ભાજપની હાર માટે અનામત પર આપેલાં નિવેદનો જવાબદાર નથી?

    • લેેખક, ગિરિજાશંકર
    • પદ, રાજકીય વિશ્લેષક, બીબીસી હિંદી

ગયા સપ્તાહમાં આવેલાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશની વિધાનસભા ચૂંટણીનાં પરિણામોની સાથે જ દેશની રાજનીતિમાં કૉંગ્રેસના પુનર્જીવનની શરૂઆત થઈ ગઈ છે.

ત્રણે રાજ્યોમાં ભાજપે સત્તા ગુમાવી છે પણ આ ત્રણે રાજ્યોમાં ભાજપની હારનાં કારણો અલગ-અલગ છે.

કૉંગ્રેસ ખેડૂતોની દેવામાફીની જાહેરાતને પોતાની જીતનું કારણ ગણાવે છે, પણ ભાજપની હારનાં કારણો અલગ-અલગ છે.

છત્તીસગઢમાં ભાજપનો બિલકુલ સાફ થઈ ગયો, તો મધ્ય પ્રદેશમાં ભાજપ સરકાર બનાવવામાં માત્ર સાત બેઠકો માટે પાછળ રહી ગયો.

રાજસ્થાનમાં ભાજપનું અપેક્ષા કરતાં સારું પરિણામ

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં છેલ્લાં 15 વર્ષથી ભાજપની સરકાર હતી.

શિવરાજસિંહ ચૌહાણ 13 વર્ષથી અને ડૉ. રમણસિંહ 15 વર્ષથી મુખ્ય મંત્રી હતા.

છત્તીસગઢ ચૂંટણી પરિણામમાં ડૉ. રમણસિંહના નેતૃત્વનો અસ્વીકાર દેખાય છે.

જ્યારે મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહની લોકપ્રિયતા આજે પણ એટલી જ છે, જેનાં કારણે તેમને કૉંગ્રેસની 114 બેઠકો સામે 109 બેઠકો મળી છે અને તેમને વ્યક્તિગત રીતે કૉંગ્રેસ કરતાં વધુ બેઠકો મળી છે.

મધ્ય પ્રદેશમાં બે વર્ષ પહેલાં સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામતના સરકારી નિયમને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો અને વર્ષ 2002થી 2016 સુધી થયેલાં પ્રમોશનને રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો.

ત્યારે રાજ્ય સરકાર આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરેલી.

મુખ્ય મંત્રી શિવરાજસિંહે કહેલું કે, "કોઈ માનો લાલ અનામત દૂર નહીં કરી શકે."

જ્યારે એસસી-એસટીના કાયદા પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો, ત્યારે મધ્ય પ્રદેશના ચંબલમાં હિંસક આંદોલનો થયાં. તેમાં પાંચ-છ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા.

ત્યારબાદ સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને પડકારતું સંશોધન વિધેયક સંસદમાં રજૂ કરવામાં આવ્યું.

આ બંને ઘટનાઓના કારણે સામાન્ય અને અનામત બંને વર્ગ નારાજ થયા.

એવું માનવામાં આવે છે કે શિવરાજસિંહનું આ 'મા ના લાલ' વાળું નિવેદન ભાજપની હારનું કારણ બન્યું.

જોકે, આ ધારણા માટે કોઈ સાબિતી નથી મળતી.

મધ્ય પ્રદેશની ચૂંટણીનાં પરિણામો જોઈએ તો, ચંબલમાં ભાજપનો સફાયો થઈ ગયો તો વિંધ્યમાં ભાજપે ક્લિનસ્વીપ કર્યું.

અનામતના મુદ્દાની આ બે વિસ્તારો પર સૌથી વધુ અસર પડેલી પણ આ બંને વિસ્તારોનાં પરસ્પર વિરોધી પરિણામોથી ખ્યાલ આવે છે કે અનામત એ હારનું કારણ નથી.

અનામતનો મુદ્દો હોય કે ખેડૂતોની દેવાં માફી કોઈ પણ મુદ્દો આ ત્રણે રાજ્યોની ચૂંટણી પર એક સરખી અસર કરી શક્યો નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

આથી ત્રણેય રાજ્યોમાં ભાજપની હારનાં કારણોમાં ઘણું અંતર છે.

ત્રણે રાજ્યોમાં ભાજપની હારનાં અલગ-અલગ કારણો છે.

દરેક રાજકીય પક્ષો વિવિધ રાજ્યોમાં પોતાની હાર અને જીત માટે પોતાની અનુકૂળતા મુજબ અલગ-અલગ કારણો આપી રહ્યા છે, જે વાસ્તવિકતાથી વિપરીત છે.

મધ્ય પ્રદેશમાં ભાજપની અયોગ્ય ઉમેદવારની પસંદગી અને અવ્યવસ્થા છતાં મુખ્ય મંત્રી શિવરાજસિંહની લોકપ્રિયતાને કારણે ભાજપ જીતની નજીક પહોંચીને પણ હારી ગયો.

જ્યારે છત્તીસગઢમાં મુખ્ય મંત્રી રમનસિંહની ઘટતી લોકપ્રિયતા અને કામગીરીનું પરિણામ ભાજપે ભોગવવું પડ્યું.

રાજસ્થાનમાં મુખ્ય મંત્રી વસુંધરા રાજે લોકપ્રિય ન હોવા છતાં ચૂંટણીના આયોજન અને વ્યવસ્થાના કારણે પાર્ટીને છત્તીસગઢની સરખામણીએ વધારે બેઠકો મળી શકી.

ત્રણેય રાજ્યોમાં મુખ્ય મંત્રી જ ચૂંટણીનો મુખ્ય મુદ્દો બની ચૂક્યા હતા.

જો વડા પ્રધાન નરેદ્ર મોદીની ઘટતી લોકપ્રિયતાનો સવાલ હોય તો તેના માટે કોઈ વૈજ્ઞાનિક આધાર પુરાવા મળતા નથી.

છતાં ત્રણેય રાજ્યોમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની ધૂંઆધાર સભાઓ અને રેલીઓ ભાજપને હારમાંથી ઉગારી શકી નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો