જાન્યુઆરીનો પહેલો સોમવાર ડિવોર્સ ડે તરીકે કેમ મનાવાય છે?

    • લેેખક, ઈવા ઑન્ટિવૉર્સ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

શું તમને ખબર છે કે જાન્યુઆરી નાં પહેલાં કામકાજી સોમવારને ડિવોર્સ ડે તરીકે કેમ મનાવવામાં આવે છે, કમ સે કમ બ્રિટનમાં પારિવારિક બાબતોના વકીલ તો એવું જ માને છે.

આનું કારણ પણ ઘણું રસપ્રદ છે, માનવામાં આવે છે કે આવા દિવસોમાં એવા લોકોની સંખ્યા વધી જાય છે કે જેઓ ડિવોર્સ લેવાનાં રસ્તાઓ શોધે છે.

આવામાં સવાલ ઊભો થાય છે કે નવા વર્ષની શરૂઆતમાં એવું શું થાય છે કે લોકો અલગ થવા માટે કે પછી લગ્ન તોડવા વિશે વિચારે છે.

બ્રિટનની એક રિલેશનશિપ સપોર્ટ ચેરિટી રિલેટનું કહેવું છે કે 55 ટકા બ્રિટિશ યુવા માને છે કે ક્રિસમસ તથા નવા વર્ષ દરમ્યાન સંબંધોમાં તણાવ તથા થાક બન્ને વધી જાય છે.

રિલેટ સંસ્થાના કાઉન્સલર સિમોન બોસ કહે છે, "કોઈ એવું નથી કહી રહ્યું કે ક્રિસમસ કે પછી નવ વર્ષને કારણે ડિવોર્સ વધી રહ્યા છે."

"જો તમે સમસ્યાનો સામનો કરી રહ્યા હો, તો તમે અનુભવ કરશો કે ક્રિસમસ તથા નવ વર્ષની ઊજવણીનો ભાર, તમારા પરિવારની જવાબદારી અને નાણાકીય સંકટ ખરાબ સંબંધોને બ્રેકિંગ પૉઇન્ટ સુધી પહોંચાડી દે છે."

તમે આ વાંચ્યું કે નહીં?

આ જ કારણે દર વર્ષે જાન્યુઆરીમાં એવા પરિવારોની સંખ્યા વધી રહી છે, જેમાં લોકો એકબીજાથી અલગ થવા માટે આ સંસ્થા પાસે આવતાં હોય.

એ સિવાય બ્રિટનની અદાલતોમાં ક્રિસમસ થી નવવર્ષના પહેલા દિવસ વચ્ચે 455 ઑનલાઇન આવેદન આવ્યા હતાં.

ક્રિસમસના દિવસે 13 આવેદન આવ્યાં હતાં.

એ સિવાય, ડિવોર્સ સપોર્ટ સર્વિસ ઍમિકેબલ પ્રમાણે, એકલા બ્રિટનમાં જાન્યુઆરીના મહિનામાં 40,500 લોકોએ કમ્પ્યૂટર સર્ચ એંજિનમાં ડિવોર્સ સર્ચ કરે છે.

જાન્યુઆરી પહેલાં શું થાય છે

ઍમિકેબલની સહ-સંસથાપક કૅટ ડેલે કહે છે :

''ક્રિસમસ તથા નવા વર્ષની ઊજવણી વચ્ચે નિશ્ચિતપણે લોકોમાં ભાવનાઓનો પ્રવાહ વહી જાય છે અને કપલ્સ ઘણો સમય સાથે વિતાવે છે.''

જોકે, ઘણાં કપલ્સ એવા પણ હોય છે જે પોતાના સંબંધો ખરાબ હોવા છતાં બાળકો તથા પરિવાર માટે છૂટાછેડા નથી લેતા અને સાથે રહે છે.

ત્યારે ઘણાં લોકો એવા પણ હોય છે જે સંબંઘોને સુધારવાની કોશિશ કરે છે.

મોટા ભાગે, બ્રિટનમાં લોકો ક્રિસમસ તથા વર્ષના અંતમાં રજાની તૈયારી કરતા હોય ત્યારે તેઓ આવી કોઈ પણ મુશ્કેલ બાબત વિશે વાત કરવાનું ટાળતા હોય છે.

તેમનો પૂરો પ્રયાસ પરિવાર સાથે ઊજવણી પર ધ્યાન આપવાનો હોય છે.

પણ જો આપનો સંબંધ એક મુશ્કેલી ભરેલા સમયથી પસાર થઈ રહ્યો હોય તો દરરોજના પડકારો, જેમ કે કામના કલાકો, ઘરના કામ તથા બહારની દુનિયા માટે સમય કાઢવા વચ્ચે અસહ્ય તણાવ અનુભવે છે.

એની સાથે જો નાણાકીય સંકટ તથા પરિવારનો તણાવ પણ વધી જાય તો સંબંધો વણસી જાય છે.

(રિલેટના આંકડાઓ પ્રમાણે, પૈસા સંબંધી ચિંતાઓ પરસ્પર સંબંધોને પ્રભાવિત કરવા વાળો નંબર વન કારક છે.)

મહિનાના અંત સુધી લોકોના મનમાં કેવા-કેવા વિચારો આવવા લાગે તે બાબતે ડેલે કહે છે :

"આમાં કોઈ આશ્ચર્ય ન થવો જોઈએ કે લોકો બહુ અસંતુષ્ટ થઈ જાય છે એને છૂટાછેડા વિશે વિચારવા લાગે છે."

"આ માત્ર ક્રિસમસ દરમ્યાન નહીં, પરંતુ કોઈ પણ રજા વખતે મળેલા બ્રેકમાં થઈ શકે છે."

આપને આ પણ વાંચવું ગમશે

આંકડાઓ પ્રમાણે, ઉનાળાની રજાઓ પછી પણ ડિવોર્સ સંબંધી માહિતી શોધવા વાળા લોકોની સંખ્યા વધી જાય છે.

નવા વર્ષની શરૂઆતને ભવિષ્ય સાથે જોડીને જોવાય છે અને લોકો નવી શરૂઆત કરવા સાથે જોડીને જુએ છે.

જો કોઈ ખરાબ સંબંધોથી પસાર થઈ રહ્યું હોય, તો સંભવ છે કે આવનાર 12 મહિનાઓમાં તેઓ આમાંથી બહાર નિકળવા (શારીરિક તથા ભાવનાત્મક રૂપે પણ) વિશે વિચારી શકે છે.

ડેલે કહે છે, ''દુખદ વાત છે કે ઘણાં કપલ્સને લાગે છે કે હવે પાછા ફરવાનો રસ્તો નથી, એટલે તેઓ જેટલી જલ્દી બને તેટલું જલ્દી છૂટાછેડા લેવાનું વિચારે છે.''

ઍમિકેબનના આંકડા મુજબ, 2018ના પહેલાં કામકાજી દિવસે સૌથી વધુ ડિવોર્સ સંબંધી જાણકારી સર્ચ કરવામાં આવી હતી.

આ આંકડા એક રીતે ચેરિટી રિલેટના આંકડાની પુષ્ટિ કરે છે, જેના પ્રમાણે જાન્યુઆરીમાં તેની વેબસાઇટ પર આવનારા લોકોની સંખ્યામાં 58 ટકાનો વધારો થાય છે, જ્યારે ફૉન કોલ્સમાં 13 ટકાનો વધારો થાય છે.

જોકે, આ સંસ્થાઓના સલાહકારો મુજબ, સારી મદદ મળે તો ઘણાં કપલ્સ પોતાનું લગ્નજીવન બચાવી લે છે તથા ઘણાં કપલ્સને જુદાં થવું અતિશય દુખદ પણ નથી લાગતું.

સંબંધોને સાંચવવાના ઉપાયો

બધા સંબંધો સમય અને જાળવણી માગતા હોય છે.

એવામાં જો તમે પરિવાર સાથે રજા પર જવાનું વિચારી રહ્યાં હો તો રિલેટની આ સલાહો પર અમલ કરશો તો કોઈ વિવાદ નહીં થાય.

બજેટ પર સહમતી- આપણાં પાર્ટનરની સાથે બેસીને નિર્ણય કરો કે ક્રિસમસ અથવા તહેવારો કે રજાઓ કઈ પ્રકારે મનાવવા ઇચ્છો છો, પછી ખર્ચા વિશે પણ ચર્ચા કરો.જેટ અંગે પરસ્પર સહમતી સાધો. જો તમે બજેટમાં બચત પર ધ્યાન આપતા હો, તો રજા પર થોડી બાંધછોડ કરવી પડશે.

કામ વહેંચી લેવું- જે પણ કરવાનું હોય તેના પર વાત કરી લો. જેમ કે ગિફ્ટો ખરીદવી, ઘરની સફાઈ અને સાજસજ્જાનું કામ. આ કામમાં પોતાની ક્ષમતા તથા રસ પ્રમાણે વહેંચી લેવું, બાળકોને પણ આ વાત માટે પ્રોત્સાહિત કરો કે તેઓ કયું કામ કરી શકે છે.

સ્વયં તમારા માટે સમય ફાળવો- જ્યારે તમે મોટા પારિવારિક સમૂહ માટે ઘણાં દિવસો વિતાવો છો, તો ધ્યાન રાખો કે તમે થાકી ન જાઓ. છોડો સમય પોતાને માટે પણ ફાળવો, જેથી તમે બીજા સાથે સમય વિતાવી શકો.

સમયનો અભાવ હોય તો સવારે ઉઠીને એકસાથે દોડવા જાઓ, પણ એકબીજા માટે સમય જરૂર ફાળવો. રિલૅક્સ કરવા માટે આ બહુ સારૂં છે.

બરાબરીનું વર્તન કરવું- બની શકે છે કે અમુક સંબંધીઓ તમારા ફૅવરિટ હોય તો તમને એમની સાથે સમય વિતાવવો ગમે છે, અમુક બાળકો કરતાં તમારી બૉડિંગ સારી હશે.પરંતુ પ્રયાસ કરો કે તમે બાકી બધા સાથે પણ સમય વિતાવો અને કોઈની ઉપેક્ષા ન થાય.

જ્યારે અપસેટ થાવ ત્યારે શું કરો- બની શકે કે તમારા પાર્ટનરે એવું કંઈક કર્યું હોય કે તમે અપસેટ થાવ તો એકલામાં વાત કરો. પરિવારના સદસ્યોની સામે વાતને મોટી ન કરો.

બહુ વધારે દારૂ ન પીવો- વ્યક્તિ દારૂ પીને સંતુલન ગુમાવી દે છે. ખાસ કરીને જ્યારે વાતચીતની દિશા બદલી ગઈ હોય. તે પછી કોઈ તમને નારાજ કરી દે. દુર્ભાગ્ય આ છે કે જો તમારો મૂડ ખરાબ હોય તો તમારો જશ્ન ફીકો પડી શકે છે.

સારી રીતે ડિવોર્સ કેવી રીતે લેવા

પાર્ટનર પાસે પરત ફરશો તો અધિક સમય લાગશે- ડિવોર્સની પ્રક્રિયા શરૂ થવાની સાથે તમે એને તમારા પાર્ટનર ભાવનાત્મક રૂપે અલગ-અલગ હોય છે. જેમણે છૂટાછેડા વિશે પહેલાં વિચાર્યું, તે ડિવોર્સની દિશામાં આગળ વધી રહ્યા હોય છે, પરંતુ તેમના પાર્ટનરને આઘાત લાગે છે.

તે જલ્દી માની શકે નહીં તથા ગુસ્સાની સ્થિતિમાં હોય. એવામાં પાર્ટનર સાથે થોડા-થોડા સમય અંતરાળ પર મળવું જોઇએ અને બીજા વિકલ્પો પર વિચારવું જોઈએ.

જેમ કે તમે કોચિંગ અથવા કાઉંસિલરની મદદ લઈ શકો છો.

ભાવનાત્મકબનો- જો તમે બન્ને શરૂઆતથી સમજી જાવ તો સારૂં તથા અપેક્ષાઓ વાસ્તવિકતાની નજીક રહેશે, તો વગર કાયદાકીય પ્રક્રિયા (જે વધારે મોંઘી હોય છે), તેનું જાતે જ સમાધાન કાઢી શક્યા હોત. મોટાભાગે, લગ્નસમયે જે જીવનસ્તર રહ્યું હોય, તે બન્ને માટે જળવાઈ રહે તેવું નથી બનતું.

આ વાતને સમજવી જરૂરી છે, કારણ કે મોટાભાગના લોકો માટે આ આઘાત જેવું હોય છે.

સમય સીમાનું નિર્ધારણ- સામાન્ય રીતે ડિવોર્સ લેવાની પ્રક્રિયા લાંબી થવાને કારણે સમાધાન સુધી પહોંચવું બહુ મુશ્કેલ હોય છે. જે ડિવોર્સ લેવા માંગે છે તે વ્યક્તિ નિરાશ અને નારાજ બન્ને હોય છે. ત્યારે તેમના પાર્ટનર અસમંજસની સ્થિતિમાં મૂકાઈ જાય છે એટલે એટલે ઇમોશન્સ કાબૂ રાખવાની કોશિશ કરવી જોઇએ નહીં તો પ્રક્રિયા લાંબી થતી જાય છે.

સંપત્તિ કેવી રીતે વહેંચવી- નાણાંકીય સમાધાન સુધી પહોંચવા માટે તમારે તમારી સંપત્તિ તથા દેવું બન્નેની પૂર્ણ સૂચિ બનાવી લેવી, તેમના મૂલ્યનું આકલન કરી લેવું જોઈએ. એકબીજા માટે કરેલી નાણાંકીય પ્રતિબદ્ધતા પણ નિભાવી જોઇએ.

વકીલ પાસ ન ભાગવું- ડિવોર્સ લેવાના ઘણાં રસ્તાઓ છે. કાયદાકીય સલાહ લઈને (જે મોટાભાગે મફત મળે છે) પોતાની જાતે ઘણી બાબતોને સેટલ કરવી સૌથી સસ્તી રીત છે.

ભવિષ્ય પર ધ્યાન આપો, અતીત પર નહીં- અતીતની જગ્યાએ ભવિષ્યની વાતો પર ધ્યાન આપો. આપણે આપણાં સામાનને કેવી રીતે વહેંચી શકીએ છીએ, એ સવાલ કરવાને બદલે એ પૂછો કે આપણે ભવિષ્યને કેવી રીતે ખુશહાલ બનાવી શકીએ છીએ?બાળકો હોય તો તેમને ખુશ રાખવા વિશે ચર્ચા કરે. અતીતની વાતો પર પોતાનો સમય, ઊર્જા તથા પૈસા કંઈ પણ ખર્ચ ન કરો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો