સામાન્ય માણસને પણ મળશે અવકાશમાં જવાની તક

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, બેંગાલુરુથી, બીબીસી ગુજરાતી માટે
ભારત તેના પ્રથમ માનવસહિતના અવકાશ અભિયાનના સપનાને સાકાર કરવા માટે સજ્જ છે.
આ યોજના મુજબ ઇંડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઈસરો) ડિસેમ્બર 2021માં માનવસહિતનું પ્રથમ મિશન અવકાશમાં મોકલશે.
માત્ર વૈજ્ઞાનિકોને જ નહીં, સામાન્ય નાગરિકને પણ અવકાશમાં જવાની તક મળશે.
ઈસરોના વડા ડૉ. કે. સિવનના કહેવા પ્રમાણે, આ માટેની પસંદગી પ્રક્રિયા ભારતીય વાયુદળ મારફત હાથ ધરવામાં આવશે.
ડૉ. સિવનના કહેવા પ્રમાણે, "સામાન્ય નાગરિકો પણ ઉમેદવારી કરી શકશે. પસંદગીનો મુખ્ય આધાર અવકાશયાત્રા કરવાની માનસિક ક્ષમતા ઉપર રહેશે."
રૂ. 9,023 કરોડના ખર્ચે નિર્મિત માનવ અંતરીક્ષ ઉડ્ડયન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યા બાદ ડૉ. સિવને આ વાત કહી હતી. અહીં માનવસહિતના અવકાશ મિશન માટેની જરૂરી તૈયારીઓ કરવામાં આવશે.
ડૉ. ઉન્નીકૃષ્ણન નાયરને આ ઉડ્ડયન કેન્દ્રના વડા તરીકે નીમવામાં આવ્યા છે, જ્યારે ડૉ. આર. હટનને ગગનયાન યોજનાના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર


મોદીએ કરી હતી જાહેરાત

ઇમેજ સ્રોત, Getty Images
ગત વર્ષે સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા ઉપરથી દેશની જનતાને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગગનયાન યોજનાની જાહેરાત કરી હતી.
ડૉ. સિવનના કહેવા પ્રમાણે, "ચાલુ વર્ષે ગગનયાન પ્રોજેક્ટ ઈસરોની પ્રાથમિક્તાની યાદીમાં સર્વોચ્ચ સ્થાને છે."
"ભારત ડિસેમ્બર 2020 સુધીમાં પ્રથમ માનવ રહિત મિશન અવકાશમાં મોકલવા ધારે છે. આવી બીજી યોજના જુલાઈ 2021માં હાથ ધરવામાં આવશે."
"બંને મિશનમાં સફળતા મળશે એટલે ડિસેમ્બર 2021માં માનવસહિતની યોજના હાથ ધરવામાં આવશે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં વર્ષ 2022 સુધીમાં અંતરીક્ષમાં ભારતીયને મોકલવાની વાત કહી હતી.
ઈસરો વર્ષ 2022ની શરૂઆત પહેલાં જ આ મિશનને પૂર્ણ કરવા માગે છે.
ડૉ. સિવનના કહેવા પ્રમાણે, ઈસરો કોઈ મહિલાને અંતરીક્ષમાં મોકલવા માગે છે.
ડૉ. સિવનના કહેવા પ્રમાણે, "અમે ઇચ્છીએ છીએ કે કોઈ મહિલા વૈજ્ઞાનિક અવકાશમાં જાય. અમે પુરુષ અને મહિલા એમ બંને વૈજ્ઞાનિકોને તાલીમ આપીશું."
"વડા પ્રધાને ભાઈઓ અને બહેનોનો ઉલ્લેખ કર્યો હતો, અમે તેને પૂર્ણ કરવા ઇચ્છીએ છીએ. આ માટે તાલીમ તથા અન્ય જરૂરી ચીજોની વ્યવસ્થા કરવામાં આવશે."
ઈસરોના પૂર્વ વડા એ. એસ. કિરણ કુમારે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે આ માટે ઉમેદવારી પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
"સામાન્ય રીતે કોઈ પણ નાગરિક અરજી કરી શકે છે. ત્યારબાદ પસંદગી અને તાલીમની પ્રક્રિયા શરૂ થાય છે. આ માટેની દાવેદારી તમામને માટે ખુલ્લી હશે."


આ હશે યોજના

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. સિવનના કહેવા પ્રમાણે, સંભવિત અંતરીક્ષયાત્રીઓને પહેલાં ભારતમાં અને પછી કદાચ રશિયામાં ઉન્નત તાલીમ આપવામાં આવશે. જે દેશ અગાઉ માનવસહિતના અવકાશ મિશન હાથ ધરી ચૂક્યો હોય, તેને પસંદ કરવામાં આવશે.
એવું માનવામાં આવે છે કે નવા મિશનને કારણે દેશના અલગ-અલગ સેક્ટરમાં અનેક નવી ટેકનૉલૉજી માટેના દ્વાર ખુલશે.
ડૉ. સિવન માને છે કે ઈસરો માટે ગગનયાન પ્રોજેક્ટ મહત્ત્વપૂર્ણ બની રહેશે.
તેઓ કહે છે, "અત્યારસુધી અમે એંજિનિયરિંગ ક્ષેત્રે કામ કરી રહ્યા હતા. જેમ કે, યાન, ક્રૂ માટેનાં મૉડ્યૂલ તથા રોકેટ લૉન્ચ જેવી બાબતો ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા હતા."
કિરણ કુમારના કહેવા પ્રમાણે, ભારત માનવસહિતના અવકાશ મિશન હાથ ધરી શકે તેવી ક્ષમતા કેળવે તે જરૂરી છે, આ દિશામાં ભારતે પગલાં ભરવાનું શરૂ કર્યું છે, જે આનંદની બાબત છે.
વર્ષ 2009માં આયોજન પંચે અંતરીક્ષમાં માનવસહિતનું મિશન મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારથી ઈસરો તેની ઉપર કામ કરી રહ્યું છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














