You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક તરફ મોત અને બીજી તરફ જીવન : આ રીતે થયો ફાંસીને માંચડે બાળકનો જન્મ
- લેેખક, શુરૈહ નિયાઝી
- પદ, ભોપાલથી, બીબીસી ગુજરાતી માટે
એક તરફ મોતને અને બીજી તરફ જન્મની જવલ્લે જ બને એવી ઘટના મધ્ય પ્રદેશના કટનીમાં બની છે, જેમાં એક મહિલાએ આત્મહત્યા દરમિયાન બાળકને જન્મ આપ્યાનો મામલો સામે આવ્યો છે.
આ ઘટનામાં ગળે ફાંસો ખાનાર મહિલાનું મોત થયું છે, પરંતુ બાળકની હાલત હાલ સારી છે.
આ ઘટના ગુરુવારે શહેરની ખિરહની પોલીસ ચોકીના વિસ્તારમાં બની હતી. લક્ષ્મી સિંહ નામની મહિલાએ અજ્ઞાત કારણોથી ગળે ફાંસો ખાઈ લીધો હતો અને ફાંસીને માચડે જ પ્રસવ થતા બાળકનો જન્મ થયો હતો.
બાળક નાળથી માતા સાથે જોડાયેલું જોઈને પરિવારજનોએ તાત્કાલિક પોલીસ અને દવાખાનાનો સંપર્ક કર્યો હતો.
મૃત્યુ પામનાર મહિલાને નવજાત બાળક સાથે જ દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં. નાળ કાપીને બાળકને આઈ.સી.યૂ.માં ભરતી કરવામાં આવ્યું હતું, જેના લીધે બાળકની હાલતમાં સુધારો આવ્યો હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
ઇમરજન્સી ઍમ્બ્યુલન્સ સેવા સાથે સંકળાયેલા ડૉ. માખનલાલ સેને બીબીસીને કહ્યું "એક મહિલાએ ફાંસી લગાવી લીધેલી છે અને બાળક ફસાયેલું છે એવો સંદેશો અમારી પર આવ્યો."
"અમે ત્યાં પહોંચ્યા ત્યારે મહિલાનો પ્રસવ થઈ ગયેલો હતો અને બાળક નાળમાં ફસાયેલુ હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમે તરત બાળકને માતાથી અલગ કર્યું. બાળકની હાલત ગંભીર હતી એટલે તાકીદે આઈ.સી.યૂ.માં દાખલ કરવામાં આવ્યું અને હવે એ ઠીક છે."
કટની સિવિલ હૉસ્પિટલનાં સર્જન ડૉ. યશવંત શર્માએ આ ઘટના અંગે કહ્યું "મહિલા નવ માસથી ગર્ભવતી હતાં. બાળકનું વજન આશરે બે કિલો હતું. જ્યારે મહિલાએ ફાંસીને માંચડે ઝૂલ્યાં ત્યારે ગુરુત્વાકર્ષણને લીધે બાળક નીચે આવી ગયું."
ડૉ. યશવંત શર્મા ઉમેરે છે "જ્યારે આપણે જીવિત હોઈએ છીએ ત્યારે અનેક બાબતોને રોકી રાખીએ છીએ, પરંતુ મોત બાદ તેના પર અંકુશ રહેતો નથી. આ કેસમાં એવું થયું કે જયારે એ મહિલા ફાંસી પર ઝૂલ્યાં તો બાળક નીચે આવી ગયું અને બહાર આવી ગયું."
આત્મહત્યાનું કારણ અકળ
મહિલાના પતિ સંતોષ સિંહનું કહેવું છે કે એમના પરિવારમાં બધુ બરાબર ચાલી રહ્યું હતું.
તેઓ કહે છે, "પરિવાર જમીને સુઈ ગયો. હું, સવારે છ વાગ્યે જાગ્યો તો એ દેખાયાં નહીં."
સંતોષ સિંહે કહ્યું "એ વખતે બાકીનાં બાળકો પણ ઊંઘી રહ્યાં હતાં. પહેલાં મે મારી પત્નીને જોઈ પણ તે ન દેખાતાં હું ગાય બાંધવાની જગ્યાએ ગયો."
આ સ્થળે જ એમનાં પત્ની લટકતી હાલતમાં જોવા મળ્યાં અને બાળક પણ પેટમાંથી નીકળીને નાળથી લટકતું જોવા મળ્યું.
સંતોષ સિંહે કાગારોળ કરતા આસપાસના લોકો આવી ગયા અને એમણે પોલીસ અને દવાખાને જાણ કરી.
સંતોષ સિંહને ચાર બાળકો છે. જેમાં, બે દીકરીઓ અને બે દીકરા છે. મહિલાના ભાઈ અજમેરસિંહે પણ કહ્યું કે "એમને આત્મહત્યાનું કારણ ખબર નથી."
કટનીના એસ.પી. વિવેક કુમાર લાલે જણાવ્યું, "આ પ્રકરણમાં ખરેખર શું બન્યું એની તપાસ ચાલી રહી છે. મહિલાનું મોત થયું છે પણ બાળકની હાલત સામાન્ય છે. પોલીસ મહિલાની મોતની તપાસ કરી રહી છે અને આત્મહત્યાનું કારણ શોધી રહી છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો