બુલંદશહરમાં પોલીસ અધિકારી સુબોધ કુમાર સિંહની હત્યા કેવી રીતે થઈ?

    • લેેખક, નિતિન શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા, બુલંદશહરથી

પોલીસ ઇન્સપેક્ટર સુબોધ કુમાર સિંહ માટે સોમવારની સવાર અન્ય કદાચ અન્ય દિવસો જેવા નહોતી.

ઉત્તર પ્રદેશ પોલીસમાં પોતાના 20 વર્ષના કાર્યકાળ દરમિયાન સુબોધ કુમાર સિંહે સવારના પોતાની દિનચર્યાને ક્યારેય ના બદલી.

સવારે ઊઠીને સૌથી પહેલા છાપામાં નજર નાખવી અને પરિવારને ફોન કરવાનું તેઓ ક્યારેય ભૂલતા નહોતા.

સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીરતા દાખવનારા આ અધિકારી સવારે નાસ્તામાં ઓછા તેલ વાળો પરાઠો ખાવાનું પણ નહોતા ભૂલતા.

સોમવારે સવારે તેમણે પોતાના સ્ટાફને એવું કહીને નાસ્તો ના કર્યો કે તેઓ બપોરે દાળ અને રોટલી ખાઈ લેશે.

જોકે, તેમને લંચ કરવાનો સમય ના મળ્યો કારણ કે બપોરના સમયે તેઓ રોષે ભરાયેલી ભીડને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા હતા.

બેકાબૂ ભીડ સુબોધ અને તેમના સાથીઓ પર પથ્થરબાજી અને ગોળીઓ પણ ચલાવી રહી હતી.

એક પોલીસ સ્ટેશન નજીક જ આ બનાવ બન્યો હતો. આખરે મહત્ત્વનો સવાલ એ છે કે ઇન્સપેક્ટર સુબોધ સિંહનું મોત થયું કેવી રીતે?

'કંકાલ' મળવાથી ફેલાયો આક્રોશ

આ બધાની શરૂઆત સોમવારે સવારે 9 વાગે થઈ હતી. બુલંદશહર જિલ્લાના મહાવ ગામના લોકોનું કહેવું છે કે તેમણે પોતાના ખેતરોમાં ઓછામાં ઓછાં ડઝનેક ગાયોનાં હાડપિંજર જોયા હતાં.

એક સ્થાનિક ધર્મવીરના જણાવ્યા અનુસાર આ ઘટના બાદ લગભગ 200 હિંદુઓ ખેતરમાં એકઠા થયા અને ચર્ચા કરવા લાગ્યા કે આગળ શું કરવું છે?

ધર્મવીરનું કહેવું છે કે ઘટનાના આગલા દિવસે સમગ્ર ગામ ઊજળ લાગતુ હતુ.

મુસલમાન સમુદાય પણ ગામ છોડીને જતો રહ્યો છે કારણ કે તેમને ડર છે કે કથિત રીતે ગાયોનાં હાડપિંજર મળ્યા બાદ તેમના પર બદલો લેવાની કાર્યવાહી થઈ શકે છે.

બીજી તરફ ગામના હિંદુઓ પોલીસની બીકથી ગામ છોડીને ભાગી ગયા છે.

કથિત રીતે ગાયોના હાડપિંજર મળ્યા બાદ ગામના અમુક લોકો ગુસ્સામાં હતા અને નિર્ણય કર્યો હતો કે તેઓ આને લઈને પોલીસ સ્ટેશન જશે અને પોલીસને કાર્યવાહી કરવા માટે માગ કરશે.

આ સમયે સાડા દસ વાગી ચૂક્યા હતા અને નજીકના ગામલોકો પણ ત્યાં જમા થઈ ગયા હતા.

300થી પણ વધુ લોકોએ એકઠા થઈને હાઈવે સ્થિત ચિંગરાવાટી પોલીસચોકીને ઘેરી લીધી હતી.

તે સમયે ચોકીમાં માત્ર છ લોકો હતા અને તેઓ ડરને કારણે પોલીસ મુખ્યાલયને વારંવાર ફોન કરી રહ્યા હતા.

પોલીસ મુખ્યાલયથી તાત્કાલિક ફોર્સ મોકલવાનો આદેશ આપવામાં આવ્યો.

પોલીસ ઇન્સપેક્ટર સુબોધ ઘટનાસ્થળથી ત્રણ કિલોમીટર દૂર હતા.

જ્યારે તેમને ઘટનાની જાણ થઈ તેમણે ડ્રાઇવર રામ આસરે સાથે જેટલું જલદી બને તેટલું જલદી ઘટનાસ્થળે પહોંચવાનો પ્રયાસ કર્યો.

11 વાગ્યે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ગુસ્સે ભરાયેલી ભીડ વચ્ચે ચાલ્યા ગયા.

તમે આ વાંચ્યું કે નહીં?

શા માટે બગડ્યો મામલો?

પ્રત્યક્ષદર્શીઓએ બીબીસીને જણાવ્યું, "તેમણે અન્ય સહકર્મીઓની જેમ બુલેટપ્રુફ જાકીટ નહોતું પહેર્યું અને હાથમાં પિસ્તોલ પણ નહોતી."

"જેવી રીતે ભીડ વધી અને હિંસા ફાટી નીકળી ત્યાં અન્ય અધિકારીઓ પણ પહોંચી ગયા."

આ સમયે પોલીસે બળ પ્રયોગ કરવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય લેવામાં થોડી રાહ જોવાઈ હોત, તો સુબોધ કુમાર અને અન્ય શખ્સનો જીવ બચી ગયો હોત.

પોલીસ સ્ટેશન નજીક આવેલી ગર્લ્સ સ્કૂલમાં નોકરી કરનારી એક વ્યક્તિએ જણાવ્યું, "પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અડધા કલાકથી વધુ સંઘર્ષ ચાલ્યો. સાથે જ ગોળી ચાલવાનો પણ અવાજ આવી રહ્યો હતો."

આ વ્યક્તિએ કહ્યું કે તેમની પાસે ફોન ન હતો. પોતાનો જીવ બચાવવા તેઓ કલાકો સુધી બાથરૂમમાં છુપાઈ ગઈ.

પોલીસનું કહેવું છે કે ગુસ્સે ભરાયેલી ભીડમાંથી કોઈ પાસે દેસી પિસ્તોલ હતી અને કોઈ પોલીસ પર ફાયરિંગ કરી રહ્યું હતું. .

બીજી તરફ પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે પરિસ્થિતિ ત્યારે વણસી જ્યારે પોલીસે ભીડને વિખેરવા માટે હવામાં ફાયરિંગ કર્યું. ત્યારબાદ બન્ને પક્ષ માટે 'કરો યા, મરોની સ્થિતિ ઊભી થઈ.'

પોલીસનો જીવ બચાવવાનો પ્રયાસ

બપોર થઈ ચુક્યા હતા અને સુબોધ સિંહ સહિત અન્ય અધિકારીઓ જીવ બચાવવા સુરક્ષિત જગ્યાની શોધ કરી રહ્યા હતા.

આ સમયે હિંસક ભીડ વિરુદ્ધ પોલીસકર્મીઓની સંખ્યા ઓછી થઈ ગઈ હતી.

અમુક વરિષ્ઠ અધિકારીઓ પોલીસ સ્ટેશનના નાના રૂમમાં છુપાઈ ગયા હતા.

બીજી તરફ સુબોધ સિંહ ટોળા દ્વારા ફેકાંયેલી ઈંટ લાગવાથી ઈજાગ્રસ્ત થયા હતા.

પોલીસ અધિકારીઓના ડ્રાઇવર રામ આસરે જણાવે છે, "અમે બચવા માટે સરકારી ગાડી તરફ દોડ્યા. સાહેબને ઈંટ લાગી હતી અને તેઓ દીવાલ પાસે બેહોશ પડ્યા હતા."

"મેં તેમને ગાડીની પાછળની સીટ પર બેસાડ્યા અને જીપને ખેતર તરફ વાળી."

તેમનો દાવો છે કે ભીડે તેમનો પીછો કર્યો હતો અને પોલીસ સ્ટેશનથી લગભગ 50 મીટર દૂર ખેતરમાં તેમની પર હુમલો કર્યો હતો.

સોમવારે સાંજે રામ આસરેએ પોલીસને જણાવ્યું, "ગાડીનું આગળનું પૈડું ખેતરમાં ફસાઈ ગયું હતું. અમારી પાસે જીપ મૂકીને ભાગવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો."

એક વાઇરલ વીડિયોમાં દેખાય છે કે એક પોલીસ અધિકારી સરકારી ગાડીમાં બહાર લટકેલા છે અને તેમના શરીરમાં કોઈ હરકત દેખાતી નહોતી.

વીડિયોમાં નારાજ લોકો એવું તપાસ કરતા દેખાય છે કે તેઓ 'જીવે છે કે મરી ગયા છે.' પાછળ ગોળીઓ ચાલવાનો અવાજ પણ સંભળાય છે.

કેવી રીતે થયું મોત?

પોસ્ટમૉર્ટમ રિપોર્ટ જણાવે છે કે સુબોધ કુમાર સિંહની ડાબી આંખની ઉપર ગોળીનું નિશાન છે. પરંતુ કઈ સાઇઝની ગોળી તેમને લાગી છે તેનો ઉલ્લેખ નથી.

અમુક અપુષ્ટ રિપોર્ટ મુજબ એવું સંભવ છે કે તેમની પિસ્તોલથી તેમને ગોળી મારવામાં આવી હોય.

પોલીસનું કહેવું છે કે જ્યારે સુબોધને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા તો ડૉક્ટર્સે જણાવ્યું કે તેઓ અહીં આવ્યા તે પહેલા જ દેહ છોડી ચૂક્યા છે.

ભીડ સાથે પ્રદર્શન કરી રહેલા સુમિત નામના એક યુવકને પણ ગોળી લાગી હતી જેમનું મેરઠની હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ ઘટનામાં જીવ ગુમાવનાર તેઓ બીજી વ્યક્તિ છે.

સુબોધ કુમાર ભારતમાં બીફ ખાવાની અફવાહના આધારે થયેલા મૉબ લિંચિંગની ઘટનાની તપાસ કરતા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો