ભારતમાં દારૂબંધી માટે લડત ચલાવનારી મહિલાઓ

    • લેેખક, મીલન વૈષ્ણવ અને જેમી હિન્ટસન
    • પદ, કાર્નેગી

દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતમાં નેતાઓને ભાન થવા લાગ્યું છે કે તેમણે સત્તામાં રહેવું હશે તો નારીઓનો અવાજ સાંભળવો પડશે.

ઉત્તર ભારતમાં ઘણી મહિલાઓની ફરિયાદ છે કે તેમના પતિ દારૂડિયા હોવાથી તેઓ કંટાળી ગઈ છે.

મહિલાઓની માગણી પછી દાખલ કરાયેલી દારૂબંધીને કારણે બિહારની 10 કરોડની વસતિને અસર થઈ રહી છે.

સરકારનો દાવો છે કે દારૂની આદતને કારણે ઘરેલું હિંસા, નાનીમોટી ગુનાખોરી અને આવકમાં ઘટાડાની સમસ્યા હતી, તેમાં દારૂબંધી પછી થોડી રાહત થઈ છે.

130 કરોડથી વધુની વસતિ ધરાવતા ભારતમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સ્ત્રી કેન્દ્રીત મુદ્દાઓ પર ઝુંબેશ ચલાવનારા વધુ મહત્ત્વની ભૂમિકામાં આવી રહ્યા છે.

હાલમાં યોજાયેલી રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં મફત કન્યા કેળવણી, કન્યાદાનની યોજનાઓ અને મહિલા પોલીસ સ્ટેશનના મુદ્દાઓ અગત્યના બન્યા હતા.

તેનું કારણ શું? ભારતના પુરુષપ્રધાન સમાજમાં મહિલા મતદારો બહુ ઝડપથી મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરી રહી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

મહિલા મતદારો

સ્ત્રી-પુરુષ સમાનતાની બાબતમાં છેલ્લેથી ત્રીજું સ્થાન ધરાવતા ભારતમાં સ્ત્રીઓનું મતદાનનું પ્રમાણ વધારવામાં મુશ્કેલીઓ નડી રહી છે.

તેનાં એકથી વધુ કારણો છે.

મહિલાઓનું મતદાન ઓછું થવાનું એક કારણ એ કે મતદાર તરીકે સ્ત્રીઓની નોંધણી જ પ્રથમ તો ઓછી થાય છે.

મતદાર તરીકે નોંધણી થાય તે પછીય ઘરકામ છોડીને સ્ત્રી મતદાન કરવા જાય તે વિચાર જ સ્વીકારાતો નથી.

મતદાન મથકે નારીએ સતામણી અને ધમકીઓનો પણ સામનો કરવો પડે છે.

દાયકાઓથી પુરુષો સામે સ્ત્રીઓનું મતદાન સરેરાશ 6થી 10% ઓછું થતું રહ્યું છે. તેના કારણે નીતિનિર્ધારણમાં સ્ત્રીઓની ભૂમિકા બિનમહત્ત્વની જ રહી છે.

સ્ત્રીઓની સંખ્યા જ ભારતમાં ઓછી છે. જાતી પરીક્ષણ પછી ગર્ભપાત, શીશુહત્યા અને દીકરાની સરખામણીએ ઉછેરમાં થતા પક્ષપાતને કારણે ભારતમાં સરેરાશ 1,000 પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યા 934ની જ છે.

આવી સ્થિતિ છતાં હાલના સમયમાં સ્ત્રી અને પુરુષો વચ્ચેના મતદાનનો તફાવત ઘટીને વિક્રમીસ્તરે નીચે આવી ગયો છે.

2004ની ચૂંટણીમાં તફાવત 8.4% હતો, તે 2014ની લોકસભાની ચૂંટણીમાં ઘટીને માત્ર 1.8% જેટલો નીચે આવી ગયો હતો.

2012થી 2018ના મધ્ય સુધીમાં યોજાયેલી 30 વિધાનસભા ચૂંટણીઓમાં પણ બે તૃતિયાંશ રાજ્યોમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું મતદાન વધારે થયું હતું.

દારૂબંધી

ઉત્તર ભારતમાં બિહાર એક એવું રાજ્ય છે, જ્યાં સ્ત્રી મતદારોની સંખ્યા ઊંચી છે.

બિહારમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગુનાખોરીની સમસ્યા લાંબા સમયથી રહી છે.

દારૂની લતને કારણે ઘરની આવકનો મોટો હિસ્સો તેની પાછળ વેડફાઈ જતો હતો.

2015ની વિધાનસભાની ચૂંટણીમાં સ્ત્રી મતદાનનું પ્રમાણ વધ્યું હતું. પુરુષો કરતાં 7% વધારે સ્ત્રીઓએ મતદાન કર્યું હતું.

તેમાં સ્પષ્ટ જનમત વ્યક્ત થયો હતો કે દારૂબંધી દાખલ કરો.

બિહારના મુખ્ય મંત્રી તરીકે આવેલા નીતિશ કુમારે દારૂબંધી કરવાનું વચન આપ્યું હતું.

તેમણે બિહારમાં દારૂ પીવા પર તથા વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો.

એક કે બે જ વર્ષમાં સરકારના દાવા પ્રમાણે હિંસક ગુનાખોરીમાં મોટો ઘટાડો થયો.

તેની સામે કાર અને ટ્રેક્ટરની ખરીદી માટે હવે નાણાંની બચત થવા લાગી હતી.

મેઘા પાટકર જેવાં ઘણા સામાજિક કાર્યકરોએ બીજા રાજ્યોમાં પણ દારૂબંધીની માગણી લાંબા સમયથી કરી છે.

તેમનું કહેવું છે કે "સ્ત્રીઓ સામેની હિંસા માટે સૌથી વધુ જવાબદાર દારૂનું સેવન જ છે".

જોકે, એક અભ્યાસમાં જોવા મળ્યું છે કે દારૂબંધીનો અમલ કરવા માટે જરૂરી પોલીસ સંસાધનો કામે લગાવવાથી ગુનાને કાબૂમાં લેવા માટે સ્રોતો ઓછા પડે છે.

સ્ત્રીઓ વધારે મતદાન કેમ કરી રહી છે?

ભારતભરમાં સ્ત્રીઓના મતદાનમાં અચાનક વધારો કેમ થયો છે?

સ્ત્રી શિક્ષણનું પ્રમાણ વધ્યું છે તે પણ એક કારણ છે કે વધુ નારીઓ મતદાન કરે છે.

જોકે, શિક્ષણનું પ્રમાણે ધીમે-ધીમે જ વધી રહ્યું છે, પણ છેલ્લા એક દાયકામાં સ્ત્રીઓના મતદાનમાં મોટો ઉછાળો આવ્યો છે.

વ્યક્તિગત કારણો તથા સરકારના પ્રયત્નોને કારણે પણ મતદાન વધ્યું છે.

મહિલાઓ સામેની હિંસાના કેટલાક કેસો બહુ ચગ્યા તે પછી સ્ત્રી મતદારો પોતાના અધિકારો અને સલામતી બાબતમાં વધારે જાગૃત થઈ છે તે પણ હકીકત છે.

ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર તથા અન્ય કેટલાંક રાજ્યોમાં બળાત્કારના કિસ્સા ચગ્યા તે પછી દેશભરમાં તેની સામે વિરોધ પ્રદર્શનો થયાં હતાં.

એ જ રીતે ભારતમાં #MeToo ઝુંબેશે પણ જોર પકડ્યું હતું.

ભારતીય ચૂંટણી પંચે પણ હિંસા અને ધમકીના બનાવોને કાબૂમાં લેવા માટે પ્રયત્નો કર્યા છે, જેથી વધારે સ્ત્રીઓ મતદાન કરી શકે.

દેશભરમાં 9 લાખ જેટલાં પોલિંગ બૂથ પર વધારે ચૂસ્ત બંદોબસ્ત રહે તે માટેના પ્રયત્નો થયા છે, જેથી સલામતીના વાતાવરણ વચ્ચે સ્ત્રીઓ મતદાન કરી શકે.

ચૂંટણી પંચે મહિલાઓ માટે અલગ લાઇન હોય તથા કેટલીક જગ્યાએ સમગ્ર બૂથનું સંચાલન માત્ર મહિલા કર્મચારીઓ કરતી હોય તેવા પ્રયોગો પણ કર્યા છે.

મતદાનનો નવો પ્રવાહ

2019ની લોકસભાની ચૂંટણી કદાચ ભારતીય ચૂંટણીના ઇતિહાસની પ્રથમ એવી ચૂંટણી બની રહેશે, જેમાં પુરુષો કરતાં વધારે સ્ત્રીઓ મતદાન કરે.

સ્ત્રી મતદારોના વધી રહેલા પ્રવાહની અસર માત્ર ચૂંટણી પ્રચારમાં જ નહીં પણ શાસન કેવી રીતે ચાલવું જોઈએ તે બાબતમાં પણ પડી શકે છે.

2014માં સત્તા પર આવ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના મહિલા મતદારોને આકર્ષવા માટેના પ્રયાસો અછતા રહ્યા નથી.

દાખલા તરીકે લાખો કુટુંબોને ગૅસનું કનેક્શન આપવા માટેની યોજના નરેન્દ્ર મોદીએ દાખલ કરી હતી.

તેમના પક્ષનો દાવો છે કે ગૅસ કનેક્શનને કારણે બળતણ એકઠું કરવાની પળોજણ મટશે અને ચૂલાના ઘૂમાડાને કારણે થતું નુકસાન પણ ઘટશે.

આ ઉપરાંત દરેક કુટુંબનું બૅન્ક ખાતું ખોલી દેવાની યોજના પણ શરૂ કરાઈ હતી.

નવા ખુલેલા ખાતામાંથી અડધોઅડધ સ્ત્રીઓનાં નામે છે, જેમને ભાગ્યે જ ક્યારેય બૅન્કિંગનો લાભ મળ્યો હતો.

ભવિષ્ય તરફ નજર

ભારતમાં સ્ત્રીઓને અધિકારો મળતા થાય તે દિશાના પ્રયાસો ધીમા રહ્યા હતા અને તેમાં પીછેહઠ પણ થતી રહી હતી.

કામના સ્થળે સ્ત્રીઓના પ્રમાણેની બાબતમાં 131 દેશોમાં ભારતનું સ્થાન 121મું છે.

રાજકારણમાં સંસદની ચૂંટણીમાં ઉમેદવારો પસંદ કરવામાં આવે તેમાંથી માત્ર આઠ ટકા મહિલા ઉમેદવારો હોય છે. આટલા મહિલા ઉમેદવારોમાંથી માત્ર 11.5 ટકા જ જીતે છે.

આ સ્થિતિમાં પણ પરિવર્તન આવી શકે છે. સ્ત્રી આંદોલનોને કારણે રાજકીય પક્ષો પર દબાણ વધી રહ્યું છે કે તેઓ ચૂંટણીમાં મહિલા અનામત બેઠકો માટેનો કાયદો લાવે.

ધારાગૃહોમાં ત્રીજા ભાગની બેઠકો મહિલાઓ માટે અનામત રાખવા માટેનો કાયદો પસાર કરવાની માગણી થઈ રહી છે.

પંચાયતોમાં મહિલા અનામત બેઠકો દાખલ થઈ છે અને તેના કારણે ભવિષ્યમાં ઉપલી કક્ષાના રાજકારણમાં સ્ત્રીઓને પ્રવેશ માટેનો માર્ગ તૈયાર થઈ ગયો છે.

રાજકારણમાં વધારે સ્ત્રીઓની હાજરી સાથે ભારતના રાજકારણમાં વસતિના પ્રમાણ પ્રમાણે સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ વધી શકે છે.

વધારે મહિલા પ્રતિનિધિઓ જીતીને આવે તેના કારણે દેશને અણધાર્યા ફાયદા પણ થઈ શકે છે. હાલમાં થયેલા સંશોધનોમાં જોવા મળ્યું છે કે વધારે સ્ત્રી રાજકારણીઓ હોય ત્યાં વિકાસ ઝડપી બને છે અને ભ્રષ્ટાચારમાં ઘટાડો થાય છે.

વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં સ્ત્રીઓને સંપૂર્ણ સમાનતા મળે તેને હજી સમય લાગશે, પણ મત પેટીઓ અને સત્તાના કોરિડોરમાં સ્ત્રીઓની હાજરી અને પ્રભાવ સ્પષ્ટપણે વધારે દેખાવા લાગ્યા છે.

આ લેખ અંગે

બીબીસીએ અન્ય સંસ્થા સાથે કામ કરતા વિષય નિષ્ણાતો પાસે આ લેખ તૈયાર કરાવ્યો છે.

મિલન વૈષ્ણવ કાર્નેગી એન્ડોવમેન્ટ ફૉર ઇન્ટરનેશનલ પીસ ખાતેના સાઉથ એશિયા પ્રોગ્રામમાં ડિરેક્ટર તરીકે કામ કરે છે. આ સંસ્થા આંતરરાષ્ટ્રીય લોકતંત્રના મુદ્દાઓ પર કામ કરે છે.

જેમી હિન્ટસન કાર્નેગી ખાતે જેમ્સ સી ગેધર જુનિયર ફેલો તરીકે કામ કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો