એક સમયે પાસના સૈનિકો ગણાતાં પાટીદાર નેતાઓ આજે ક્યાં છે?

ઇમેજ સ્રોત, HardiPatel/Facebook
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, સંવાદદાતા, બીબીસી ગુજરાતી
સુરતના પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા તાજેતરમાં જ જેલમાંથી મુક્ત થયા છે. હવે એવી ચર્ચા ચાલી રહી છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)નો કાર્યભાર તેઓ અને તેમની નવી ટીમ સંભાળી શકે છે.
અલ્પેશને સુકાની બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી હોવાના અહેવાલો આવી રહ્યા છે.
પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી પાસમાંથી અનેક નવા નેતાઓ આવ્યા હતા.
જોકે, અનેક નેતાઓ હાર્દિક પટેલની સાથે ન રહ્યા અને પાસ છોડીને ભાજપ કે કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે.
2013માં વિસનગરની નાની સભાઓથી પટેલ સમાજના યુવાનોને ભેગા કરીને 2015માં પાસની રચના કરવામાં આવી હતી.
તે વખતે, હાર્દિક સહિત 10 જેટલા લોકો ચળવળના માણસો ગણાતા હતા અને આંદોલનને વેગ આપી રહ્યા હતા.
ઑગસ્ટ 2015ની અમદાવાદના GMDCમાં થયેલી રેલી બાદ પાટીદાર અનામતને વેગ મળ્યો અને બીજા તમામ નેતાઓથી ઉપર હાર્દિક પટેલ આ આંદોલનનો ચહેરો બની ગયા હતા.
બીબીસીઓ જાણવાનો પ્રયાસ કર્યો કે તે સમય પાસના સૈનિકો ગણાતા એ પાટીદાર નેતાઓ અત્યારે ક્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

રેશ્મા પટેલ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
પાટીદાર અનામત આંદોલનનો મહિલા ચહેરો એટલે રેશ્મા પટેલ.
2015ની પાટીદાર અનામત આંદોલનની રેલી પછીના પોલીસ સાથેના સંઘર્ષો અને તોફાનોને કારણે હાર્દિક પટેલ સહિત અનેક પાટીદાર નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા હતા.
તેમને છોડાવવા માટે પોતાનાં જ ઘરમાં 21 દિવસના ઉપવાસ કરીને રેશ્મા પટેલે પાસમાં જગ્યા મેળવી લીધી હતી.
પાસના મુખ્ય નેતાઓમાં તેમની ગણતરી થતી હતી. પાસના આંદોલનને લઈ તેઓ પોતે પણ એક મહિનો જેલમાં રહ્યાં છે.
જોકે, 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલાં જ તેઓ અને પાસના બીજા નેતાઓ ભાજપમાં જોડાઈ ગયાં હતાં.

તમે આ વાંચ્યું કે નહીં?

ઇમેજ સ્રોત, PRESS TRUST OF INDIA
હાલમાં તેઓ ભાજપમાં રહીને કામ કરી રહ્યાં છે, પરંતુ પાટીદારો માટે ભાજપની નીતિઓથી પણ તેઓ બહુ ખુશ હોય તેવું લાગતું નથી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા રેશ્મા કહે છે કે, "ભાજપ સરકારે વાયદો કર્યો હતો કે તેઓ શહીદ પાટીદાર પરિવારોના સભ્યોને નોકરી આપશે, તેમજ કોર્ટમાં ટકી શકે તેવી અનામતન માટેની કોઈ જોગવાઈ કરી નથી."
તેમણે વધુમાં કહ્યું હતું કે પાટીદાર સમાજના લોકો સાથે હું કામ કરતી હતી અને કામ કરતી રહીશ.
જોકે, થોડા સમય પહેલાં જ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ ભાજપ માટે આવનારી લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરશે નહીં.
પાટીદાર સમાજના લોકોએ તેમની અને તેમની સાથે રહેલા વરુણ પટેલની પ્રેસ કૉન્ફરન્સમાં અગાઉ હોબાળો કર્યો હતો.

વરુણ પટેલ

ઇમેજ સ્રોત, Varun Patel /Facebook
પાસનું નિર્માણ થયું તે પહેલાં હાર્દિક પટેલ સરદાર પટેલ ગ્રૂપમાં સક્રિય હતા અને વિરમગામના કન્વિનર હતા.
તેમની જેમ જ ઉત્તર ગુજરાતથી વરુણ પટેલ સરદાર પટેલ ગ્રૂપમાં સક્રિય હતા.
બન્નેએ એેક સાથે 2014ની વિસનગરની મોટી રેલીથી લોકોની વચ્ચે આવવાનું શરૂ કર્યું હતું.
હાર્દિક જ્યારે જેલમાં ગયા બાદ વરુણનું નામ એેક પાટીદાર નેતા તરીકે વધુ જાણીતું થયું હતું.
ભાજપ સહકારની નીતિઓની તેમણે ઘણી વખત ટીકા કરી છે.
જોકે, 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલાં જ તેમણે પાસથી છેડો ફાડી લીધો હતો અને ભાજપમાં જોડાઈ ગયા હતા.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા વરૂણે કહ્યું, "તેઓ હાલમાં ભાજપના પ્રવક્તા તરીકે ફરજ બજાવી રહ્યા છે અને ભાજપની સાથે જ રહેવાનો નિર્ધાર કરી ચૂક્યા છે."
"હું આજે પણ જ્યાં જરૂર પડે ત્યાં પાટીદાર સમાજ માટે હાજર હોઉં છું."


ચિરાગ પટેલ

ઇમેજ સ્રોત, Reuters
પાટીદાર સમાજને અનામત આંદોલનમાં સક્રિય કરવા માટે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ પર થયેલી રેલીનું ખૂબ જ મોટું યોગદાન છે.
પહેલી વખત મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો આ રેલીમાં જોડાયા હતા.
આ રેલીના મુખ્ય આયોજકોમાં એેક હતા ચિરાગ પટેલ.
અનામત આંદોલનની શરૂઆતમાં તેઓ હંમેશાં હાર્દિક પટેલની સાથે જોવા મળતા હતા.
આંદોલનમાં ભાગ લેવા માટે તેમણે પણ જેલમાં જવું પડ્યું હતું.
જોકે, 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં જ તેઓ પણ ભાજપમાં જોડાઈ ગયા હતા.
ચિરાગ પટેલ હાલમાં ભાજપમાં સંગઠને લગતું કામ કરે છે.
બીબીસી ગુજરાતી સાથેની તેમની વાતચીત દરમિયાન ચિરાગ પટેલે કહ્યું :
"હું યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો છું, સમય આવે હું ફરીથી પાટીદાર સમાજના આંદોલનમાં મારી રીતે જ સક્રિય રીતે ભાગ લઇશ."

અલ્પેશ કથીરિયા

ઇમેજ સ્રોત, TWITTER/HARDIK PATEL
ગુજરાત સરકારે અનેક પાટીદાર નેતાઓ પર 2015માં થયેલાં તોફાનો માટે રાજદ્રોહના કેસ કરી તેમને જેલમાં નાખી દીધા હતા.
2015ના આવા જ એક કેસમાં અલ્પેશ કથીરિયાની 2018માં ધરપકડ કરવામાં આવી હતી.
વ્યવસાયે વકીલ એેવા અલ્પેશ કથીરિયા સુરતમાં પાટીદાર આંદોલનને વેગ આપવા માટે સક્રિય રહ્યા હતા.
હાલમાં જ તેઓ જ્યારે જેલમુક્ત થયા ત્યારે હાર્દિક પટેલે જાહેરાત કરી હતી કે હવે પછી પાસનું સુકાન અલ્પેશના હાથમાં જવાનું છે.
બીબીસી ગુજરાતી સાથેની તેમની વાત દરમિયાન અલ્પેશે કહ્યું :
"ડિસેમ્બર 25મી પછી પાસમાં નવા સંગઠનની રચનાની શક્યતા છે. સંગઠનમાં હજી વધારે યુવાનો જોડાય તેના માટે અમે પ્રયાસો ચાલુ રાખીશું."
પાસ સાથે સંકળાયેલા ખૂબ ઓછા લોકો માટે હાર્દિક પટેલે વાત કરી છે. પોતાના ઉપવાસ દરમિયાન અલ્પેશને જેલમુક્ત કરાવવાની પણ હાર્દિકની એક માંગણી હતી.


અતુલ પટેલ

ઇમેજ સ્રોત, RAJ PATEL
હાલમાં કૉંગ્રેસના પ્રવક્તા તરીકે સક્રિય અતુલ પટેલ પણ એેક સમયે હાર્દિક પટેલની કૉર ટીમના સભ્ય હતા.
મોટાં આંદોલનો હોય કે પછી પ્રેસ કૉન્ફરન્સ અતુલ પટેલ હંમેશાં હાર્દિકની સાથે દેખાતા હતા.
જોકે, 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ તેઓ સક્રીય રીતે કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા.
બીબીસી સાથે વાત કરતા અતુલ પટેલે કહ્યું હતું કે તેઓ કૉંગ્રેસ પાર્ટી માટે દેશભરના પાટીદાર સમાજના લોકોને મળે છે.
અતુલે કહ્યું, "હાલમાં જ હું રાજસ્થાન, મધ્ય પ્રદેશ, અને જસદણની ચૂંટણીમાં સક્રિય રીતે કાર્ય કર્યું છે."

નરેન્દ્ર પટેલ

ઇમેજ સ્રોત, NIKETAN PATEL
ભાજપની વિરુદ્ધ જઈ તેમની સામે પ્રેસ કૉન્ફરન્સ કરનાર પાસના નેતાઓમાં નરેન્દ્ર પટેલનું નામ આવે.
તેમણે આરોપ મૂક્યો છે કે ભાજપ નેતાઓ એે તેમને પૈસા આપી તેમના પક્ષમા જોડાવવાની ઑફર આપી હતી, જેથી પાસની પાટીદાર સમાજ માટેની લડત તૂટી જાય.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા નરેન્દ્ર પટેલે કહ્યું કે હવે તેઓ કૉંગ્રેસનાં પદાધિકારી તરીકે સક્રિય છે અને તેની સાથે સાથે તેઓ ઉત્તર ગુજરાતના પાસના કન્વીનર પણ છે.
નરેન્દ્ર પટેલે કહ્યું, "ગ્રામ્ય વિસ્તારના અનેક પાટીદાર સમાજના લોકો હવે ભાજપથી દૂર જઈ રહ્યા છે અને તેમનું કામ છે કે આવા લોકોને કૉંગ્રેસ તરફ લઈ આવવા."


લલિત વસોયા અને કિરીટ પટેલ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
લલિત વસોયા અને કિરીટ પટેલ બન્ને હાલમાં કૉંગ્રેસ પક્ષથી ચૂંટણીમાં જીત મેળવીને ધારાસભ્ય બની ગયા છે.
વસોયા ધોરાજીથી જીત્યા છે, જ્યારે પટેલે પાટણથી જીત મેળવી છે.
કૉંગ્રેસના આ બન્ને નેતાઓ હાર્દિક પટેલ સાથે પાસમાં સક્રિય હતા અને હાલમાં પણ હાર્દિકની નજીકના લોકોમાંના એક છે.
હાર્દિકના ઉપવાસ દરમિયાન આ બન્ને કૉંગ્રેસી નેતાઓએે હાર્દિકને મદદ જ નહોતી કરી, પરંતુ તેની સાથે તેના બંગલા પર જ રહેવા આવી ગયા હતા.

દિનેશ બાંભણિયા
પાસના સિનિયર નેતા, જે વિધાનસભાની ચૂંટણી સુધી ખૂબ જ સક્રિય રીતે આંદોલન સાથે જોડાયા હતા, તે દિનેશ બાંભણિયા 'પાસ'થી દૂર ગયા પણ કોઈ પક્ષમાં જોડાયા નથી.
જોકે, જ્યારે જરૂર પડે ત્યારે તેઓ પાટીદાર આંદોલનમાં આવી જાય છે, પરંતુ સક્રિય રીતે આંદોલનનું કોઈ મોટું કામ કરતા નથી.

વિજય માંગુકીયા

ઇમેજ સ્રોત, RAJU PATEL
સુરતના રહેવાસી એવા વિજય માંગુકીયા સમાચારોમાં આવી ગયા હતા, જ્યારે તેમણે સુરતમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની એક સભામાં ખુરશીઓ ઉછાળીને સભાને ભંગ કરી દીધી હતી.
ત્યારબાદ તેઓ પાસના મુખ્ય નેતાઓમાંના એક નેતા બની ગયા હતા.
જોકે પોતે ટેક્સટાઇલ ક્ષેત્રે પાવરલૂમનું કામ કરતા હોય તેઓ પોતના 'અંગત કારણોસર' પાસના આંદોલનથી દૂર થઈ ગયા હતા.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં માંગુકીયાએ કહ્યું, "આંદોલન ચલાવનારા ઘણા હતા, પરંતુ મારો ધંધો ચાલવાનારો હું એકલો જ હતો."
"10 વર્ષથી ચાલતા મારા ધંધામાં ભારે ખોટ આવી પછી મેં આંદોલનનો રસ્તો છોડીને ધંધા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














