મોદીએ ખરેખર પોતાના ઇન્ટરવ્યૂમાં 2019 માટે શું સંદેશ આપ્યો?

    • લેેખક, અજય ઉમટ
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી માસ્ટર કૉમ્યુનિકેશન છે. મોદીના ટાઇમિંગની સેન્સ પરફેક્ટ હોય છે.

લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ પડવાને માંડ 70 દિવસનો સમય બાકી છે.

સંસદનું શિયાળું સત્ર ધાંધલ-ધમાલમાં અભેરાઈએ ચડવાનું છે ત્યારે સમગ્ર રાષ્ટ્રને ખાસ કરીને ભાજપ અને ભગિની સંસ્થાઓને ચૂંટણી એજન્ડાથી વાકેફ કરવા માટે વડા પ્રધાન મોદીએ એક એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂનો સહારો લીધો છે.

દિલ્હીના પત્રકારો ન્યૂ-યરની ઉજવણીના હૅન્ગ-ઓવરમાંથી બહાર આવે એ પહેલાં જ મોદીએ પ્રાયોજિત ઇન્ટરવ્યૂની જાહેરાત કરી વર્ષ-2019ના પ્રથમ દિવસે જ ટીવી ચેનલોની ટીઆરપી અને આજના અખબારોની હેડલાઇન્સ પર કબજો જમાવી દીધો.

વડા પ્રધાન મોદીએ લગભગ એક ડઝન જેટલા મુદ્દાઓ પર પોતાના 'મનની વાત' મમળાવીને મૂકી.

રામમંદિરથી માંડીને રફાલ સુધીના મુદ્દાઓ પર સ્પષ્ટતા કરી.

આપને આ પણ વાંચવું ગમશે

પ્રકૃતિથી વિરુદ્ધ અત્યંત વિનમ્ર દેખાયા મોદી

95 મિનિટના મોદીના આ ઇન્ટરવ્યૂને કૉંગ્રેસ અને વિપક્ષો ભલે મૉનો-ઍક્ટિંગ કે મૅચ-ફિક્સિંગ ઇન્ટરવ્યૂ કહે પણ તેમાં બે બાબત ઊડીને આંખે વળગે છે.

એક તો સમગ્ર ઇન્ટરવ્યૂ દરમિયાન મોદી પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ અત્યંત વિનમ્રતાથી વર્તી રહ્યા હતા.

બીજી બાબત એ હતી અકળાવનારા પ્રશ્નો તેમણે સલૂકાઈથી સાંભળી લીધા.

દા.ત. 'ચોકીદાર ચોર છે,' 'મોદી લહેર અને મોદીનો જાદુ ઓસરી રહ્યો છે,' 'મોદી અને અમિત શાહ હવે અજેય રહ્યા નથી,'

'ચીનના રાષ્ટ્રપતિને ગુજરાતમાં રિવરફ્રન્ટ તીરે અછોવાનાં કરી આતિથ્યભાવ દર્શાવ્યો છતાં ડોકલામમાં ચીને દોંગાઈ કરી,' 'આગામી લોકસભામાં ભાજપને સ્પષ્ટ બહુમતી નહીં મળે તો?'

સામાન્ય રીતે પત્રકાર પરિષદ અને મુક્ત ઇન્ટરવ્યૂથી મુક્ત રહેવાનું મોદી મુનાસિબ માને છે.

જોકે, સોમવારે સાંજે મોદીએ કરેલા ખુલાસાઓ ક્યારેક સંઘને અને મહદ્અંશે કૉંગ્રેસને અણગમતા હોવા છતાં મોદીએ પોતાની વાત અસરકારક રીતે કરી હતી.

સૌપ્રથમ તો મોદી રામમંદિર મુદ્દે પોતાની સરકારનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે સુપ્રીમ કોર્ટ સુપ્રીમ છે.

જ્યાં સુધી સુપ્રીમનો ચુકાદો ન આવે ત્યાં સુધી સંસદના વર્તમાન સત્રમાં કાયદો લાવવાની કે પ્રાઇવેટ બિલ પસાર કરાવવાની વાતનો મોદીએ છેદ ઉડાવી દીધો.

ચુકાદો ન આવે ત્યાં સુધી અધ્યાદેશ લાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, એવો ઈશારો કરતાં કહ્યું કે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં સાફ કહ્યું હતું કે 'બંધારણની મર્યાદામાં રહીને જ રામમંદિર-નિર્માણનો ઉકેલ આવશે.'

સંઘને આ વાત કદાચ મંજૂર નહીં હોય પરંતુ મોદી પોતાના વલણમાં દૃઢતા દર્શાવી રહ્યા હતા.

ટ્રિપલ તલાકના મુદ્દે મોદીએ કહ્યું કે પાકિસ્તાન સહિત ઇસ્લામિક રાષ્ટ્રોમાં હવે ટ્રિપલ તલાકની પ્રથા પ્રચલિત નથી.

ત્યારે ભારતીય બંધારણ અનુસાર સ્ત્રીને સમાનતાનો અધિકાર છે અને માટે જ ટ્રિપલ તલાક આ દેશમાં અનિવાર્ય છે.

જેથી, મુસ્લિમ મહિલાઓનું શોષણ ન થાય. બલકે, સશક્તિકરણ થાય.

જોકે, સબરીમાલાના પ્રશ્ને મોદીએ કહ્યું હતું કે આ મુદ્દો ધાર્મિક પરંપરા અને આસ્થાને લગતો છે. જેનું સદીઓથી પાલન થઈ રહ્યું છે.

માટે ધાર્મિક આસ્થાના મુદ્દે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા અમે તૈયાર નથી.

મોદીનો ઈશારો સ્પષ્ટ છે કે મુસ્લિમ મતોમાં પ્રગતિશીલ મુસ્લિમ મહિલાઓના મતોનું ભાજપ તરફી ધ્રુવીકરણ થઈ શકે.

જ્યારે સબરીમાલા મુદ્દે હિંદુત્વની મતબૅંક મજબૂત બનાવવા ઉપરાંત કેરળમાં ભાજપનો પગ પેસારો કરાવવાનો પ્રયાસ વર્તાઈ રહ્યો છે.

આપને આ પણ વાંચવું ગમશે

રાફેલ મુદ્દે વડા પ્રધાન મોદી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે.

એક ઉદ્યોગપતિની તરફદારી થઈ છે- એ મતલબના પ્રશ્નો પર ભાર મૂકીને સ્પષ્ટતા કરતાં મોદી કહે છે કે રાફેલ અંગે જે કંઈ આક્ષેપો છે તે મારી પર વ્યક્તિગત નથી પરંતુ સરકાર પર છે.

જો મારી સામે વ્યક્તિગત આક્ષેપ હોય તો તેની તપાસ થઈ શકે છે પરંતુ કૉંગ્રેસ અને વિપક્ષ તથ્યો આધારિત ચર્ચા કરવાને બદલે આક્ષેપબાજી કરી રહ્યા છે.

આ મુદ્દે સંસદથી માંડી ચૂંટણી સભાઓમાં પોતે વિગતે સ્પષ્ટતા કરી છે અને સુપ્રીમ કોર્ટે આ મામલો ક્લિયર કર્યો છે ત્યારે હવે આ મુદ્દે ચર્ચા અર્થહીન છે.

એ વાત મોદી કરતા હતા ત્યારે તેઓને પ્રતીતિ હતી કે મંગળવારે આ મામલો સુપ્રીમ કોર્ટની કરેક્શન પીટિશનના માધ્યમથી આવી શકે છે.

પ્રશાંત ભૂષણ, અરુણ શૌરી આણીમંડળી આ મુદ્દો ઉઠાવે એવી શક્યતા નકારાતી નહોતી.

ટૂંકમાં, મોદીએ રફાલ મુદ્દે સુપ્રીમમાં કાંઈ યૂ-ટર્ન આવે એ પહેલાં જ પારોઢનાં પગલાં ભરી લીધાં હતાં.

વિદેશ યાત્રા પર શું બોલ્યા મોદી?

વડા પ્રધાન મોદી પ્રચૂરમાત્રામાં વિદેશ પ્રવાસ કરે છે - એ મતલબના આક્ષેપો થાય છે.

આ મુદ્દે સ્પષ્ટતા કરતાં મોદીએ કહ્યું હતું કે વિદેશમાં ભારતની વાત સંભળાતી નથી એવી વાત અગાઉ થતી હતી.

સાથોસાથ વિદેશમાં ફોરમની સંખ્યા પણ વધી છે.

આ સંજોગોમાં વિદેશમાં વડા પ્રધાનકક્ષાની વ્યક્તિ જાય તો ભારતની વાતને વજનદાર રીતે રજૂ કરી શકાય.

એટલા માટે ક્યારેક એક દેશના પ્રવાસે જઉં છું તો સાથોસાથ બીજા બે-ત્રણ રાષ્ટ્રો પણ કવર કરું છું. જેથી, નાણાં અને સમય બન્નેનો સંચય થાય છે.

અગાઉ, જે વડા પ્રધાનો જતા હતા તેની ક્યારેક તો નોંધ પણ લેવાતી - આ વિધાન દાઢમાં બોલીને મોદીએ પોતાની વિદેશયાત્રાનો બચાવ પણ કર્યો હતો અને સાથોસાથ વિદેશ નીતિ અસરદાર રહી હોવાનો ઉલ્લેખ પણ કર્યો.

દેવાંમાફીની લોલીપોપ

મોદી સરકાર ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ નથી લાવતી - એ અંગે કૉંગ્રેસને આડે હાથ લેતાં મોદીએ કહ્યું હતું કે દેવાંમાફી એ કંઈ અંતિમ ઉપાય નથી.

તેમણે કહ્યું કે હકીકતમાં દેવાંમાફીથી કેટલાં ખેડૂતોને ફાયદો થયો? એનો અભ્યાસ થવો જોઈએ.

બૅન્કોના વ્યાજદરની માફીનો લાભ બૅન્ક લોન લેવા સક્ષમ ખેડૂતોને જ મળે છે.

જ્યારે ગરીબ ખેડૂતો આજે પણ શાહુકારને ત્યાંથી વ્યાજે રૂપિયા લે છે અને આ પ્રકારના ખેડૂતોને જ આપઘાત કરવાનો વારો આવે છે.

દેશમાં ચૂંટણી ટાણે અવાર-નવાર ખેડૂતોનાં દેવાં માફ થાય છે છતાં ખેડૂતોની હાલત શા માટે સુધરતી નથી?

આપને આ પણ વાંચવું ગમશે

એ મુદ્દો ઉઠાવતાં મોદીએ કહ્યું હતું કે વર્ષ-2007માં સ્વામિનાથન સમિતિનો અહેવાલ આવ્યો ત્યારથી જ જો ખેડૂતોને ટેકાના ભાવ મળતા થયા હોત તો આજે ખેડૂત સમસ્યા ન હોત.

ટૂંકમાં, આવનારા દિવસોમાં ખેડૂતોને સીધી દેવામાફીનો પરોક્ષ રીતે ઇનકાર કરતાં મોદીએ સૂચવ્યું છે કે કિસાનોને બીજથી બજાર તક શી રીતે મદદરૂપ થઈ શકાય?

અથવા તો ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કરાવી શકાય? એ મુદ્દે સરકાર નક્કર પગલાં લેશે પરંતુ દેવાંમાફીની લોલીપોપમાં મોદી પડે એવી શક્યતા દેખાતી નથી.

ગઠબંધન બનામ જનતા જનાર્દન

મોદી લહેર ઓસરી રહી છે? મોદી મેજિક ઘટી ગયું છે? ત્રણ રાજ્યોમાં ભાજપનો પરાજય શી રીતે થયો?

એ અંગે જોરદાર બચાવનામું રજૂ કરતાં મોદી કહે છે કે છત્તીસગઢનો પરાજય સ્વીકાર્ય છે પરંતુ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તો હંગ ઍસેમ્બલી આવી છે.

સાથોસાથ પૂર્વોત્તરથી માંડીને હરિયાણા, જમ્મુ-કાશ્મીર વગેરે રાજ્યોમાં ભાજપને સફળતા મળી છે.

ટૂંકમાં, ગઠબંધનના રાજકારણ સામે જનતા જનાર્દનની લડાઈ વર્ષ-2019માં જોવા મળશે એમ કહી ગુજરાત મૉડલનો પરોક્ષ રીતે પુનરોચ્ચાર મોદીએ કર્યો છે.

મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે કેન્દ્ર સામેની લડાઈમાં હંમેશાં ગુજરાતને અન્યાય, ગુજરાતને તમાચો, ગુજરાતની અસ્મિતા, ગુજરાત વિરુદ્ધ કેન્દ્ર - એ પ્રકારનું નેરેટિવ ચલાવતા હતા.

હવે મોદી જનતા જનાર્દન (યાને ભાજપ વિરુદ્ધ) મહાગઠબંધનની ફૉર્મ્યુલા પ્રચલિત કરવા માગે છે.

ત્રણ રાજ્યોમાં પરાજયની જવાબદારી સ્વીકારવાના મુદ્દે મોદી સહેજ પલાયનવાદ આચરીને કહે છે કે 'મોદી અને અમિત શાહ ભાજપ નથી ચલાવતા પરંતુ ભાજપના લાખો કાર્યકર્તા આ પાર્ટીને ચલાવે છે.'

મોદીના શાસનમાં સીબીઆઈથી માંડીને સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થાઓની સ્વાયત્તતા અંગેનું બચાવનામું હોય કે ગાંધી પરિવાર સામે કાર્યવાહીનો મામલો હોય એકંદરે મોદીની ઇન્ટરવ્યૂરૂપી કવાયતમાં કહેવાયું છે કે સોહરાબુદ્દીનના મામલે અમિત શાહ સામે રાજકીય કિન્નાખોરી રાખીને ખટલો ચલાવાયો હતો ત્યારે મોદી સરકારે જીજાજી કે ગાંધી પરિવાર સામે કોઈ દ્વેષભાવથી કાર્યવાહી કરી નથી.

કાયદો કાયદાનું કામ કરશે એવો સૂર મોદીએ દર્શાવ્યો છે.

કૉંગ્રેસ ભલે મોદી આ ઇન્ટરવ્યૂને પેરોડી સમાન દર્શાવતા કહે કે નોટબંધી, જીએસટી, બૅન્ક કૌભાંડ, 15 લાખનાં ચૂંટણી વચનો, બેકારી કે અચ્છે દિનના જવાબો મોદીએ ટાળ્યા છે, પરંતુ અંતતોગત્વા જોઈએ તો વર્ષ-2019ની ચૂંટણી પહેલાં પાર્ટીનો ચૂંટણી એજન્ડા 'સેટ' કરવા અને પોતાની સાફ-બેદાગ ઇમેજનું બિલ્ડિંગ કરવા મોદીએ જોરદાર કવાયત આદરી છે, જે મહદ્અંશે સફળ પણ નીવડી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો