાજી સરકી ગઈ.

પહેલી તક ક્યારે ગુમાવી?

પ્રણવ મુખર્જી ઇન્દિરા ગાંધીની કૅબિનેટમાં નાણાં મંત્રી હતા.

1984માં જ્યારે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે મુખર્જીને વડા પ્રધાન પદના સૌથી મોટા દાવેદાર માનવામાં આવતા હતા.

તેમને પીએમ બનવાની ઇચ્છા હતી, પણ કૉંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓએ તેમના બદલે યુવા મહાસચિવ રાજીવ ગાંધીને પીએમ બનાવી દીધા.

જ્યારે ઇંદિરા ગાંધીની હત્યા થઈ ત્યારે રાજીવ ગાંધી અને પ્રણવ મુખર્જી બંને બંગાળના પ્રવાસે હતા.

તેઓ એક સાથે જ વિમાનમાં તાબડતોબ દિલ્હી પરત આવેલા. રાજીવ ગાંધીને ઇંદિરા ગાંધીના અવસાનના સમાચાર બીબીસી રેડિયો પરથી મળેલા.

કૉંગ્રેસના ઇતિહાસ પર પુસ્તક લખનાર વરિષ્ઠ પત્રકાર રાશિદ કિદવઈ જણાવે છે,

"પ્રણવ મુખર્જીનો વિચાર હતો કે તેઓ કૅબિનેટના સૌથી વરિષ્ઠ સભ્ય હોવાથી તેમને કાર્યકારી વડા પ્રધાન બનાવવામાં આવશે."

"તેમના મનમાં ગુલજારી લાલ નંદા હતા, જેમને લાલ બહાદુર શાસ્ત્રીના નિધન બાદ વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા."

પોતાની અલગ પાર્ટી બનાવી

પરંતુ રાજીવ ગાંધીના પિતરાઈ ભાઈ અરૂણ નહેરુ અને એ વખતના રાષ્ટ્રપતિ જૈલસિંઘે આવું ન થવા દીધુ.

સંજય ગાંધીના અચાનક અવસાન બાદ અનાયાસે જ રાજનીતિમાં પ્રવેશેલા રાજીવ ગાંધી યુવાન અને અનુભવ વિહોણા મહાસચિવ હતા.

તેમને સરકારમા કામ કરવાનો કોઈ જ અનુભવ નહોતો.

રાજીવ ગાંધીએ પોતાની કૅબિનેટ બનાવી તો તેમા પણ જગદીશ ટેઇલર, અંબિકા સોની, અરુણ નહેરુ અને અરૂણસિંહ જેવા યુવા ચહેરાઓ હતાં.

તમે આ વાંચ્યું કે નહીં?

પરંતુ ઇંદિરા ગાંધીની સરકારમાં નંબર-2 રહેલા પ્રણવ મુખર્જીને મંત્રી ના બનાવ્યા.

તેનાથી દુઃખી થઈને પ્રણવ મુખર્જીએ કૉંગ્રેસ પાર્ટી છોડી દીધી અને પોતાની અલગ પાર્ટી બનાવી.

રાશિદ કિદવઈ કહે છે કે ઘણા લાંબા સમય સુધી પ્રણવ હાંસિયામાં જ રહ્યા. તેમની પાર્ટી કંઈ જ ન કરી શકી.

કિદવઈ જણાવે છે,"કૉંગ્રેસમાં પરત ફર્યા બાદ જ્યારે તેમના અલગ પક્ષ અંગે પૂછવામાં આવતું તો તેઓ હસીને કહેતા મને તો હવે તેનું નામ પણ યાદ નથી."

રેસમાં આગળ નીકળી ગયા મનમોહન

જયાં સુધી રાજીવ ગાંધી સત્તા પર રહ્યા ત્યાં સુધી પ્રણવ મુખર્જી રાજકીય વનવાસમાં જ રહ્યા.

રાજીવ ગાંધીની હત્યા બાદ પીવી નરસિંહ રાવને વડા પ્રાધાન બનાવાયા.

રાવ મુખર્જીની સાથે સલાહતો લેતા, પણ કિદવઈ કહે છે એમ તેમને ક્યારેય કૅબિનેટમાં સ્થાન ન મળ્યું.

જોકે, રાવના સમયમાં જ પ્રણવદાએ ધીરેધીરે કૉંગ્રેસ તરફ પરત ફરવાનું શરૂ કર્યું હતું.

નરસિંહ રાવે તેમને 1990ની શરૂઆતમાં યોજના આયોગના ઉપાધ્યક્ષ બનાવ્યા અને તેઓ પાંચ વર્ષ સુધી એ પદ પર રહ્યા.

તમે આ વાંચ્યું કે નહીં?

જ્યારે પીએમ નરસિંહ રાવ સામે અર્જૂનસિંહ એક પડકાર તરીકે સામે આવવવા લાગ્યા ત્યારે તેમનું પત્તુ કાપવા માટે તેમણે 1995માં મુખર્જીને વિદેશ મંત્રી બનાવ્યા.

આ પછી કૉંગ્રેસ સત્તામાંથી બહાર થઈ ગઈ તો 2004 સુધી તેઓ પાછા ન આવી શક્યા.

2004માં સોનિયા ગાંધીએ તેમના વિદેશી મૂળ ચર્ચા વચ્ચે વડાં પ્રધાન ના બનવાની જાહેરાત કરી.

તેમણે મનમોહનસિંઘને પીએમ તરીકે પસંદ કર્યા અને પ્રણવદાના હાથમાંથી ફરી એક વખત બાજી સરકી ગઈ.

જોકે, પાછળથી 2012માં કૉંગ્રેસે તેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા અને તેઓ દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.

રાહુલ ગાંધીએ આપી શુભેચ્છા

ભારત રત્ન સન્માન માટે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પૂર્વ રાષ્ટ્રપતિ મુખર્જીને ટ્વિટર પર શુભેચ્છા આપી છે.

રાહુલ ગાંધીએ લખ્યુ છે,"પ્રણવદાને ભારત રત્ન માટે બધાઈ."

"કૉંગ્રેસ પાર્ટીને ગર્વ છે કે અમારી એક પોતીકી વ્યક્તિની જન સેવા અને રાષ્ટ્રનિર્માણમાં અતુલ્ય યોગદાનને ઓળખ અને સન્માન મળ્યાં છે."

દીકરીએ કહ્યું, 'ખુશીની ક્ષણો'

પ્રણવ મુખર્જીનાં પુત્રીએ પણ ટ્વિટર પર પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો છે. તેઓ કૉંગ્રેસનાં નેતા પણ છે.

આ અંગે શર્મિષ્ઠાએ લખ્યું, "પરિવાર માટે ગર્વ અને ખુશીની બાબત છે."

પ્રણવ મુખર્જી ગયા વર્ષે આરએસએસના આક કાર્યક્રમમાં ગયા હતા, ત્યારે શર્મિષ્ઠાએ તીખો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે તેમણે આ કાર્યક્રમમાં ન જવું જોઈએ કારણ કે 'તેમનું ભાષણ ભૂલી જવાશે અને તસવીરો રહી જશે.'

શુભેચ્છાઓની વર્ષા

કર્માટકના પૂર્વ મુખ્ય મંત્રી સિદ્ધરમૈયાએ પ્રણવદા શુભેચ્છા આપતાં ટ્વિટર પર લખ્યુ છે,"એ જાણીને ખુશી થઈ કે પ્રણવ મુખર્જીને ભારત રત્ન સન્માન આપવામાં આવ્યુ છે. એક મુત્સદ્દી તરીકે તેમનું યોગદાન અતુલ્ય છે."

રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે પણ પ્રણવ મુખર્જીને વધામણી આપી,"પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્ન સન્માન પ્રાપ્ત કરવા બદલ હાર્દિક શુભકામના."

"ઘણા દાયકા લાંબા જાહેર જીવનમાં એમણે ઘણી ભૂમિકાઓમાં દેશની સેવા કરી છે. તેમણે હંમેશાં દેશની જાહેર સંસ્થાઓને મજબૂત કરવાનું કામ કર્યું છે."

કૉંગ્રેસ નેતા અજય માકને પ્રણવ મુખર્જીને શુભેચ્છા પાઠવી છે.

તેમણે ટ્વિટર પર લખ્યું છે, "શુભેચ્છા પ્રણવ દા. અમારા બધા કૉંગ્રેસ કાર્યકર્તાઓ માટે આ સન્માનની ઘડી છે."

"એક એવા વ્યક્તિ જે મહાત્મા ગાંધી, પંડિત નહેરૂ અને સરદાર પટેલની વિચારધારાને માને છે અને તેનું પાલન કર છે, તેમની સેવાઓને ઓળખ મળી છે."

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ભારત રત્ન સન્માન મેળવવા બદલ દેશના લોકોનો આભાર માન્યો છે.

તેમણે ટ્વિટર પર લખ્યું છે,"ભારતના લોકો પ્રત્યે વિનમ્રતા અને આભારસહ ભારતરત્ન સ્વીકારુ છુ."

"મેં હંમેશા કહ્યું છે અને ફરી કહુ છું કે, મેં મારા મહાન દેશના લોકોને જેટલું આપ્યું છે, તેનાથી વધુ પામ્યો છું."

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો