નવા વર્ષે પોલીસ તપાસ માટે તમને અટકાવે એ પહેલાં જાણો તમારા અધિકાર

    • લેેખક, સમીના શેખ
    • પદ, બીબીસી ગુજરાતી

નવા વર્ષને આવકારવાનો સમય આવે ને ગુજરાતના મોટાભાગના શહેરોમાં પોલીસ તપાસ શરૂ થઈ જાય છે. નશાબંધીનું પાલન તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ આખી રાત ખડે પગે હોય છે.

સ્વાભાવિક રીતે જ્યારે પોલીસ ગાડી ચકાસવા કે દારૂનું સેવન તો નથી કર્યું એ ચકાસવા લોકોને ઊભા રાખે, ત્યારે લોકો ભયભીત થઈ જાય છે. જેણે કાયદો તોડ્યો હોય તે ભયભીત થાય એ તો જાણે કે સમજાય એવી વાત છે પણ કાયદાનું પાલન કરનારા સામાન્ય નાગરિકો પણ જાણકારીને અભાવે ભયભીત થતા હોય છે.

પરંતુ એવા સમયે ધીરજ દાખવી, આ નીડરતાથી અમુક બાબતોને ધ્યાનમાં લેશો અને પોલીસને સહકાર આપશો તો કેટલીક સતામણીમાંથી બચી શકાશે.

યુવતીઓ અને અટકાયત

આ મુદ્દે બીબીસી ગુજરાતીની વાતચીત ગુજરાત હાઈકોર્ટના વકીલ મીના જકતાપ સાથે થઈ.

તેમણે યુવતીઓના કેટલાક અધિકારો જણાવ્યા, જે આ પ્રમાણે છે.

'ફોજદારી કાર્યરીતિ, 1973 સેક્શન 51 પ્રમાણે, જો મહિલા પોલીસ ફરજ પર હોય તો અને તો જ મહિલાઓની તપાસ કે પૂછપરછ શક્ય છે.'

કોઈ મહિલાની સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ધરપકડ કરી ન શકાય.

સિવાય કે મહિલા પોલીસ સ્થળ પર હાજર હોય અને એમની પાસે લેખિત મંજૂરી હોય.

અમદાવાદ સ્થિત વકીલ કાજલ બાબરિયાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "ઘણી વખતે રાત્રે પોલીસ તપાસમાં ડ્યૂટી પર તહેનાત પોલીસ ગાડીમાંથી બધાને બહાર નીકળવાની ચેતવણી આપે તો પણ મહિલા પાસે અધિકાર છે કે એ પોતાની સુરક્ષા હેતુસર નકારી કાઢે."

"એવો કોઈ દાખલો જેમાં મહિલાઓ એકલી મુસાફરી કરતી હોય અને જો એમને રોકવામાં આવે તો માત્ર બહારથી જ પૂછપરછ કરવાની છૂટ છે, નીચે ઉતરવા કોઈ દબાણ ન કરી શકે."

પોલીસનું આઈડી કાર્ડ

ગુજરાતમાં નકલી પોલીસ દ્વારા તપાસના નામે થતી લૂંટ પણ એક ગંભીર મુદ્દો છે.

પોલીસ જાતે જ કહેતી હોય છે કે દરેક પોલીસ ઑફિસરને એમનાં નામ અને બૅજ નંબર હંમેશાં સાથે જ રાખવાના હોય છે.

છતાં પણ જો કોઈ પોલીસ કર્મચારી પર શંકા જાય તો કોઈ પણ નાગરિક આઈડી (ઓળખપત્ર)ની જોવા માગી શકે છે.

દિલ્હી સ્થિત સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ રાજી જોસેફના જણાવ્યા પ્રમાણે, "જો કોઈ અધિકારી આઈડી કાર્ડ બતાવવાની ના પાડે તો એ કાયદાનું ઉલ્લંઘન છે અને સજાપાત્ર ગુનો છે."

તમે આ વાંચ્યું કે નહીં?

પૈસા પડાવવાના હેતુસર અથવા યુવાનોને પજવવા હેતુસર જો કોઈ નકલી પોલીસ ન્યૂયર પાર્ટી બાદ તપાસ આચરે તો એમના આઈડી કાર્ડ માગી શકાય.

આત્મવિશ્વાસ સાથે આગળ ફરિયાદ કરવાની વાત કરવાથી હકીકત પણ ખબર પડી શકે.

રાજી જોસેફ આગળ ઉમેરે છે, "જો પોલીસ ઑફિસર પોતાના આઈડી કાર્ડ આપવાનો ઇન્કાર કરે ત્યારે નાગરિકને પણ સત્તા છે કે પોતાનાં ડૉક્યુમૅન્ટ ન આપે અને 100 નંબર પર ઘટનાની જાણ કરી કાયદાકીય પગલાં પણ લે."

ટ્રાફિકનાં ચલાન પરની બાબતો

ટ્રાફિકના ચલાન અંગે આ બાબતોનું અચૂક ધ્યાન રાખવું.

  • જ્યાં ગુનાની ટ્રાયલ થવાની છે એ કોર્ટનું નામ અને સરનામું.
  • ગુનાની વિગત
  • ટ્રાયલ માટેની તારીખ
  • વાહનની વિગત
  • ગુનો કરનારનું નામ અને સરનામું
  • જે અધિકારીએ કાર્યવાહી કરી એમનું નામ અને સહી
  • જે ડૉક્યુમૅન્ટ તપાસ્યા એની વિગત.

હંમેશાં યાદ રાખવા લાયક જોગવાઈઓ

  • જો કોઈ પોલીસ અધિકારી જો ફરિયાદ લખવાની ના પાડે તો એમને 6 મહિનાથી 2 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.
  • જાહેરમાં અશ્લીલ વર્તન બદલ આઇપીસી સેક્શન 294 અંતર્ગત 3 મહિના સુધી સજાની જોગવાઈ છે. પરંતુ જાહેર જગ્યાએ કેવા પ્રકારની અને કેટલી અશ્લીલતા હોય તો એ ગુનાપાત્ર કહેવાય એનો ચોક્સપણે ઉલ્લેખ નથી.
  • ભારતીય સરાઇસ એક્ટ 1867 પ્રમાણે કોઈ પણ વ્યક્તિ પોતાના રસ્તે આવતી હોટલનાં ટૉઇલેટ-બાથરૂમ કે પીવાનાં પાણીની સેવાનો ઉપયોગ વિનામૂલ્યે કરી શકે છે.
  • મહિલાને કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે જો પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે તો 'ક્રિમિનલ પ્રોસિજર કોડ'ની સેક્શન 160 અંતર્ગત તેઓ મનાઈ કરી શકે છે. અને ચાહે તો પોતાનાં ઘરે મહિલા પોલીસની તથા પરિવારની હાજરીમાં વાતચીત કરવા બોલાવી શકે છે.
  • જો કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, તો પ્રથમ કયા ગુના અને કાયદા હેઠળ ધરપકડ કરાઈ છે એ પૂછવાનો અધિકાર છે. ઉપરાંત એમની ધરપકડના 24 કલાકની અંદર-અંદર એમને મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા ફરજીયાત છે.

આ સિવાય વકીલ મીના જગતાપે કહ્યું, 'અપરિણીત જોડીઓ જે માત્ર પ્રેમમાં છે પરંતુ કોઈ કાયદાકીય સંબંધમાં નથી, એમને કોઈ પોલીસ હેરાન કરી શકે નહીં, રાઇટ ટુ પ્રાઇવસિ એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે.'

'આપણે ત્યાં સામાન્ય રીતે નિયમો, કાયદા, અધિકારો અને મર્યાદાઓ વિશે લોકો જાણતા નથી હોતા એટલે વધારે પરેશાન થાય છે.'

'રોજબરોજના સાધારણ જીવનમાં વપરાતી કલમો અને અધિકારો યાદ રાખી લેવાથી પોતાને અને અન્યોને જાગૃત કરી શકાય છે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો